(આજનો યુવા વર્ગ બાહ્ય આડંબરોવાળો અને તર્ક અને વિજ્ઞાનથી અસંગત એવો ધર્મ સ્વીકારવા તૈયાર નથી. તેઓની સમક્ષ જ્યારે સ્વામી વિવેકાનંદજીએ પ્રબોધેલો વિજ્ઞાનસંમત વેદાંતનો ધર્મ રજૂ કરવામાં આવે છે, ત્યારે તેનો અવશ્ય સ્વીકાર કરે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ આ સંક્ષિપ્ત લેખમાં સ્વામી વિવેકાનંદજીએ પ્રબોધેલ ધર્મનાં મૂળ તત્ત્વોને સુંદરતાથી રજૂ કરે છે. – સં.)

‘સરસ્વતી ચંદ્ર’ ના ત્રીજા ભાગમાં ‘લક્ષ્યાલક્ષ્ય પ્રકરણ’ આવે છે, જેમાં ગુજરાતી નવલકથાની વચ્ચો વચ્ચ ગોવર્ધનરામે સંસ્કૃતમાં એક મહત્વની તત્ત્વચર્ચા ગોઠવી છે. ક્લાદૃષ્ટિએ એના ઔચિત્યની ચર્ચા કરવાનું અત્રે પ્રયોજન નથી, પણ ગોવર્ધનરામે એ પ્રકરણમાં અદ્વૈત વેદાન્તમાં માયાનું શું સ્થાન છે તે સમજાવ્યું છે. માયાવાદ અંગે જે ભ્રમણાઓ વ્યાપેલી તેનું નિરસન કરવાનો એમનો પ્રયત્ન હતો. બરાબર આવો જ પ્રયત્ન સ્વામી વિવેકાનંદે પણ કરેલો છે. ગોવર્ધનરામ અને સ્વામી વિવેકાનંદ સમકાલીનો હતા અને ધર્મતત્ત્વની બંનેની સમજ ઊંડી અને તાત્ત્વિક હતી. કેમ કે, મૂળ તત્ત્વનું બંનેએ સુપેરે આકલન કર્યું હતું. સ્વામી વિવેકાનંદે તો પોતાની સમજણ વિશ્વભરમાં ગાજતી કરી હતી.

સંસાર માયા છે, માટે મિથ્યા છે એ માન્યતામાં રહેલો ભ્રમ ગોવર્ધનરામે એ રીતે દૂર કરાવવા પ્રયત્ન કરેલો કે સમજણમાં પણ સ્તરભેદ હોય છે. જેમ કે આપણે જેને પાણી તરીકે ઓળખીએ છીએ તે વૈજ્ઞાનિક દૃષ્ટિએ તો બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓક્સિજન છે. આ વૈજ્ઞાનિક સમજણ પાણીનું સ્વરૂપ પ્રગટ કરે છે, તેના મિથ્યાત્વનો બોધ કરાવતી નથી. એ જ રીતે તત્ત્વદૃષ્ટિએ આ સમસ્ત બ્રહ્માંડ, એમાં આ પૃથ્વી, એની ઉ૫૨ વસતાં આપણે સૌ નિત્ય પરિર્વતનશીલ, મરણશીલ, પણ છીએ. પણ તેથી સમસ્ત બ્રહ્માંડમાં કશી વધઘટ થતી નથી. એક સ્તરેથી દૃષ્ટિપાત કરતાં બીજા પરિવર્તનશીલ કે મરણશીલ તત્ત્વને માયાના નામથી ઓળખાવ્યું પણ તેથી માયા એ મિથ્યા ઠરતી નથી. એ વસ્તુને જોવાની એક રીત માત્ર છે.

