તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન’ વિશે એક પરિસંવાદ યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ કેળવણીકાર શ્રી યશવંતભાઈ શુક્લે અત્યંત પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેમના ટેપબદ્ધ પ્રવચનમાંથી અનુલેખનનું શ્રમસાધ્ય કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.

અહીં ‘શિક્ષક’ શબ્દનો પ્રયોગ હું એના વ્યાપક અર્થમાં કરું છું. એટલે એમાં પ્રૉફેસર, આચાર્ય, શિક્ષક, સહાયક શિક્ષક વગેરે શિક્ષકની બધી કોટિઓનો સમાવેશ થઈ જાય છે. ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં’ માટે મને એવું સૂચવવામાં આવ્યું છે કે ‘આજના પ્રતિકૂળ સંજોગોમાં’ એવો વિશેષ સંદર્ભ લેવો. એટલે આજના પ્રતિકૂળ સંજોગોમાં શિક્ષકનું દાયિત્વ શું છે, એનો વિચાર પ્રસ્તુત છે.

‘દાયિત્વ’નો અર્થ જવાબદારી છે. શિક્ષકનું દાયિત્વ તો દેશકાલ નિરપેક્ષ એક સનાતન મુદ્દો છે. એને કશો વિરામ હોતો નથી. ‘ઉત્તરદાયિત્વ’ કરતાં ‘દાયિત્વ’ શબ્દ વિશેષ અર્થચ્છાયા દાખવતો શબ્દ છે. ઉત્તરદાયિત્વ તો Answerable છે – બીજાના અનુયોગને અધીન છે, જ્યારે દાયિત્વ એ responsible છે – કેવળ પોતાના જ અનુયોગને અધીન છે. આપણી વાતચીત આ દાયિત્વ વિશેની છે. સૌ શિક્ષકો આ દાયિત્વના અર્થગર્ભને સમજી લે, એવી વિનંતી છે કારણ કે આ વાત અહીં ઉપસ્થિત શિક્ષકોને જ નહીં, પણ સમગ્ર શિક્ષકજગતને સ્પર્શે છે.

પહેલાં તો એ વિચારીએ કે આ દાયિત્વનો પ્રશ્ન આજે ઊભો શા માટે થયો છે? આખા દેશની વાત જવા દઈએ અને ગુજરાતની જ વાત કરીએ તો પણ ગુજરાતમાં આજે ૫૦૦ કૉલેજો, ૯ યુનિવર્સિટીઓ, છ હજાર માધ્યમિક શાળાઓ, પંદર વીસ હજાર પ્રાથમિક શાળાઓ-આટલો બધો વ્યાપ – ઘટાટોપ હોવા છતાં આ પ્રશ્ન ઊભો કેમ થયો? આ ફરિયાદ કેમ ઊઠી છે? એને માટે જવાબદાર કોણ છે? આ બધા પ્રશ્નો વિચારીશું તો એમાં દાયિત્વનો ઉત્તર મળી રહેશે.

આ વિચારના સંદર્ભમાં અહીં શરૂઆતમાં ગવાયેલો સ્વાધ્યાયમંત્ર પ્રકાશ પાથરે છે. આ સ્વાધ્યાયમંત્રમાં પહેલી વાત એ ધ્યાન ખેંચે છે કે શિક્ષક પણ એક વિદ્યાર્થી છે, વિદ્યાર્થી તો વિદ્યાર્થી છે જ. આમ બન્ને વિદ્યાર્થી છે. સ્વાધ્યાયમંત્ર કહે છે કે ‘सहनाववतु ‘આપણે બન્ને સાથે પુરુષાર્થ કરીએ; ‘सह नौ भुनक्तु’ ‘આપણે બન્ને સાથે ભોગવીએ;’ ‘सह वीर्यं करवाव है’ ‘આપણે બન્ને સાથે પરાક્રમ કરીએ’ અને એથી જ ‘तेजस्वि नावधीतमस्तु’ ‘આપણા બન્નેનું ‘अधीत’ અધ્યયન’ તેજસ્વી બને.’ પણ મંત્રની સૌથી મોટી વાત તો છે ‘मा विद्विषाव है’ ‘આપણે બન્ને દ્વેષ ન કરીએ’ આ ‘अद्वेष’ એ ‘અહમ્’નું વિગલન છે. માણસમાંથી જો રાગદ્વેષ દૂર થઈ જાય તો ‘ચિદાનંદરૂપ; શિવોઽહમ્’ની સ્થિતિ થાય.

