શ્રીરામકૃષ્ણદેવ – સ્વામી વિવેકાનંદ ભાવધારાના પ્રચાર પ્રસાર…સર્વધર્મ સમભાવ, સર્વસંવાદી વાતાવરણ અને માનવની ભીતર રહેલી દિવ્યતાને બહાર લાવીને તેમની આધ્યાત્મિક ઉન્નતિ કરવાના પ્રયાસો આ બધાં કેન્દ્રોમાં થતા રહે છે. સામાન્ય રીતે દૈનિક પૂજા – ભજન – સત્સંગ – સાપ્તાહિક કે સપ્તાહમાં ક્યાંક ક્યાંક બે – એક વાર આધ્યાત્મિક શિબિર, આધ્યાત્મિક પ્રવચનો, માર્ગદર્શન, ચર્ચાના વર્ગોનું સંચાલન આ બધાં કેન્દ્રોમાં થાય છે. શ્રીરામકૃષ્ણદેવ – શ્રી શ્રીમા – સ્વામી વિવેકાનંદ તેમજ વિશ્વના પયગમ્બરો – ઈસુ ખ્રિસ્ત – ભગવાન બુદ્ધ – મહમ્મદ પયગમ્બર – શ્રીકૃષ્ણ – વગેરેના જન્મ જયંતી મહોત્સવો પણ યોજાતા રહે છે. તદુપરાન્ત કેટલાંક કેન્દ્રોમાં દુર્ગાપૂજા, કાલીપૂજા – ક્રિસમસ ઈવની ભવ્ય પણ ભાવભક્તિયુક્ત ઉજવણી થાય છે. સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ ‘આત્મનો મોક્ષાર્થમ્, જગત્‌- હિતાય ચ’નો જીવનસંદેશ સાકાર કરવાનો વિનમ્ર પ્રયાસ આ બધાં કેન્દ્રો કરતાં રહે છે.

આર્જેન્ટિના – હોગાર સ્પિરિચ્યુઅલ દ રામકૃષ્ણ બ્યુએનૉસ ઍરિસ

૧૯૩૩માં સ્થપાયેલ આ સંસ્થાએ સ્પૅનિશ ભાષામાં ૨૩ પ્રકાશનો પોતાના પ્રકાશન વિભાગ દ્વારા કર્યાં છે. એક પુસ્તકાલય પણ છે. એક મહિલા ભક્ત એક બુલેટિન પણ પ્રકાશિત કરે છે. અહીંના મુખ્ય સ્વામી પરેશાનંદજી આર્જેન્ટિનાના બીજા વિસ્તારો અને બ્રાઝિલમાં જઈને રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારાના પ્રસાર-પ્રચારનું કાર્ય કરે છે.

કૅનૅડા – વૅદાન્ત સોસાયટી ઑફ ટૉરેન્ટૉ

જૂન ’૯૫માં પોતાનાં નવાં મકાનોમાં સ્થાનાંતરિત થયેલ આ કેન્દ્રનો પ્રારંભ ૧૯૬૮માં થયો હતો અને ૧૯૮૯માં મઠ-મિશન સાથેનું સંલગ્ન કેન્દ્ર બની ગયું. અહીંના મુખ્ય સ્વામી પ્રમથાનંદજી મહારાજ વિવિધ સંસ્થાઓ, ટૉરેન્ટૉ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે પરિચર્ચા – પ્રશ્નોત્તરી – આધ્યાત્મિક માર્ગદર્શનના કાર્યક્રમોમાં સક્રિય રસ અને ભાગ લેતા રહે છે.

ફિજી – રામકૃષ્ણ મિશન, નાદી

૧૯૫૨માં શ્રીરામકૃષ્ણ-મઠ-મિશનનું સંલગ્ન કેન્દ્ર બનેલ આ કેન્દ્રની સ્થાપના ૧૯૩૭માં થઈ હતી.

આ સંસ્થાને ૧૧૫૦ વિદ્યાર્થીઓની એક માધ્યમિક શાળા – ૧૦૫ વિદ્યાર્થીઓ સાથેની એક પ્રાથમિક શાળા પણ છે. ગ્રામ વિકાસ તાલીમ માટે પણ એક શાળા છે. ગરીબોના કલ્યાણ માટે સમાજ કલ્યાણ કાર્યના પ્રકલ્પ પણ હાથ ધર્યા છે. અહીંના મુખ્ય સ્વામી દામોદરાનંદજી ફીજીના વિવિધ શહેરો ઉપરાંત નિમંત્રણ મળતાં ઑસ્ટ્રેલિયા, ન્યુઝિલૅન્ડમાં પણ વ્યાખ્યાન-આધ્યાત્મિક માર્ગદર્શન પ્રવૃત્તિ માટે જાય છે.