સ્વામી વિવેકાનંદે પણ આ જ વાત ઠસાવવા પ્રયત્ન કર્યો. પુરુષાર્થને હરનારા માયાવાદને એમણે પણ ભ્રમણામાં જ ખપાવ્યો છે. સંસાર મિથ્યા નથી, માયા એ છેતરપિંડી નથી, પણ આ આપણું પૃથ્વી પરનું જીવન જેમાં અનેક મર્યાદાઓ છે, વિસંગતિઓ અને વિરોધાભાસો છે તે પરમતત્ત્વ અથવા દિવ્ય સત્તાને મુકાબલે અવાસ્તવિક છે, સ્વતઃ અવાસ્તવિક નથી. ‘‘આપણું આ વિશ્વ તત્ત્વ અને આભાસ, સત્ય અને ભ્રમનું અવ્યાખ્યેય એવું મિશ્રણ છે.” એવું સ્વામી વિવેકાનંદે કહ્યું છે. વળી તેઓ જણાવે છે: “આ વિશ્વ નથી તો અસ્તિત્વ કે નથી અનસ્તિત્વ. તે છે જ, તે જ સત્ છે એમ આપણે કહી શકતા નથી કેમ કે તત્ત્વ સ્થળ અને કાળથી પર છે તેને જ સત્ કરી શકાય. તેનું જ અસ્તિત્વ છે. એ જ સ્વયંપર્યાપ્ત અને સ્વયં ગતિશીલ છે. પણ આ વિશ્વમાં પણ સત્ તત્ત્વ સમાયેલું છે અને અસ્તિત્વના આપણા ખ્યાલને આ વિશ્વ પણ અમુક અંશે અનુમોદન આપે છે.”

સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મની પોતાની જે વિભાવના વહેતી કરી હતી તેની તાત્ત્વિક આધારશિલા આ વિચારમાં રહેલી છે નિરપેક્ષ સત્ તત્ત્વ, જેમાં કોઈ જ વિરોધાભાસને મુદલ અવકાશ નથી. ‘‘જેમાં બધા વિરોધો ઓગળી ગયા છે.” તે આ વિભાવના છે.

પણ આટલું પર્યાપ્ત રીતે સમજવા માટે મનુષ્યોએ પોતાની બુદ્ધિશકિતને સાદ કરવો રહ્યો. સ્વામી વિવેકાનંદે બૌદ્ધિક પ્રક્રિયાનો ઉત્તમ મહિમા કર્યો છે. જેણે મનુષ્યને મનુષ્ય બનાવ્યો છે. તે વિચારશકિતને જતી કરીને તો મનુષ્ય શું પામી શકવાનો હતો? ધર્મતત્ત્વને સમજવાને માટે પણ વિચાર શકિતનો, બૌદ્ધિક પ્રક્રિયાઓનો આશ્રય લેવા ઉપર સ્વામીજીએ પુષ્કળ ભાર મૂક્યો છે. એમણે કહ્યું છે:

‘‘કોઈના અધિકારયુકત કથનને ભરોસે માણસો કરોડો દેવદેવીઓમાં માને તે કરતાં વૈચારિક પ્રક્રિયાઓનો આશ્રય લઈને માણસજાત નાસ્તિક બને તે મને વધારે યોગ્ય લાગે છે. મનુષ્ય વિચારશીલ રહે તેમાં જ તેનું ગૌરવ છે.’’

સ્વામીજીએ પ્રબોધેલો વિશ્વધર્મ પણ બૌદ્ધિક જ છે, અથવા કહીએ કે, બૌદ્ધિક કરતાં પણ કંઈક વિશેષ છે. બુદ્ધિમત્તાને વળગેલી મર્યાદાઓથી આપણે અજાણ નથી. પ્રત્યક્ષાનુભૂતિ, જે તાર્કિક પ્રક્રિયાઓ અને બૌદ્ધિક વિભાવનાઓને વટી જઈ શકે છે તે ધર્માનુભવનો અગત્યનો અંશ છે. આ બુદ્ધિથી પર એવું જે તત્ત્વ છે, તેને આપણે અંતરદૃષ્ટિ, પ્રેરણા, દર્શન, સહજબુદ્ધિ, કલ્પના એમ વિવિધ નામે ઓળખીએ છીએ, પણ યાદ એ રાખવાનું છે કે આ રીતે જે ધર્માનુભવ થાય છે તે સંપ્રદાયભાવ કરતાં તેમ જ બૌદ્ધિક પ્રક્રિયાઓ કરતાં વિશેષ છે. પણ તેથી કરીને બુદ્ધિતત્ત્વથી એ અસંગત છે એમ માની લેવાનું કારણ નથી. હા, પ્રેરણા, અંતઃપ્રજ્ઞા, દર્શન આદિ દ્વારા જે પામીએ તે પણ કયારેક ઠગારું હોય. એ સંભવને સ્વામીજી નકારતા નથી. માટે જ તેઓ ફરી ફરી ને બૌદ્ધિક પ્રક્રિયા ઉપર ભાર મૂકે છે.