આ સ્વાધ્યાયમંત્રમાં ગુરુવચનનો મર્મ એ છે કે તને શીખવાડતાં શીખવાડતાં હું પણ શીખતો જ રહીશ. અહીં ‘બન્ને’ શબ્દ બહુ મહત્ત્વનો છે, કારણ કે ગુરુ પાસે – શિક્ષક પાસે – શીખતા વિદ્યાર્થીમાં ચેતના છે, ચેતનામાં પ્રતિભાવો ઊઠે છે, પ્રતિભાવોથી સમજણ આવે છે અને એ પારસ્પરિક · પ્રક્રિયા હોય છે.

શિક્ષકનાં બે સ્વરૂપો કલ્પવાં જોઈએ : એક તો વિષયશિક્ષકનું સ્વરૂપ અને બીજું જીવનશિક્ષકનું સ્વરૂપ. એમાં મુખ્ય સ્વરૂપ જીવનશિક્ષકનું છે. જીવનશિક્ષક પૂર્ણ વિષયશિક્ષક કદાચ ન બની શકે તો એનો મને ઝાઝો રંજ નહિ થાય. પણ જીવનશિક્ષક વગરનો કેવળ વિષયશિક્ષક – કૌશલ જ શીખવતો શિક્ષક ખરા અર્થમાં શિક્ષક ન કહેવાય. છતાં વિષયશિક્ષણના માધ્યમથી જ જીવનશિક્ષણ અપાતું હોઈ વિષયશિક્ષણની સજ્જતાની ઉપેક્ષા થઈ શકે નહીં.

તો પહેલાં વિષયશિક્ષકની વાત કરીએ. પોતાના જ્ઞાનમાં અપૂર્ણતા ન રહે તે માટે શિક્ષકે પોતાના વિષયને તાજો રાખવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. કારણ કે કોઈ પણ વિષય ક્યારેય સંપૂર્ણ થઈ જતો નથી. દરેક વિષયમાં ઉમેરણો થતાં જ રહે છે. ઉત્ક્રાન્તિવાદની કે અધ્યાત્મજ્ઞાનની કોઈ પણ દૃષ્ટિએ જોઈએ તો જ્ઞાન અનંત જ છે. એમાં સતત શોધ, ચિંતન, પરિણામો, પરિષ્કારો ચાલ્યા જ કરે છે. એમાંય અન્ય પ્રાણીઓ કરતાં માનવીય ઉત્ક્રાંતિ વધુ ઝડપી હોય છે. જૂલિયન હક્સલેએ દર્શાવ્યું છે કે આજથી ૧૫૦૦ વરસ પહેલાં પક્ષીઓની ઊડવાની રીત કરતાં આજની રીતમાં થોડો ઘણો જ ફરક પડ્યો છે, પણ માનવપ્રાણીનું એવું નથી. એ તો ખૂબ ઝડપથી આગળ વધે છે.

મનુષ્યની એક બીજી વિશેષતા એ છે કે માણસ પોતે સંચિત કરેલું જ્ઞાન પછીની પેઢીને આપે છે. અને પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનનું સંશોધન કરે છે, નવી શોધો કરે છે. આમ જ્ઞાન ઉતરોત્તર વિકસતું – વિસ્તરતું રહે છે. આટલા બધા વિસ્તૃત જ્ઞાનરાશિને જૂની પેઢી નવી પેઢીને સાંગોપાંગ તો ન આપી શકે કારણ કે મનુષ્યનું આયુષ્ય એ માટે ટૂંકું પડે છે. પણ એનાં તારણો અને નિષ્કર્ષોનું પ્રદાન તો નવી પેઢીને એ અવશ્ય આપે છે.

એટલે શિક્ષકનું એક દાયિત્વ તો વિદ્યાર્થીમાં આવા જે તે ક્ષેત્રના જ્ઞાન માટેની જિજ્ઞાસા જગાડવાનું છે. જ્ઞાન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું છે. જો આ શિક્ષકને ન આવડે તો એવા એ શિક્ષકનો વ્યવસાય છોડી જ દેવો જોઈએ.

શિક્ષકનું બીજું દાયિત્વ પોતાના વ્યવસાયમાં ધાર્મિકતા – ધર્મબુદ્ધિ – રાખવાનું છે. શિક્ષકે સમજવું જોઈએ કે શિક્ષકપણું એ માત્ર વ્યવસાય કે માત્ર ધંધો નથી, પણ ધર્મ છે. અહીં હું ધર્મનો ધાત્વર્થ લઉં છું. ‘ધારણ કરવાની શક્તિ’ એવો એનો અર્થ છે. જીવન ધારણ કરવાની શક્તિ લાભકારક શક્તિ – હાનિકારકતાનો અભાવ – આ શિક્ષકના શિક્ષણમાં અનુસ્યૂત છે, એમ સમજવું જોઈએ.