ફ્રાન્સ – રામકૃષ્ણ વેદાન્ત કેન્દ્ર, ગ્રૅટ્ઝ (પૅરિસ)

પૅરિસથી ૩૦ કિ.મી. દૂર ગ્રૅટ્ઝમાં આ સંસ્થાના આગમન પહેલાં પૅરિસમાં ૧૯૩૭માં આ કેન્દ્રની શરૂઆત થઈ હતી. આ આશ્રમના વડા શ્રીમત્ સ્વામી વીતમોહાનંદજી છે. ફ્રાન્સ અને બીજા યુરોપના દેશોમાં સ્વામીજી જિજ્ઞાસુ અભ્યાસવૃંદને મળતા રહે છે. તેમની સાથે આધ્યાત્મિક ઉન્નતિ-સર્વધર્મ સમભાવની વાત-ચર્ચા પણ થતી રહે છે. છેલ્લાં ત્રીસ વર્ષથી આ કેન્દ્ર ‘વેદાન્ત’ નામનું ફૅન્ચ ભાષામાં પાક્ષિક સામયિક બહાર પાડે છે.

જાપાન – નિપ્પોન વેદાન્ત કયૉકાઈ, કાનાગાવા (કેન)

૧૯૫૯થી શરૂ થયેલા અને ૧૯૮૪થી રામકૃષ્ણ-મઠ મિશનનું કેન્દ્ર બનેલા આ કેન્દ્રના મુખ્ય સ્વામી મેઘસાનંદજી આ કેન્દ્રમાં અને ટોકિયોમાં પણ કાર્યરત રહે છે. આ કેન્દ્રે રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનાં કેટલાંક પ્રકાશનો કર્યાં છે અને જાપાની ભાષામાં ત્રિમાસિક પત્રિકા પણ પ્રકાશિત કરે છે.

મૉરિશિયસ – રામકૃષ્ણ મિશન, વાકૉઆસ્

૧૯૪૧માં શરૂ થયેલા આ કેન્દ્રનો હવાલો સ્વામી કૃષ્ણરૂપાનંદજી સંભાળે છે. આ સંસ્થાને ૪૦૩૫ ગ્રંથો સાથેનું ગ્રંથાલય પણ છે. આ કેન્દ્રના સૅન્ટ જુલિયન ડી’ હૉટમૅન, (St. Julien D’ Hot man) રૉયલ રોડ પર આવેલ પેટા કેન્દ્રમાં અંગ્રેજી-હિન્દી માધ્યમની પૂર્વપ્રાથમિક અને પ્રાથમિક શાળા પણ ચાલે છે.

નૅધરલૅન્ડ્‌ઝ – રામકૃષ્ણ વેદાન્ત સોસાયટી ઑફ નૅધરલૅન્ડ્‌ઝ આમત્સેલ્વીન

૧૯૮૬માં શરૂ થયેલ આ શાખા મઠ-મિશન સાથે ૧૯૯૦માં સંલગ્ન બની. આ કેન્દ્રનું સંચાલન સ્વામી ચિદ્ભાષાનંદજી કરે છે. એમણે પાછલા વર્ષે ઈટાલીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદમાં પણ ભાગ લીધો હતો. ધર્મ પુસ્તકોના વેચાણ-વિભાગ ચલાવવા ઉપરાંત ડચ ભાષામાં ‘વેદાન્ત’ નામની ત્રિમાસિક પત્રિકા પણ બહાર પાડે છે.

રશિયા – રામકૃષ્ણ સોસાયટી વેદાન્ત કેન્દ્ર, મૉસ્કો

૧૯૯૩માં શરૂ થયેલા આ કેન્દ્રના અધ્યક્ષ છે સ્વામી જ્યોતિરૂપાનંદજી. રશિયાનાં વિવિધ શહેરોમાં વ્યાખ્યાન માટે તથા આધ્યાત્મિક માર્ગદર્શન માટે જાય છે. રશિયન વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વર્ગોનું પણ સંચાલન કરે છે.

