સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સભ્ય છે. તેમણે અંગ્રેજી તેમ જ બંગાળીમાં અનેક ગ્રંથો લખ્યા છે. – સં.

ખ્રિસ્તી મિશનોને કંઈક મળતું આવતું અને દેખીતી રીતે તત્કાલીન ભારતીય સમાજ પર પ્રભાવ પાડતું ‘રામકૃષ્ણ મિશન’ તરત જ પ્રજાનું ધ્યાન પોતાની તરફ દોરી શક્યું હતું. પણ અહીં ‘મિશન’ શબ્દ એના સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા અર્થધ્વનિ કરતાં જુદો જ અર્થ ધરાવે છે. રામકૃષ્ણ મિશન કોઈ ધર્માન્તર કરાવતું નથી. એ તો વિવિધ ધર્મોના ઉપાસકો વચ્ચે ભાતૃભાવ કેળવવા માટે- શ્રીરામકૃષ્ણના ઉપદેશો અનુસાર કાર્ય કરે છે. રામકૃષ્ણ મિશનના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજીએ રામકૃષ્ણ મિશનની અભૂતપૂર્વતા સને ૧૯૧૦માં દર્શાવી હતી. તેમણે કહ્યું હતું : ‘રામકૃષ્ણ મિશન’ ભૂતકાળનાં અને વર્તમાનકાળનાં બીજાં એવાં ધાર્મિક મિશનો કરતાં જુદા જ પ્રકારનું છે કારણ કે એકમાત્ર એણે જ સૌ પ્રથમ વિવિધ ધર્મોની આવશ્યકતા, સર્વધર્મોની સમાન ભૂમિકા અને સર્વધર્મ સમભાવની ખોજ કરી છે. વિશ્વનાં બીજા ધાર્મિક મિશનો તો પોતાની જ દોષરહિતતા, પૂર્ણતા અને સર્વોપરિતા ઉપર જ ભાર મૂકી રહ્યાં છે.

એના આદર્શની એટલી વિશાળતા છે અને એથી એનાં કાર્યક્ષેત્રનો એટલો બધો વિસ્તાર થયો છે કે યુનેસ્કોના ડાયરેૅક્ટર જનરલ શ્રી ફેડેરિકો મેયર જેવા મહાનુભાવે પણ ૧૯૯૩ના ઑક્ટોબર માસમાં નોંધ્યું કે “છેક ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદે સ્થાપેલા ‘રામકૃષ્ણ મિશન’ના બંધારણની, ૧૯૪૫માં રચાયેલા યુનેસ્કોના બંધારણ સાથેની સમાનતા જોઈને હું તો આભો જ બની ગયો!”

આ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનો મધ્યવર્તી સેતુ રામકૃષ્ણના સંન્યાસીઓનો સંઘ-રામકૃષ્ણ સંઘ છે. હિન્દુ સંન્યાસીઓના દશનામ સંપ્રદાયના હોવા છતા પણ આ સંન્યાસીઓનો સંઘ એક સ્વાયત્ત સંન્યાસી સંઘ છે. એને પોતાની આગવી પરંપરા છે અને આગવાં મૂલ્યો છે. શ્રીરામકૃષ્ણના ઉપદેશોને અને સામર્થ્યને અમલમાં મૂકવા કટિબદ્ધ થયેલા આ સંઘને શ્રીરામકૃષ્ણનું નિગૂઢ શરીર ગણવામાં આવે છે. અને રામકૃષ્ણની ભાવધારા મઠ અને મિશન ઉપરાંત શારદામઠ અને રામકૃષ્ણ શારદા મિશનની આસપાસ પણ વિસ્તરેલ છે. મઠ – મિશનની સાથે નહિ જોડાયેલાં હજારો કેન્દ્રો- ખાનગી કેન્દ્રો – અને અસંખ્ય અન્ય અનુયાયીઓ તેમ જ આ આદર્શના હિમાયતી પ્રશંસકોમાં પણ આ ભાવધારા ફેલાઈ છે.

