પ્રાસંગિક : ૧૫મી ઑગસ્ટ, સ્વાધીનતા દિન પ્રસંગે : જનગણમન-અધિનાયક જય હે

(રાગ-કૌરસ – તાલ ધુમાળી)

જનગણમન-અધિનાયક જય હે ભારત-ભાગ્યવિધા તા!
પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ,
વિન્ધ્ય, હિમાચલ, યમુના, ગંગા, ઉચ્છલ જલધિતરંગ,
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જયગાથા.

જનગણ-મંગલદાયક જય હે ભારત-ભાગ્યવિધાતા!
જય હે! જય હે! જય હે! જય જય જય જય હે!
અહરહ તવ આહ્‌વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર વાણી,
હિન્દુ-બૌદ્ધ-શીખ-જૈન-પારસિક-મુસલમાન-ખ્રિસ્તાની,
પૂરવ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાસે,
પ્રેમહાર હોય ગાથા.

જનગણ-ઐક્યવિધાયક જય હે ભારત-ભાગ્યવિધાતા!
જય હે! જય હે! જય હે! જય જય જય જય હે!
પતન-અભ્યુદય-બંધુર પંથા યુગ યુગ-ધાવિત યાત્રી;
હે ચિરસારથિ! તવ રથચક્રે મુખરિત પથ દિનરાત્રી!
દારુણ વિપ્લવ માઝે, તવ શંખધ્વનિ બાજે, સંકટ દુઃખત્રાતા.

જનગણ-પથપરિચાયક જય હે ભારત-ભાગ્યવિધાતા,
જય હે! જય હે! જય હે! જય જય જય જય હે!
ઘોર તિમિરધન નિબિડ નિશીથે પીડિત મૂર્છિત દેશે,
જાગ્રત છિલ તવ અવિચલ મંગલ નતનયને અનિમેષે,
દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા.

જનગણ-દુઃખત્રાયક જય હે ભારત-ભાગ્યવિધાતા!
જય હે! જય હે! જય હે! જય જય જય જય હે!
રાત્રિ પ્રભાતિલ ઉદિલ રવિચ્છબિ પૂર્વઉદયગિરિ-ભાલે,
ગાહે વિહંગમ, પુણ્ય સમીરણ નવજીવન રસ ઢાલે,
તવ કરુણારુણ રાગે, નિદ્રિત ભારત જાગે,
તવ ચરણે નત માથા.

જય જય જય હે જય રાજેશ્વર! ભારત-ભાગ્યવિધાતા!
જય હે! જય હે! જય હે! જય જય જય જય હે!

રચયિતા – રવીન્દ્રનાથ ઠાકુર

ભારતની જનતાની ભારતભક્તિ પ્રાચીન છે (‘દુર્લભં ભારતે જન્મ’ એ વચન દરેક ભારતીયના હૃદયમાં જાણે અંકિત છે.) એ ભક્તિ સાંસ્કૃતિક હોય છે, જેને ધાર્મિક પણ કહી શકાય. આ ભૂમિમાં પવિત્ર તીર્થસ્થાનો છે, નદીઓ પવિત્ર, પહાડો પવિત્ર, સરોવરો અને અરણ્યો પવિત્ર. જૂના કવિઓએ ગાયું – ‘દુર્લભં ભારતે જન્મ’. નવા કવિઓ ગાશે – ‘સારે જહાંસે અચ્છા હિન્દોસ્તાં હમારા.’

આવા ભારતની પવિત્રતામાં ઘણો ઉમેરો કર્યો સંતોએ અને વીરપુરુષોએ. આવી પવિત્ર ભૂમિમાં અમને જન્મ મળ્યો છે એ અમારા જીવનની ધન્યતા, એ ભાવ જૂનાં ગીતોમાં જરૂર મળશે.

