(ગતાંકથી ચાલુ)

તો મિત્રો, જીવનયાત્રાની સફળતા માટે આપણે મનુષ્યના વ્યક્તિત્વના આ અજ્ઞાત, અ-ભૌતિક (એટલે કે સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ) ભાગોને સારી રીતે જાણવા પડશે, તેના ક્રિયા-કલાપો અને નિયમોથી સારી રીતે પરિચિત થવું પડશે, ત્યારે જ યાત્રા સફળ થશે.

અર્જુન જેવા સજાગ-સાવધાન યાત્રીને પણ આ જ સવાલ મૂંઝવતો હતો. સાક્ષાત્ સ્વયં નારાયણે જ તેને આ વાહનની, વાહનના સૂક્ષ્મ અને અજ્ઞાત ભાગોની જાણકારી – આ ભાગો વિષે જ્ઞાન આપ્યું. શ્રીભગવાને તેને કહ્યું : “હે અર્જુન! સાંભળ. સ્થૂળ શરીરથી પર અને સૂક્ષ્મ ઈન્દ્રિયો છે. ઈન્દ્રિયોથી પર મન છે. મન ઈન્દ્રિયોથીયે સૂક્ષ્મ છે. મનથી પર, મનથીયે શ્રેષ્ઠ બુદ્ધિ છે. આ બુદ્ધિથીયે પર તે ચૈતન્ય આત્મા છે. તે આત્મા સૂક્ષ્મતમ છે, સૂક્ષ્મથીયે સૂક્ષ્મ, સર્વશ્રેષ્ઠ છે, તેનાથી શ્રેષ્ઠ, તેનાથી મહાન બીજું કંઈ જ નથી. આ જ મનુષ્યના વ્યક્તિત્વનું અસલ, સત્ય અને સાચું સ્વરૂપ છે.”

તો જુઓ, આપણા વાહનના બીજા અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ છે – ઈન્દ્રિય, મન અને બુદ્ધિ. વાહનના આ મહત્ત્વપૂર્ણ ભાગોને સારી રીતે જાણીને સમજી લેવા પડશે. કારણ કે આ બધાં વાહનના આંતરિક યાંત્રિક ભાગો છે. આ બધા બરોબર રહે તો વાહનના બહારના ભાગ પણ બરાબર રહેશે. ચાલો, આપણે ટૂંકમાં આ આંતરિક ભાગોને પણ થોડાઘણા જાણી લઈએ. આને જાણી લેવાથી આની સાર-સંભાળ લેવામાં – જતન કરવામાં સગવડ–સુવિધા મળી રહેશે.

ઈન્દ્રિયો : ઈન્દ્રિયોના બે પ્રકાર છે. એક બહાર જોવામાં આવતાં નાક, કાન, હાથ-પગ વગેરે. આ બહાર દેખાતી ઈન્દ્રિયોની સાંભળવામાં જોવામાં, કાર્ય કરવામાં જે શક્તિઓ લાગે છે, તે બાહ્ય નથી. આ સૂક્ષ્મ શક્તિઓનાં કેન્દ્રો આપણા મગજમાં છે. તેને આપણે જોતા કે અનુભવતા નથી કે જોઈ શકતા નથી. આ મગજમાં આવેલાં કેન્દ્રો જો રોગ, ચોટ કે ઘાત-પ્રતિઘાત વ. કારણોસર ખામીવાળાં થઈ જાય તો આંખ કાન વ. ઠીક ઠીક હોવા છતાંયે આપણે જોઈ-સાંભળી શકશું નહિ.

