(23 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ પ્રસંગે સ્વામી પ્રભાનંદ લિખિત ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’માંથી સંકલિત લેખ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી અમરશીભાઈ ગાંગાણી. -સં.)

બાળકભાવસંપન્ન રાખાલના સંબંધમાં શ્રીમાએ એક ઘટના કહી હતી: “ઠાકુર ત્યારે દક્ષિણેશ્વરમાં હતા, રાખાલ- બાખાલ વગેરે બધા ત્યારે નાના હતા. એક દિવસ રાખાલને બહુ ભૂખ લાગી. તેણે ઠાકુરને કહ્યું. ઠાકુર આ વાત સાંભળીને ગંગાના કિનારે જઈને, ‘અરે ગૌરદાસી, જલદી આવ. મારા રાખાલને બહુ ભૂખ લાગી છે,’ જોર જોરથી પોકારવા લાગ્યા. એ વખતે દક્ષિણેશ્વરમાં ખાવાની વસ્તુઓ મળતી ન હતી. થોડી ક્ષણો પછી ગંગામાં એક નાવ જોવામાં આવી. નાવ કિનારાના ઘાટ પર આવતાં જ એમાંથી બલરામ બાબુ, ગૌરદાસી વગેરે એક મોટી હાંડી રસગુલ્લાં લઈને ઊતર્યાં. આનંદિત થઈને ઠાકુર રાખાલને પોકારવા લાગ્યા, ‘ઓ રે! આવને, રસગુલ્લાં આવ્યાં છે, આવીને ખા! ભૂખ લાગી છેને તને.’ રાખાલ નારાજ થઈને કહેવા લાગ્યા, ‘આપે આ રીતે બધાની સામે શા માટે કહ્યું કે મને ભૂખ લાગી છે?’ એમણે કહ્યું, ‘એમાં શું થયું રે, ભૂખ લાગી છે, ખા—આ કહેવામાં શું દોષ છે?’ એમનો આ જાતનો સ્વભાવ હતોને. શ્રીરામકૃષ્ણ રાખાલને પેટ ભરી ખવડાવીને તૃપ્ત થયા.”

રોજબરોજની ઘટનાઓમાં પણ ઠાકુર શ્રીરામકૃષ્ણ અને રાખાલમાં જે સહજ સ્નેહ-સંબંધ હતો, એને લગતી એક નાની ઘટનાની વાત કથામૃતકારે લખી છે. ‘આ સમયે રાખાલ ઘરમાં ભોજન કરવા બેઠેલા છે. પરંતુ ઘરમાં ઘણા બધા લોકો છે. એટલા માટે અહીંતહીં ત્યાં કરી રહ્યા છે. ઠાકુર આજકાલ રાખાલનું ગોપાલના ભાવથી લાલનપાલન કરી રહ્યા છે; ઠીક જાણે મા યશોદાનો વાત્સલ્યભાવ!

શ્રીરામકૃષ્ણ (રાખાલને) – ‘ખાને રે! ન ગમે તો આ લોકો ઊભા થઈને ચાલ્યા જાય! (એક ભક્તને) રાખાલને માટે બરફ રાખજો. (રાખાલને) તું વળી વનહુગલી જઈશ? તડકામાં ન જતો……’

રાખાલ જમવા બેઠા છે. ઠાકુર ભક્તોની સાથે ઓસરીમાં બેસીને પછી વાતો કરી રહ્યા છે.

