(ગતાંકથી આગળ)

માર્ગ અને વાહન

યાત્રા અને તેના ગંતવ્ય વિષે તો આપણે કંઈક વિચારી જોયું. આવો, હવે માર્ગ અને વાહન અંગે પણ સહેજ વિચારી લઈએ. પહેલાં વાહન વિષે જ વિચારીએ. આજથી હજારો વર્ષ પહેલાં કોઈ એક પહોંચેલા યાત્રી કહે છે : “શરીરમ્ આદ્યમ્ ખલુ ધર્મ સાધનમ્”. શરીર જ બધા ધર્મોની સાધનાનું સાધન છે. અહીં શરીર એટલે માનવનું વ્યક્તિત્વ. મનુષ્યનાં શરીર, મન, બુદ્ધિ, અહંકાર વ. બધું જ. જેના વડે આપણે યાત્રા કરવી છે તે વાહન તો મનુષ્યનું વ્યક્તિત્વ જ છે. આપણા વ્યક્તિત્વ દ્વારા ગંતવ્ય સુધી પહોંચવું છે.

મુખ્યત્વે આપણા સાધન મન તથા બુદ્ધિ છે, શરીર તો માત્ર તે વાહનનું બહારનું આવરણ છે. આ વાહનના ઠીક ઠીક જ્ઞાનવિના જીવનયાત્રાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવું તો દૂરની વાત છે, સાધારણ સંસારની જીવનયાત્રા પણ સારી રીતે ચાલે નહીં, વ્યક્તિ દુન્યવી સુખને સારી રીતે ભોગવી શકે નહિ. આપણી પોતાની જાત સાથે આપણે જેટલા વધુ પરિચિત થઈશું, તેટલા જ આપણા જીવનમાં વધુ ને વધુ વ્યવસ્થા અને તનાવમાંથી મુક્તિ મળશે. આપણું જીવન સુખી હશે અને આ રીતે આપણે આપણા ગંતવ્ય સુધી પહોંચવાના વધુ યોગ્ય યાત્રી બની શકશું.

જડવાદી દર્શનશાસ્ત્રીઓ, દાર્શનિકો તથા આધુનિક મનોવૈજ્ઞાનિકોની દૃષ્ટિએ મનુષ્યનું વ્યક્તિત્વ એટલે જડ પદાર્થોનો સંઘાત માત્ર છે. તેમની દૃષ્ટિમાં મનુષ્ય એટલે ભૌતિક વસ્તુ માત્ર જ છે. તેનામાં ચેતના અથવા ચૈતન્ય આત્મા નામની કોઈ વસ્તુ જ નથી. આવા દૃષ્ટિકોણ ધરાવનાર વ્યક્તિ માટે આ જન્મ પહેલો અને છેલ્લો છે. તેની જીવનયાત્રાનું ગંતવ્ય મૃત્યુ છે. એટલે તેમના જીવનનું ધ્યેય છે આ દેહમાં રહેતાં રહેતાં જેટલાં વિષયસુખ મળે તે ભોગવી લો. મરણ થયા પછી બધું જ સમાપ્ત. આ માણસો માટે આપણી આ ચર્ચા નકામી છે; અપ્રાસંગિક છે.

અધ્યાત્મ અને ધર્મની દૃષ્ટિએ મનુષ્યનું વ્યક્તિત્વ

આપણા ઋષિઓએ મનુષ્યના વ્યક્તિત્વનું ગહન પરીક્ષણ અને વિશ્લેષણ કર્યું હતું. તેઓ માનવના વ્યક્તિત્વના અંતરતમ પ્રદેશમાં – ઊંડાણમાં પ્રવેશી ચૂક્યા હતા. અને જાત-અનુભવ દ્વારા તેઓએ મનુષ્યના વ્યક્તિત્વના ખરા સ્વરૂપને જાણી લીધું હતું.

