તાજેત૨માં રણજિતરામ સુવર્ણચન્દ્રક ઍવાર્ડથી વિભૂષિત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંતભાઇ શુક્લ આ સંક્ષિપ્ત પણ સારગર્ભિત લેખમાં ઉપલક શાંતિ અને ઊંડી શાંતિ વચ્ચેનો ભેદ સુપેરે સમજાવે છે. – સં.

અઘરો છે આ વિષય. માનવ ઝંખે છે શાંતિ અને સરજે છે. અશાંતિ. છેક વેદના વારાથી એ ઓમ્ શાંતિઃ શાંતિઃ શાંતિઃનો સૂત્રોચ્ચાર કરે છે પણ શાંતિ એનાથી દૂર ભાગે છે. એને જાત સાથે ઝઘડો છે, અન્ય સાથે ઝઘડો છે, પરિસ્થિતિ સાથે ઝઘડો છે અને પરિસ્થિતિજન્ય વિચારો સાથે પણ ઝઘડો છે. એ ક્યાંય ઠરીને બેસતો જ નથી.

મનુષ્યને એના સરજનહારે મન બક્ષ્ય છે અને આ મન પ્રત્યેક પરિસ્થિતિ અને વિચારનું દ્વૈત- પરસ્પર વિરોધ સરજે છે. આ મન વડે જ એ શાંતિ ઝંખે છે અને અશાંતિ સરજે છે. જો મન હોય જ નહીં, એનું પ્રવર્તન હોય જ નહીં તો એને મનુષ્ય નામ પણ છાજે નહીં. બીજાં પ્રાણીઓથી એ જુદો તરી આવે છે તે એની વિચાર કરવાની, વિચાર અને પરિસ્થિતિનો મેળ પાડવાની, નવું સરજવાની અને દ્વૈતનો પરિહાર કરવા માટે મથવાની શક્તિથી. પૃથ્વી પટ પર મનુષ્યનું અવતરણ થયા પછી પોતાની વિચારશક્તિ, કલ્પનાશક્તિ, પ્રયોગવૃત્તિ અને અનુભવનો તેમ જ વિચારનો વિનિમય કરવાની પ્રવૃત્તિ વડે તેણે ધીરે ધીરે કરતાં આજની સાધનસંપન્ન દુનિયા વિકસાવી છે. એણે જ્ઞાનવિજ્ઞાન ખીલવ્યાં છે અને અશાંતિજન્ય વિગ્રહો પણ આપસઆપસમાં વહોર્યા છે. એના વિરોધાભાસો એની સર્જનશીલતા જેટલા જ ઉત્કટ છે. પણ બેશક એ ઝંખે છે શાંતિ. માત્ર એ શાંતિની શરતો પાળી બતાવતો નથી તેથી જ અશાંત છે.

ધારો કે પૃથ્વી પર વસતો એકેએક માણસ નિશ્ચય કરે કે પોતે શાંત થઈ જશે તો થઈ શકશે ખરો? સરજનહારે પણ મનુષ્યને નોખી નોખી અને પરસ્પરવિરોધી પરિસ્થિતિઓમાં ફંગોળ્યો છે. એ પરિસ્થિતિને સમજવી, પોતાની અનુકૂળતા પ્રમાણે એને મરડવી અને સુખી થવું એ માટે એ મનથી વિચારે છે પણ પોતાના મનનો મેળ એ બીજાનાં મન સાથે પાડી શકે તો જ સંવાદમય શાંતિ અવતરે ને? પોતે છે, પણ જોડે બીજાઓ પણ છે. એ એના મનને, વ્યક્તિત્વને, યોજનાઓને પ્રભાવિત કરે છે. એટલે વ્યક્તિએ શાંત થવા માટે સમષ્ટિ જોડે પણ મેળ પાડવો પડે એમ છે.

આટલે આવતાં માણસ જે સમજ્યો છે તે સમજ વડે, ભૂલો કરતાં કરતાં યે, લડતાં ઝઘડતાં યે, એણે પ્રચંડ અશાંતિભર્યા સંદર્ભમાં જવન રક્ષા તો કરી છે, એટલે કે અશાંતિ ઉપર શાંતિની ઝંખનાએ ખપપૂરતો વિજય તો મેળવ્યો છે. પણ માણસ પૂરેપૂરી શાંતિ પામ્યો નથી.

એની શાંતિઝંખના સામે એક મોટો વિરોધાભાસ આવીને ઊભો રહે છે. શાંતિ અને નિષ્પ્રાણ, નિરર્થક બનાવી મૂકે તો? એને શાંતિ ખપે છે, પણ સર્જનાત્મક શાંતિ ખપે છે. અન્ય સાથે મેળમાં રહેનારી શાંતિ ખપે છે. અબજોની સાથે પ્રસંગ પાડનાર માણસ આ પ્રકારની શાંતિથી જોજનો દૂર છે. અહીં આ ભૂતલ પર અનેક જીવકોટિઓનાં, વિશેષે કરીને અનેક માનવીઓનાં વિચરણ છે. તેમના ભિન્ન ભિન્ન સંદર્ભો, ચિત્તવૃત્તિઓ, એષણાઓ, જરૂરતો વચ્ચે શી રીતે મેળ પ્રવર્તાવવો? કવિ બ.ક.ઠા.એ ‘આરોહણ’ કાવ્યમાં કહ્યું છે તેમ ‘વિધિસમુદ્રમાં નિરખું ભંગ સંકલ્પના’ જેવો ઘાટ છે.

અને છતાં યુગોનો અનુભવ મનુષ્યને કહે છે કે આ બધી વિષમતાઓ છતાં પ્રત્યેક માનવીના અંતરમાં ઊંડે પડેલી વિશ્વ આખા સાથે સંધાઈ જવાની ઝંખના અરધીપરધી એકતાનું નિમાર્ણ કરે છે ખરી. આ મનુષ્યની આશા છે, સારા યે વિશ્વની આશા છે. એટલે જ અશાન્ત માનવી શાંતિની શોધમાં વલખાં મારે છે. અને અંતરે અંતરે કામચલાઉ શાંતિ મળે છે પણ ખરી. પણ એને વળગી રહેવા જેટલું આત્મબળ એ ખીલવે તો જ એ શાંત બની શકે. ઉપલક શાંતિ અને ઊંડી શાંતિનો ભેદ સમજાય તો જ ચિત્ત શાંત કરવાના ઉપાયો જડી શકે.

દરમિયાન આખું વિશ્વ તારાજ થાય એવા અશાન્તિજન્ય મહાસંહારો અને સંહારસાધનો મનુષ્યને ટીકીને જોઈ રહ્યાં છે. શું નીપજશે એમાંથી? શાંતિ કે સર્વનાશ? આ પ્રશ્નનો આ ઉત્તર પણ મનુષ્યે જ મથીને આપવાનો છે.

Total Views: 74

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.