(ગતાંકથી ચાલુ)

આપણી યાત્રાની દિશા અવળી ક્યારે થઈ જાય છે? આ ભૂલ આપણે ક્યારે કરીએ છીએ?

મનુષ્ય – શરીર એટલા માટે જ મળ્યું છે કે આ શરીર દ્વારા સ-સીમથી અસીમ સુધી પહોંચી જઈએ, મૃત્યુથી અમરત્વનાં લક્ષ્ય સુધી પહોંચી જઈએ. અન્ય બધી – ૮૪ લાખ યોનિઓ – ભોગયોનિઓ જ છે. દેવ, ગંધર્વ, કિન્નર બધી ભોગયોનિઓ જ છે. તે ભોગયોનિઓમાં, બીજા શબ્દોમાં તે વાહનો દ્વારા આપણે યાત્રાના અંતિમ પડાવ સુધી પહોંચી શકીએ જ નહિ. એ યોનિઓમાં માત્ર ભોગ જ થઈ શકે યોગ નહિ. આ બધી જ – બીજી યોનિઓ કચરા ગાડીઓ છે. તે કચરાને ખાલી કરીને આપણા કર્મનો ક્ષય કરે છે. બસ એટલું જ, એથી વધુ કંઈ નહિ.

આપણે ભૂલ ક્યારે કરીએ છીએ? જ્યારે આપણે આ સર્વશ્રેષ્ઠ મનુષ્ય શરીરને પણ ભોગયોનિ બનાવી બેસીએ છીએ. જીવનમાં જ્યારે ઈન્દ્રિય સુખ જ સર્વસ્વ થઈ જાય છે, આપણું જીવન ભોગ કેન્દ્રિત થઈ જાય છે, આપણા જીવનનું ધ્યેય – ધન-વૈભવ, નામ-યશ, પદ-પ્રતિષ્ઠા વગેરે જ થઈ જાય છે, ત્યારે આપણી યાત્રાની દિશા ઊંધી – અવળી થઈ જાય છે, ત્યારે આપણે આગળ વધવાને બદલે પારોઠનાં પગલાં ભરતાં હોઈએ છીએ. ઉપર જવાને બદલે નીચે જવા માંડીએ છીએ. ઈશોપનિષદની ભાષામાં “આત્મહનઃ” થઈ જઈએ છીએ. આપણે આપણી જાતે જ આત્મહત્યા કરનાર થઈએ છીએ.

આ આત્મહત્યા એટલે જ અવળી દિશામાં ચાલવા માંડવું. મરીને અંધકારમય અસુર લોકોમાં જવું – મૂઢ પશુ યોનિઓમાં જન્મ લેવો. બંધનોમાંથી છૂટવાને બદલે હજીયે વધુ ને વધુ બંધનોમાં જકડાઈ જવું. ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટ સચોટ શબ્દોમાં કહે છે – “નિબંધાય આસુરી મતા” – “આસુરી સ્વભાવ બંધનનું કારણ છે. “કામભોગેષુ પ્રસક્તાઃ અશુચૌ નરકે પતન્તિ” “કામભોગોમાં આસક્ત લોકો અપવિત્ર નરકમાં પડે છે.”

એટલું જ નહિ ‘ક્ષિપામિ અજસ્રમ્ અશુભાન આસુરીયુ યોનિષુ’ મનુષ્ય શરીરમાં પશુઓ જેવું જીવન જીવનારને સ્વયં ભગવાન જ આસુરી યોનિઓમાં ફેંકે છે. (ભગવદ્‌ગીતા, ૧૬.૧૯)

એટલે આપણે સાવધાન રહેવું પડશે કે આપણી યાત્રાની દિશા ક્યાંક અવળી ન થઈ જાય, આપણે પોતે નજર સામે હંમેશાં ‘યાત્રી, સાવધાન!’નું ચેતવણી આપતું બૉર્ડ લગાવી રાખવું પડશે.

યાત્રી કોણ?

અહીં બે શબ્દો યાત્રી વિષે. એક બીજી ભૂલ યાત્રીથી થઈ જાય છે. તે આ છે કે યાત્રી વાહનને જ ‘યાત્રી’ સમજી બેસે છે. આપણું શરીર વાહન જ છે. તેની અંદર યાત્રી બેઠો છે. તે શરીર નથી. તે શુદ્ધ ચૈતન્ય આત્મા છે. શરીર તો રથ છે. અને રથનો માલિક તો ચૈતન્ય આત્મા જ છે. ‘આત્માનં રથિનં વિદ્ધિ’ એટલે આપણે સાવધાન રહેવું જોઈએ, ચેતીને ચાલવું જોઈએ કે ક્યાંક આપણે શરીરને જ ‘હું’ ન સમજી બેસીએ. દેહને જ યાત્રી ન સમજી બેસીએ.

