મારો દાવો છે કે હિંદુ સમાજને સુધારવા માટે ધર્મના વિનાશની આવશ્યકતા છે જ નહિ, અને સમાજની આવી સ્થિતિનું કારણ ધર્મ નથી, પણ ધર્મનું સમાજમાં જે રીતે પાલન થવું જોઇતું હતું તે રીતે થયું નહિ તે છે. હું જે આ કહું છું તેના શબ્દે શબ્દ આપણા પ્રાચીન શાસ્ત્રોના આધારે પુરવાર કરવા તૈયાર છું. આ પ્રકારની પરિસ્થિતિનો અંત લાવવો જોઇએ, અને તે ધર્મનો નાશ કરીને નહિ પરંતુ હિંદુ ધર્મના મહાન ઉપદેશોનું આચરણ કરીને.

સારું હોય કે નરસું, પરંતુ ધર્મના આ આધ્યાત્મિક આદર્શનો પ્રવાહ ભારતમાં હજારો વર્ષથી વહી રહ્યો છે; સારું હોય કે નરસું, પણ દેદીપ્યમાન સૈકાઓથી ભારતનું વાતાવરણ આ જ ધર્મના આદર્શોથી ભરેલું રહ્યું છે; સારું હોય કે નરસું, પણ આપણે આ ધાર્મિક આદર્શો વચ્ચે જન્મ્યા છીએ અને ઉછર્યા છીએ, તે એટલે સુધી કે ભારતમાં ધર્મ હજારો વર્ષોથી આપણા લોહીમાં વહી રહ્યો છે. આપણી નસોમાં લોહીના કણેકણમાં એ ઝંકૃત થઇ રહ્યો છે, આપણા અસ્તિત્વમાં તદ્રૂપ બની ગયો છે, આપણા જીવનનું સત્ત્વ બની ગયો છે. આપણા જીવનમાં પ્રત્યાઘાતની એટલી જ શક્તિને ઉત્તેજ્યા વિના, હજારો વર્ષોના ગાળા દરમ્યાન એ મહાન નદીના પ્રવાહે કોતરેલી નહેરને પૂરી દીધા વિના, તમે આવા ધર્મને છોડી દઇ શકો ખરા? ગંગાએ પોતાના હિમમય મૂળ – ગંગોત્રીમાં પાછા જઇને શું નવા માર્ગ કોરી કાઢવા, એમ તમે ઇચ્છો છો? અરે, એ કદાચ સંભવિત હોય, તો પણ આ દેશ માટે ધર્મનો પોતાનો લાક્ષણિક માર્ગ છોડી દઇને રાજકારણનો કે બીજા કશાનો નવો માર્ગ લેવાનું તો અશક્ય છે, તમે “ઓછામાં ઓછા પ્રતિકારના સિદ્ધાંત” અનુસાર જ વર્તી શકો; અને ભારતમાં આ ધાર્મિક પ્રણાલી જ ઓછામાં ઓછા પ્રતિકારની પ્રણાલી છે. આ ધર્મ માર્ગે ચાલવું એ ભારતનો જીવનપથ છે, ભારતનો વિકાસપથ છે અને એ જ ભારતનો કલ્યાણ-પથ છે.

મારો કહેવાનો ભાવાર્થ એવો નથી કે બીજી બાબતો આવશ્યક નથી. હું એમ પણ કહેવા માગતો નથી કે રાજકીય અને સામાજિક સુધારણા જરૂરી નથી. હું જે કહેવા માગું છું તે આ છે અને તમે મનમાં બરોબર સમજો કે તે ગૌણ છે અને ધર્મ પ્રધાન છે. ભારતીય માનસ પ્રથમ ધાર્મિક છે, તે પછી બીજું બધું છે. આપણું જીવન-રક્ત આધ્યાત્મિકતા છે. તે જો નિર્મળ હશે; જો તે સશક્ત, શુદ્ધ અને જોમવાન વહેતું હશે, તો બધું યથાસ્થાને રહેશે; રાજકીય, સામાજિક કે અન્ય કોઇ ભૌતિક ક્ષતિઓ, દેશની ગરીબાઇ સુધ્ધાં, જો લોહી શુદ્ધ હશે, તો તે બધાનું શમન થશે. નવી પદ્ધતિ કેટલો વધુ આધ્યાત્મિક વિકાસ સાધી શકશે એ બતાવીને જ ભારતમાં સામાજિક સુધારાનો ઉપદેશ આપવો ઘટે; રાષ્ટ્રને જોઇએ છે એ તેની આધ્યાત્મિકતાને કેટલી વધુ ઉન્નત કરશે તે સિદ્ધ કરીને જ રાજનીતિનો ઉપદેશ આપવો ઘટે.

– સ્વામી વિવેકાનંદ

(‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’ (દ્વિતીય સંસ્કરણ) પૃ. ૨૧-૨૨, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.