‘મઠ’ અને ‘મિશન’ આ બે નામોમાંથી બીજું ‘મિશન’ નામ દેશ વિદેશમાં વધુ વિખ્યાત થયું છે. ઉદાહરણ તરીકે સને ૧૯૦૩માં જ્યારે બેંગલોરની ‘વેદાન્ત સોસાયટી’નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. ત્યારે એને ‘મિશનની સોસાયટી’ કહેવામાં આવતી. અને ૧૯૦૬માં ૭મી જાન્યુઆરીએ સાનફ્રાન્સિસ્કોમાં મંદિરને સમર્પિત કરવામાં આવ્યું ત્યારે એને “રામકૃષ્ણ મિશનના પ્રથમ હિન્દુ મંદિર” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, રિચાર્ડ સ્હૈફીમૅને પોતાના ‘શ્રીરામકૃષ્ણ’ (૧૯૮૯) નામના પુસ્તકમાં સ્વામી બ્રહ્માનંદજીને રામકૃષ્ણ મિશનના પહેલા અધ્યક્ષ તરીકે ઓળખાવ્યા છે. ભારતનાં કેટલાંય નગરોમાંના જાહેર રસ્તાઓ ‘રામકૃષ્ણ મિશન’નું કે ખાલી ‘મિશન’નું નામ ધરાવે છે. પછી ભલે ને તે નગરમાં મઠ કે મિશનનું એકે ય કેન્દ્ર ન હોય! ‘મિશન’ નામની આ લોકપ્રિયતાની સમજૂતી આપતાં સ્વામી શારદાનંદજીએ એક કારણ બતાવ્યું હતું. સને ૧૯૨૬માં મઠ અને મિશનના પ્રથમ મહાસંમેલનમાં આપેલા સ્વાગત પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે ‘અને તમારા વારંવારનાં આખા ભારતમાં થતાં રાહત કાર્યોથી તમે જનસમાજના હૃદયમાં રામકૃષ્ણ મિશનનું નામ અને એના ઉપરની લોકોની દૃઢતમ શ્રદ્ધા જગાડી શકવામાં અને અને સ્થાપિત કરવામાં સફળ નીવડ્યા છો.”

સ્વસ્થ નિરીક્ષણથી એવું જણાય છે કે મઠ અને મિશનનાં આ બન્ને નામો ઘણી વખત મિશ્રિત થઈ ગયાં છે. અને તે એટલી હદ સુધી કે તિરુવન્નન્તપુરમ્‌નું મઠનું કેન્દ્ર ૨૭૫ પથારીવાળી એક હૉસ્પિટલ ચલાવી રહ્યું છે, જ્યારે દિલ્હીનું મિશનનું કેન્દ્ર શ્રીરામકૃષ્ણદેવનું એક સુંદર મંદિર ધરાવી રહ્યું છે, અને ત્યાં નિયમિત પ્રાર્થના અને સમયસમયના ઉત્સવો વગેરેનું આયોજન થાય છે! સાચી વાત એ છે કે જૂનાં વરસોમાં બન્ને નામો એકબીજાની અવેજીમાં વાપરવામાં આવતાં હતાં.

આ બન્નેની – મઠ અને મિશનની – ભેદરેખાને ભૂંસી નાંખવામાં જવાબદાર કેટલીક બાબતો નિઃશંક રીતે ઊડીને આંખે વળગે તેવી છે. જનમાનસમાં ગૂંચવાડો ઊભો કરે તેવી એ કેટલીક બાબતો આ પ્રમાણે છે:

(૧) રામકૃષ્ણ – મઠના ટ્રસ્ટીમંડળમાં અને રામકૃષ્ણ મિશનની સંચાલન સમિતિમાં તે જ એકસરખી વ્યક્તિઓ છે.

(૨) મઠ અને મિશનમાં એના એ જ સંન્યાસીઓ કામ કરે છે અને વ્યવસ્થાના પદાધિકારીઓ બને છે,

(૩) મઠ અને મિશનના એક જ મુખ્ય મથક બેલુરમાં આ બધાં એક જ મકાનમાં સાથે રહે છે. અને એક જ વ્યક્તિ એમની દેખરેખ રાખે છે;

(૪) કેટલાંક મઠ કેન્દ્રો, મિશન માટે જ નિર્ધારેલી પ્રવૃત્તિઓ હાથ ધરે છે અને મઠના ક્ષેત્રમાં જ આવતી કેટલીક પ્રવૃત્તિઓ મિશન પણ હાથમાં લે છે.

(૫) સંગ્રેજી હકૂમત દરમિયાન ૧૮૬૦નો સોસાયટી એક્ટ રજવાડાઓનાં કેટલીક કક્ષાએ અમલી ન હોવાને કારણે મિશનની પ્રવૃત્તિઓ ફરજિયાતપણે ત્યાં આવેલા મઠ કેન્દ્ર મારફત કરવામાં આવતી હતી.

(૬) મુખ્ય મથકેથી (બેલુર મઠથી) પ્રકાશિત થતો વાર્ષિક અહેવાલ, જે ખાસ કરીને તો રામકૃષ્ણ મિશનનો જ વાર્ષિક અહેવાલ હોય છે, તો પણ એને ‘રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનો સામાન્ય અહેવાલ’ એવું નામ આપવામાં આવે છે. અને

(૭) મિશનના પહેલા સામાન્ય અહેવાલે સ્પષ્ટ કહ્યું છે કે “આધ્યાત્મિક, શૈક્ષણિક અથવા જનસમાજનું કલ્યાણ કરતું કોઈ પણ પુણ્યનું કાર્ય મિશનના કાર્યક્ષેત્રમાં આવે છે.” સ્વામી ગંભીરાનંદજીએ સાચું જ કહ્યું છે કે “આધ્યાત્મિક” શબ્દ યોજીને મઠની પ્રવૃત્તિઓને પણ પોતાનામાં સમાવી લેવા માટે મિશને પોતાની પરિભાષા સહજ રીતે જ વિસ્તારી દીધી છે.”

