રામાયણ-મહાભારત ઈલિયડ અને ઓડીસીની કક્ષાનાં આર્ષ મહાકાવ્યો છે. તળ ફૂટીને Cosmic necessityમાંથી વૈશ્વિક અનિવાર્યતામાંથી – આ મહાકાવ્યો પ્રગટેલાં છે. પ્રભુની કોઈ શાશ્વતી ઇચ્છાથી પ્રગટેલાં આવાં મહાકાવ્યો એની પ્રજાને ઉદ્ધારી શકે એવા બન્યાં છે. વિશ્વમાં અમુક વસ્તુ બનવી જોઈએ એવી અનિવાર્યતાનો મહાન ઉદ્દેશ એમાં રહેલો હોય છે. કોઈ રામ કે કૃષ્ણનો અવતાર થાય, રામ રાજ્ય જેવી કોઈ આદર્શ ઘટના રચાય, વૈયક્તિક જીવનનાં અને સાંસ્કૃતિક જીવનનાં અમુક મૂલ્યોની સ્થાપના થાય એવી વિરાટ આવશ્યકતા એમાં રહેલી હોય છે. વૈશ્વિક ચેતનાથી કવિ એની પ્રજાને અમૃતકુંભ ધરે ત્યારે આવાં મહાકાવ્યોની ચરિતાર્થતા સમજાય. સમગ્ર પ્રજાની સંવિતમાં એ એક અમર પુરાણક્થા બની રહે. એક જબ્બર કલ્પનાશીલતાથી એના મહાકવિ પ્રજાને અમર સંજીવની બક્ષી રહે. એ એવી સર્જનાત્મક ક્થા હોય જે અમર ક્લાકૃતિ હોય અને બૃહદ અર્થમાં ગૃહકથા અને સંસ્કૃતિ કથા પણ હોય. ‘રામાયણ’આવી અમર ગૃહક્થા અને સંસ્કૃતિ કથા પણ છે અને જીવન ધર્મનો અક્ષયનિધિ પણ છે. નિરવધિ સમય અને વિપુલ પૃથ્વી જ્યાં લગી જીવંત રહે એવી શાશ્વતીની અમરગાથા પણ છે.

પાછળથી રઘુવંશમ્, કુમારસંભવમ્, શિશુપાલવધ, કિરાતાર્જુનિયમ જેવાં સુંદર સર્ગબદ્ધ મહાકાવ્યો મળ્યાં. તેમાં યુદ્ધ વર્ણનો, નગર વર્ણનો, સ્નાનાદિનાં વર્ણનો, ચરિત્ર વિધાનો, રસનિષ્પત્તિઓ બધું થયું. મનોહર કાવ્યલીલા પણ સાંપડી છતાં એમાં‘રામાયણ’‘મહાભારત’નીસરળ, સહજ અને આર્ષ લીલાભૂમિ નથી. વૈશ્વિક અનિવાર્યતાનું તેમાં અવતરણ નથી. વિશ્વ પોતે એક વિરાટ પુરુષ હોય તેવું વૈશ્વિક અવતરણ ‘રામાયણ-મહાભારત’માં છે. હમણાં-હમણાં શ્રી અરવિંદે ‘સાવિત્રી’માં આ વિશ્વ પુરુષની દિવ્ય પ્રભાને ઉતારવા મહાપુરુષાર્થ કર્યો હતો. રવીન્દ્રનાથે મહાકાવ્ય નામ પાડ્યા વગર એ વિશ્વ પુરુષને અવતારવા મથામણ કરી હતી. ઊર્મિકાવ્યોમાં, ગીતોમાં‘રામાયણ’અને ‘મહાભારત’શાશ્વતી વેદનાના અને કલા-આનંદના કોષ બન્યા છે. ‘ઈલિયડ’અને ‘ઓડીસી’પુરાણલ્પનના અખૂટ ખજાના સમા છે. હોમરની પ્રાણમય કોષના સ્તરની સર્જક્તા ગ્રીક સાહિત્યની ટોચ પર વિરાજે છે. પણ નિશ્ચિતપણે એમ લાગે છે કે રામાયણ અને મહાભારતની સર્જક્તા અનુપમ છે. પ્રાણકોટિથી પર અધ્યાત્મના ભરપૂર તેજમાં તેઓ આપણને પ્રજ્જ્વલિત કરે છે. રામાયણનાં પાત્રોના આદર્શ, રામરાજ્યની વિભાવના અને કરુણ કાવ્યમયતા પાછળથી કાલિદાસના ‘રઘુવંશમ્’, ભવભૂતિના‘ઉત્તરરામચરિતમ્’ અને તુલસીદાસજીના‘રામચરિતમાનસ’માં વિવિધ સર્જક મુદ્દાઓમાં પ્રતીત થાય છે.