એટલે શિક્ષકનું દાયિત્વ કેવળ કૌશલ શીખવીને જ પૂરું થઈ જતું નથી. એણે જીવન શિક્ષણ પણ આપવું જોઈએ. શિક્ષકનું આ એક અતિમહત્ત્વનું દાયિત્વ છે. કારણ કે શિક્ષક પણ ચેતનાયુક્ત છે અને વિદ્યાર્થી પણ ચેતનાયુક્ત છે. ઉંમર અને બુદ્ધિવિકાસમાં આગળ પડતો શિક્ષક પોતાનાથી પ્રમાણમાં ઓછી ઉંમરવાળા અને ઓછી વિકસિત બુદ્ધિવાળા વિદ્યાર્થીને અવશ્ય વ્યક્તિત્વ આપશે જ. એ એક અનિવાર્ય બાબત છે. વધુ શક્તિશાળી ઓછી શક્તિવાળા પર પ્રભાવક નીવડે જ છે. બે ચેતનાની સંયોગ-સાથની એ અનિવાર્ય ફલશ્રુતિ છે.

એટલે શિક્ષક વિદ્યાર્થીને જરૂર કંઈક તો આપશે જ. ઉત્તમ નહિ આપે તો અધમ આપશે, ચેતન નહિ આપે તો જડતા આપશે. એનો અર્થ એ થયો કે પોતાના દાયિત્વને બર લાવવા શિક્ષકે ચૈતન્યમય, ઉત્તમ, સજ્જ, ધર્મનિષ્ઠ, થવું જોઈએ.

શિક્ષકમાંર્થી વિદ્યાર્થીમાં થતું વ્યક્તિત્વનું આ સંક્રમણ ભલે નરી આંખે કોઈને દેખાતું ન હોય, ભલે એકબીજા સાથે વિચારવિનિમય પણ ક્યારેય ન થતો હોય, છતાં ન આવી ચારિત્ર્યની સંક્રાન્તિ થયા વગર રહેતી જ નથી. પછી એ ઈષ્ટ હોય કે અનિષ્ટ હોય.

આજે શિક્ષકોમાં આ દાયિત્વની ઊણપ વિશેષ વરતાય છે. ટ્યૂશન મેળવવા માટે શાળાનો ઉપયોગ કરતા શિક્ષકો કે શાળાનો સમય પૂરો થતાં પહેલાં સ્કૂટર પર ટ્યૂશનમાં જતા શિક્ષકો આજે જોવા મળે છે. વિષયજ્ઞાનના શોખને બદલે ૨કમલાભની કિંમત અંકાતી જોવાય છે. એ દાયિત્વનો દ્રોહ જ છે એમ કહ્યા વગર ચાલે તેમ નથી.

કોઈ કહે છે કે શહેરના શિક્ષકો કરતાં ગામડાના શિક્ષકો પોતાના દાયિત્વને વધુ વફાદાર દેખાય છે. પણ બધે જ ઠેકાણે બધી જ જાતના માણસો હોય છે. શહેરમાં પણ સારા દાયિત્વને અનુસરતા શિક્ષકો નથી જ, એમ તો કહી શકાય નહિ. મને તો સારપની અધિકતામાં શ્રદ્ધા છે. અને એ સાર૫થી જ દુનિયા હજુ સુધી ટકી રહી છે અને એનું કારણ ઈશ્વરે સૌને આપેલી પ્રેમની શક્તિ છે, એમ હું માનું છું.

દરેક માણસ સંતાન, કુટુંબને પ્રેમ કરે છે. શિક્ષકે એવી જ રીતે કર્તવ્યપાલન તરફ પ્રેમ દાખવવો જોઈએ. આ રીતે જોતાં શિક્ષકનાં બે મુખ્ય દાયિત્વ તો સ્પષ્ટ જ છે એક તો વિષયનું જ્ઞાન સતત વધારતા રહેવું અને બીજું એ સંચિત જ્ઞાનનું વિતરણ કરવું અને આ બન્ને દાયિત્વમાં કર્તવ્યબુદ્ધિ કે ધર્મબુદ્ધિ અનુસ્યૂત રાખવી જોઈએ. જે આ ન કરી શકે એને શિક્ષક કહી શકાય નહિ.