યાત્રીએ આ યાદ રાખવું કે “શરીર, મન વ. તો મારાં વાહન છે. હું તેનો માલિક છું. મારે તેનો ઉપયોગ કરી લેવો છે. વાહન બગડી જાય, નાશ પામે, તે પહેલાં જ મારે યાત્રા પૂરી કરવી જોઈએ. ઓછામાં ઓછું મારે યાત્રા પૂરી કરવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ.” ત્યારે જીવન યાત્રામાં આપણે આગળ આગેકૂચ કરી શકીશું.

યાત્રી, તમારી જાતને તો પિછાણો – ‘આત્માનં વિદ્ધિ!’ તમે જડ નથી ચૈતન્ય છો, તમે જ્ઞાનસ્વરૂપ છો. તમારી અંદર અનંત શક્તિ અને સામર્થ્ય છે. તમે તેને ભૂલી ગયા છો. ઊઠો, જાગો. એક વાર તેનું સ્મરણ તો કરી લો, તેને સ્મરવાથી જ, સ્મરણમાત્રથી અંદરની સુષુપ્ત શક્તિઓ જાગી ઊઠશે.

ગંતવ્ય

યાત્રી ક્યાં ઊભો છે એ જાણવાના ક્રમમાં આપણે યાત્રી તથા યાત્રા વિષયક કેટલાંક તથ્યો પર એક પછી એક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિચાર્યું. હવે યાત્રાના બીજા મહત્ત્વપૂર્ણ તથ્ય – ગંતવ્ય પર વિચાર કરીએ. ગંતવ્યનું ઠીક ઠીક જ્ઞાન મળે, તે પછી યાત્રા કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. ધ્યેય જેટલું વધારે આકર્ષક, લોભામણું હશે, યાત્રાની પ્રેરણા તેટલી જ વધારે મળશે.

શું મૃત્યુ જ જીવનનું ગંતવ્ય છે? શું મરણ જ જીવનયાત્રાનો અંતિમ વિસામો છે? નહીં, જગતના બધા અવતારી મહાપુરુષો કહે છે કે “મરણ જીવનયાત્રાનો અંતિમ કે આખરી વિસામો નથી.”

આપણાં બધાંના મનમાં એક પ્રશ્ન જાગે કે કોણે જોયું છે કે મરણ પછી શું થાય છે, કોણ કહી શકે છે કે મૃત્યુથી પરમ શાંતિ મળતી નથી; મરણ પરમ શાંતિ આપી શકે નહિ? કોણ કહે છે કે તે જીવનયાત્રાનો આખરી વિસામો નથી?

મિત્રો, આ શંકાનાં બે સમાધાન છે : પહેલું સમાધાન છે કે અધિકારી પુરુષોની, શાસ્ત્રોએ કહેલ વાતમાં વિશ્વાસ રાખવો, જો આપણે પોતાનું જીવન સફળ કરવા ઈચ્છીએ, તો નકામા તર્ક-વિતર્કમાં ન પડીએ. આપણો મૂલ્યવાન સમય વેડફીએ નહિ.

શાસ્ત્રોમાં કહેલ વાત તથા અધિકારી પુરુષોએ પ્રબોધેલ શબ્દોમાં વિશ્વાસ રાખીને આપણું જીવન ઘડવા માંડીએ. આ જ શરીરમાં પોતાના યાત્રાના ચરમ ગંતવ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરી છૂટીએ. આ જ શાણપણભર્યો માર્ગ છે. જીવનયાત્રાની સફળતાનું રહસ્ય છે.

બીજું સમાધાન જડવાદીઓ તથા નાસ્તિકોનું છે. તેમની દૃષ્ટિએ આ જ જન્મ જીવનયાત્રાનો પ્રારંભ છે તથા મૃત્યુ તેનો અંત છે. એટલે જ્યાં સુધી જિંદગી જીવીએ છીએ ત્યાં સુધી ખાઓ, પીઓ, મજા કરો અને એક દિવસ મરી જાઓ.

એવા લોકો માટે આપણી આ ચર્ચાનું કંઈ જ મહત્ત્વ નથી. કોઈ પ્રયોજન જ નથી. શ્રીભગવાનની કૃપા કે આપણામાંથી એવા કોઈ નથી.

