બેતાલીશ લાખ માણસોને સળગાવી દીધાં ગેસ-ચેમ્બરમાં
ને અઢી કરોડની હત્યા થઈ બીજા વિશ્વયુદ્ધમાં

તોય નાળિયેરીનાં પાન જેમ કે સી-ગલની પાંખો જેમ
મારા હાથ કેમ વળી જાય છે તારી પ્રાર્થનાની મુદ્રામાં?

તેં કટકે કટકે આ દુનિયા અધૂરી બનાવી છે?
તું તારી જ સન્મુખે અંધકારનો, પરદો પાડી દે છે?
જેથી ધીરેધીરે પ્રકાશ સ્ટ્રીમ થાય તારા હૃદયમાંથી?
તું ભાષાની ગેરહાજરીમાં નવી ભાષા શોધી આપવા માગે છે?
કે આ શતાબ્દીની ખાઈ પરથી ભયભીત હું તને પોકારું
તો તું ફરી નવે રૂપે એન્ટ્રી કરવા માગે છે આ ઑડિટોરિયમમાં?

પણ જ્યારે મેં આઉશવિત્ઝ મ્યુઝિયમમાં જઈને જોયું તો
તું જ ઘવાઈને લોહીલથબથ પડ્યો છે!
ઘવાયેલાઓના જખ્મોને તું જ આકાશના રૂમાલથી લૂછી રહ્યો છે-
ને તોહમતનામું મુકતી કરુણતાથી જોઈ રહ્યો છે એમને,
જેમણે અપરાધ કરી રક્તના છાંટા ઉડાડ્યા છે ઇતિહાસ ઉપર…!

એટલે તો મેપલના પર્ણ જેમ મારા હાથ વળી જાય છે તારા ભણી
ને સૂર્યમુખી પુષ્પ જેમ ચહેરો દર ક્ષણે ઢળતો રહે છે તારા સૂર્ય ભણી…!

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.