ધરતી ઉપર આજે ૫ અબજ ૩૦ કરોડની વસ્તી થઈ ગઈ છે. આવતાં ૬૦ વર્ષમાં આ વસ્તી બેવડાશે એટલે કે લગભગ અગિયાર અબજની સરહદમાં પહોંચી જશે. જો આજની વસ્તીને નભાવવાને ધરતી પૂરેપૂરી સક્ષમ નથી તો અગિયાર અબજને એ કેવી રીતે જિવાડવાની છે? આ પ્રશ્ન દૂરના ભવિષ્યનો છે તેની આજે શા માટે ફિક૨ ક૨વી, એમ કહીને દૂર હડસેલી શકાય એવો છે ખરો? જે આજે જન્મશે તેની ૬૦ વર્ષ પછી ઉંમર ૬૦ વર્ષની થઈ હશે જ ને? એટલે ધરા ઉપરના માનવઅસ્તિત્વનો અને માનવીને ઉપકારક એવાં પ્રાણી, જંતુ અને વનસ્પતિના અસ્તિત્વનો આજે જ વિચાર કરવો પડશે.

આ પૃથ્વીની જે ઉત્પાદનશક્તિ છે, જીવનને નિભાવવાની શક્તિ છે, તેની મર્યાદામાં રહીને જ આજની માનવજાતે પોતાની નવી જીવનશૈલી, નવી નૈતિક્તા ઉપજાવવી પડે. તેમ નહીં તો ઘોર સંહાર અથવા અસ્તિત્વલોપની કિંમત ચૂકવવી પડે. લાંબે ગાળે આ નવી જીવનશૈલી અને નવી નીતિમત્તા ઉપજાવવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી.

પૃથ્વી પરની જીવનપોષક સામગ્રીનો મનુષ્યજાતનો ટકાવ થાય એવી ડહાપણભરી રીતે જો વિનિયોગ ન થવાનો હોય તો આવતી પેઢીઓ માટે કોઈ જ ભવિષ્ય સંભવતું નથી. આ ભીષણ વાસ્તવિક્તા છે, અને કોઈ પણ દેશે કે પ્રજાએ કેવળ પોતાની રીતે એનો વિચાર ન કરતાં સમગ્ર માનવ અસ્તિત્વની રીતે એનો વિચાર કરવો રહે છે. જેને વિકાસનું રૂપાળું નામ આપવામાં આવે છે તેને પણ પૃથ્વીની જીવનપોષક ક્ષમતાઓની મર્યાદાઓમાં રહીને જ વ્યવહારો ગોઠવવા પડે એમ છે. ઉછાંછળી વેડફવાની વૃત્તિ બધાંને ડુબાડે એવી ભારોભાર શક્યતાઓ છે. મનુષ્યજાતિને આજના જે યંત્રવિજ્ઞાને અનેક લાભો પરખાવ્યા છે તે યંત્રવિજ્ઞાને સુધ્ધાં ધરતીની ઉત્પાદનક્ષમતાની મર્યાદામાં રહેવું જ પડશે.

આજે તો કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ પૃથ્વી પરની એક અબજ જેટલી વસ્તી કરી રહી છે અને પર્યાવરણીય રચનાઓને જબ્બર ધોખો પહોંચાડી રહી છે. એટલે જો બગાડ અને બેફામ ભોગવટો રોકવામાં નહીં આવે, ગરીબ અને તવંગર વચ્ચે વધારે ખુલ્લું અને વધારે ન્યાયપૂર્ણ સંબંધસૂત્ર પેદા નહીં કરવામાં આવે તો પૃથ્વી વસવા યોગ્ય નહીં રહે, એ દીવા જેવું ચોખ્ખું છે, અને ન્યાયી વ્યવહારો ગોઠવાય તો પણ કેટલીક મુશ્કેલીઓ તો જીરવવી પડે એમ છે.

અત્યારે ઔદ્યોગિક ઊર્જાનો માથાદીઠ ઉપભોગ કેવોને કેટલો થાય છે એના વડે પર્યાવરણ ઉપર તેની કેવીક અસર થાય છે તેનું સુયોગ્ય માપ મળી રહેશે. એનું કારણ એ છે કે દુનિયાની જે પર્યાવરણીય વ્યવસ્થાઓ રચાઈ ગઈ છે તેમાંથી જ લોકોને ફરીફરી પેદા થઈ શકે તેવી અને ફરી ફરી પેદા નહીં થઈ શકનારી ઊર્જા મળી રહે છે. એ જ ઊર્જાનું ઉપભોગ માટેના પદાર્થોમાં – ચીજવસ્તુઓમાં રૂપાંતર કરી દઈ શકાતું હોય છે અને કચરા રૂપે ફરી પર્યાવરણમાં તેને ફંગોળી શકાતી હોય છે. ઊર્જાનો સ્રોત વધુ પ્રદૂષણવાળો હોય તો એનો કચરો પણ વધારે નીકળતો હોય છે. અને પર્યાવરણ ઉપર એની અસર પણ વધારે માઠી પડતી હોય છે.