રામાયણ અને મહાભારત આર્ષ કાવ્યો છે. વૈશ્વિક ચેતનાના આવિર્ભાવ માટે પ્રભુના સંકેતથી લખાયેલાં મહાકાવ્યો છે. તેના નિર્માણ પાછળ પરમશકિતનો દોરીસંચાર છે. સત્ય અને કરુણા જ ખરેખર તો તેમના નાયક અને નાયિકા છે. સહજ સરળ આવિષ્કાર છે. પાછળથી લખાયેલા માઘના‘શિશુપાલવધમ્’અને ભારવિના ‘કરાતાર્જુનીયમ’ મહાકાવ્યો કૃત્રિમ બન્યાં છે. કવિની સર્જકશીલતાના તેમાં ઉન્મેષો નથી એમ નહિ, પણ તેમનો હેતુ કવિતા લખવા બેસવાનો છે, શાશ્વતી ચેતનાને સામેથી અવતારવાનો તેમાં ઉપક્રમ નથી. મહાભારત કઠોર વાસ્તવિકતાનું અને તેની પાર રહેલા પરમ સત્યનું મહાભારત છે. પાંડવો અને કૌરવો તો માત્ર નિમિત્ત છે. આ બંને કુટુંબો દ્વારા મહાકવિ ભૂમિકા બાંધે છે. વેરઝેર, ઈર્ષ્યા-કપટ અને તેને અંતે યુદ્ધને લીધે મહાવિનાશ. મહાભારતના યુદ્ધને અંતે લાશોના ઢગલા પર ચડીને ગાંધારીને આંબા પરથી કેરી તોડીને ખાતી કવિએ દર્શાવી છે. કેવી કારમી ધોર વાસ્તવિકતા! અને આ તો બધું પૂર્વનિર્મિત્ત એક બહાનું હતું.“પણ હે અર્જુન! તું આ હણાયેલાઓને જોઈને હવે બળવાન થઈને ઊઠ. મારા વિશ્વરૂપ દર્શનને જો.”એ વાસ્તવિકતાની પારની પેલી વૈશ્વિક ચેતનાનો પ્રલંબ વિસ્તાર જુઓ! વળી છેલ્લે વ્યાસજીએ યક્ષ પ્રશ્નોત્તરમાં સ્પષ્ટતા પણ કરી કે આ મહાભારત તો કાળની કથા છે. ટૂંકમાં આ બન્ને આર્ષ મહાકાવ્યોને લીધે ભારતના જીવનમાં વિસ્તાર અને ઊંડાણનાં પરિમાણો વિકસ્યાં છે. પ્રજાની ચેતના વિસ્તરી છે. સ્નેહ અને કરુણા તથા સત્ય અને સૌંદર્યની આપણી અને વિશ્વની પ્રજાને દીક્ષા મળી છે. એનાં મનોહારી પર્વતોમાં, અરણ્યોમાં, સરોવરો અને નદીઓમાં, વૃક્ષવેલી અને પંખીઓ વચ્ચેની એક વિશિષ્ટ ચિરંતન સૃષ્ટિમાં પ્રજા જીવી છે. શ્રી અરિવંદે એમના મહાકાવ્ય‘સાવિત્રી’ના અંતમાં જે ચિરંતન દિવસની (Everlasting dayની) વાત કરી છે, એવી પ્રભુના અનર્ગળ આનંદની સન્નિધિમાં આ મહાકાવ્યોને લીધે રહેવાનું આપણી પ્રજાને બન્યું છે તે આપણા જીવનની મોટી ઉપલબ્ધિ છે.

કવિ વાલ્મીકિએ રામાયણના નાયક ધીર-ઉદાત્ત રામભદ્ર આલેખ્યા છે. માનવજાતિ સુખદુઃખના, ધર્મ-અધર્મના, શુભ-અશુભના દ્વંદ્વમાં સપડાયેલી હોય એવે તબકકે રામ જેવા ધર્મપુરુષ એના નાયક હોય એવી યોજના એમણે ઘડી છે. ‘નર’શબ્દ પર એટલે કવિએ ચોક્કસભાર મૂક્યો છે. એક મોટા સાગર મંથનમાં, યુગસંઘર્ષમાં લડીને અમૃતતત્ત્વ લગી પહોંચે એવા‘નર’માં વાલ્મીકિને રસ છે. પાછળથી યુગચેતનાને સંકોરે એવા ભગવાન સ્વરૂપ શ્રીરામ તુલસીદાસજીએ આલેખ્યા છે તેમાં એમના જમાનાની ઝંખના પ્રગટ થાય છે. ટૂંકમાં, રામાયણ દ્વારા માનવ જાતિના આરોહણની કથા કવિને આલેખવી છે.

