શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો. મરદ બનો અને ટટાર રહીને દોષ પોતા ઉપર વહોરી લો. તમને જણાશે કે એ હંમેશાં સાચું જ હોય છે. પહેલાં પોતાને જ પકડો.

એક ક્ષણે આપણે આપણા મરદપણાની વાત કરીએ છીએ; આપણે દેવો છીએ, આપણે બધું જાણીએ છીએ, આપણે બધું કરી શકીએ છીએ, આપણે નિષ્કલંક, નિર્દોષ અને દુનિયામાં નિઃસ્વાર્થમાં નિઃસ્વાર્થ લોકો છીએ એવી બધી વાતો આપણી કરીએ છીએ. અને બીજી જ ક્ષણે એક નાનકડી પથરો આપણને ઈજા કરે છે, કોઈ એક હાલીમવાલીનો ગુસ્સો આપણને આઘાત પહોંચાડે છે, રસ્તે ચાલતો ગમે તે અદનો આદમી ‘આ દેવો’ને દુ:ખી કરી શકે છે, એ શું શરમની વાત નથી? જો આપણે દેવો હોઈએ તો એવું બને ખરું? વાંક દુનિયાનો છે એ વાત શું ખરી છે? પવિત્રમાં પવિત્ર અને ઉમદામાં ઉમદા આત્મા એવા ઈશ્વરને આપણી કોઈ પણ યુક્તિ – પ્રયુક્તિથી દુઃખી કરી શકાય ખરો? જો તમે એવા નિઃસ્વાર્થ હો તો તમે ઈશ્વરતુલ્ય છો. કઈ દુનિયા તમને નુકસાન પહોંચાડી શકવાની છે? મહા રૌરવ નરકમાંથી પણ તમે હેમખેમ અને અલિપ્ત રહીને નીકળી જઈ શકશો. પરંતુ તમે ફરિયાદ કરો છો અને બહારની દુનિયા પર દોષ ઢોળી દેવા માગો છો, એ હકીકત જ બતાવે છે કે તમને બાહ્ય જગતનું ભાન છે; અને તમને એ ભાન છે એ જ બતાવે છે કે તમે જે હોવાનો દાવો કરો છો તેવા તમે નથી. બાહ્ય જગત તમને નુકસાન કરે છે એવી કલ્પના કરીને, અને ‘અરે, આ તો શેતાનની દુનિયા છે! ફલાણો મારું નુકસાન કરે છે; ઢીંકણો મને હેરાન કરે છે!’ વગેરે જાતની બૂમો પાડીને દુઃખ પર દુ:ખના ઢગલા ખડકીને તમે તમા૨ો ગુનો ઊલટો વધુ મોટો બનાવો છો! એ તો દુઃખમાં જૂઠાણાં ઉમેરવા જેવું છે.

આપણે આપણી જાતને જ સંભાળવાની છે; એટલું આપણે કરી શકીએ. થોડાક સમયને માટે પારકી પંચાત કરવાનું છોડી દઈએ. આપણે સાધનને સંપૂર્ણ બનાવીએ; એટલે પરિણામ એની મેળે આવશે. કારણ કે આપણાં જીવન સારાં અને પવિત્ર હોય, તો જ દુનિયા સારી અને પવિત્ર થઈ શકે. દુનિયા તો એક કાર્ય છે, કારણ આપણે છીએ. એટલા માટે, આપણે આપણી જાતને શુદ્ધ બનાવીએ; આપણે આપણી જાતને સંપૂર્ણ બનાવીએ.

– સ્વામી વિવેકાનંદ

(સંદર્ભ ગ્રંથ : સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા પુસ્તક ૭: (૧૯૮૦) પૃ.સં. ૪૦-૪૧)

Total Views: 152

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.