તેમના અનુભવથી તેમણે જોયું-જાણ્યું કે મનુષ્ય મૂળરૂપે ચૈતન્ય-આત્મા છે. તે અજર, અમર, અવિનાશી, આનંદમય તત્ત્વ છે. આ ચૈતન્ય તત્ત્વના કારણે જ તેનાં શરીર-મન પ્રાણવંતા છે. એટલે યાત્રીએ ધ્યાન રાખવું પડશે કે શરીર જ જીવનયાત્રાના વાહનનું સર્વસ્વ નથી. તે વાહનનો એક ભાગ છે. આ વાતને યાત્રી લગભગ યાદ રાખતો નથી. અને આ ભૂલ કરી બેસે છે – કેવળ શરીરને જ તે વાહન સમજી બેસે છે. તથા વાહનના અન્ય મહત્ત્વપૂર્ણ ભાગોની ઉપેક્ષા કરીને શરીરની સેવા અને પોષણમાં જ પોતાની શક્તિ તથા સમય વાપરી નાખે છે. આ રીતે જ્યારે શરીરને જ પ્રથમ સ્થાન મળી જાય છે ત્યારે મન અને બુદ્ધિ શરીરને આધીન થઈ જાય છે અને જે વ્યક્તિના મન-બુદ્ધિ શરીરના ગુલામ બની જાય છે તેનું જીવન શરીરની સપાટી સુધી જ રોકાયેલું રહે છે. તે એક શરીરમાંથી બીજા શ૨ી૨માં અથડાતો ભટકતો-કૂટાતો અંતિમ ધ્યેયથી બહુ દૂર દૂર થઈ જાય છે.

આજથી ૧૦૦૦ કે ૧૨૦૦ વર્ષ પહેલાં આપણા દેશના એક યુવક આચાર્યે, જેઓ આ જ દેહમાં રહીને અંતિમ ધ્યેયને પામી ચૂક્યા હતા, જેઓ જીવનમુક્ત હતા, તેમણે ચેતવણી આપતાં આ વાણી ઉચ્ચારી હતી : “જે મનુષ્ય શરીરના એશ – આરામને પોષણ આપતો રહે એટલે કે શરીરની સેવા શુશ્રૂષાને મુખ્યસ્થાન આપીને તેમાં જ મંડ્યો રહે છે; અને સાથોસાથ આત્માના દર્શનની પ્રાપ્તિ કરવા ચાહે છે, જીવનયાત્રાના આ અંતિમ ધ્યેયને પામવા માગે છે તે એવા મૂર્ખ સમાન છે કે જે મગરને લાકડું સમજીને તેની સહાયથી નદી પાર કરવા ઈચ્છે છે. શંકરાચાર્યની આ વાણી આજે પણ તેટલી જ સાચી છે, જેટલી હજાર વર્ષ પહેલાં હતી. (વિવેકચૂડામણિ : ૮૪)

દિવસ-રાત શરીરની માગણીઓની જ પૂર્તિ કરતા રહીએ, શરીરનાં મોજમજા, સુખ-ભોગ માણવામાં જ મંડ્યાં રહીએ અને જીવનયાત્રાના ગંતવ્ય સુધી પહોંચી જઈએ, એવું બનવું અશક્ય છે. ક્યારેય શક્ય બન્યું નથી અને ક્યારેય શક્ય નહિ બને. એટલે સાવધાન રહેવું પડશે કે વાહનની સજાવટ શણગાર, તેના રૂપરંગ જ આપણને મોહગ્રસ્ત ન કરી મૂકે આપણને લલચાવી ન લે. જો એમાં જ મોહી પડીએ તો આપણી યાત્રાની દિશા જ ઊંધી-અવળી થઈ જશે. આપણે અંતિમ ધ્યેયથી ઘણે દૂર દૂર પાછળ હટી જઈશું. આપણી યાત્રા હજીયે વધુ લાંબી અને દુ:ખપ્રદ હશે એટલે જેટલી જરૂર છે, તેટલી જ શરીરની સેવા કરવી જોઈએ.