તો આવો, જોઈએ કે જીવનયાત્રાનું ગંતવ્ય શું છે? આજથી હજારો વર્ષ પહેલાં છેક વૈદિક યુગમાં એક યુવક, યુવક તો નહિ પણ કુમાર યાત્રીએ સીધો પ્રશ્ન મૃત્યુના દેવતા સ્વયં યમરાજને જ પૂછ્યો : “મહારાજ! કેટલાક લોકો કહે છે કે મનુષ્ય મરી ગયા પછી તે રહેતો નથી. તે મર્યા પછી કોઈ ગતિ નથી – કંઈ જ નહિ. બધું જ સમાપ્ત. બીજા કેટલાક કહે છે કે મરી ગયા પછીયે મનુષ્યનું કંઈક રહી જાય છે. મૃત્યુ પછીયે તેનું અસ્તિત્વ તો રહે છે. તે જુદી જુદી ગતિ પામે છે. આપ તો સાક્ષાત્ મરણના દેવતા છો. એટલે આપને જ હું પ્રશ્ન પૂછવા માગું છું આપ જ ઉપદેશ આપો કે મનુષ્ય મરી ગયા પછી શું થાય છે.” (કઠોપનિષદ ૧.૧.૨૦)

અને ઉપનિષદના તે મહાન ઋષિએ આ રૂપક કથાના માધ્યમ દ્વારા હંમેશને માટે મૃત્યુનું રહસ્ય ખુલ્લું કરી મૂક્યું. જીવનયાત્રાનું ગંતવ્ય નિઃશંક રીતે સચોટ શબ્દોમાં આપણી સમક્ષ રાખી દીધું, નચિકેતાને મૃત્યુનું રહસ્ય લંબાણથી સમજાવતાં યમરાજે કહ્યું : “આપણી અંદર જે જીવાત્મા છે, તેનાથી વધુ બલિષ્ઠ અને મહાન શ્રીભગવાનની અચિંત્ય માયાશક્તિ છે, પરંતુ આ માયા શક્તિથી પર, તેનાથી મહાન તેનાથી વધુ બળવાન પુરુષ છે. આ મહાન પુરુષથી પર, તેનાથી યે મહાન વધુ બળવાન બીજું કંઈ નથી તે જ પરાકાષ્ઠા છે, તે જ પરમ ગતિ છે.”

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આ જ ઉપદેશ આપ્યો. શ્રી ભગવાન કહે છે : “હે અર્જુન! જે અવ્યક્ત કે અક્ષર કહેવાય છે તેને જ પરમ ગતિ કહી છે. તે ગતિને મેળવીને જીવ ફરી જન્મમરણના ચક્રમાં ફસાતો નથી. પછી એણે યાત્રા કરવી નહિ પડે. તે પરમગંતવ્ય સુધી પહોંચી ગયો છે. તે તૃપ્તકામ અને પૂર્ણ થઈ જાય છે.”

ઉપનિષદોમાં, ગીતામાં, પુરાણોમાં, બધાં ધર્મશાસ્ત્રોમાં આ ગંતવ્યની વાત કહેવામાં આવી છે. આ ગંતવ્યને ઠીક ઠીક સમજી લેવું બહુ જ ઉપયોગી છે. ગંતવ્યની ધારણા જેટલી સ્પષ્ટ થઈ જાય, તેના વિષે આપણે જેટલું વધારે જાણી લઈએ, તેના અંગે જેટલા વધુ વિચાર કરીશું, તેટલી જ વધુ માત્રામાં ગંતવ્ય સુધી પહોંચી જવાની ઈચ્છા તીવ્ર હશે અને આપણને પ્રેરણા મળશે.

જન્મ લેવો એ જ સૌથી વધુ દુ:ખપ્રદ છે. ગીતામાં એને “દુ:ખાલયમ્” કહે છે. પુનર્જન્મ આ દુઃખનું ઘર છે. પ્રત્યેક યાત્રીએ આ વાત મનમાં ગાંઠ બાંધીને રાખવી જોઈએ કે સૌથી વધુ કષ્ટ નિરંતર યાત્રા કરતા રહેવામાં છે. જ્યાં સુધી યાત્રા પૂરી ન થાય, આપણે પરમ ગંતવ્ય સુધી પહોંચી ન શકીએ, ત્યાં સુધી આરામ મળશે જ નહિ, શાંતિ મળશે જ નહિ. (ગીતા : ૮.૧૫)