સિંગાપુર – રામકૃષ્ણ મિશન, સિંગાપુર

૧૯૨૮માં શરૂ થયેલા આ કેન્દ્રનું સંચાલન હવે સ્વામી જગદાત્માનંદજીએ સંભાળ્યું છે. આ કેન્દ્ર ૪૪ ગરીબ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીગૃહ, ૧૮૧ વિદ્યાર્થીઓ માટે કિંડરગાર્ટન સ્કૂલ ચલાવે છે. આ સંસ્થામાં ૬૦૦૦ પુસ્તકો અને ૧૫ જેટલાં નિયમિત આવતાં સામયિકો સાથેનું પુસ્તકાલય પણ છે. નૈતિક શિક્ષણ, સંસ્કૃત શિક્ષણ અને ભજન-સંગીતના – ભાવિકજનો અને બાળકો માટેના વર્ગોનું પણ અહીં સંચાલન થાય છે. માર્ગદર્શન-સલાહ કેન્દ્ર, ‘નિર્વાણ’ નામના ત્રિમાસિક સામયિકનું પ્રકાશન, નિઃશુલ્ક ‘હૉમિયોપથી કેન્દ્ર’ પણ આ સંસ્થા ચલાવે છે.

શ્રીલંકા – રામકૃષ્ણ મિશન, કોલંબો

૧૯૨૪માં થોડી શાળાઓના સંચાલકોની મદદથી એક ટાપુ પર આ કેન્દ્રની પ્રવૃત્તિઓ ચાલુ થઈ અને ૧૯૩૦માં કોલંબોમાં આ કેન્દ્રની વિધિવત્ સ્થાપના થઈ. આ સંસ્થાના વડા છે સ્વામી આત્મઘનાનંદજી. આ સંસ્થામાં ૫૦૦૦ પુસ્તકો સાથેનું પુસ્તકાલય પણ છે. વાચનાલયની સગવડ પણ છે. ૭૭૯ વિદ્યાર્થી સંખ્યાવાળી ‘રવિવારી શાળા’ પણ અહીં છે. આ સંસ્થાને પુસ્તકાલય, વાચનાલય અને ગેસ્ટ હાઉસ સાથેનું આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કેન્દ્ર -કૉલંબોના સૌથી વિશાળ સભાખંડોમાંનો એક – સ્વામી વિવેકાનંદ સૅન્ટિનરી મૅમોરિયલ હૉલ છે. ગરીબોને સહાય, વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, બાળકો અને માંદા, અનાથ લોકોને નિઃશુલ્ક માસિક દાક્તરી તપાસ-ચિકિત્સા સહાય કૅમ્પ; કોલંબોભરની શાળાના વિદ્યાર્થીઓ માટે વ્યક્તિત્વ વિકાસ શિબિરના આયોજન વગેરે આ સંસ્થાનાં આગવાં આકર્ષણો છે.

આ સંસ્થાના બાટ્ટીકાલોઆ-ના પેટા કેન્દ્રમાં પણ ૨૯૭-બાલ-બાલિકાઓ માટેના ત્રણ અનાથાશ્રમો અને ૩૧૩ વિદ્યાર્થીઓ માટે રવિવારી શાળાનું સંચાલન થાય છે. મૅન્ટીવુ લેપર્સ એસાયલમ્‌ના રક્તપિત્તિયાં માટે મંદિર પણ ચલાવે છે. પાઠ્ય પુસ્તકો, વસ્ત્રો, મકાન બાંઘકામની ચીજવસ્તુઓનું વિતરણ કાર્ય અનાથ વિસ્થાપિત બાળકો અને લોકો માટે થાય છે.

સ્વિટ્ઝર્લેન્ડ – વેદાન્ત સૅન્ટર, જિનિવા

૧૯૫૮માં આ કેન્દ્રનો પ્રારંભ થયો અને જિનિવાથી ૧૦ કિ.મી. દૂર જિનિવા સરોવર પાસે આ પોતાના સુવિધાયુક્ત મકાનમાં ૧૯૭૨ના નવેમ્બરમાં કેન્દ્રનું સ્થાનફેર થયું. આ સંસ્થાનું સંચાલન સંભાળતા સ્વામી અમરાનંદજી ફ્રાન્સ, ઈટાલી અને જર્મનીમાં વ્યાખ્યાનો, આધ્યાત્મિક માર્ગદર્શન – આપે છે. ‘ગીતા’ પરના નિયમિત વર્ગો ચલાવે છે. કેટલીય આંતરધર્મ પરિષદોમાં એમણે ભાગ લીધો છે.