મન : ઈન્દ્રિયોથી સૂક્ષ્મ મન છે. આપણે બધા આપણા જાત-અનુભવથી આ જાણી શકીએ છીએ, ધારો કે તમે ઘરના ઓરડામાં બેસીને કોઈ મજાનું સરસ પુસ્તક વાંચી રહ્યા છો. એ પુસ્તકમાં જ તમે મશગૂલ થઈ ગયા છો. તમારા ઓરડામાં એક ઘડિયાલ દીવાલ પર ટિક-ટિક અવાજ કરતી ચાલી રહી છે. સમયસર તે ૬,૭,૮, વ. ઘંટી પણ વગાડે છે. પણ તમે સાંભળી શકતા નથી. વધુને વધુ સમય પસાર થઈ રહેલો જોઈને (કુટુંબની) કોઈ વ્યક્તિ તમને બોલાવીને કહે છે: “આજે તમારે (કચેરીનું) કામકાજ કરવા નથી જવું? ૧૦ વાગી ગયા.” ત્યારે તમે અચાનક બોલી ઊઠો છો કે “અરે! ૧૦ વાગી ગયા? મને તો ખબર જ ન પડી. મેં ઘંટી સાંભળી નથી.”

આવું શા માટે થયું? આમ થવાનું કારણ છે. તમારા બહારના કાન અને અંદરની ઈન્દ્રિયો બંને બરાબર હતા. ઘડિયાલનો અવાજ પણ તમારા કાન સુધી પહોંચી ગયો. પરંતુ તમને સંભળાયું નહિ. આમ એટલા માટે કે તમારું મન તે વખતે ત્યાં ન હતું. તે પુસ્તકમાં ઊતરી જઈને મશગૂલ હતું. આથી સાબિત થાય છે કે મનની મદદ સિવાય, મનની સહાય વિના, આપણે ઈન્દ્રિયો બરાબર હોવા છતાંયે તેનો અનુભવ કરી શક્તા નથી.

બુદ્ધિ : આ મનને પણ કાબૂમાં રાખવા માટે એક શક્તિ છે. અને તે છે બુદ્ધિ. જ્યારે આપણું મન અહીંતહીં બહુ જ ભટકવા લાગે છે અથવા નકામી અનર્ગલ વાતોના વિચારે ચડી જાય છે ત્યારે આપણે બુદ્ધિ વડે જ તેને કાબૂમાં લાવીયે છીએ એટલે આ બુદ્ધિ મનથી શ્રેષ્ઠ અને સૂક્ષ્મ છે. આ મનને કાબૂમાં લાવવાની શક્તિ ધરાવે છે.

સાધારણ અવસ્થામાં બુદ્ધિ એટલી બલિષ્ઠ અને વિવેકયુક્ત-વિવેકશીલ હોતી નથી. તેને સતત પ્રયત્ન વડે તાલીમ આપવી પડે છે. આ કામ દરેક યાત્રીએ સ્વયં જાતે જ કરવું પડે છે. આપણી બુદ્ધિને બીજું કોઈ તાલીમ આપી શકે નહિ. બીજા લોકો માત્ર કેટલાક ઉપાય જ બતાવી શકે છે. બુદ્ધિને બળવાન અને પવિત્ર-શુદ્ધ કરવાની પદ્ધતિઓ જ બતાવી શકે છે. તેનો અભ્યાસ કરીને બુદ્ધિના સંસ્કાર તો આપણે એકલાએ જ કરવા પડશે. આ રસ્તા ઉપર એકલા જ ચાલવું પડે છે. “એકલો જા ને રે!” બુદ્ધિને શિક્ષણ-સંસ્કારથી તાલીમ આપવી અને બુદ્ધિને બળવાન બનાવવી એ બંને માટે સૌથી સારો અને સરળ ઉપાય છે-સત્સંગ, જેમણે પોતાની બુદ્ધિને શિક્ષિત અને શુદ્ધ નિર્મળ કરી છે અથવા તે દિશામાં અત્યન્ત પ્રયત્નશીલ છે એવા લોકોના સંગમાં રહેવું.

જેઓ વિવેક-વાન, વિવેકશીલ છે, તેમનો વધુ ને વધુ સંગ કરવાથી આપણી બુદ્ધિ પર તેમના સત્સંગનો પ્રભાવ તેમના સત્સંગની અસર ધીરે ધીરે પથરાવા – ફેલાવા લાગે છે. આપણી અંદરથી પ્રેરણા જાગે છે કે આપણે પણ બુદ્ધિને શુદ્ધ-પવિત્ર બનાવવી જોઈએ. બુદ્ધિમાં સંસ્કાર-શિક્ષણ સીંચીને તેને તાલીમ આપવી જોઈએ. ધીરે ધીરે આપણે તે જ પ્રકારનું આચરણ કરવા માંડીએ છીએ તથા આપણી બુદ્ધિ શુદ્ધ અને શિક્ષિત થવા માંડે છે.