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની આ બન્ને સંસ્થાઓના તફાવતની અસ્પષ્ટતા વિશે કાયદાના રખેવાળોનું ગમે તે કહેવાનું થતું હોય પણ મઠ અને મિશનના અધિકારીઓ અને ગંભીરતાથી લેતા નથી એવું જણાય છે. બીજી તરફ મઠ-મિશનના બીજા ૫૨માધ્યક્ષ સ્વામી શિવાનંદજીએ આવો ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો હતો કે “મઠ અને મિશનના આદર્શો વચ્ચે કોઈ ભેદભાવ ખોળવાનો પ્રયત્ન કરવો એ પાપ છે અને એ ભયંકર છે. મઠ-મિશનના આદર્શો વચ્ચે ભેદભાવ શોધવાનો યત્ન કરવો એ એક સિક્કાની બન્ને બાજુએ વચ્ચે ભેદ ઊભો કરવા બરાબર છે.”

ઇતિહાસના કોઈ પણ વિદ્યાર્થીએ આ બે મહત્ત્વની બાબતોને ધ્યાનમાં લેવાનું કોઈ પણ ભોગે ભૂલવું ન જોઈએ : એક તો, સ્વામી વિવેકાનંદજીનું મઠ કેન્દ્રો સહિતનું ટ્રસ્ટ ડીડ ૧૯૦૧માં અમલમાં આવ્યું હતું; પણ મિશનની બધી શાખાઓનું કેન્દ્રીય મથક રામકૃષ્ણ મિશનનું રજિસ્ટ્રેશન ૧૯૦૯માં કરવામાં આવ્યું હતું. પણ ઘણાં કારણોને લીધે મઠ અને મિશન એકબીજા સાથે કાનૂની જોગવાઈઓ અનુસાર રહી શક્યાં નહિ. બીજી બાબત – કે રામકૃષ્ણ મિશન ઍસોસિયેશન, એ કંઈ કેવળ મિશનનાં કેન્દ્રોના જ પિતૃસ્થાને નથી. મઠ કેન્દ્રોના પિતૃસ્થાને પણ એ છે જ, સ્વામી શિવાનંદજીએ કહ્યું છે. “તેમના (સ્વામીજીના) વખતમાં સંઘને મઠ અને મિશન એવા બે ઔપચારિક વિભાગોમાં વહેંચવાની કોઈને જરૂર જણાઈ ન હતી,” એના આદ્યસ્થાપકોનો સૌ પ્રથમ હેતુ સંબંધ તો એ હતો કે આ બંને સંસ્થાઓની પ્રવૃત્તિઓ તેમના ગુરુદેવના સંદેશને પ્રતિબિંબિત કરે છે કે કેમ, તે નક્કી કરવાનો હતો. મઠ અને મિશનના મર્મજ્ઞ ઇતિહાસકાર સ્વામી ગંભીરાનંદજીએ ઘણી જ યોગ્ય રીતે “રામકૃષ્ણ મિશન ઍસોસિયેશન” માંહેના “ઍસોસિયેશન” શબ્દને ‘સંઘ’ શબ્દની બરોબરીનો ગણ્યો છે. ૧૮૯૭ના મે માસની પાંચમી તારીખે મળેલી ‘ઍસોસિયેશન’ની બીજી મિટિંગમાં કાર્યપદ્ધતિ ઘડવામાં આવી, એણે સ્પષ્ટ રીતે દર્શાવ્યું કે “મિશનની પ્રવૃત્તિઓ ભારતના વિવિધ ભાગોમાં મઠો અને આશ્રમો સ્થાપવામાં વળવી જોઈએ.”

સ્વામી વિવેકાનંદજીને આ મિશન ઍસોસિયેશનના સામાન્ય પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા. પાછળના દિવસોમાં મઠ કે મિશનનાં કેન્દ્રોનું આ મૂળસ્થાન – ગંગોત્રી હતું.

આ પછી વખત જતાં છેક ૧૯૨૬માં પણ સ્વામી શારદાનંદજીએ રામકૃષ્ણ મિશન વિશેનું સ્વામી વિવેકાનંદજીનું દૃષ્ટિબિંદુ નીચેના શબ્દોમાં વર્ણવ્યું હતું. તેમણે કહ્યું : “શ્રીરામકૃષ્ણના ધાર્મિક વિચારોને ફેલાવવા, સ્વામી વિવેકાનંદજીએ માનવજાતની સેવાના તેમના આદર્શ- દરેક માનવપ્રાણીને ઈશ્વરનું સ્વરૂપ ગણવા – અરે ઇશ્વરે જ માનવીના આદર્શને ફેલાવવા રામકૃષ્ણ મિશન શરૂ કર્યું હતું. આ રીતે ઉપદેશો અને માનવકલ્યાણની પ્રવૃત્તિઓ – એમ મિશનના બે મુખ્ય ભાગ પડી ગયા.”