આચાર્ય આનંદશંકર ધ્રુવે શિક્ષકોને સમાજના બ્રાહ્મણો કહ્યા છે. પ્રજ્ઞા અને શીલ જ્યારે એકબીજાને ઘસે ત્યારે આવા શિક્ષકનો – બ્રાહ્મણનો – જન્મ થાય છે. અહીં ‘પ્રજ્ઞા’ શબ્દ બહુ મોટા અર્થનો વાહક શબ્દ છે. અને શીલનો અર્થ ચારિત્ર્ય થાય છે. આ બે વસ્તુઓ શિક્ષકમાં હોવી જ જોઈએ અને એ પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રજ્ઞાવંત અને શીલવંત વ્યક્તિનું સાન્નિધ્ય સેવવું જોઈએ. વાણી વિનિમય થાય કે ન થાય, કેવળ સાન્નિધ્યસેવનથી જ ઘણું થઈ શકે છે. એમ કહેવાય છે કે કોઈ કશોક પ્રશ્ન લઈને ગાંધીજી પાસે જતું તો કશું જ બોલ્યાચાલ્યા વગર ગાંધીજીની ઉપસ્થિતિ માત્રથી એ વ્યક્તિના પ્રશ્નનું સમાધાન થઈ જતું! આ શીલનું ઉદાહરણ છે. પ્રજ્ઞાનું ઉદાહરણ જોઈએ તો સ્વામી વિવેકાનંદે જ્યારે શ્રીરામકૃષ્ણને પૂછ્યું કે, આપે ભગવાનને જોયા છે? ત્યારે શ્રીરામકૃષ્ણે આપેલો સચોટ હકારાત્મક ઉત્તર એ ‘પ્રજ્ઞા’ છે. આ અનુભૂતિ જ ‘પ્રજ્ઞા’ છે.

આ તો ઘણી ઊંચી વાત થઈ. પ્રસ્તુત વિષયને અનુકૂળ જરા નીચે ઊતરીને વાત કરીએ તો પ્રજ્ઞામાં વિષયજ્ઞાનનું પરિશીલન અને શીલમાં સચ્ચરિત્ર આવે છે. કારણ કે આપણું ‘અધીત’ અર્હી વિષય છે. શિક્ષકના બંને આદર્શો ભારતની ભૂમિમાં આજ સુધી પળાતા આવ્યા છે અને હજુયે પળાઈ રહ્યા છે.

આજે આ પ્રશ્ન વધારે મહત્ત્વનો એટલા માટે બન્યો છે કે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં આજે કૂડકપટ પેસી ગયું છે એટલે શિક્ષકનું દાયિત્વ વધી ગયું છે. હવે જો એ શિક્ષકમાં જ અધર્મ પેસી જાય તો પછી બચાવનાર કોણ રહેશે? સંસારનું ચારિત્ર્ય સાચવનાર શિક્ષક જ ચરિત્રહીન બને, તો તો સમગ્ર સંસાર સડી જાય! અને એવું થાય તો તો અંધાધૂંધી સિવાય કોઈ ઉપાય જ ન રહે!

આજે આવી ભવિષ્યની અંધાધૂંધીની શક્યતા વધી રહી હોય એવું જણાય છે. ત્યારે એવી અંધાધૂંધી નિવારવા આપણે કરીશું શું? આ માટે થોડાક મનીષીઓએ જાગવું જ રહ્યું. આવી અંધાધૂંધીનો સામનો બે રીતે થઈ શકે. એક તો અન્યાય, અનીતિ, અસત્ય વગેરે સામે પડકાર ફેંકીને, વિદ્રોહ જગાવીને શિક્ષક આ સામનો કરી શકે છે અને બીજું વિદ્યાર્થીઓમાં ઉચ્ચ આદર્શનો સંચાર કરીને પણ અંધાધૂંધી અટકાવી શકે છે. કારણ કે નાની ઉંમરનાં બાળકો ઉપર શિક્ષકનો પ્રભાવ પડ્યા વગર રહેતો જ નથી. બાળક્ને પોતાનાં માબાપ કરતાં પણ શિક્ષક વધુ વિશ્વસનીય લાગે છે, શિક્ષકના વ્યક્તિત્વ અને સંસ્કાર સિંચન દ્વારા – વિદ્યાર્થીના વ્યક્તિત્વને સ્પર્શવાનો અવસર આજે વધુ સમયોચિત લાગે છે.