આત્મા : આ બુદ્ધિથી પર આત્મા છે. ખરેખર તો બધી શક્તિ અને જ્ઞાનનું ઉદ્‌ગમ-સ્થાન છે આ જ આત્મા. આત્માની શક્તિથી જ બધા શક્તિશાળી બલિષ્ઠ બને છે. આત્માની શક્તિને પિછાનીને જ આપણે મન અને બુદ્ધિને બલિષ્ઠ બનાવી શકીએ છીએ.

માર્ગ અથવા રસ્તો

આપણે પોતાના જીવનયાત્રાના વાહન વિષે વિચારો કર્યા. ચાલો, હવે તે રસ્તા વિષે પણ થોડું વિચારી લઈએ. આ રસ્તા ઉપર ચાલીને જ આપણે યાત્રાના આખરી મુકામ સુધી પહોંચવાનું છે. રસ્તાના વિષયમાં પણ યાત્રીને બરાબર જ્ઞાન-માહિતી હોવાં જોઈએ. રસ્તો બરોબર જાણતા હોઈએ તો જ આપણે તેના ઉપર ચાલીને અંતિમ ધ્યેય સુધી પહોંચી શકશું.

રસ્તા વિષે મુખ્યત્વે આપણે યાદ રાખવું પડશે કે માત્ર બે રસ્તા જ છે. એક રસ્તો બહારની દિશામાં લઈ જાય છે. બીજો અંદરની દિશામાં લઈ જાય છે. આ બંને રસ્તામાં શાખાઓ, આ ગલીઓ વગેરે ઘણાં બધાં હોય પણ ખરાં. બહારનો રસ્તો યાત્રીને પરમ ધ્યેયથી બહુ દૂર દૂર લઈ જાય છે. તે યાત્રીને ગંતવ્યથી દૂર દૂર દોરી જાય છે. બીજો રસ્તો છે અંદ૨નો. આ રસ્તો યાત્રીને ગંતવ્યની દિશામાં તેની વધુ ને વધુ નજીક લઈ જાય છે. અંદરના રસ્તા પર ચાલનાર યાત્રીને તેનો રસ્તો ગંતવ્યની વધુ ને વધુ પાસે લઈ જાય છે. અંદરના રસ્તા પરનો વટેમાર્ગુ જ એક દિવસ પરમ ધ્યેય સુધી પહોંચી શકે છે, બહારના રસ્તા પર ચાલના૨ યાત્રી નહિ.

આપણા મનીષીઓએ આ બંને રસ્તાઓના કેટલાંક નામ આપ્યાં છે. સરળ શબ્દોમાં, બહાર લઈ જનાર તે સંસારનો રસ્તો તથા અંદર લઈ જનાર રસ્તાનું નામ – પરમાર્થનો રસ્તો. યાત્રી આ બંનેમાંથી કોઈ એક રસ્તા પર ચાલતો હોય છે. આપણે બધાં જાણીએ છીએ કે બંને રસ્તા પર એક સાથે ચાલી શકીએ નહિ. અને ખાસ કરીને જ્યારે તે રસ્તાઓ એકબીજાની વિરોધી દિશામાં દોરી જનાર હોય ત્યારે.

બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે તે આ કે દરેક યાત્રી, ભલે તે જાણે કે ન જાણે, તેને સારું લાગે કે ખરાબ લાગે, એક ને એક દિવસે આ બંને રસ્તા વચ્ચેના ચોકમાં તેને ઊભા રહેવું જ પડે. તેમજ તેણે જાતે જ નક્કી કરવાનું જરૂરી બને છે કે તે ક્યા રસ્તા પર ચાલે – બહારના સંસારના રસ્તા ઉપર કે પછી અંદર પરમાર્થના રસ્તા પર. આ ફેંસલો આપણે માટે બીજું કોઈ નહીં કરી શકે. ભલે ગમે તેટલું કઠિન ને કડવું લાગે, આપણે પોતાને માટે જાતે જ આ ફેંસલો કરવો પડશે. આજે આપણે આ નિર્ણય કરીએ કે ૧૦૦ જનમ વીતી ગયા પછી કરીએ – ફેંસલો તો આપણે જ કરવો પડશે.