આ હકીકતોને લક્ષમાં લેતાં ૧૯૯૭-૯૮નું વર્ષ, વિશ્વનાં બધાં જ મઠ અને મિશનનાં કેન્દ્રો દ્વારા, તેમની પિતૃસ્થાનીય સંસ્થા રામકૃષ્ણ મિશન ઍસોસિયેશનના પ્રારંભની શતાબ્દીરૂપે ઉજવવામાં આવી રહ્યું છે.

એક અપેક્ષિત આંદોલન રૂપે પ્રસ્ફુટિત થયેલા આ શ્રીરામકૃષ્ણ મિશન ઍસોસિયેશને વિરોધના સપાટાઓ, ઉપેક્ષાઓ, સ્વીકાર, હીન ખુશામતો વગેરે અનેક બાબતોમાંથી પસાર થવું પડ્યું છે. આ ભાવાન્દોલને ક્યારનું ય રાષ્ટ્રીય આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. પરન્તુ એની આંતરરાષ્ટ્રીય વૈશ્વિક અસરનો ખ્યાલ હજુ સુધી આપણને આવ્યો નથી.

ભારતીય ઇતિહાસના સૌથી અંધકારમય દિવસો દરમિયાન આપણા રાષ્ટ્રપ્રાસાદના પાયા સમાન, આપણા જીવનની કરોડરજ્જુ સમાન, આપણા અવલંબન સમાન ધર્મ માનવોને મદદ કરવાને બદલે માનવોનો અવરોધક બની બેઠો હતો. શાસ્ત્રોની સ્પષ્ટ આજ્ઞા હોવા છતાંય સાધુ સંન્યાસીઓ સહિત બધા જ ધર્મ આચરનારા લોકો અત્યંત સ્વાર્થી-આત્મકેન્દ્રી બની ગયા હતા; તેમનો અન્ય સાથે કોઈ પ્રેમ કે સંબંધ રહ્યો ન હતો, પણ આ સ્વાર્થીપણું તો આધ્યાત્મિક જીવનના વિકાસને રૂંધતું મનનું સૌથી ખરાબ કદરૂપું પ્રદુષણ જ છે. આ પ્રદુષણનો સામનો કરવા માટે સ્વામી વિવેકાનંદજીએ વૈશ્વિક ધર્મ પ્રબોધ્યો. એનું મુખ્ય તત્ત્વ પૂજાભાવે માનવસેવા હતું. આ વિભાવના મનમાં રાખીને તેમણે રામકૃષ્ણ મિશન ઍસોસિયેશન માટે “આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ”નો મુદ્રાલેખ (પોતાના મોક્ષ માટે અને જગતના કલ્યાણ માટે) ઘડ્યો. આ મહાન આદર્શને અમલી બનાવવા માટે તેમણે પશ્ચિમની સંગઠન પદ્ધતિનો સહારો લીધો. આ મહાન આદર્શ ‘પંચમ પુરુષાર્થ’ તરીકે ઘણી વાર સામાન્યતઃ હિન્દુઓ દ્વારા પુરસ્કારાયેલ છે.

૧૮૯૭ના મે માસની પહેલી તારીખે સંન્યાસીઓ અને ગૃહસ્થભક્તોની મિટિંગ બોલાવીને સ્વામી વિવેકાનંદજીએ જરૂરતવાળા લોકોને આધ્યાત્મિક, માનસિક, ભૌતિક સેવાઓ આપવા માટે તેમ જ તે સેવા આપનારાઓના આધ્યાત્મિક લાભ માટે સંન્યાસીઓ, ગૃહસ્થભક્તો અને પ્રશંસકોના સંયુક્ત સાહસરૂપે રામકૃષ્ણ મિશન ઍસોસિયેશનની સ્થાપના કરી.