આર્યો અને રાક્ષસો વચ્ચેનો સંઘર્ષ કવિએ ‘રામાયણ’માં ઉપસાવ્યો છે. ધર્માશ્રય સાચવીને રામે લોકહૃદયમાં સ્થાન મેળવ્યું. જ્યારે એકહથ્થુ અહંકારી સત્તાને લીધે રાવણ વિકૃતિનું દૃષ્ટાન્ત બની રહ્યો. એક બર્બર-જંગલી સત્તાના પ્રદર્શનને લીધે રાવણનું સર્વતોમુખ પતન થયું. વાલ્મીકિને કે ટોલ્સટોયને એ દર્શાવવું છે કે અંતે પ્રેમનિર્ભર જીવનમાર્ગે જ વિજય અપાવે છે, નહિ કે અહંકારજનિત ઉન્માદ. આવી જબરદસ્ત વસ્તુને કવિએ ઉત્તમ સર્જકતાથી સુપેરે અભિવ્યકત કરી છે એટલે જ એ આજ લગી એક મહાન સત્ય તરીકે પ્રજાની સંવિતમાં પ્રતિષ્ઠિત થયેલ છે. રાક્ષસ જાતિ એટલે ઝુંટવીને ખાનારી ભૌતિકવાદી જાતિ છે. રાવણ ઉન્મત્ત અભિમાની છે, તો કુંભકર્ણ માત્ર અન્નકોટિનો જીવ છે. રાવણ અને વિભીષણમાં ફૂટ છે, જ્યારે રામ-લક્ષ્મણને, રામ-ભરતને કવિએ પૂર્ણ પ્રેમનાં દૃષ્ટાન્ત સજર્યાં છે. અસૂરનાં વિકૃત અને આર્ય સંસ્કૃતિનાં, એનિમિત્તે, કવિએ પ્રેમોજ્જ્વલ દૃષ્ટાંતો યોજ્યાં છે. એવી જ રીતે રાવણ અનેક પત્નીઓ ક્યે જ જાય છે. અંતમાં પરસ્ત્રી સીતાનું પણ અપહરણ કરીને લઈ આવે છે. રાક્ષસ જાતિમાં સ્ત્રી માલિકીની વસ્તુ છે, દાસી છે, જ્યારે શ્રીરામને તથા તેમના સર્વબંધુઓને એક જ પત્નીત્વમાં માનનારા ઉદાત્ત અને ધર્મમય જીવન જીવનારા દર્શાવીને કવિએ આદર્શપૂત અને કાવ્યમય કુટુંબથા રચી છે. એટલે રઘુકુલમાં સંવાદનાં દર્શન થાય છે. જ્યારે રાવણકુલમાં તદ્ન વિકૃતિ દેખાય છે. શ્રીરામ લોકોત્તર, લોકકલ્યાણમાં ઓતપ્રોત ભાગવત પુરુષ છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે“સમગ્ર રામાયણ એ વિશાળ પટ પર ચાલતી ગૃહસ્થા છે.”એ બૃહદ અર્થમાં ગૃહકથા અને સંસ્કૃતિથા છે. મહાભારત અવનત થતી જતી સંસ્કૃતિની (descendant Civilization) કથા છે. વિલિયમ ફોનેરની નવલક્થાઓમાં જેમ પડતી જતી સંસ્કૃતિનો ચિતાર છે તે રીતે મહાભારત સતત નીચે પડતી જતી અને છેલ્લે ઘોર વિનાશમાં પરિણમતી અવનતિની ગૃહ-સંસ્કૃતિ ક્થા છે. પણ ‘રામાયણ ભારત અને વિશ્વની સંસ્કૃતિના ઉત્થાનની આદર્શ કથા બની રહે છે. રામરાજ્ય દ્વારા એક એવા આદર્શ રાજ્યની ક્થા – ‘યુટૉપીયા’કવિએ આલેખી છે કે આનાથી વધારે આદર્શ કોઈ અવસ્થા હોઈ ન શકે. સીતાની અગ્નિ પરીક્ષા, પરિયટ ધોબીના કહેવાથી સીતાનો ત્યાગ વગેરે અનેક વસ્તુઓ અપૂર્વ સમર્પણની અને ઉત્તમ રાજ્ય આદર્શની કવિએ આલેખી છે.