યુનાઈટેડ કિંગ્ડમ – રામકૃષ્ણ વેદાન્ત સૅન્ટર, બૉર્ન એન્ડ, લંડન

મધ્ય લંડનથી ૪૫ કિલોમિટર દૂર આવેલા ૧૯૪૮માં સ્થપાયેલા આ કેન્દ્રનું સુકાન સંભાળે છે સ્વામી દયાત્માનંદજી, લંડન ઉપરાંત યુ.કે.નાં વિવિધ શહેરો તેમ જ જર્મની, ફ્રાન્સ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં પણ વ્યાખ્યાન, આધ્યાત્મિક માર્ગદર્શન માટે જાય છે. આ સંસ્થાનું ‘વેદાંત’ નામનું દ્વિમાસિક સામયિક ૪૫માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. આ કેન્દ્રે રશિયા, ઇંગ્લૅન્ડ અને ભારતમાં સેવાપ્રવૃત્તિના કાર્ય માટે ૫૪,૪૦૦ પાઉન્ડ ફાળવ્યા છે.

યુનાઈટેડ સ્ટૅટસ ઑફ અમેરિકામાં વિવિધ કેન્દ્રો

(૧) વેદાન્ત સોસાયટી, શિકાગો

૧૯૩૦માં આ કેન્દ્રની શરૂઆત થઈ. મિશિગનમાં ‘ગંગા ટાઉનશીપ’ના નામે સ્વામી વિવેકાનંદના નામે ભવ્ય મૉનૅસ્ટ્રી રિટ્રિટ બનાવવામાં આવી છે. ત્યાં મંદિર, સભાગૃહ, પુસ્તકાલય, પુસ્તક વેચાણ કેન્દ્ર અને ભારતીય કલાનું સંગ્રહાલય પણ છે. બાળકો માટે અઠવાડિયાના કૅમ્પનું પણ આયોજન થાય છે. સ્વામી ચિદાનંદજી આ કેન્દ્રના વડા છે.

(૨) વેદાન્ત સૉસાયટી ઑફ સઘર્ન કૅલિફોર્નિયા, હૉલીવૂડ

૧૯૩૦માં શરૂ થયેલા આ સંસ્થાના વડા છે સ્વામી સ્વાહાનંદજી. તેમજ એમની મદદમાં છે. સ્વામી સર્વાત્માનંદજી તેમ જ સ્વામી સર્વદેવાનંદજી. આ સંસ્થા મંદિર, મઠ, સાધ્વીસંઘ (Convent) પુસ્તક વેચાણઘર – વગેરેનું સંચાલન કરે છે. સ્થાનિક આંતર ધર્મપરિષદમાં પણ સક્રિય રસ લે છે. અહીં પ્રકાશન સંસ્થા પુસ્તક પ્રકાશન કાર્ય પણ કરે છે. સાંતા બારબારામાં મંદિર, મઠ, સાધ્વીસંઘ, પુસ્તક વેચાણઘર છે. ટ્રેબુકો (કૅલિફોર્નિયા) માં સાન ડિયોગૉમાં મંદિર-મઠ છે. અહીંના સ્વામીજીઓ અમેરિકા-યુરોપના દેશોના વ્યાખ્યાન પ્રવાસો કરે છે. સાઉથ પાસાડૅનામાં ઈ.સ. ૧૯૦૦માં સ્વામી વિવેકાનંદ જે ઘરમાં રહ્યા હતા ત્યાં મંદિર અને સ્વામી વિવેકાનંદ સ્મારકનું સંચાલન થાય છે.