ભીતરથી અને બહારથી આવતા વિરોધોને સ્થિરતાથી અને દૃઢતાથી પાર કરતા અડીખમ સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશનના યંત્રનું સંચાલન કર્યે જ રાખ્યું. ગરીબો, આપદ્‌ગ્રસ્તો, રોગો અને કુદરતી આફતોના ભોગ થઈ પડેલાઓ માટે રાહતકાર્યોની હારમાળાઓએ રસ્તો બનાવી આપ્યો. પછીના થોડા દાયકાઓમાં તો આવાં માનવસેવાનાં કાર્યો એ અનિવાર્ય કાર્યક્રમો બની ગયા. પછી તો અન્ય ધાર્મિક અને બીજાં સંગઠનો માટે પણ અનિવાર્ય બની ગયાં. અહીં આપણે તત્ત્વજ્ઞ રાજપુરુષ ડૉ. રાધાકૃષ્ણન્‌ની પ્રશંસાત્મક સમીક્ષા ટાંકીએ. તેઓ લખે છે: “મહાન ગુરુ (શ્રીરામકૃષ્ણ)ની પ્રેરણા નીચે સામાજિક સહાનુભૂતિ અને કરુણાની ભારે પ્રમાણમાં પુનર્જાગ્રતિ થઈ છે. સમગ્ર દેશમાં કેળવણી અને વૈદ્યકીય સારવારનું કામ થયું છે. હિન્દુત્વના ધૂળમાં રગદોળાયેલા પતિત જીવનને ઉન્નત કરવામાં તેમણે મોટો ફાળો આપ્યો છે અને એ કંઈ ખાલી શબ્દોમાં જ નહિ. કામ કરીને પણ આપ્યો છે.” પ્રૉ.ડી.ઍસ. શર્માએ કરેલી પ્રશંસા પણ ઉલ્લેખનીય છે. તેમણે કહ્યું કે “આ રીતે ઊભું થયેલું આ ભાવાન્દોલન આપણા ભૂતકાળને વફાદાર હતું અને સાથોસાથ ભવિષ્યની અનેકાનેક શક્યતાઓથી ભરપૂર હતું. એનાં મૂળ આપણી રાષ્ટ્રીય સભાનતામાં ઊંડે સુધી પ્રવેશેલાં હતાં અને છતાં પણ એ પોતાના દૃષ્ટિકોણમાં વૈશ્વિક હતું.”

સ્વામી વિવેકાનંદજીના વિચારો અને આદર્શોનો અધિકારપૂર્વક વારસો સેવતા મિશનને પણ અંગ્રેજ સરકારનો ખોફ વહોરવો પડ્યો, એ એક હાસ્યાસ્પદ બીના છે. ઉદ્દામવાદી ચળવળમાં ભળેલા નેતાઓ સહિતના તમામ રાષ્ટ્રીય નેતાઓના માનસ પર સ્વામી વિવેકાનંદજીની છાયા છે, એમ અંગ્રેજ સરકારે શોધ્યું હતું એથી સરકારે મિશન ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ પ્રતિબંધ મૂકી શકી નહિ. આધુનિક રાષ્ટ્રીય આંદોલનના આધ્યાત્મિક પિતા તરીકે સ્વામીજી માન્યતા પામ્યા છે. આમ ભારતની સ્વતંત્રતા હાંસલ કરવા તરફ દોરી જતી રાષ્ટ્રીય ચળવળમાં મિશનનો પરોક્ષ છતાં મૂલ્યવાન ફાળો છે એ કોઈથી નકારી શકાય તેમ નથી.

રામકૃષ્ણ મિશનના ઉદ્ભવ અને છેલ્લાં સો વરસોમાં થયેલા એના વિકાસના ઇતિહાસનું અધ્યયન કરનાર કોઈ પણ વ્યક્તિ એની નીચેની ખાસિયતો પિછાનવાનું ભૂલી શકશે નહિ :

(અ) કેટલીક વાર રામકૃષ્ણ મિશન NGOને મળતી આવતી માનવકલ્યાણકારી સંસ્થા બને છે. પણ તફાવત એ છે કે મિશનના સભ્યો ‘શિવજ્ઞાને જીવસેવા’ના આધ્યાત્મિક અનુશાસનને (દરેકે દરેક શિવસ્વરૂપ જ છે એમ જાણીને લોકસેવા કરવી) અનુસરે છે.

(બ) એ એક બિનરાજકીય સંઘ છે. સ્થાપિત હિતો દ્વારા રાજકીય હેતુઓ બર લાવવા માટે માણસોની ધાર્મિક લાગણીઓને ઉશ્કેરીને એનો દુરુપયોગ વારંવાર કરવા માટે ઇતિહાસ વગોવાયો છે. સ્વામી વિવેકાનંદજીની ઇતિહાસ વિષયક દૂરદર્શિતાએ સંઘને રાજકરણથી તદ્દને સ્પષ્ટ રીતે મુક્ત થવા માટે દોર્યો હતો. અને આમ છતાં પણ સામાજિક રીતે સક્રિય મિશન સરકારી અધિકારીઓ, તેમ જ વિવિધ કક્ષાના આગેવાનોનો સાથસથવારો અને સહાયનો સ્વીકાર કરે છે અને એ બધાથી પોતાનું અળગાપણું કાયમ જ રાખે છે. કોઈ ગેર સમજણને ભોગે પણ એ બિનરાજકીય જ રહેવા માગે છે. આ બાબતનું મહત્ત્વ સમજાવતાં સુપ્રસિદ્ધ લેખક ક્રિસ્ટોફર ઇશરવુડ અંજલિ આપે છે. તે લખે છે : “જો રામકૃષ્ણ મિશન કેવળ ધ્યાનપરસ્ત અને આધ્યાત્મિક જીવન વિતાવનારાઓ અને દુનિયાદારીથી વિમુખ લોકો પૂરતું જ મર્યાદિત રહ્યું હોત, તો તો રાજકારણમાંથી દૂર રહેવું એને માટે બહુ કઠણ ન નીવડત….મિશન તો પોતાની હૉસ્પિટલો, શાળાઓ, રાહતકાર્યમાં આયોજન વગેરેને લીધે જગતના બનાવો સાથે આવશ્યક રીતે સંકળાયેલું જ છે. પોતાને મદદ કરનારાના દુનિયાદારીના ખ્યાલોના ચક્રાવામાં આવ્યા વગર જ તેની પાસેથી પોતાની કાર્યયોજનાઓમાં સહાયતા અને સહકાર કેવી રીતે મેળવી શકાય, તે એણે શીખવું પડ્યું છે.”