સંસ્કૃતિઓના સમન્વયની અને પૂર્ણ સ્નેહની અભિવ્યકિત રામાયણમાં એવી જ અપૂર્વતાથી કવિએ કરી છે. રામનો ભરત પ્રત્યેનો સ્નેહ,રામનો લક્ષ્મણ પ્રત્યેનો સ્નેહ ભારતીય કુટુંબપ્રથામાં ચિરકાળ માટે અપૂર્વ રહેશે. માતા કૈકેયી માટે સાચા હૃદયનો પ્રેમ અને ક્ષમાભાવ રામભદ્રને ઉદાત્ત પુત્ર બનાવે છે. વળી ગુહરાજા પ્રત્યેનાં પ્રેમ અને મૈત્રી તેમને ભીલ જાતિના સુગ્દસખા બનાવે છે. એ જ રીતે હનુમાન, સુગ્રીવ, જાંબુવંત, નલ, નીલ, અંગદ આદિ સાથેની મૈત્રી તેમને વાનર સંસ્કૃતિ સાથે સમન્વય સાધનારા વિશાળ દુરંદર્શી રાજ્યકર્તા અને પ્રેમપુરુષ દર્શાવે છે. એક-એક વ્યકિત પરનો પ્રેમ જ ધીરેધીરે સંસ્કૃતિ પ્રેમમાં પરિણમે છે. એટલે જ રામાયણ વિશાળ પટ પર ચાલતી ગૃહકથા બની રહે છે.

વાલ્મીકિ, કાલિદાસ, ભવભૂતિ, બાણભટ્ટથી માંડીને રવીન્દ્રનાથ સુધીના મહાકવિઓએ મનુષ્યનો અને પ્રકૃતિનો પ્રેમાળ સંબંધ બાંધી આપ્યો છે. નિસર્ગ સાથેનો રમણીય સંબંધ સૌંદર્યનાં નવાં નવાં શિખરો આ સર્જકોને ઉપલબ્ધ કરાવી આપે છે. કવિ કાલિદાસનો મેઘ વિદિશા અને વેત્રવતી નદી પહોંચતોકને નીચે પર્વત પર જાય છે. ઉજ્જયિની જતાં માર્ગમાં નિર્વિન્ધ્યા નદી પર પહોંચે છે. એના વિશાળ પટ ઉપર કલકલ કરતાં પંખીઓની માલા એની કેડે બાંધેલી મેખલા સમી શોભે છે. ઉજ્જયિની નગરી અને શિપ્રા નદીનાં અનુપમ વર્ણનો કવિએ કર્યાં છે. પછી ગંભીરા નદી, પછી દેવગિરિ. ત્યાંથી ચર્મણ્વતી નદી એટલે કે ચંબલ. જ્યારે મેઘ ચંબલનું પાણી પીવા નીચો નમશે ત્યારે પૃથ્વી સુંદરીના કંઠમાં એક સેરની મોતીની માળામાં વચ્ચે લટકાવેલો ઝળહળતો ઈન્દ્રનીલમણિ શોભતો હોય તેવો લાગશે! પછી ભગવતી ગંગાનાં જળ પીને પહોંચશે નગાધિરાજ હિમાલય પર! કવિએરામગિરિથી (ગોદાવરીથી) શરૂ કરેલી યાત્રા કૈલાસ પર્વત પર પૂરી થાય છે. કાલિદાસે ‘રઘુવંશમ્’માં પણ ભારત વર્ષની ભૂગોળ સુપેરે આલેખી છે! બારે માસ અને છયે ઋતુઓમાં પુષ્પો સદાય ઊગે છે-શું કમળ કે શું કુન્દ, શું કુરબક કે શું શિરીષ સદાસર્વદા સુંદર અને તાજાં!

