૩૯ વર્ષની નાની વયે જેમણે દેહ છોડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતની ચેતના ઉપર છવાઈ ગયા હતા. આજે લગભગ નવ દાયકા થવા આવ્યા હોવા છતાં ભારતરાષ્ટ્રની મૂલ્યસૃષ્ટિનો ઠીક મોટો ભાગ તેમણે પ્રબોધેલાં મૂલ્યોનો સમાવેશ કરે છે તેનું રહસ્ય શું હોઈ શકે? જો આ પ્રશ્ન વિચારવામાં આવે તો આજે જે કંઈ આપણા રાષ્ટ્રજીવનમાં ખૂટે છે તે આપણને જડી રહે.

શિકાગોની ધર્મપરિષદમાં જે વિવેકાનંદે પાંચેક મિનિટના પ્રવચન દ્વારા સમસ્ત પરિષદના વિદ્વાનોને મંત્રમુગ્ધ કર્યા હતા, તેનું પણ શું રહસ્ય હતું ? વારુ, જન્મ જન્માંતરના સંસ્કારો એ નવપલ્લવિત ચેતના માટે કારણભૂત હતા એમ આપણે કહીશું તો આપણને આપણું પોતાનું આજનું કર્તવ્ય નહીં જડે.

આપણે બીજો પ્રશ્ન પણ સમાન્તરે ઉઠાવીએ : અઢાર વર્ષની વયે માત્ર મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરીને બેરિસ્ટર થવા માટે ઇંગ્લૅન્ડ ગયેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ પચીસ વર્ષની વયે મારીત્સબર્ગ સ્ટેશને જગતનો પહેલો સત્યાગ્રહ કર્યો તેનું પણ શું રહસ્ય હતું? દૂબળું કાઠું, ક્ષીણ અવાજ, નિરાડંબર કથન અને લગભગ ઉઘાડું શરીર -લાખ્ખોની જનમેદનીને શી રીતે ઘેલી કરી શક્યાં હશે? એવી કોઈ ખૂબ આગળ તરી આવતી પ્રભાવક શક્તિ તો ક્યાંય પરખાતી નહોતી. અને છતાં જેમના અક્ષરદેહના નેવું ગ્રંથો એકત્ર થયા છે એ મહાત્મા ગાંધીના પ્રભાવનું શું રહસ્ય હશે વારુ?

બંને સમકાલીનો હતા. છતાં સ્વામી વિવેકાનંદનો પ્રભાવ તો ૧૯મા સૈકાના છેલ્લા દાયકામાં આખા વિશ્વમાં ફેલાઈ ગયો હતો. ત્યારે ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાનું કાર્ય પૂર્ણ થયું નહોતું અને ભારત આવવાને હજી બે અઢી દાયકાની વાર હતી. એવા વિવેકાનંદની ચૈતન્યસભર વાણીના પણ કેટલા બધા ગ્રંથો મળે છે !

આનો વિચાર કરીએ છીએ ત્યારે સ્વામી વિવેકાનંદ ઉપર પડેલો શ્રીરામકૃષ્ણ પરમહંસનો પ્રભાવ એકદમ યાદ આવે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસના સમાગમમાં તો અનેક જણ આવ્યા હતા. એ બધા કેમ સ્વામી વિવેકાનંદ બની ન શક્યા? અહીં કિશોર નરેન્દ્રે પરમહંસને પૂછેલો પ્રશ્ન યાદ આવે છે : ‘તમે ઈશ્વરને જોયા છે?’ અને પરમહંસે કહેલું, ‘હા નરેન્દ્ર, તને જોઉં છંુ એમ મેં સાક્ષાત્ ઈશ્વરનાં દર્શન કર્યાં છે.’ બસ, આ પૂછનાર અને જવાબ આપનારમાં એક મોટું સામ્ય હતું. બંનેમાં ઈશ્વર સાક્ષાત્કારની લગની હતી. શ્રીરામકૃષ્ણ કંઈ ભણ્યા-લખ્યા, અભ્યાસી ન હતા. અને નરેન્દ્ર ઉર્ફે વિવેકાનંદનું પણ સાચું ભણતર તો સ્વાધ્યાયની જ નીપજ હતી. પણ ઈશ્વરપ્રાપ્તિની લગનીએ બે હૃદયોને સાંધ્યાં અને નરેન્દ્રને પોતાનું જીવનકર્તવ્ય જડી રહ્યું.

આ પછી ભારતીય દર્શનશાસ્ત્રોને પોતાની સમજણમાં એમણે કંડાર્યાં તે મૂળ પ્રતીતિનું સમર્થન હતું. તે એમની રગમાં પચી ગયાં. ભારતરાષ્ટ્રનો આત્મા એ સ્વામી વિવેકાનંદનો આત્મા બની ગયો એ મૂળ પ્રતીતિનું વિસ્તરણ હતું. શાની હતી એ પ્રતીતિ? વિવેકાનંદ સંસારની સુખદુ :ખમિશ્રિત અનુભૂતિનું સ્મરણ કરીને પૂછે છે : ‘જે સમસ્ત વિશ્વની એકરૂપતાનો અનુભવ કરે છે, સમગ્ર જીવનની એકરૂપતા અનુભવે છે, વસ્તુમાત્રની એકરૂપતાનો જેને સાક્ષાત્કાર થયો છે તેને માટે કોઈ પણ પ્રકારનું દુ :ખ સંભવ છે ખરું? આ તો માણસ અને માણસની વચ્ચે, સ્ત્રી અને બાળક વચ્ચે, પ્રજા અને પ્રજા વચ્ચે, ઊંચા અને નીચા વચ્ચે, શ્રીમંત અને ગરીબ વચ્ચે અને દેવ તથા મનુષ્ય વચ્ચે જુદાઈ છે જ નહીં, બધાં જ એક છે. અને હજી વધુ ઊંડો દૃષ્ટિપાત કરીએ તો પશુઓ અને માણસો વચ્ચે પણ ભેદ નથી. જે આ જાણે છે તેને કોઈ ભ્રાન્તિ પીડતી નથી!’

આ કોઈ ઠાલાં વચનો માત્ર છે? હરગિજ નહીં. આ એકતા સ્વામી વિવેકાનંદ અંદર અને બહાર તીવ્રપણે અનુભવતા હતા. જેઓ એમના સમાગમમાં આવતાં તેમનો મનખો ફરી જતો તેની પાછળ કોઈ જાદુ ન હતો. શિકાગોની આંતરરાષ્ટ્રિય ધર્મપરિષદને પાંચ મિનિટમાં મંત્રમુગ્ધ કરનારા તરુણ વિવેકાનંદ કેવળ બૌદ્ધિક નિરાકરણ કે શ્રદ્ધાવચનો માત્ર ઉદ્ગારતા ન હતા. પણ અંત :પ્રતીતિનો એ રણકો એમાં સંભળાતો હતો, જેણે સ્વામી વિવેકાનંદનાં અંતરબાહ્યનો ભેદ ઓગાળી નાખ્યો હતો.

ધર્મ એ બાહ્યાચાર નથી પણ અંદર અને બહારની એકરૂપતા છે, પોતાનો અને વિશ્વનો અભેદ છે અને એ સત્ય વિવેકાનંદે આત્મસાત્ કર્યું હતું અને એ જ એમના પ્રભાવનું રહસ્ય છે.

Total Views: 353

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.