ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં

(રાષ્ટ્રગીત – રાગ : કાફી, દીપચંદી)

સુજલાં સુફલાં મલયજશીતલાં શસ્યશ્યામલાં માતરમ્
શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીં ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્
સુહાસિનીં સુમધુરભાષિણીં સુખદાં વરદાં માતરમ્

– વન્દે.

ત્રિંશત્કોટિ – કંઠ – કલકલ – નિનાદ – કરાલે
દ્વિત્રિંશત્કોટિભુજૈધૃત – ખર – કરવાલે
કે બોલે મા તુમ અબલે?
બહુબલધારિણીં નમામિ તારિણીં રિપુદલવારિણીં માતરમ્

– વન્દે.

તુમિ વિદ્યા, તુમિ ધર્મ, તુમિ હૃદેિ, તુમિ મર્મ
ત્વં હિ પ્રાણાઃ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ, હૃદયે તુમિ મા શક્તિ
તોમારઈ પ્રતિમા ગડી મન્દિરે મન્દિરે
ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી, કમલા કમલદલવિહારિણી,
વાણીં વિદ્યાદાયિની, નમામિ ત્વામ્

નમામિ કમલાં અમલાં અતુલાં સુજલાં સુફલાં માતરમ્

વન્દે.

શ્યામલાં સરલાં સુસ્મિતાં ભૂષિતાં ધરણીં ભરણીં માતરમ્

– વન્દે માતરમ્

આપણી ભારતભક્તિ પ્રાચીનકાળથી ઉત્કટ અને ઉજ્જવળ છે. પણ અંગ્રેજોના સહવાસ પછી જ અને national anthem ગાવાનો એમનો રિવાજ જોયા પછી જ આપણને પોતાનું રાષ્ટ્રગીત હોવું જોઈએ, અને મહત્ત્વને પ્રસંગે બધાએ મળીને ગાવું જોઈએ એ જાતનો આગ્રહ સર્વત્ર ચાલ્યો. એમાંયે પહેલ બંગાળે કરી હશે. એ વસ્તુ મહારાષ્ટ્રે ઉપાડી લીધી, અને જોતજોતામાં આખા દેશમાં ફેલાઈ.

તે વખતે બંગાળી સાહિત્ય – સ્વામી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કરીને એક પ્રખ્યાત લેખક હતા. એમણે ‘આનંદમઠ’ કરીને મુસ્લિમકાળની એક નવલકથા લખી હતી. એ નવલકથામાં કેટલાક દેશભક્ત સાધુઓ કાલિમાતાના મંદિરમાં ભેગા થઈ એક ગીત ગાતા હતા. એ માતાનું સ્તોત્ર પણ ખરું અને તે વખતનું ભારતમાતાનું રાષ્ટ્રગાન પણ ગણી શકાય.

અમારા જમાનાના બંગાળના લોકોએ એ જ ગીત રાષ્ટ્રગીત તરીકે ચલાવ્યું. ૧૯૦૮-૯ના એ દિવસો હશે, એ ગીતમાં ‘વંદે માતરમ્’ એ શબ્દો ફરી ફરી આવે છે અને લલકારવાના હોય છે. ખરું જોતાં એ મૂળ ગીત દેવી ઉપાસનાના ધાર્મિક ગીત તરીકે પણ ચાલે, અને ભારતમાતાનું ગીત પણ ગણાય એવી રીતે લખેલું હતું. મુસલમાનો, ઈસાઈઓ વગેરે ભિન્નધર્મી લોકો એને રાષ્ટ્રગીત તરીકે શી રીતે સ્વીકારી શકે?

અંતે રાષ્ટ્રહૃદયે નક્કી કર્યું કે એ ગીતની પહેલી કડી જ રાષ્ટ્રગીત ગણવી. ‘ત્વં હિ દુર્ગા દશ પ્રહરણ-ધારિણી’ વગેરે ભાગ તો છોડી જ દીધો.

આખા હિંદુસ્તાનમાં જ્યારે એનો સ્વીકાર થયો ત્યારે સપ્તકોટિકંઠને બદલે ‘ત્રિંશત્‌કોટિકંઠ’ અને ‘દ્વિસપ્તકોટિભુજૈર્’ વગેરે શબ્દો મૂકાયા.

આખા રાષ્ટ્રનું એ ગીત થવાથી એમાંના છેલ્લા ભાગમાં દુર્ગા અને કમલા વગેરેનો ઉલ્લેખ આવ્યો હતો એ ભાગ પણ કાઢી નાખવો પડ્યો.

રાષ્ટ્રગીત તરીકે ‘વંદે માતરમ્’ ગવાતું હતું એને ઠેકાણે ‘જનગણમન’ એ ગીત જેમ જેમ વધારે લોકપ્રિય થવા લાગ્યું તેમ તેમ આ રાષ્ટ્રગીતનું મહત્ત્વ ઓછું થયું. અને આપણી ભજનાવલિમાં આપણે પહેલી ત્રણ લીટીની જ એક કડી રાખી હતી.

હવે આપણે ભારતમાતાને વિશ્વશાંતિની અને સમસ્ત માનવજાતિની સેવા અને ઉન્નતિના પ્રતિનિધિ ગણવા લાગ્યા છીએ. એટલે હવે ‘સશસ્ત્ર’નો ઉલ્લેખ અને ‘રિપુદલ સાથે લડવાનો ભાગ’ કાઢી જ નાખીએ. પણ બાકીનો ભાગ જેટલો રાખી શકાય તે રાખવો જોઈએ.

‘વંદે માતરમ્’ એ ગીત આપણે સ્વીકાર્યું હતું, ચલાવ્યું હતું અને આજે પણ આને રાષ્ટ્રગીત તરીકે કોઈ ગાય તો તે માન્ય રાખીએ. તેથી ‘વંદે માતરમ્’ એ ગીતની બંને કડી આપણે લઈએ. એટલે કે ‘તુમિ વિદ્યા તુમિ ધર્મ’થી માંડીને ‘મન્દિરે મન્દિરે’ સુધી ત્રણે લીટી લઈએ.

અને સૌથી છેલ્લી લીટી ‘શ્યામલાં સરલાં સુસ્મિતાં’ એ પણ આખી લીટી આખરે જરૂર આવે.

હવે વચલી કડીમાં છેવટની લીટીનો વિચાર કરવો પડશે.

‘તોમારઈ પ્રતિમા ગડી મન્દિર મન્દિરે’ એટલે દરેક મંદિરમાં તમારી મૂર્તિ બનાવીશું, સ્થાપીશું એવો અર્થ લઈએ તો ‘મૂર્તિપૂજાના વિરોધી લોકો’ વાંધો ઉઠાવશે. પણ જો એને બદલે આપણે રાખીશું કે ‘તોમાઈ પ્રતિમા ગડી હૃદયમન્દિરે’ તો પછી મૂર્તિપૂજાનો ભાવ એમાં આવતો નથી, ભારતમાતાની માનસિક મૂર્તિ દરેક હૃદય મંદિરમાં સ્થપાય એ પવિત્ર ભાવના બધાને જ માન્ય થઈ શકે છે.

Total Views: 197

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.