ઊર્જાનો માથાદીઠ ભોગવટો ખૂબ મોટા પ્રમાણમાં કરનારા અને તેનાથી સહેજ જ ઓછા પ્રમાણમાં કરનારા ૪૨ જેટલા દેશો છે, જેમાં દુનિયાની વસ્તીની ચોથો ભાગ વસે છે. પણ ઔદ્યોગિક ઊર્જાનો સિંહભાગ-લગભગ ચારપંચમાંશ જેટલો ભાગ – આ ચોથા ભાગની વસ્તી વાપરે છે.

ઔદ્યોગિક ઊર્જાનો ખૂબ ઓછો અથવા મધ્યમ પ્રમાણમાં ઉપભોગ કરનારા ૧૨૮ જેટલા દેશોમાં દુનિયાની પોણા ભાગની વસ્તી વસે છે, પણ કુલ મળીને ઔદ્યોગિક ઊર્જાનો એક પંચમાંશ ભાગ જ એના નસીબમાં રહ્યો હોય છે, એટલે કે ઊર્જાનો અલ્પ પ્રમાણમાં માથાદીઠ ઉપભોગ કરનાર વ્યક્તિ કરતાં બડભાગી દેશોની માથાદીઠ ઉપભોગ કરનાર વ્યક્તિ અઢાર ગણો ઉપભોગ કરે છે. પણ આ હકીકત એની સમૃદ્ધિ કે લાભ ખાટવાની એની સાનુકૂળતાનો નિર્દેશ કરવા ઉપરાંત એની પ્રદૂષણ વધારવાની ક્ષમતાનો પણ નિર્દેશ કરે છે. કહી શકાય કે દુનિયાના ઉપભોગ્ય પદાર્થોની લિજ્જત માણે છે બડભાગી દેશો, અને એનો કચરો ઠલવાય છે ગરીબ દેશોના બારણે.

આ ઢંકાઈ રહેલી યંત્રવૈજ્ઞાનિક દુર્દશાનો સામનો કરવા જેટલી સમજણનો દુનિયાના ગરીબ દેશોમાં હજી હમણાં જ થોડો થોડો ઉદય થવા લાગ્યો છે. બ્રાઝિલમાં રીઓ દ જાનેરોમાં મળેલી આન્તરરાષ્ટ્રીય પર્યાવરણીય પરિષદમાં ત્રીજા વિશ્વના દેશોએ સમૃદ્ધ રાષ્ટ્રોનો બરાબર ઉધડો લીધો હતો. જેમ કે ઉત્તર અમેરિકામાં વસનારો સરાસરી નાગરિક કરતાં બમણો હોય છે પણ દક્ષિણ એશિયા અને જાપાન સંહિતના પૂર્વ એશિયાના સરાસરી નાગરિક કરતાં દશગણો હોય છે. ક્યા પાપે એમને આ સંકટ ભોગવવાનું આવ્યું હશે? મોટે ભાગે અજ્ઞાન અને અસંગઠન એને માટે જવાબદાર છે. એટલે જ ઓછી આવકવાળા દેશોનો સરાસરી નાગરિક રોજની ૨૩૮૦ કેલરી ધરાવતો ખોરાક પેટમાં નાખે છે અને મોટે ભાગે આ ખોરાક વનસ્પતિજન્ય હોય છે, ત્યારે ઊંચી આવકવાળા દેશોનો સરાસરી નાગરિક રોજની ૩૩૮૦ કેલરી ધરાવતો ખોરાક પેટમાં ધરબે છે અને એનું ઠીક મોટું પ્રમાણ પ્રાણીજન્ય માંસનું હોય છે.