આજથી હજારો વર્ષ પહેલાંનો એક પ્રસંગ લઈએ. તે ઘટનાએ હરહમેશ માટે મનુષ્યની સામે આ બાબત ખૂલી કરીને મૂકી દીધી કે ભાઈ, જુઓ, જીવનયાત્રાના ત્રિભેટે તમારે ખડા થવું જ પડે છે તેમ જ તે ઘડીએ બંને રસ્તાઓ તમારી સામે પોતપોતાની વાત મૂકશે. પોતપોતાની વિશેષતાઓ તમારી સામે રાખશે. યમરાજે પણ નચિકેતાને આ જ વાત કહી હતી કે નચિકેતા; જો પ્રેયસ મનુષ્યની સમક્ષ તરત સારી લાગનારી, ઈન્દ્રિયોને સુખ આપનાર તેમ જ શ્રેય કઠિન અને કડવી અણગમો આપનારી પરંતુ પછીથી પરમ સુખ આપનારી એ બંને મનુષ્યની સામે આવે છે. જે બુદ્ધિમાન છે, તે બંને બાબતો પર સારી રીતે વિચારીને જે પરમ કલ્યાણકારી છે, ભલે ને તે ગમે તેટલી અરુચિકર – કડવી અને કઠિન લાગે તેને અપનાવી લે છે. પણ જે મંદબુદ્ધિ – મૂર્ખ છે તેઓ તત્કાલ સુખ, સંગ્રહ, પરિગ્રહ વગેરેના લોભમાં પડીને તરત સુખ આપનાર તથા ક્ષણભર માટે રૂચિકર લાગનાર રસ્તો પસંદ કરે છે.

મહાભારતનું યુદ્ધ થશે. આ યુદ્ધ ચોક્કસ થવાનું – નક્કી થઈ ચૂક્યું. અર્જુન અને દુર્યોધન બંને ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પક્ષ તરફથી યુદ્ધ કરવા માટે નિમંત્રણ આપવા પહોંચી ગયા. દુર્યોધન પહેલવહેલો પહોંચી ગયો. પરંતુ શ્રીભગવાને અર્જુનને પહેલાં જોયો અને બસ આ જ જીવનયાત્રાના ત્રિભેટે ઊભા થવાનો પ્રસંગ હતો. શ્રીભગવાને અર્જુન અને દુર્યોધનને કહ્યું કે તમે બંને આવ્યા છો. એક વહેલો આવ્યો. બીજાને મેં પહેલાં જોયો એટલે હું તમારા બંનેનું નિમંત્રણ સ્વીકારીશ. પણ મારી એક શરત છે. એક બાજુએ મારી નારાયણી સેના – ચતુરંગિણી સેના રહેશે જે બધાંને જીતવા માટે સમર્થ છે. બીજી બાજુ હું એક્લો નિઃશસ્ત્ર રહીશ અને હું યુદ્ધ નહિ કરું. તમારે આ બેમાંથી એકની પસંદગી કરવાની રહેશે, વરણી કરવી પડશે.

અર્જુનને ભગવાને પહેલાં જોયો હતો. તેમ જ ઉંમરમાં તે દુર્યોધનથી નાનો હતો. એટલે શ્રીભગવાને અર્જુનને પહેલાં પસંદગી કરવાની તક આપી. હિચકિચ કર્યા વગર નિઃશસ્ત્ર યુદ્ધમાંથી નિવૃત્ત શ્રીભગવાનની વરણી કરી અને પછીની ઘટનાઓથી આપણે સૌ પરિચિત છીએ. (ક્રમશઃ)

અનુવાદ : સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.