આ જગતમાં અત્યારે આપણે ગમે તેટલાં સુખી કેમ ન હોઈએ – આપણી પાસે કેટલીયે ભલે ને ગમે તેટલી સુખ – સુવિધાઓ કેમ ન હોય, એક સમય એવો આવે છે, જ્યારે એ બધું નીરસ લાગવા માંડે છે, બે-સ્વાદ બની જાય છે. ફરી પાછી બેચેની અને એની એ જ અશાંતિ. ઈન્દ્રિયો દ્વારા મળનાર બધાં સુખ સ્થાયી નથી. આ સુખના લોભમાં ફસાયેલા રહેવાથી આવાગમનના ફેરામાંથી છૂટકારો નહિ મળી શકે. અને એટલે આપણે ક્યારેય ગંતવ્ય સુધી પહોંચી નહિ શકીએ, આપણી યાત્રા નિરંતર ચાલતી રહેશે અને યાત્રાનાં દુ:ખ-કષ્ટ વેઠતાં રહીશું, ભલે આપણે પુણ્યવાન થઈને સ્વર્ગમાં જઈએ, પિતૃલોકમાં જઈએ, ગમે તે લોકમાં જઈએ તે યાત્રા જ હશે. ગંતવ્ય નહિ. અને એટલે યાત્રાનાં દુઃખકષ્ટ સહન કરવાં જ પડશે. શ્રીભગવાન અર્જુનને સાફ સાફ શબ્દોમાં કહે છે : “હે અર્જુન! બ્રહ્મલોકથી માંડીને મૃત્યુલોક સુધી બધામાં પુનરાવર્તન નક્કી છે. આ બધામાં આવવા જવાનો ક્રમ ચાલતો રહે છે.” (ગીતા : ૮.૧૬)

ગંતવ્ય સુધી પહોંચી ગયા પછી યાત્રા પૂરી થશે અને ગંતવ્ય છે – ઇશ્વરપ્રાપ્તિ. (મામ્ ઉપેત્ય) શ્રીભગવાન કહે છે : ‘મને પામીને જ પુનર્જન્મનો અંત આવે છે.’

ગંતવ્ય છે – શ્રી ભગવાનની પ્રાપ્તિ. આપણે બિંદુ છીએ, બિંદુમાંથી સિંધુ થઈ જવું જ ગંતવ્ય છે. આપણે અંશ છીએ. અંશ પૂર્ણમાં મળી જાય એ જ ગંતવ્ય છે. જીવ ભગવાનનો અંશ છે. પૂર્ણ તો શ્રી ભગવાન જ છે. શ્રી ભગવાનની શરણાગતિ સ્વીકારીને જ જીવ પૂર્ણ થાય છે. અને ત્યારે જ તેની યાત્રા પણ પૂર્ણ થાય છે. તેની પહેલાંના પડાવ ભલેને ગમે તેટલા સુંદર અને સુવિધાઓથી સભર હોય, તે રસ્તામાં આવનાર પડાવ માત્ર છે. ગંતવ્ય નથી એટલે કોઇને કોઇ દિવસે આપણે ત્યાંથી જવું પડશે તેને છોડીને જવું પડશે અને પછી આપણે દુઃખી થઇશું.

ગંતવ્ય પર પહોંચવું એનું નામ જ મોક્ષ અથવા મુક્તિ છે. આ મોક્ષ મરી ગયા પછી મળે એ જરૂરી નથી. આ જ જીવનમાં, આ જ શરીરમાં મરણ પામતાં પહેલાં મનુષ્ય મોક્ષ મેળવી શકે છે, પોતાના ગંતવ્ય પર પહોંચી શકે છે, પરમાનંદ અને પૂર્ણતાની અનુભૂતિ કરી શકે છે. મરતાં પહેલાં જ મૃત્યુને જીતી લઈને અમર બની શકે છે. ભગવાન બુદ્ધ આ જ જીવનકાળ દરમ્યાન આ ગંતવ્ય સુધી પહોંચી ગયા અને એટલે જ તથાગત બની ગયા.

રાજકુમાર વર્ધમાન પોતાના જીવનકાળમાં પૂર્ણતાને પામ્યા એટલે જ તેઓ તીર્થંકર મહાવીર થઈ ગયા. અનાદિકાળથી આજ સુધી હજારો મનુષ્ય આ ગંતવ્યને પામીને પરિપૂર્ણ થઈ ચૂક્યા છે. હજારો પહોંચવાની તૈયારીમાં છે.