(ક) દરેકને પોતપોતાનો ધર્મ પાળવામાં મિશન પ્રોત્સાહન આપે છે, એટલું જ નહિ પણ અન્ય બધા ધર્મો પ્રત્યે સહિષ્ણુતા અને તેના સારાં તત્ત્વોને આવકારે પણ છે. એ અર્થમાં મિશન બિનસાંપ્રદાયિક છે. આમ છતાં પણ પછીના કહેવાતા બૌદ્ધિકોના એક વર્ગમાં ઘર કરી બેઠેલા બિનસાંપ્રદાયિકતાના ‘અધાર્મિક’ કે ‘ધર્મવિરોધી’ એવા અર્થના તત્ત્વજ્ઞાનને મિશન સ્વીકારતું નથી.

(ડ) પોતાના બૌદ્ધિક અભિગમ અને ઔદાર્યને કારણે સુવિખ્યાત થયેલું મિશન, ભારતમાં અને વિદેશોમાં સાચા હિન્દુત્વના ઉદ્‌ઘોષક તરીકે અને ભારતની ધાર્મિક ચેતનાના સાચા પ્રતિનિધિ સ્વરૂપે માન્યતા પામ્યું છે.

(ઈ) મિશન એક ધારી રીતે કોઈ પણ મિશનરી ઈરાદા’ને તો નકારી જ કાઢે છે – એ તો સ્પષ્ટ જ છે; પછી તે બૌદ્ધિક સમજાવટ હોય કે સેવાકીય હોય! એ તો લોકોના ધર્મ, રાજકીય વિચારો, ભાષા, નાત, જાત વગેરેનું કશું ધ્યાન રાખ્યા વગર જ સૌની સેવા કરે છે. મિશન દીનહીનો, દુઃખિયારાં નિરાધારોને સ્વાવલંબી બનાવવાનો ઈરાદો રાખે છે. સમાજના જુદા જુદા વિભાગોમાંના ભેદભાવમૂલક સ્થાપિત હિતો દૂર થાય, એ જોવાની મિશનને ઝંખના છે.

(ફ) માનવની ઈશ્વરભાવે સેવા (શિવભાવે જીવસેવા)ના મિશનના હેતુઓના મુખ્ય મુદ્દાએ રાષ્ટ્રના માનસમાં સ્થાન જમાવ્યું છે. ધર્મ, નાતજાત કે રાજકીય પક્ષોની વાડાબંધીને ઓળંગીને બ જ ભારતીયો, સંન્યાસીઓ અને ગૃહસ્યો – બધે સ્થળેથી હવે કુદરતી આફતોથી કે માનવકૃત દોષોથી પીડિત લોકો તરફ હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે.

(ગ) મહિલાઓની વસતિ સમાજમાં અડધોઅડધ છે, અને સમાજ પરિવર્તનમાં તેમનું ખૂબ જબરું બળ છે – એ હકીકત સ્વીકારીને સ્વામી વિવેકાનંદજી સર્વત્યાગી સંન્યાસિનીઓનો એક સંઘ બને એમ ઈચ્છતા હતા. થોડા જ દશકાઓ પહેલાં શ્રી શારદામઠ અને રામકૃષ્ણ શારદા મિશનની થયેલી સ્થાપનાથી સ્વામીજીનું એ સ્વપ્ન સાકાર થયું છે. પુરુષોની કોઈ દખલગીરી વગર ચાલતું આ કદાચ એક માત્ર મહિલા સંગઠન છે.

(હ) વિશ્વના પ્રાચીનતમ શાસ્ત્ર – વેદાંત-ના પાયા પર ખંડ થયેલું આ મિશન આધુનિક વિજ્ઞાનનાં ઉચ્ચત્તમ ઉડ્ડયનોને પ્રાચીન સાથે સંવાદિતાભરી રીતે ઉપદેશે છે અને ભાખે પણ છે. એ પ્રયત્ન સાધના પર ભાર મૂકે છે. ખાલી વાતો, સિદ્ધાંતો કે દલીલબાજી નહિ, પણ અનુભવ – સાક્ષાત્કાર માટે જ મિશન મથામણ કરે છે. આજે માનવજાતની સામે પડેલી સમસ્યાઓના ઉકેલ માટે એ વ્યવહારુ અંતરસૂઝ પૂરી પાડે છે. સંઘના કેટલાક સ્વામીઓ વેદાંતની આભામાં વહીવટી વ્યવસ્થાના વર્ગોનું સંચાલન કરે છે.