રૂપક કથા – માર્ગ અને વાહન વિષે

જે કુમારે સીધા જ મૃત્યુના દેવતા યમરાજને પૂછ્યા હતા તે નચિકેતાને તેના પ્રશ્નોનાં જવાબ આપતાં યમરાજે મનુષ્યના વ્યક્તિત્વનું બહુ જ સુંદર શબ્દોમાં ચિત્રાંકન કર્યું છે. વૈદિક યુગની રૂપક કથા હોવાથી તે જ યુગના યાનવાહનના દૃષ્ટાંત-દાખલા આપવામાં આવ્યા છે. યમરાજે સમજાવ્યું કે શરીર જાણે કે એક રથ છે. આ રથમાં આરૂઢ થનાર રથિ – રથનો માલિક – આત્મા છે. આ રથને હાંકનાર બુદ્ધિ છે. ઈન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે અને ઈન્દ્રિયોના વિષયો તે ઘોડાને ચાલવા માટેના રસ્તા છે – આત્મા, ઈન્દ્રિયો અને મન આટલું મેળવીને મનુષ્યનું વ્યક્તિત્વ બન્યું છે. આ જ જીવાત્મા ભોક્તા છે. ભોક્તા છે એટલે જ કર્તા પણ છે.

કર્તા-ભોક્તા હોવાને કારણે જ આપણાં અલગ અલગ અસ્તિત્વ છે, વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વને કારણે જ આપણે યાત્રી છીએ. જેનું વ્યક્તિત્વ ભૂંસાઈ ગયું છે તે કર્તા-ભોક્તા નથી, એટલે જ તે યાત્રી પણ નથી. તે તો સાક્ષી માત્ર છે. તે ગંતવ્યને પહોંચી ગયો છે. તેની યાત્રા પૂરી થઈ ગઈ છે. તે પહોંચેલો મહાપુરુષ છે.

જીવનયાત્રાનું આ જ આપણું વાહન છે. ચાલો, આ વાહનને બરાબર જોઈને સમજી લઈએ. કારણ કે તેના દ્વારા જ તો આપણે યાત્રા કરવી છે, ગંતવ્ય પરમ ધ્યેય સુધી પહોંચવું છે.

એમ તો વાહનનો દરેક ભાગ મહત્ત્વપૂર્ણ છે; પરંતુ સારથિનું પોતાનું એક વિશેષ સ્થાન છે, તેનું વિશેષ મહત્ત્વ છે. આ સારથિ છે બુદ્ધિ. સારથિ ઉપર જ આપણી જીવનયાત્રાનો મુખ્ય આધાર છે. ભલેને રથ ગમે તેવો સુંદર, ગમે તેટલો સારો હોય, પણ જો સારથિ સારો નહિ મળે તો તે આપણને ઊંધી ને અવળી દિશામાં લઈ જશે, ખાડામાં ગબડાવીને પાડી દેશે. એટલે જ આપણે સારથિના સંબંધમાં વિશેષ સાવધાન રહેવાની જરૂર છે. સારથિની ઠીક સંભાળ રાખીશું તો કામ પાર પડશે. આવો સારથિ આપણને ચરમ લક્ષ્ય સુધી, ગંતવ્ય સુધી પહોંચાડી દેશે.

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને આદેશ જ આપ્યો કે “બુદ્ધૌ શરણં અન્વિચ્છ.” “અર્જુન! તું બુદ્ધિના શરણમાં જા.” ભગવાન એમના ભક્તો પર પ્રસન્ન થઈને કૃપા કરવા માટે સૌથી મોટું વરદાન શું આપે છે? “દદામિ બુદ્ધિયોગમ્” – “હું બુદ્ધિયોગ આપું છું.” (ગીતા : ૧૦.૧૦) એટલે કે “હું સદ્‌બુદ્ધિ આપું છું.” સદ્‌બુદ્ધિ – આ જ મનુષ્યનો સૌથી મોટો શક્તિનો સ્રોત છે. “બુદ્ધિયોગમ્ ઉપાશ્રિત્યં” (ગીતા : ૧૮.૫૭) બુદ્ધિયોગનો આશ્રય લઈને જીવનયાત્રાનો પ્રારંભ કરીએ.

જીવનયાત્રાને સફળ કરવા માટે આપણે સૌથી પહેલાં આપણા સારથિ – આ બુદ્ધિને ઠીક કરવી જ પડશે. તેને શુદ્ધ અને પવિત્ર રાખવી જ પડશે.