જે સંદર્ભમાં પોતે ઊછર્યા, જે જે સંપર્કો કર્યા, સ્વામી રામકૃષ્ણ પરમહંસનો આશીર્વાદ પામ્યા અને પોતાના સ્વાધ્યાય અને મનનથી પોતાનો ધર્મ પોતાના હૃદયમાં સ્પષ્ટ કર્યો તે એમને મન સર્વશ્રેષ્ઠ હોય, એટલે કે, હૃદયસંતર્પક હોય એ સ્વાભાવિક છે. તથાપિ વિશ્વમાં પ્રભવેલા સર્વ મુખ્ય મુખ્ય ધર્મો વિશે તેમને પારાવાર આદર હતો, અને પોતે માનતા કે ધર્મને નામે જે જે સંઘર્ષો થયા છે તેમાં બાદબાકી ધર્મની જ થયેલી છે. સાચો ધર્મ તો પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ દાખવનારો હોય અને પારમાર્થિકતા એ તેનું મુખ્ય લક્ષણ હોય. તેમ છતાં અદ્વૈત વિશેની તેમની આસ્થા જબરી હતી. આજનું વિજ્ઞાન પણ તેને જ અનુમોદન આપે છે, એવી તેમની પ્રતીતિ હતી. જૂની દ્વૈતમૂલક આસ્થાઓ વિજ્ઞાનયુગને સંતોષી શકે તેમ નથી. તે વાત એમના હૃદયમાં બરાબર ઘર કરી ગઈ હતી.

જુદે જુદે સમયે ધર્મભાવના વિશે તેમણે જે ઉદ્ગારો કાઢ્યા હતા તેનો લઘુતમ સાધારણ અવયવ શ્રી નીરદબરન ચક્રવર્તીએ કાઢ્યો છે. તે જોઈએ તો સ્વામીજીની ધર્મ ભાવનાનાં મુખ્ય તત્ત્વો આ પ્રકારનાં હતાં:

૧. ધર્મ એ મનુષ્યના અંતરમાં જડાયેલો દિવ્ય તત્ત્વનો આવિર્ભાવ છે.

૨. ધર્મ એ ઈશ્વર સાક્ષાત્કાર છે.

૩. ધર્મ એ અનુભૂતિ છે. એ વાણી નથી, સિદ્ધાન્ત નથી કે તર્ક પણ નથી, ભલે પછી એ ગમે તેટલાં હૃદયંગમ હોય એમાં હોવાનું અને થવાનું હોય છે. સૂણવાનું કે સ્વીકારવાનું હોતું નથી. એ પૂર્ણ આત્મા છે. અને જ્યારે જે કંઈ એ માને છે તે થઈને તે રહે છે.

૪. સારા બનો અને સારાં કામો કરો – એ જ ધર્મનું સાર સર્વસ્વ છે.

૫. પ્રત્યેક આત્મા તત્ત્વતઃ દિવ્ય છે. મુખ્ય લક્ષ્ય આ દિવ્યતાનું હૃદયમાં પ્રકટીકરણ થાય એ છે. આપણા સ્વભાવને અંદરથી અને બહારથી અંકુશમાં લેતાં આટલું થઈ શકે. આટલું કાં તો કાર્ય કરવાથી, કે પછી પ્રાર્થના, પૂજનથી, મનોનિગ્રહથી કે તત્ત્વજ્ઞાનથી કરો, એકે એકે કરો કે બધું સંમિલિત કરીને કરો અને મુક્ત થઈ જાઓ. આ જ ધર્મતત્ત્વ છે. સિદ્ધાન્તો, વાદાવાદીઓ, કર્મકાંડો, પુસ્તકો મંદિરો એ સર્વ ગૌણ છે.

આટલું કહેવામાં ધર્મતત્ત્વનો સ્વામીજીનો પૂરેપૂરો ખ્યાલ આપણને મળી જાય છે. બાકીનું તે વિસ્તરણ છે. અલબત્ત, આ એકે એક સૂત્ર ખાલી શબ્દો નથી, અને જ્યાં સુધી પૂરા અંતઃકરણથી એનું સાધનામાં રૂપાન્તર ન થાય ત્યાં સુધી એ કેવળ શબ્દો જ રહે છે. સ્વામીજીનું સારુંએ જીવન આ તત્ત્વને જીવનમાં પ્રત્યક્ષ કરનારું હતું. એ જ એમના વ્યાપક પ્રભાવનું રહસ્ય છે

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.