(ય) કેળવણી, વૈદ્યકીય સારવાર, રાહતકાર્યો, પુનર્વસવાટ આદિવાસીઓ માટેની કલ્યાણ પ્રવૃત્તિઓ, પ્રવચનો અને પ્રકાશનોના ક્ષેત્રમાં મિશનનું કાર્ય ખૂબ જ દાદ માગી લે તેવું છે. પણ ‘કલા અને ઉદ્યોગોને આગળ ધપાવવા’ની મિશનની પ્રતિબદ્ધતા અને બધી કલાશાખાઓ અને સંસ્કૃતિનું સંવર્ધન કરવાનું સ્વપ્ન – એ બન્ને લક્ષમાં લઈએ તો એ કહેવું પૂરતું થશે કે લલિતકલાઓમાં, શિલ્પમાં, ચિત્ર વગેરેમાં મિશનની સિદ્ધિઓ જેટલી હોવી જોઈએ એના કરતાં ઓછી છે.

(જ) મિશનને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો એક સેતુ ગણવામાં આવ્યું છે. કાર્લ ટી. જૅકસન લખે છે : “રામકૃષ્ણ ભાવાન્દોલને પૂર્વના આદર્શો અને એની સાધનાને પશ્ચિમમાં સંક્રમિત કરી, અને સાથોસાથ પશ્ચિમની વિભાવનાઓને અને કાર્યક્રમોને પૂર્વમાં સંક્રમિત કરવા સહાય કરી છે. એશિયાની ધાર્મિક ભાવનાઓનો પશ્ચિમને પરિચય કરાવવાનો રસ્તો બનાવવામાં મિશને પાયાનું કામ કર્યું છે. રામકૃષ્ણ ભાવાન્દોલનને આધુનિક વિશ્વ ઇતિહાસના દૂરદર્શી વળાંકની ધાર પર ઊભેલું કહી શકાય.”

મિશનનાં સો વરસના ઇતિહાસનું વિહંગાવલોકન એટલું તો સ્પષ્ટ બતાવી જાય છે કે આ સમયગાળાની એની સિદ્ધિઓ પ્રશંસાપાત્ર રહી છે. છતાં એનું લક્ષ્ય તો હજુ ઘણું જ દૂર છે. આજની દેખાદેખીની આધુનિકતા અને ધર્મ પહેલાં ક્યારેય ન હતાં તેવાં જડસુ અને વિસંવાદી માલૂમ પડે છે. દલીલબાજી એવું ઠસાવવા માગે છે કે વપરાશીકરણની અજમાયશ અને વૈશ્વિકીકરણની ધૂન સાથેના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક કાર્યક્રમો માનવોને વધારે ને વધારે ભૌતિકવાદી દૃષ્ટિકોણવાળા બનાવી રહ્યા છે. અને એની સમાન્તરે વળી યુ.ઍસ.એ.માંના ઇવેન્જલિકલ ચર્ચ, ભારતમાં હિન્દુ સ્થાપિત સિદ્ધાંતવાદ, ઈરાકમાં ઉદ્દામ સ્થાપિત સિદ્ધાંતવાદ, યુ.ઍસ.એ.માં શ્રમજીવીઓના સંપ્રદાયો અને વર્ગો વગેરેના તાજેતરના બનાવો પશ્ચિમ યુરોપ અને જાપાન પરંપરાનુસરણનું જોમ દર્શાવે છે. આ રૂઢિવાદ પોતાનું માથું ઊંચકી રહ્યો છે. કેટલાક લોકો માને છે કે ધર્મ ક્ષીણ થતો જાય છે. તો વળી કેટલાક એવી દલીલ કરે છે કે સતત અદૃશ્ય થતાં દેખાતાં હોવા છતાં ધાર્મિક આંદોલનો ચક્રની માફક હંમેશાં ગતિશીલ જ રહેશે. એ એક સ્થળ અને સમયમાં ઝાંખાં પડેલા લાગતાં હશે તો વળી અન્ય સ્થળે ખૂબ વેગીલાં બનીને ફૂટી નીકળશે. આમ હોવા છતાં ઇતિહાસનું તટસ્થ અધ્યયન બતાવે છે કે ધર્મ અથવા તો આધ્યાત્મિકતાનું વિજ્ઞાન મનુષ્યોને તેમના આધ્યાત્મિક અને માસિક કટોકટીના કાળમાં ધરપત અને ખાતરી આપનાર જીવંત બળ છે. એ મનુષ્યોને તેમના રોજબરોજ ના સંઘર્ષોમાં જાળવી રાખે છે. ધાર્મિક શ્રદ્ધા માનવોનું જતન કરે છે. એટલું કહેવું જ પૂરતું નથી, પરંતુ એ મનુષ્યોના વિશ્વ સંબંધી દૃષ્ટિકોણનો વિસ્તાર કરવાનું એક વિશિષ્ટ સાધન પણ છે. તદુપરાંત, ધર્મે માનવ સમાજની ઉન્નતિ માટે પ્રાણવાન દાયિત્વ પણ પુરું પાડવાનું છે. મહાન વૈજ્ઞાનિક સર જુલિયમ હક્સલીના આ દૃષ્ટિકોણનો અનુભવ સમજવામાં માણસને એ સહાયક બની શકે છે. એણે ભાખ્યું છે : “અત્યાર સુધીમાં ઉત્ક્રાન્તિનો રખેવાળ બની રહેલો માણસ જો પોતાની પ્રગતિની અને પોતાના જીવનની સિદ્ધિ માટે ઈચ્છતો હોય તો એણે કામ કરવું પડશે, આયોજન કરવું પડશે.”