બીજી એક નાની ઘટના. પોતાના અંતરંગ રાખાલની સાથે જાણે એકાત્મ બની ગયા છે શ્રીરામકૃષ્ણ! ૨૪ ઓક્ટોબર, ૧૮૮૨. બપોર પછી ભક્ત બલરામ અને માસ્ટરે આવીને પ્રણામ કરતાં શ્રીરામકૃષ્ણ હસતાં હસતાં કહી રહ્યા છે, ‘હા ભાઈ, તે બધું માનવું જોઈએ. આમ જુઓને, આ રાખાલને ઠીક નથી. મારેય હાથ-પગે કળતર થાય છે. થયું શું, ખબર છે? સવારમાં પથારીમાંથી ઊઠતી વખતે એમ વિચાર કરીને કે રાખાલ આવે છે એમ સમજીને મારાથી અમુકનું મોઢું જોવાઈ ગયું! (સૌનું હાસ્ય) હા ભાઈ, લક્ષણો જોવાં જોઈએ …’ વિસ્મિત ભક્તજનો શ્રીરામકૃષ્ણ લીલામાધુરીનું આસ્વાદન કરીને ધન્ય બની રહ્યા છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણની દૃષ્ટિમાં રાખાલ હંમેશાં એક સરળચિત્ત બાળક છે. ૧૮૮૪ના પહેલા ભાગમાં અધર સેનના શોભાબજારના ઘરમાં ચંડીગીતોની મહેફીલ બેઠી, એમાં નિમંત્રણ મેળવીને ઠાકુર અને ભક્તોએ યોગદાન કર્યું. ભક્ત રામચંદ્ર દત્તને ખબર આપવાનું દાયિત્વ રાખાલને સોંપવામાં આવ્યું હતું. ભૂલી જવાને કારણે તેઓ એમને ખબર દઈ શક્યા નહીં. નારાજ રામચંદ્ર દત્તે શ્રીરામકૃષ્ણને રાખાલની ફરિયાદ કરી. સાંભળીને ઠાકુર બોલ્યા, ‘રાખાલના દોષ જોવા નહીં, એ તો બાળકવત્‌ છે. એનું ગળું દબાવવાથી દૂધ નીકળશે.’ (અર્થાત્‌ તેઓ દૂધ પીતા બાળક જેવા નિર્દોષ છે.)

દક્ષિણેશ્વર તપોવનમાં ભગવદ્‌-ચિંતન, આરાધના, ભજન રાત-દિવસ ચાલતાં રહેતાં. તપસ્યા-ઉજ્જવળ દિવસોની વચ્ચે વચ્ચે તપોવનના નિવાસીઓના સહજ, સરળ આડંબર રહિત જીવનનું સૌંદર્ય પ્રકાશિત થતું, જે ઘણું મધુર હતું. ઠાકુર શ્રીરામકૃષ્ણ કહેતા, ‘જુઓને, જ્યાં અવતાર છે, ત્યાં જ સરળતા છે….. અંતિમ જન્મ અથવા બહુ જ તપસ્યા ન હોય તો ઉદારતા અથવા સરળતા નથી આવતી.’ બાળક-સ્વભાવ રાખાલના વિષયમાં ઠાકુરના ભત્રીજા રામલાલ ચટ્ટોપાધ્યાયે પોતાના સ્મૃતિ-ભંડારમાંથી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

દક્ષિણેશ્વર-નિવાસની ઘટનાઓને યાદ કરતાં રાખાલ મહારાજે બેલુર મઠમાં એક દિવસ કહ્યું હતું, ‘ઠાકુર પાસે હું કેટલી હઠ કરતો! એક દિવસે તેલ લગાવતાં લગાવતાં ન જાણે તેમણે શું કહ્યું કે નારાજ થઈને શીશી ફેંકી દઈને ધડાધડ હું ચાલતો થયો. પરંતુ યદુ મલ્લિકના બગીચાથી આગળ વધી શક્યો નહીં—ત્યાં જ બેસી ગયો. આ બાજુ ઠાકુરે રામલાલ દાદાને મને બોલાવવા મોકલ્યા. પાછો આવતાં બોલ્યા, ‘જોયું, તું જઈ શક્યો? ઘેરામાં બાંધીને જે રાખેલો હતો.’

Total Views: 721

One Comment

  1. Deviben vyas January 7, 2023 at 2:37 am - Reply

    Dya sindhu thakurbhagvan vtsal krunasagar tamaro. Sday jy Thao khub srs Lila prasng pranam Maharaj jythakur jyma jyswamiji Maharaj

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.