બુદ્ધિને બરાબર ઠીક રાખવા માટે, શુદ્ધ પવિત્ર રાખવા માટે આ જાણવું જરૂરી છે કે તે બગડે છે કેવી રીતે? અશુદ્ધ થાય છે કેવી રીતે? બુદ્ધિ બગડે છે મોહથી. આપણે બધાંએ ‘મોહાંધ’ શબ્દ સાંભળ્યો છે. મોહ આ બુદ્ધિને અંધ કરી મૂકે છે. હવે સમજી લો કે જે રથમાં સારથિ જ આંધળો હોય, તે રથ અને રથના માલિકની શું દશા થાય? તે રથ ખાઈમાં ન પડે તો બીજે ક્યાં જાય?

મોહની જડ કામના અથવા વાસનામાં હોય છે. વાસના ડ્રગ (માદક પદાર્થ કે દવા) જેવી છે. પહેલાં પહેલાં તો સારું લાગે છે. ‘કિક’ આપે છે. ઊછાળી દે છે. પરંતુ તરત જ તે ડ્રગ લેનારને ઍડિક્ટ બનાવી ડ્રગનો વ્યસનખોર બનાવીને, તેનો સર્વનાશ કરે છે. એટલે યાત્રીએ સાવધાનીથી સારથિ પર નજર રાખવી પડશે કે તેનો સારથિ ક્યાંક ડ્રગનું સેવન તો નથી કરતો ને?

“બુદ્ધિએ ડ્રગનું સેવન કર્યું” એ ખરેખર શું છે? બુદ્ધિ જ્યારે વાસનાને સાથ આપવા માંડે, વાસનાનું સમર્થન ક૨વા માંડે, તેને યોગ્ય ઠરાવવા માંડે, તેનું અનુમોદન કરવા લાગે ત્યારે સમજી લેવું જોઈએ કે બુદ્ધિ ડ્રગનું સેવન કરે છે. અને હવે તેને ઍડિક્ટ થવામાં વાર નહિ લાગે.

આ લક્ષણ જોવા મળે કે તરત જ, આપણે ઍન્ટિડોટ, ‘ડ્રગ ડિ-ઍડિકશન’ – વાસના – વિષનિવારણની ઔષધિ લેવાની શરૂઆત કરી દેવી જોઈએ. અને આ ઔષધિ શું છે? આ મહાન ઔષધ છે : સત્સંગ, સદ્‌ગ્રંથ અને સત્-કર્મ.

સત્સંગ દ્વારા જ બુદ્ધિ નિર્મળ-પવિત્ર થાય છે. તેથી બધા વિકાર નાશ પામે છે. સત્સંગનું અંજન બુદ્ધિને સાફ કરી નાખે છે. આંખો સાફ થતાં જ બુદ્ધિ સારું અને નરસું, સત્ય અને અસત્યને સાફ સાફ જોવા માંડે છે. આનું નામ જ વિવેક. આ વિવેકબુદ્ધિ જ તો જીવનરથનો સાચો સારથિ છે. વિવેક જાગ્રત રહે તો જીવન- રથ ક્યારેય કુમાર્ગે નહિ જઈ શકે. એટલે જ સારથિને ઠીક રાખવો પડશે.

આ રથનાં ઘોડાઓ છે ઈન્દ્રિયો. રથ બરાબર ચલાવવા માટે ઘોડાઓ સ્વસ્થ, બળવાન તથા કાબૂમાં હોવા જોઈએ. ઘોડા સ્વસ્થ, અને સબળ તો હોય, પરંતુ જો તેઓ બેકાબૂ હોય તો પણ રથ આપણને ગંતવ્ય સુધી નહિ પહોંચાડીને ઊલટી દિશામાં જ લઈ જશે.