ફક્ત આ જ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદજીએ ભાર પૂર્વક આપેલા બોધને આપણે મૂલવવો જોઈએ : “દરેકે દરેકને વેદાંતનો બોધ આપો કે જેથી ધર્મ આધુનિક વિજ્ઞાને આપેલા આંચકાને ખમી શકે.” જે અદ્વૈત વેદાંત વ્યવહારમાં તદ્દન નિષ્ક્રિય બની ગયું હતું, તેને જીવનમાં પુનઃ અમલી બનાવવા ઝંખતા સ્વામી વિવેકાનંદજીએ ‘વ્યાવહારિક વેદાંત’ ઊભું કર્યું. એ વ્યાવહારિક વેદાંત, અસહિષ્ણુતાથી અને વિસંવાદિતાથી જીર્ણશીર્ણ થયેલ, વિવિધ ભાગોમાં સ્થાપિત હિતોના ભેદભાવોને પરિણામે નબળા બની ગયેલા, નાતજાતની વાડાબંધી અને બીજી ખરાબીઓથી હેરાન પરેશાન સમાજ સામેના પડકારો ઝીલવાનું જાહેરનામું હતું. અને સાથોસાથ હક્સલીએ સૂચવેલ માનવીય પ્રગતિ માટેની વૈજ્ઞાનિક આવશ્યકતાઓ પ્રત્યે કદમ મિલાવવાનો ઉદ્‌ઘોષ પણ એમાં હતો. વેદાંતની વિભાવનાઓના પાયા પર ખડું થયેલું મિશન, સમાજના જુદા જુદા સ્તરો વચ્ચે સમાનતા લાવવા માટે તેમ જ સામાજિક કાર્યોને આધ્યાત્મિકતા સાથે જોડી દેવા માટે, વિવિધ ધર્મોના મુદ્દાઓ વચ્ચે સંવાદિતા સાધવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. ટૂંકમાં, મિશન માનવોને એમના સાચા દિવ્ય સ્વરૂપનું ભાન કરાવવા અને એ દિવ્યતાનું પ્રગટીકરણ તેમના જીવનમાં હર ક્ષણે થાય, તે માટે સહાય કરવા પ્રતિબદ્ધ છે.

માનવની પ્રગતિનો ઉદ્દેશ સ્વામી વિવેકાનંદજીના મતે એ સ્થિતિએ પહોંચવાનો છે કે જ્યારે જીવનમાં આધ્યાત્મિક શક્તિ, ભૌતિક શક્તિ ઉપર પૂર્ણ રીતે છવાઈ ગઈ હશે; જ્યાં આસુરી શક્તિનો ઉપયોગ સંપૂર્ણ રીતે માનવની સ્મૃતિમાંથી ભૂતકાલીન સ્વપ્નની પેઠે એકદમ ભૂંસાઈ ગયો હશે. અને જ્યાં આ વિશ્વમાં બધાં જ કાર્યોમાં એક માત્ર પ્રેમ જ પ્રેરક બળ બનતો હશે… તેમના આ મહાન દૃષ્ટિકોણને અમલી બનાવવા એ જ તેમના જીવનનું મિશન હતું. તેમના માર્ગદર્શનને અનુસરતું આ રામકૃષ્ણ મિશન, તેમના જ ઐતિહાસિક મિશનને પૂર્ણ કરવા આગળ ધપી રહ્યું છે. અને સ્વામી વિવેકાનંદ જ્યારે દેહધારી હતા ત્યારે તેમણે વચન આપ્યું હતું તે પ્રમાણે અત્યારે પણ મિશનને માર્ગદર્શન આપી રહ્યા છે.

અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.