(૩) રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર-ન્યૂયૉર્ક

૧૯૩૩માં સ્થપાયેલ આ સંસ્થાના હાલના વડા આદીશ્વરાનંદજી અમેરિકામાં વિવિધ સ્થળોએ વ્યાખ્યાનો આપે છે. આ કેન્દ્રે રામકૃષ્ણ – વિવેકાનંદ સાહિત્યનું વિપુલ પ્રમાણમાં વેચાણ કર્યું છે. બે પ્રકાશનો પુનઃપ્રકાશિત થયાં છે. ૧૦૫૮ જેટલાં અલભ્ય પુસ્તકો અને ૧૦ જેટલાં સામયિકોવાળું (સભ્યો-મિત્રો અને આત્મજનો માટે) એક પુસ્તકાલય પણ છે. ‘થાઉઝન્ડ આઈલૅન્ડ પાર્ક’ – જ્યાં સ્વામી વિવેકાનંદે Inspired Talks (દિવ્યવાણી) પર વ્યાખ્યાનો આપ્યાં હતાં તે સ્થળે હવે ‘વિવેકાનંદ કૉટેજ’નું નામ ધારણ કરેલ છે, જેનું સંચાલન આ કેન્દ્ર દ્વારા થાય છે. ત્યાં આધ્યાત્મિક શિબિર- આધ્યાત્મિક સંસ્કૃતિ-વિશે ચર્ચા – વાતો ચાલે છે. આ પવિત્ર સ્થળે સ્વામી વિવેકાનંદની – મુલાકાતનો શતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રેરક અને ભવ્ય કાર્યક્રમો વર્તમાનપત્રોમાં અને દૂરદર્શન પર બહોળી પ્રસિદ્ધિ પામ્યા હતા. આ વિસ્તારના બધા લોકો આ કાર્યક્રમમાં સામેલ રહ્યા હતા.

(૪) વેદાન્ત સોસાયટી, ન્યૂયૉર્ક

યુ.ઍસ.એ.ની આ શાખાની ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે (સર્વ પ્રથમ શાખા) સ્થાપના કરી હતી. આ સંસ્થાના હાલના વડા સ્વામી તથાગતાનંદજી ‘ભગવત્‌ગીતા’ ‘શ્રીરામકૃષ્ણ ગ્રેટ માસ્ટર’ વિષે વક્તવ્યો આપે છે. અહીંની સ્થાનિક શાળા-મહાશાળાઓમાં પણ તેઓ વ્યાખ્યાન, આધ્યાત્મિક માર્ગદર્શન માટે જાય છે.

(૫) વેદાન્ત સોસાયટી, પૉર્ટલેન્ડ

વિશાળ નિવાસસ્થાન અને મંદિર સાથેના માઉન્ટ ટૅબૉર વિસ્તારના આ કેન્દ્રનો પ્રારંભ ૧૯૨૫માં થયો. હાલના વડા છે સ્વામી શાંતરૂપાનંદજી. અહીં પુસ્તકાલય પણ છે. અહીંના આજુબાજુના વિસ્તારના શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ માટે વ્યાખ્યાન, માર્ગદર્શન માટે સ્વામીજી જાય છે. સુંદર વનપ્રદેશની વનરાઈ વચ્ચે સ્કૅપૉઝમાં ૧૨૦ એકર જમીન પર કોલંબિયા નદીના ખીણ પ્રદેશ પાસે, મૂળ શાખા – કેન્દ્રથી ૪૦ કિ.મિ. દૂર આવેલું આ કેન્દ્ર ધ્યાન – આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ચાલે છે. અહીંના દૂરસુદૂર જંગલમાં આવેલાં મંદિરોમાં ધ્યાન – ભજન અને આધ્યાત્મિક ઉન્નતિ માટે લોકો વેકેશન તથા રજાના દિવસોમાં આવે છે.

(૬) વેદાન્ત સોસાયટી, સૅક્રૅમૅન્ટૉ

૧૯૪૯માં સ્થપાયેલા અને ૧૯૫૨માં મઠ-મિશન સાથે સંલગ્ન બનનાર આ કેન્દ્રના હાલના વડા છે સ્વામી પ્રપન્નાનંદજી. અહીં પુસ્તકાલય, વાચનાલય અને પુસ્તક વેચાણ કેન્દ્ર પણ છે. સંતોદ્યાન-નામના ૪ એકર જમીન પર છવાયેલ સુંદર કેન્દ્રનો આધ્યાત્મિક ઉન્નતિ, ધ્યાન વગેરે માટે ભાવિકજનો દ્વારા સદુપયોગ થાય છે.

(૭) વેદાન્ત સોસાયટી, પ્રૉવિડૅન્સ

૧૯૨૮માં શરૂ થયેલા આ કેન્દ્રના વડા સ્વામી સર્વગતાનંદજી શાળાના બાળકો માટે રવિવારીય વર્ગોનું સંચાલન કરે છે. યુ.ઍસ.એ.ના વિવિધ સ્થળોમાં અહીંથી સ્વામીજી વ્યાખ્યાન અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે જાય છે.