આ ઘોડાઓને વિચરવા માટે કે ચાલવા માટે રસ્તા છે : ‘વિષયભોગ’, જિહ્વા સારા સ્વાદ લેવા ઈચ્છે છે, ચટાકેદાર થવા માગે છે. આંખો રૂપની પાછળ ગાંડી બને છે. કાન મધુર મીઠાં સંગીત તથા મનને પ્રિય લાગવાવાળી વાતો સાંભળવા ચાહે છે. નાક સુગંધ લેવા માગે છે અને ત્વચાનું તો કહેવું જ શું? સ્પર્શ – સુખ પાછળ મનુષ્ય પાગલ છે. આ વિષયવસ્તુ જ ઈન્દ્રિયોના ગોચર છે. આ જ રસ્તાઓ ઉપર ઈન્દ્રિયો ચાલે છે. થોડી પણ અસાવધાની થઈ કે આ રથિને ખાઈમાં ફેંકી દે છે. આ ભટકતી રહેતી ઈન્દ્રિયોને રસ્તા પર લાવવી, કાબૂમાં રાખવી – બહુ જ કઠિન કામ હોય છે.

ઘોડા અને તેના ચાલવાના રસ્તાઓ અંગે આપણે થોડું વિચાર્યું. ચાલો, હવે જોઈએ કે ઘોડાની લગામ શું છે? યમરાજે નચિકેતાને સમજાવ્યું કે મન જ આ ઈન્દ્રિયો રૂપી ઘોડાની લગામ છે. મનરૂપી લગામથી આ ઘોડાઓને કાબૂમાં રાખી શકાય છે. આ લગામ પણ મજબૂત હોવી જોઈએ. લગામ જો મજબૂત ન રહી અથવા ઢીલી રહી, તો ઘોડા કાબૂમાં ન જ રાખી શકીએ. ઊલટાના તેઓ જ લગામને પોતાની તરફ ખેંચી લઈ જઈને બેકાબૂ રહેશે અથવા લગામને ખેંચીને તોડી જ નાખશે.

આગળ ઉપર યમરાજે દુષ્ટ ઘોડાનું ઉદાહરણ આપીને નચિકેતાને સમજાવ્યું કે જે મનુષ્ય વિવેકબુદ્ધિથી વિહોણો હોય છે, અને જેનું મન ચંચળ હોય છે, મન તેના કાબૂમાં નથી હોતું, તેની ઇન્દ્રિયો પેલા દુષ્ટ ઘોડા જેવી હોય છે જે સારથિના કાબૂમાં નથી હોતા.

પરંતુ જે મનુષ્ય વિવેકબુદ્ધિથી યુક્ત છે, જે મનુષ્યનું મન તેના કાબૂમાં હોય છે તેની ઈન્દ્રિયો એક સાવધાન-બાહોશ સારથિના ઘોડાની જેમ તેના કાબૂમાં હોય છે. આના પરિણામે શું મેળવીએ છીએ? જે વિવેક-બુદ્ધિથી વિહોણા, અસંયત, બેકાબુ ચિત્ત ધરાવે છે, તે જીવનયાત્રાના પરમ ધ્યેય સુધી પહોંચી જ ન શકે. તેને બદલે તે જન્મમરણના ચક્કરમાં ફસાઈને નિરંતર ફરતો રહે છે. પણ જે વિવેકબુદ્ધિથી યુક્ત છે, નિયંત્રિત ચિત્ત – મન પર કાબૂ ધરાવનાર છે, તે પેલા પરમ ધ્યેય સુધી પહોંચી જાય છે, અને ત્યાં પહોંચીને પાછા આવવું પડતું નથી

જીવન અને મૃત્યુના રહસ્યનું ઉદ્‌ઘાટન કરતાં યમરાજ નચિકેતાને અંતિમ ઉપદેશ આપતાં કહે છે કે “નચિકેતા! જે મનુષ્યના જીવનરથનો સારથિ વિજ્ઞાનવાન એટલે કે વિવેકબુદ્ધિ ધરાવે છે તથા જેની મનરૂપી લગામ તેના કાબૂમાં છે તે સંસાર માર્ગને પેલે પાર પહોંચી જાય છે. તે જ વિષ્ણુપદ છે. તે જ આપણી જીવનયાત્રાનું પરમ ધ્યેય છે.”