અહીં એક પ્રશ્ન થાય છે કે આ ગંતવ્ય સુધી પહોંચીને શું થશે? જે લોકો આ ગંતવ્યને આંબી ગયા છે તેઓ આપણને કહે છે કે ત્યાં પહોંચીને દુઃખોની આત્યંતિક નિવૃત્તિ થઈ જશે તથા પરમાનંદની પ્રાપ્તિ થશે.

દુઃખોથી કોણ છૂટવા નથી માગતું? અસીમ આનંદ કોણ નથી ચાહતું? આપણે બધા પૂરી રીતે અને હરહંમેશ માટે છૂટવા માગીએ છીએ. આપણે બધા અનંતકાળ સુધી ટકી રહેનાર આનંદ ઈચ્છીએ છીએ. દુઃખોથી પૂરી રીતે છૂટકારો અને અસીમ આનંદની પ્રાપ્તિ, પરમ ગંતવ્ય સુધી પહોંચીને જ થઈ શકે છે. તે પહેલાં નહિ.

ધારો કે, ક્યારેક મનમાં આવે કે આપણે તો સારું જીવન જીવી રહ્યા છીએ. ક્યારેય કોઈને દુઃખકષ્ટ નથી આપતા. આપણી મહેનત અને બાહોશીથી પૈસા કમાઈએ છીએ. ઘરમાં સુખશાંતિ છે એટલે ઓછામાં ઓછું – અંતે આ પરમ સુખ મળી જાય. જો આપણને મનમાં આમ લાગે તો આપણે આ યાદ રાખવું જોઈએ કે આ પરમ સુખ ઈન્દ્રિયોથી મળનારું સુખ નથી. તેને ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકીએ નહિ, તે અતીન્દ્રિય અને બુદ્ધિગમ્ય છે. તેનો અનુભવ તો શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિથી જ કરી શકીએ. અને જ્યાં સુધી મનુષ્યના મનમાં ઈન્દ્રિયસુખો પ્રત્યે પૂર્ણ વિરક્તિ ન આવે ત્યાં સુધી શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિ થાય તે અશક્ય છે. તેનું મન સાવ અનાસક્ત ન થઈ જાય, ત્યાં સુધી તેને પવિત્ર બુદ્ધિ – સૂક્ષ્મ બુદ્ધિ થાય નહિ.

એટલે ક્યારેય પણ એવું માનીએ કે આપણે સંસારમાં સુખી છીએ – તો તરત જ સાવધાન થઈને શ્રીભગવાન કૃષ્ણના આ ઉપદેશને યાદ કરવાં જોઈએ કે ઈન્દ્રિયોના સુખથી સંતુષ્ટ રહેનારને પરમ સુખ મળી ન શકે.

જીવનયાત્રાના ગંતવ્યની એક વિશેષ ઓળખાણ છે. તેની જાણકારી રાખવી જોઈએ. ખરેખર તો એ જ ગંતવ્યનો માપદંડ છે. અને તે આ છે કે ગંતવ્ય સુધી પહોંચી ગયા પછી આ જગતમાં કોઈ પણ લાભ તેનાથી વધુ મોટો કે વધુ મહત્ત્વપૂર્ણ લાગતો નથી. (ગીતા : ૬.૨૨)

એવા ગંતવ્ય સુધી કોણ પહોંચવા નહિ ઈચ્છે? એટલે જ આપણે ગંતવ્યનું વારંવાર સ્મરણ કરવું જોઈએ. તેની ઉપર વિચાર કરવો જોઈએ.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણાં દુઃખોનું કારણ આપણા મનની ગ્રંથિઓ છે. બંધાયેલ ગાંઠ છે. ગંતવ્ય સુધી પહોંચી જઇશું ત્યારે આપણી બધી ગાંઠો ખૂલી જશે, કુંઠાઓ દૂર થઈ જશે. આપણા બધા સંશય અને સંદેહ નાશ પામશે. હૃદય શુદ્ધ, પવિત્ર અને સરળ થઈ જશે. આપણને સંસારમાં બાંધી રાખનાર અને જન્મમરણના ફેરામાં ફસાવનાર કર્મ ક્ષીણ થઈ જશે – સમાપ્ત થઈ જશે. આ જ જીવનમાં આપણે બધાં કર્મના બંધનમાંથી મુક્ત થઈ જઇશું. સ-સીમથી અ-સીમ તથા સાન્તથી અનંત બનીશું. ઋષિઓએ વારંવાર આ ઘોષણા કરી છે.

(ક્રમશઃ)

અનુવાદક : સ્વામી જ્ઞાનેશાનંદ
(હિન્દી ત્રિમાસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’માંથી સાભાર)

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.