(૮) ઉત્તર કૅલિફોર્નિયાની વેદાન્ત સોસાયટી, સાન્‌ફ્રાન્સિસ્કો

૧૯૦૦માં સ્વામી વિવેકાનંદે સ્થાપેલા આ કેન્દ્રનું સંચાલન કરે છે સ્વામી પ્રબુદ્ધાનંદજી. નિત્ય અને નિયમિત કાર્યક્રમો ઉપરાન્ત આ સંસ્થાને પુસ્તકાલય, વાચનાલય અને પુસ્તક વેચાણ કેન્દ્ર છે. આસપાસના વિસ્તારોનાં પુસ્તકાલયોમાં વેદાન્ત પરનાં પુસ્તકોનું વિતરણ થાય છે. બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજે બંધાવેલ વિદેશના પ્રથમ હિન્દુ મંદિરમાં વિશ્વનાં ધર્મશાસ્ત્રો વિશે ચર્ચા – અભ્યાસ ચાલે છે. આ સંસ્થાની અન્ય બે પેટા સંસ્થાઓ છે : એક છે સાન્‌ ફ્રાન્સિસ્કોમાં અને બીજી છે ઓલેમામાં. સાનફ્રાન્સ્કિોમાં સાધ્વીસંઘ (Convent) પણ છે. આ સંસ્થાને બીજાં ત્રણ અધ્યાત્મ સાધના કેન્દ્રો છે.

સ્વામી વિવેકાનંદને અર્પિત કરેલ સાન ઍન્ટોનિયૉ વૅલીમાં આવેલ ‘શાંતિ આશ્રમ’ કૅલિફૉર્નિયામાં લૅઈક તાહૉએમાં આવેલ ૨૦૦ એકરના વિશાળ વિસ્તારમાં છવાયેલ અધ્યાત્મ સાધના કેન્દ્ર, એવી જ રીતે ઑલૅમામાં આવેલ બે જ હજાર એકરના વિશાળ વિસ્તારમાં આવેલ ધ્યાન-સાધના કેન્દ્ર; આ ત્રણે ય સ્થળે અધ્યાત્મ-ધ્યાનના વિશેષ કાર્યક્રમો યોજાતા રહે છે.

(૯) વેદાન્ત સોસાયટી ઑફ વેસ્ટર્ન વૉશિંગ્ટન, સીએટલ

૧૯૩૮માં શરૂ થયેલા આ કેન્દ્રના વડા છે સ્વામી ભાસ્કરાનંદજી. વિવિધ શાળા-કૉલેજ અને ચર્ચમાં તેઓ વ્યાખ્યાન માટે જાય છે. તેમણે યુ.એસ.એ. કૅનૅડા, બ્રાઝિલ, હૉલેન્ડના વિવિધ શહેરોમાં વ્યાખ્યાનો આપ્યાં છે. આ સંસ્થાને પુસ્તક વેચાણ કેન્દ્ર, પુસ્તકાલય, વાચનાલય પણ છે. એની પ્રકાશન શાખાએ Essentials of Hinduism નામનો ગ્રન્થ પ્રકાશિત કર્યો છે. ‘વિવેકાનંદગૃહ’ નામના વિશાળ મકાનમાં ‘સાધુ-નિવાસ’ આવેલ છે. સ્નૉહૉમિશ કાઉન્ટીમાં ઍર્લિંગ્ટનની નજીક આ સંસ્થાના ‘તપોવન’માં મહિને મહિને અધ્યાત્મ શિબિર યોજાય છે.

(૧૦) વેદાન્ત સોસાયટી, સૅન્ટ લુઈ

૧૯૩૮માં સ્થપાયેલ આ સંસ્થાના વડા છે સ્વામી ચેતનાનંદજી. આ સંસ્થાને પુસ્તકાલય, પુસ્તક વેચાણ કેન્દ્ર, કૅસૅટ લાયબ્રેરી અને પ્રકાશન વિભાગ પણ છે. અહીંના સ્વામીજી સહધર્મભાવના સર્વધર્મ સમભાવના વિવિધ ધર્મોની પરિષદોમાં ભાગ લે છે.