વાહનની યાંત્રિક વ્યવસ્થા

આપણી જીવનયાત્રાના એકમાત્ર વાહન આપણા વ્યક્તિત્વ વિષે આપણે એક વિહંગાવલોકન કર્યું. હવે તે વાહનની યાંત્રિક વ્યવસ્થા વિષે પણ ધ્યાન આપીએ. આ એટલા માટે જરૂરી છે કે આપણા વાહનની યાંત્રિક વ્યવસ્થાને જોવામાં સમજવામાં આપણે પાછી એક મોટી ભૂલ કરી બેઠાં. આપણા વાહનની બહારના ભાગની તપાસ-પરીક્ષામાં આપણે એટલા બધા મૂંઝાઈ ગયાં કે અંદરના ભાગોની બાજુએ આપણું મન ગયું જ નહિ. કદાચ કોઈવાર અંદરના ભાગોની બાજુએ મન ગયું, તો પણ માત્ર એટલું જ અંદર ઊતર્યું જેટલું બહારના ભાગને સમજવા માટે આવશ્યક હતું.

જે ભાગમાં આપણે મૂંઝાઈ રહ્યાં છીએ તે છે આપણું શરીર. એ શરીરને જ સર્વસ્વ માનીને તેના વિષે વધુ ને વધુ જ્ઞાન મેળવ્યું. દુનિયાભરના દાક્તરો અને વૈજ્ઞાનિકોએ હજારો પરીક્ષણ, નિરીક્ષણ, પ્રયોગો કરીને શરીરના અણુએ અણુ જાણી લીધાં. હજુ અત્યારે પણ તેઓ જાણવામાં મંડી પડ્યાં છે.

તેમની આખી ચેતના, સમગ્ર બુદ્ધિ દેહને – શરીરને જાણવામાં જ લાગી ગઈ છે. શરીરથી પર કંઈક છે એ તરફ તેમનું ધ્યાન જ જતું નથી.

અરે ભાઈ! આ તો ઠીક છે કે જીવનયાત્રાના વાહનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ શરીર છે. પરંતુ મિત્ર, જેનું (જેની માલિકીનું) આ શરીર છે તેના વિષે પણ જાણવું પડશે અને સારી રીતે જાણવું પડશે. શરીરના યંત્રની રચના, અસ્થિઓનું માળખું, માંસપેશીઓની કાર્યપ્રણાલી, રોગ, નિદાન અને ચિકિત્સા પદ્ધતિ આટલું જ મનુષ્યના વ્યક્તિત્વનું કાંઈ સર્વસ્વ નથી. તદુપરાંત પણ વ્યક્તિત્વનો ઘણોખરો મોટો ભાગ છે. આ વાહનનો ઘણો ભાગ દાક્તરી પ્રયોગશાળામાં, રાસાયણિકોની પ્રયોગશાળામાં, ભૌતિક વૈજ્ઞાનિકની પ્રયોગશાળામાં પારખી શકાય તેમ નથી, જાણી શકાય તેમ નથી. તે તો આ પ્રયોગ શાળાની સીમાઓની બહાર છે. તેનું વિજ્ઞાન બીજું જ છે. તેના પ્રયોગ અને પરીક્ષણની વિધિઓ જુદી છે. આપણા પૂર્વજોએ હજારો વર્ષ પહેલાં માનવના વ્યક્તિત્વના તે ભાગોને જાણવા-સમજવાની કોશિશ કરી અને તેમાં તેઓ પૂરેપૂરા સફળ થયા. હજારો લોકોએ હજારો વાર પ્રયોગ કરીને એક જ ફળ મેળવ્યું અને તે ફળ અથવા પરિણામ આ હતું કે મનુષ્ય શરીર નથી, આ શરીરની અંદર જે સાચો અસલ મનુષ્ય છે તે અજર અમર છે. શરીર મરી જાય ત્યારે પણ તે મરણ પામતો નથી. તે બધી જાતના દોષ અને દુઃખોથી પર છે, આનંદ સ્વરૂપ છે. તેનું જ નામ આત્મા. તેને જાણીને, તેનો અનુભવ કરીને મનુષ્ય જીવનયાત્રાના પરમધ્યેય પરમ ગંતવ્ય સુધી પહોંચીને જન્મ મરણની ઘટમાળમાંથી છૂટકારો મેળવી શકે છે.

(ક્રમશઃ)

અનુવાદ : સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.