પણ આજે જેને દેશભક્તિ Patriotism કહે છે એવી રજોગુણી દેશભક્તિ – અંગ્રેજોના સહવાસને કારણે આપણે સમજી શક્યા. એમના રાષ્ટ્રગીતમાં દેશના પ્રતિનિધિ સ્વરૂપ રાજાની પણ ભક્તિ હોય છે. એના દીર્ઘાયુ માટે અને વિજય માટે ભગવાનની પ્રાર્થના હોય છે. એમનું એવું રાષ્ટ્રગીત અમે અમારા નાનપણમાં શીખ્યા હતા.

અમારા નાનપણમાં ભારત ઉપર ઇંગ્લેંડનું રાજ હતું, અને ઇંગ્લેંડની ગાદી પર એક સ્ત્રી વિરાજમાન હતી, કિ્વન વિક્ટોરિયા. એટલે એ લોકોને God save the Queen કહેવું પડતું. એ રાષ્ટ્રગીતને એ લોકો national anthem કહે છે. નાનપણમાં અમે એ ગીત એક મજા તરીકે મોઢે કર્યું હતું.

પછી જ્યારે સ્વદેશભક્તિ અને સ્વરાજ્યની ઝંખના દેશમાં જાગ્રત થઈ ત્યારે આપણું પોતાનું એક ભારતીય રાષ્ટ્રગીત હોવું જોઈએ એવી ઇચ્છા જાગી.

આ રીતે ‘વંદે માતરમ્’ એ ગીત ભારતના રાષ્ટ્રગીત તરીકે આખા દેશમાં સ્વીકારાયું. હવે એનો વિરોધ કોણ કરે? અને શા માટે કરે?

ત્યાર પછી બંકિમ પછી જે જમાનો આવ્યો તેમાં બંગાળે આપણને એક ભારે વિશ્વકવિ આપ્યો, રવીન્દ્રનાથ ઠાકુર. એણે ભારતીય-સંસ્કૃતિનો ઉત્તમોત્તમ આદર્શ જેમાં વ્યક્ત થઈ શકે એવું એક ઈશગીત તૈયાર કરી આપ્યું. એ બધી રીતે રાષ્ટ્રગીત થવા લાયક બન્યું. રવીન્દ્રનાથે પોતે ‘વંદેમાતરમ્’ ગીતનો વિરોધ ન કર્યો. ફક્ત પોતાનું ‘જનગણમન -અધિનાયક’ એ ગીત પોતાની સંસ્થામાં ચલાવ્યું.

એ ગીતનો રાગ પણ ‘મોટો’ સમાજ મોટે અવાજે સાથે ગાઈ શકે એવો ગંભીર, પરાક્રમી અને ઉત્સાહપ્રેરક હતો. એ ગીત રાષ્ટ્રગીત તરીકે બધી રીતે અનુકૂળ હોવાથી ધીરે ધીરે બધે ચાલવા માંડ્યું.

જૂનાનો વિરોધ નહીં કરવો, પણ વધારે સારી વસ્તુનો ઉત્સાહપૂર્વક બધે પ્રચાર કરવો એ સાત્ત્વિક નીતિ આખા દેશે સ્વીકારી. હવે ઘણે ઠેકાણે સભા થાય છે ત્યારે પ્રારંભમાં અથવા અંતમાં રાષ્ટ્રગીત તરીકે ‘જનગણમન’ ગવાય છે.

ભગવાનના નામો અસંખ્ય છે પણ આપણે માટે ‘સમસ્ત પ્રજાના મન ઉપર જેનો અધિકાર છે’ અને ‘ભારતનું ભાગ્ય જે ઘડતો આવ્યો છે’ એ અર્થનાં નામોનો જ જયજયકાર આપણે પસંદ કરી બોલવાના.. તેથી કવિએ પ્રારંભ કર્યો છે ‘જનગણમન અધિનાયક’થી અને ‘ભારતભાગ્ય-વિધાતા તારી જય હો’થી.