(૧૧) વેદાંત સોસાયટી, બર્કલે

૧૯૩૯માં શરૂ થયેલ આ કેન્દ્રના વડા છે સ્વામી અપરાનંદજી. પુસ્તકાલયમાં ૨૭૦૦ પુસ્તકો છે. આ કેન્દ્રના સૉન જોસના ભવનમાં મહિને બે વાર સત્સંગ થાય છે.

(૧૨) રામકૃષ્ણ વેદાંત સોસાયટી, બૉસ્ટૉન

૧૯૪૧માં શરૂ થયેલા આ કેન્દ્રના વડા સ્વામી સર્વગતાનંદજી છે જેઓ મૅસેચ્યુસૅટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી (Massuchusets Institute of Technology) અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં નિયમિત વ્યાખ્યાનો આપે છે. આ કેન્દ્રનો સારદા આશ્રમ માર્શફીલ્ડમાં (૬૦ કિ.મી. દૂર) છે, જ્યાં ભક્તો તેમ જ બાળકો માટે કાર્યક્રમો યોજવામાં આવે છે.

બાંગ્લાદેશનાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રો :

(૧) શ્રીરામકૃષ્ણ મિશન – બારીસાલ

૧૯૦૪માં અસ્તિત્વમાં આવેલ આ કેન્દ્ર ૧૯૧૧માં મઠ-મિશનનું કેન્દ્ર બન્યું. અહીં ૨૬૪૮ પુસ્તકોવાળું પુસ્તકાલય, વાચનાલય છે. વર્ષે ૬૨,૦૦૦ જેટલા દરદીઓની સારવાર કરનાર હૉમિયોપથીનું ચૅરિટેબલ દવાખાનું પણ આ સંસ્થામાં છે. ૫૮ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય તેવું વિદ્યાર્થીગૃહ પણ અહીં ઉપલબ્ધ છે.

(૨) શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમ, ફરીદપુર

૧૯૨૧માં પ્રારંભ કરીને આ કેન્દ્રે મઠ-મિશનની સ્વીકૃતિ મેળવી ૧૯૩૪માં પુસ્તકાલય, વાચનાલય, ૩૭ વિદ્યાર્થીઓવાળું વિદ્યાર્થીગૃહ, ૧૪૨ વિદ્યાર્થીઓવાળી પ્રાથમિક શાળા અને હોમિયોપેથીનું દવાખાનું – આ સંસ્થામાં છે.

(૩) શ્રીરામકૃષ્ણ આશ્રમ અને શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, બાલીઆટી

૧૯૨૩માં શરૂ થયેલ આ સંસ્થા ૧૯૨૫માં મઠ-મિશનની શાખા બની ગઈ. વર્ષે ૧૪,૮૬૭ દરદીઓને સારવાર આપનાર હૉમિયૉપેથીનું દવાખાનું અને પુસ્તકાલય આ સંસ્થા ધરાવે છે.

(૪) શ્રીરામકૃષ્ણ આશ્રમ અને શ્રીરામકૃષ્ણ મિશન, દિનાજપુર

૧૯૨૩માં શરૂ થયેલ અને થોડા વર્ષોમાં મઠ-મિશનની સ્વીકૃતિ મેળવનાર આ કેન્દ્રમાં વર્ષે ૩૨,૨૭૭ (નવા ૧૨,૪૯૨) દર્દીઓને સારવાર આપનાર ચૅરિટેબલ ઍલૉપથી, હોમિયોપેથીનું દવાખાનું – બે હરતાં ફરતાં દવાખાનાની સુવિધા પણ અહીં છે. વિદ્યાર્થીગૃહની સુવિધા પણ અહીં છે. કપડાંનું વિતરણ, આર્થિક સહાય જેવાં સેવા કાર્યો પણ થાય છે. ૩૮ કુટુંબોને પૂર – રાહત સેવાઓ પહોંચાડેલ છે. ૩૦૧૫ પુસ્તકોવાળું પુસ્તકાલય પણ આ સંસ્થામાં છે. આ કેન્દ્રમાં ૯ પુસ્તકોનું પ્રકાશન પણ થયેલ છે. ૧૯૯૦થી ૪૩૩ વિદ્યાર્થી સંખ્યાવાળી બે પ્રાથમિક શાળાનું સંચાલન પણ આ સંસ્થા કરે છે. શ્રીરામકૃષ્ણદેવના મંદિરનું નિમાર્ણ-કાર્ય ચાલુ છે.