પણ કાલિદાસ, ભાસ, ભવભૂતિ, ભારવિ અને રવીન્દ્રનાથને આ વારસો આપ્યો છે મહાકવિ વાલ્મીકિએ. અયોધ્યાથી પ્રારંભ કરી નદ-નદીઓ વટાવતાં, જંગલ-પર્વતો ઓળંગતાં ગંગા-યમુનાનાં મેદાનોમાંથી થતાંકને વિધ્યાચલ, દંડકવન, પંચવટી થઈને કિષ્કિંધા, મલયથી છેક સમુદ્ર પાર લંકા સુધીની-એમ સમગ્ર ભારત વર્ષની યાત્રા વાલ્મીકિએ કરાવી છે. પ્રકૃતિને, પંખીને, પશુને વાનરને સર્વને પ્રેમસૂત્રથી બાંધવાનું કામ રામાયણકારે કર્યું છે. શબરીને, જટાયુ ગીધને એમણે સ્નેહથી‘સ્વબંધુમિવ’આલિંગન કર્યું છે. અયોધ્યાની માટીથી માંડીને પંચવટી સાથેનો એમના અદ્વિતીય પ્રેમ દૃષ્ટાન્તરૂપ છે. ગંગાપાર કરતાં સીતાજીગંગાની પ્રાર્થના કરે છે, તેમાં કવિનો પ્રકૃતિ સાથેનો મંગલ સંવાદ પ્રગટ થાય છે! હે ભાગીરથી! મહારાજા દશરથના પુત્ર અને મારા પતિ રામચંદ્ર એમના પિતાની આજ્ઞાનું પાલન કરવા વનમાં જાય છે. તું એમની નિરંતર રક્ષા કરજે. હે સુભગે ગંગે, ચૌદ વર્ષ પૂરાં થાય ત્યાં લગી વનમાં રહી લક્ષ્મણ અને મારા સહિત શ્રીરામ ક્ષેમકુશળ પાછા ફરશે ત્યારે હું અતિ આનંદપૂર્વક તારું પૂજન કરીશ. હે ભગવતી, મારા બધા મનોરથો પૂર્ણ કરજો. હે ભગવતી પૃથ્વી, ઉત્તમ વસ્ત્રો અને ચોખાથી હું તમારું પૂજન કરીશ. તમારા પટ પર નિવસેલા પ્રયાગ કાશી જેવાં સર્વ પુણ્યસ્થાનોનું હું પૂજન કરીશ.’કવિનો આત્મા પ્રકૃતિ સાથે એવું તાદાત્મ્ય સાધે છે કેએમનાં પ્રકૃતિ વર્ણનો તેજ અને વૈભવથી ખચિત અમર વર્ણનો બની રહે છે. એટએટલાં નદ-નદીઓ, પર્વતો, વનો, પંખીઓ એમની કલ્પન સમૃદ્ધિમાંથી છલકે છે કે એ વિશ્વ સાહિત્યનો અમરકોષ બની રહે છે.

રામાયણમાં સંભોગ અને વિપ્રલંભ શૃંગાર છે, કરુણ છે, વીર વગેરે રસ છે. કરુણની બાબતમ તો એ વેદનાનો અમૃતકુંભ છે. પણ સમગ્ર રીતે જોતાં એમાં સમથળ વહે છે શાન્તરસ. શાંત રસથી એનો પ્રારંભ થાય છે અને શાંત રસમાં એનો અંતિમ સર્ગ પૂર્ણ થાય છે. સાત કાંડોમાં પ્રવર્તતું રામાયણ વિશ્વનું અમર મહાકાવ્ય છે. એ અનેક પુરાણકલ્પનોથી સમૃદ્ધ અને સભર છે એટલે જ પ્રજાની મહાસ્મૃતિઓમાં એ ચિરંજીવ રહ્યું છે. પ્રાચીન કથાગીતો, પૂર્વ-ઐતિહાસિક પુરાણકલ્પનો, ઉત્તમ કવિ કલ્પનાનો સર્જનાત્મક વિનિયોગ, ભાષાકીય અને સાંસ્કૃતિક નાનાવિધ સ્તરોની વિવિધતાનું નિરૂપણ, સાંગીતિકતાનું માધુર્ય – રામાયણમાં બધું જ અનુપમ છે. એમાં પ્રગટતાં નગરવર્ણનો, યુદ્ધવર્ણનો, પ્રકૃતિ વર્ણનો, ચરિત્રવર્ણનો અપૂર્વ છે. એમાં આલેખાયેલી દેવકથાઓ, પુરાણક્થાઓ, દેવભૂમિઓ પૃથ્વી પર અમર રહેવા સર્જાઈ છે. હજીયે એનાં થનારાં નવાં નવાં અર્થઘટનો અને અર્થચ્છાયાઓ માટે કવિએ પૂરતો અવકાશ એના પૃષ્ઠોમાં સંગોપી રાખ્યો છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યની પ્રજાને પોતાની આત્મસંવેદનાનો અમરકૂપ એમાં સર્વદા મળતો રહેશે. યુગેયુગે નવા કવિ સર્જકોને રામાયણ સતત પ્રેરણા આપતું રહેશે, કારણ કે એના અનુષ્ટુપ છંદના શબ્દોમાં એની પુરાણ ભૂમિમાં -આદિ કવિએ સુવર્ણ વૃક્ષનું અમર બીજ રોપી રાખ્યું છે.

Total Views: 231

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.