આજના જન્મદિને હું સર્વ પ્રકાશથી, સર્વ સત્યથી, સર્વ સૌંદર્યથી તને જોઉં છું!
પરોઢની ઝાકળભીની પુષ્પપાંદડીઓથી અને સમુદ્રની ભીની લહેરોથી તને જોઉં છું!

પંખીનો બે પાંખો જેમ મારા બે હાથ પ્રાર્થનાની મુદ્રામાં તારા ભણી નમેલા છે!
આ વસુંધરાને, આ પુષ્પદ્વીપોને, આ આકાશનાં સર્વ જ્યોતિર્મય નક્ષત્રોને,
તારા સ્વર્ગલોકને, ધોધ જેમ ઉભરાતા તારા પ્રેમના સાદને હું નમસ્કાર કરું છું!

આશિષરૂપે તારે દેવી હોય તો અસંજ્ઞેય નદી જેવી મને નવી ભાષા આપ!
નવા પીપલવૃક્ષનાં પર્ણો સમા નિત્ય નૂતન છંદોને નવાં પુષ્પોની પાંડુરલિપિ આપ!
હજી મારે જેનાં નવાં નામ પાડવાનાં બાકી હોય એવા અનામ રત્નદ્વીપો આપ!

જીવનની ખોજ જ્યાં પુનઃપુનઃ અધૂરી રહી ગઈ છે તે અનંત દિશાનો સંકેત આપ!
માતાના હાથના મૃદુ સ્પર્શ સમી આકાશની છાયા તળે ઘસઘસાટ સૂઈ શકું તેવી
હમણાં નવાં તૃણાંકુર ફૂટ્યા હોય એવી તાજા-બ-તાજા ઉષ્માભીની નવજાત પૃથ્વી આપ!

માર્ચ કે મેની, વસંત કે ગ્રીષ્મની પરિચિત મલયલહેરોથી વધુ ઉલ્લાસમય ૠતુ આપ!
નવાં વન આપ! નવાં પર્ણો ને પુષ્પોનાં ખામણામાં ટપકતા નવા રંગો આપ!
તારા નંદનવનની શાશ્વત વસંતની ડાળ પરથી એક અતૂટ દિવસ આપ!

બળતા ગ્રીષ્મની મધ્યાહ્‌ને દક્ષિણના પ્રજ્વાલતા પવનની મારા પ્રાણને એક ફૂંક દે –
ને તારા અનર્ગળ પ્રેમને ધારણ કરી શકે તેવું મારા કરતા રક્તમાં એક લાલ ગુલાબ દે!

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.