(૫) શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ મિશન, ઢાકા

૧૮૯૯માં સ્થપાયેલ આ કેન્દ્ર ૧૯૧૪માં મઠ-મિશનની સ્વીકૃતિ મેળવી હતી. આ કેન્દ્રના પ્રકાશન વિભાગે ૧૮ પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ૧૩૦૦૦ પુસ્તકો અને ૪૦ દૈનિક સામયિકોની સુવિધાયુક્ત પુસ્તકાલય, મોબાઈલ યુનિટ સાથેનું ઍલોપૅથિક દવાખાનું જેમાં ૧૯૯૫-૯૬માં ૪૪,૯૧૬ દરદીઓને સારવાર મળી છે. ૪૦૦ વિદ્યાર્થીઓ માટેની માધ્યમિક શાળા, પ૬ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે તેવું વિદ્યાર્થીગૃહ, વૉકેશનલ ટ્રૅઈનિંગ સૅન્ટર આ સંસ્થા ચલાવે છે. કપડાં વગેરેનાં વિતરણ દ્વારા રાહત સેવા કાર્ય પણ આ સંસ્થાએ કર્યું છે.

(૬) શ્રીરામકૃષ્ણ મિશન સેવા સમિતિ, હબીગંજ

આ શાખાની સ્થાપના ૧૯૨૧માં થઈ હતી અને ૧૯૨૬માં મઠ – મિશનનું સંલગ્ન કેન્દ્ર બની. અહીં ૨૬૦૦ પુસ્તકો સાથેનું પુસ્તકાલય, ૨૫ વિદ્યાર્થીઓ માટેનું વિદ્યાર્થીગૃહ છે. ગરીબોને અનાજ, કપડાં અને આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

(૭) શ્રીરામકૃષ્ણ આશ્રમ અને શ્રીરામકૃષ્ણ મિશન, નારાયણગંજ

૧૯૦૯માં સ્થપાયેલ અને ૧૯૨૨માં મઠ-મિશનનું કેન્દ્ર બનનાર આ શાખામાં પુસ્તકાલય, ઍલોપૅથીનું દવાખાનું પણ છે, જેનો ૧૯૯૫-૯૬માં ૧૭,૪૭૮ દરદીઓને લાભ મળ્યો છે.

(૮) શ્રીરામકૃષ્ણ આશ્રમ અને શ્રીરામકૃષ્ણ મિશન સેવા સમિતિ, સિલ્હટ

૧૯૧૬માં શરૂ થઈને ૧૯૨૬માં મઠ-મિશનના કેન્દ્ર તરીકે સ્વીકૃતિ પામનાર આ શાખામાં ચૅરિટેબલ ઍલોપૅથિક દવાખાનું છે. જેમાં વર્ષે ૨૮૫૬ દરદીઓને સારવાર અપાય છે. જરૂરતમંદોમાં કપડાં વગેરેનું વિતરણ થાય છે. ૨૭૨૪ પુસ્તકોવાળું પુસ્તકાલય અને ૧૯ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીગૃહ પણ આ સંસ્થા ચલાવે છે.

(૯) શ્રીરામકૃષ્ણ આશ્રમ, બાગૅરહાટ

૧૯૨૬માં શરૂ થયેલ આ સંસ્થા ૨૭૫૯ પુસ્તકો અને ૫ સામયિકોવાળું પુસ્તકાલય, ચૅરિટેબલ ઍલોપૅથીનું દવાખાનું છે. જેમાં ૮૬૭૬ દરદીઓને લાભ મળે છે. ૩૫ વિદ્યાર્થીઓ માટેનું વિદ્યાર્થીગૃહ પણ છે.

(૧૦) શ્રીરામકૃષ્ણ આશ્રમ, મૈમનસિંઘ

૧૯૨૨માં સ્થપાયેલા આ કેન્દ્રમાં પુસ્તકાલય, વિદ્યાર્થીગૃહ અને વર્ષે ૭૬૪૩ દરદીઓને સારવાર આપનાર હોમિયોપૅથીનું દવાખાનું પણ છે. પૂર-રાહત કાર્યોમાં કપડાં ધાબળા-વગેરેનું વિતરણ કર્યું છે. બ્લડ ડૉનેશન કૅમ્પનું પણ આયોજન થાય છે.

સંદર્ભ પુસ્તક :

Annual Report of Ramakrishna Mission Belur Math, 1995-96.

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.