અહીં એક બીજી હકીકત નોંધવી પ્રાપ્ત થાય છે. ઊંચી આવક ધરાવતા દેશોમાં વસ્તીનું પ્રમાણ લગભગ એનું એ જ રહે છે. પણ ચીજવસ્તુઓના ભોગવટાનો એનો પ્રમાણદર સતત વધતો જ રહ્યો છે. ખાનારાં મોઢાં ઓછાં જન્માવવાનો આ એક ફાયદો નોંધવો ઘટે છે. કદાચ એમ કહી શકાય કે યંત્રવૈજ્ઞાનિક યુગમાં યંત્રવૈજ્ઞાનિક લાભો મસમોટા પ્રમાણમાં ભોગવનારાઓને યંત્રવૈજ્ઞાનિક જ્ઞાન પણ ઊંચા પ્રમાણમાં હોય છે. એટલે કે શિક્ષણ દ્વારા પેદા થતી જીવનની સમજણ તેમનામાં વધારે પ્રમાણમાં હોય છે. ભારત જેવા ગરીબ દેશમાં સુધ્ધાં સુશિક્ષિત વસ્તીમાં જન્મનું પ્રમાણ નીચું જોવા મળે છે. આમ જાણકારીનો સંબંધ વસ્તીવધારાના દર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભારતીય શાસને સ્વરાજનાં પહેલાં ૪૫ વર્ષ સુધી તો લોકશિક્ષણનું કર્તવ્ય ઠેબે ચઢાવ્યું છે પણ એનું પરિણામ એ આવ્યું છે કે સ્વરાજ ટાણે ભારતમાં જેટલી વસ્તી હતી. તેનાં કરતાં ત્રણ ગણી વસ્તી સદીના અંતે થઈ જશે. જ્યારે ભારતની જમીન વિસ્તરવાની નથી એટલે જેનો વિસ્તાર નિયંત્રી શકાય એમ છે તેને જ પોતાનું પહેલું નિશાન બનાવવાની સરકારની ફરજ છે.

પણ આ પ્રશ્ન એકલા ભારતનો છે એવું નથી. ત્રીજા વિશ્વના બધા ગરીબ દેશોની ઓછેવત્તે અંશે આ જ રામકહાણી છે. બધા જ ગરીબ દેશો વસ્તીવધારાથી પીડાતા જોવા મળે છે. અનાજ, પાણી, આરોગ્યરક્ષાનાં સાધનો, રહેઠાણ, નોકરીઓ, ઊર્જા અને ઉત્પાદક જમીન – આ સર્વનું ટાંચું પ્રમાણ એમને રિબાવે છે અને છતાં એનો સવેળા ઉપાય કરવાનું એમને ફાવતું નથી. જેને નભાવી શકાય એવી વિકાસપ્રક્રિયા કહીએ, જેના વડે કોઈ રાષ્ટ્ર આગળ ને આગળ વિકાસ કરી શકતો હોય છે તે પ્રક્રિયાને આ વસ્તીવધારો ભરખી જતો હોય છે. એક વાર પૃથ્વી પર માનવવસ્તી વધે તો જ ઉત્પાદનની પ્રક્રિયાને વેગ મળતો હતો અને ત્યારે આઠ પુત્રોની માતા થવાના આશીર્વાદો સ્ત્રીઓને મળતા હતા. હવે ‘એક પણ બસ’નો યુગ બેસી ચૂક્યો છે.

એટલે જ નવો અભિગમ પૃથ્વીની નિભાવશક્તિને મર્યાદામાં રહેવા માટે અપનાવવો ઘટે છે. તેની મુખ્ય જરૂરિયાતો છે : એક ધરતીની સંપત્તિ વેડફવા ઉપર, બગાડ ક૨વા ઉ૫૨ સમજપૂર્વક અને સ્વેચ્છાએ નિયંત્રણ મૂકનારી નૈતિકતા, જે પૃથ્વી પરના જીવનને સાતત્યની બાંહેધરી આપી શકે તેમજ એ નૈતિકતાનો અમલ કરવાનું બળ પણ પૂરું પાડી શકે. બીજી છે તે ધરતીની સંપત્તિની જાળવણી અને તેનો વિકાસ. જાળવણી વડે ધરતીની ઉત્પાદનશક્તિની મર્યાદામાં રહેવાનું પાલવશે અને વિકાસ વડે દુનિયાની વસ્તીને સર્વત્ર લાંબું, આરોગ્યપૂર્ણ અને સાર્થક જીવન ભોગવવાનું ફાવી રહેશે.

આને માટે શું કરવું જોઈએ એ વિચારવાની જરૂરિયાત સ્વયં સ્પષ્ટ છે. દુનિયાની માનવવસ્તીએ ધીરતાથી આનો વિચાર કરવો જોઈએ. વસ્તીવધારો રોકવાનાં અસરકારક પગલાં ભરવાં જોઈએ, બગાડ ઘટાડવો જોઈએ, ભોગવૃત્તિ ઉપર સંયમ મૂકવો જોઈએ અને નવા અવતરનારા જીવને કુશળ રીતે જીવવાની ભૂમિકા પૂરી પાડવી જોઈએ. આખી પૃથ્વી એ સહિયારી સંપત્તિ છે અને સંયમ અને વિવેકથી વર્તીને સૌને જીવવાની અનુકૂળતા કરી આપવાની છે એ ભાવ ઊછરતા બાળકથી માંડી વયોવૃદ્ધ નાગરિકો સુધી સૌમાં દૃઢ કરવો જોઈએ.

(‘સમય સાથે વહેતા’માંથી સાભાર)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.