ભારત એટલે જુદી જુદી ભાષા બોલનારા, જુદા જુદા વંશના લોકો. એ બધાનાં નામો ગણવાં એ પણ પુણ્યકર્મ છે. એટલે કવિએ પંજાબથી માંડીને બંગ સુધી અને અનેક નામો એકત્ર આણ્યાં છે. એ જ રીતે વિંધ્ય અને હિમાચલ એ બે નામો તમામ પહાડનાં પ્રતિનિધિ છે. યમુના, ગંગા, નાની મોટી તમામ નદીઓની પ્રતિનિધિ છે. અને ‘ઉચ્છલ જલધિતરંગ’ વાળો સાગર તો ભારતની ત્રણ બાજુએ ફેલાયેલો છે જ. આ બધા પ્રદેશો, બધા પહાડો, નદીઓ અને સમુદ્રો અને એમને આધારે જીવનારા માણસો તારી જયગાથા ગાય છે. બધી મંગળ વસ્તુઓ અમારા આ જનગણને તું જ આપે છે. અમારા હૃદયમાં; તેમ જ તમામ દેશોમાં, અને આખી દુનિયામાં, હે ભગવાન! તારી જય હો!

એક વાર ભગવાનને ‘જનગણમન-અધિનાયક’ કહ્યું એ જ ‘મંગલદાયક’ પણ છે. એ જ ‘એકયવિધાયક’ છે. રસ્તો બતાવનાર ‘પથપરિચાયક’ પણ છે. અને ‘દુઃખત્રાયક’ તો છે જ.

હે ભગવાન! હિંદુ, બૌદ્ધ આદિ બધા ધર્મના લોકો તારા આકર્ષણથી એકત્ર આવ્યા. એમની મારફતે તારો ઉદાર સંદેશ સાંભળીએ છીએ. પૂર્વ અને પશ્ચિમ, યુરોપ-અમેરિકા અને એશિયા પ્રેમનો હાર તૈયાર કરી તારા સિંહાસન પાસે આવ્યા છીએ. એવા ઐક્યવિધાયક ભગવાન, તારી જય હો.

અમારો ચિત્રવિચિત્ર ઇતિહાસ કેવો વિવિધ છે! કોક વાર પતન થાય, કોક વાર અભ્યુદય થાય. આવા ખરબચડે (બંધુર) રસ્તે અમે યાત્રા કરતા આવ્યા છીએ. અમારા હે ચિરસારથિ! તારા જ રથચક્રનો અવાજ દિવસરાત સંભળાય છે. ગમે તેટલું સંકટ હોય, તારા વિજયનો શંખનાદ સંભળાય છે. બધાં સંકટમાંથી અને દુઃખમાંથી તેં જ અમને બચાવ્યા છે. વિજયનો રસ્તો કેટલો અટપટો હોય છે એનો તેં અમને હમેશાં પરિચય કરાવ્યો છે.

ઘોર અંઘકારથી ભરેલી રાત્રિને સમયે જ્યારે આખો દેશ હેરાન હતો, મૂર્છામાં પડ્યો હતો ત્યારે પણ તારી મંગલ આંખો અનિમેષ, અવિચલ જાગતી હતી. તમામ સંકટોમાંથી અમને ખોળામાં લઈને તેં અમારી રક્ષા કરી છે. ખરેખર તું સ્નેહમયી માતા છે. બધી રીતે તારો વિજય થાઓ.

હવે રાત મટી, પ્રભાત થયું છે. પૂર્વના ઉદય પર્વતને શિખરે રવિબિંબનો ઉદય થયો છે. પક્ષીઓ ગાવા લાગ્યાં છે. પુણ્યદાયી પવન નવજીવન રસ ફેલાવે છે. તારી કરુણા, એ જ અમારી સવાર એ સવારની અરુણપ્રભા જોઈને ભારત હવે જાગ્યું છે અને એણે નમ્ર થઈ પોતાનું માથું તારી ચરણે મૂક્યું છે. હે રાજેશ્વર! અમારા પુરુષાર્થ દ્વારા તારી જય હો! જય હો!

Total Views: 204

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.