દીર્ઘતમ રાત્રિ હવે વિદાય લેતી હોય એમ લાગે છે, કપરામાં કપરી પીડા આખરે દૂર થતી લાગે છે, જે શબ જેવું દેખાતું હતું તેમાં પ્રાણસંચારનાં ચિહ્નો દેખાવા લાગ્યાં છે, અને એક અવાજ આપણી તરફ આવી રહ્યો છે; જાણે, જ્ઞાન, પ્રેમ, કર્તવ્યપરાયણતાના અનંત હિમાલયની શિખરરાજિ સાથે અથડાઈ પરાવર્તન પામી એક નાદ આપણા કાન સાથે અથડાય છે : ‘ભારતવર્ષ આપણી માતૃભૂમિ છે,’ – એ ધ્વનિ આપણી સમીપ આવતો જાય છે, એ અવાજ છે તો ધીમો, દૃઢ ને છતાં બિલકુલ સ્પષ્ટ છે. જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ એ સાદ વધારે ને વધારે સ્પષ્ટ થતો જાય છે, અને જુઓ જે નિદ્રાવશ હતા તે જાગે છે! હિમાલયમાંથી આવતી વાયુલહરીની જેમ એ મૃતપ્રાય અસ્થિસ્નાયુમાં પ્રાણનો સંચાર કરે છે, આળસ વિદાય લે છે. આપણી માતૃભૂમિ દીર્ઘકાળની નિદ્રાને ત્યજીને હવે જાગૃતિમાં આવે છે. વિકૃત દૃષ્ટિવાળા કે અંધ જ આ જાગૃતિને જોઈ શકતા નથી. હવે લાંબો કાળ એની આડે અંતરાયરૂપ બનીને કોઈ ઊભું રહી શકે એમ નથી. હવે એ કદી પણ નિદ્રાધીન થવાની નથી, કોઈ પણ બાહ્ય સત્તા હવે એને આગળ વધતાં અટકાવી શકે એમ નથી, કારણ કે વિરાટ શક્તિ હવે પોતાના પગ ઉપર ખડી થઈ રહી છે.

ઊઠો! ઊઠો! લાંબી રાત વીતી જવા આવી છે. અરુણોદય થઈ રહ્યો છે, જુવાળના પ્રચંડ વેગને હવે કોઈ પાછો ઠેલી શકે તેમ નથી. શ્રદ્ધા રાખો, હું કહું છું તે માનો કે વિધિનું શાસન થઈ ચૂક્યું છે, ઈશ્વરનો આદેશ મળી ચૂક્યો છે; ભારતવર્ષે જાગવું જ પડશે, જનસમૂહને અને ગરીબોને સુખી કરવા જ પડશે. વિરોધને ગણકાર્યા વિના, કશી પણ મર્યાદા સ્વીકાર્યા વિના એને આપણી ભૂમિને આપ્લાવિત કરી દેતી, સર્વ કાંઈને પોતાનામાં સમાવી દેતી જોઉં છું. હવે દરેક જણે આગલી હરોળમાં આવીને ઊભા રહેવાનું છે; સર્વ શુભ શક્તિનો એમાં વિનિયોગ કરવાનો છે, દરેકે એ કાર્યમાં પોતાનો હાથ દેવાનો છે. એ સર્વનું ગૌરવ પ્રભુને પ્રાપ્ત થાઓ, પ્રભુનો જય થાઓ!

-સ્વામી વિવેકાનંદ

(‘આપણા હાથમાં ભારતનું ભાવિ’ (ચતુર્થ સંસ્કરણ) પૃ. ૧૫-૧૬ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)

Total Views: 205

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.