શિક્ષકનું આ દાયિત્વ કંઈ શીખવ્યું શીખવાતું નથી. એ વણશીખવ્યું હોય છે. અને આજેય શિક્ષકોમાં એ હસ્તી ધરાવે છે. ‘દાયિત્વ’ તો એક નૈતિક શબ્દ છે. જૂના જમાનામાં આજે છે તેવાં શિક્ષકોનાં સંગઠનો ન હતાં. સંગઠનો હોય એનો તો કશો વાંધો નથી. પણ દાયિત્વનું સાવ વિસ્મરણ થઈ જાય એવી હડતાલો તો શોચનીય જ છે. માબાપ ભલા પોતાની દાયિત્વને કોરે મૂકી દઈને સંતાનો સામે હડતાલ પોકારે છે ખરાં કે? જૂના જમાનામાં હડતાલનો વાયરો વાયો ન હતો. શિક્ષકોને સરકાર, સંચાલકો કે અન્ય જે કોઈ સામે વિરોધ કરવો હોય તો ભલે કરે, પણ એમાં વિદ્યાર્થીઓનો શો વાંકગુનો?

જીવનના અન્ય ક્ષેત્રના વ્યવસાયો કરતાં શિક્ષકના વ્યવસાયની વિશેષતા એ છે કે અહીં ચૈતન્યનો ચૈતન્ય સાથે પનારો પડે છે. અન્ય વ્યવસાયોમાં ચૈતન્યને જડ પદાર્થ સાથે કામ લેવાનું હોય છે. અહીં બન્ને બાજુ ચૈતન્ય હોઈ પ્રેમ, વિષયજ્ઞાન, મુશ્કેલીઓ ઓછી કરવાના નુસખા, અને સૂક્ષ્મ-નૈતિક-ધાર્મિક-આધ્યાત્મિક દાયિત્વ છે.

જ્યારે શિક્ષકના દાયિત્વની હું વાત કરું છું ત્યારે માર શિક્ષકો પૈકીના માંકડ માસ્તર યાદ આવ્યા વગર રહેતા નથી. બીજા પણ ઘણા દાયિત્વસંપન્ન શિક્ષકો વત્તા ઓછા પ્રમાણમાં મેળવવાનું ભાગ્ય મને મળ્યું છે, પણ માંકડ માસ્તરની છબિ તો અંતરમાં કોતરાઈ જ ગઈ છે. તેઓ ખાદીની લૂંગી પહેરતા, હાથમાં ડાંગ રાખતા, રસ્તે જતાં સૌને ‘જય જય’ કરતા, શાળામાં, ‘પ્રભો! અંતર્યામી જીવના દીન શરણા’વાળી આખીય પ્રાર્થના એ બોલાવતા. ત્યારે એકસૂરીલું સુંદર વાતાવરણ સર્જાતું. આ માંકડ માસ્તરે ગરીબ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને બરાબર સમજતા અને એ મુશ્કેલીઓ ઓછી કરવાનો બનતો બધો પ્રયત્ન કરતા. એવા વિદ્યાર્થીઓને તેઓ પોતાને ઘેર ભણવા બોલાવતા, ટ્યૂશન રાખતા ન હતા, મફત ભણાવતા હતા. શિક્ષણ આપવાની તેમની રીત પણ એક જુદી ભાતની હતી. વિદ્યાર્થીઓ જાતે શીખે એ વાતની તેઓ હિમાયત કરતા, એટલે વિદ્યાર્થી પાસે વંચાવતા અને એમાં ન સમજાય તે પૂછવાનું કહેતા. એમનું જ્યારે અવસાન થયું, ત્યારે સ્મશાન યાત્રામાં આખું ગામ હતું! આવું બનવાનું કારણ માંકડ સાહેબનો પ્રેમ હતો. આવા પ્રેમનો સ્પર્શ સદૈવ ટકી રહેનારો હોય છે. બસ, આ પ્રેમ જ શિક્ષકનું સૌથી મોટું દાયિત્વ છે અને પોતે જ્ઞાનવિસ્તાર સતત કરતા રહેવું અને એનું વિતરણ વિદ્યાર્થીઓમાં સતત કરતાં રહેવું, એ બીજું મહત્ત્વનું દાયિત્વ છે. આટલું થાય તો બધી શિક્ષણપદ્ધતિઓ તો એની મેળે જ આવી મળશે. શિક્ષણ પદ્ધતિઓની ઝંઝટમાં ઝાઝું ન પડાય એની હરકત નથી.

અહીં વિવિધ પ્રકારના શિક્ષકો ભેગા થયા છે. એમની આગળ મેં જે આ વાતો કરી છે તે નવી તો નથી પણ આ વિષય સંભાળવા જેવો અને વાંરવાર સંભારવા જેવો છે. મારી આ વાત સૌ સંભાળજો, સંભારજો અને અહીં ઉપસ્થિત ન રહી શક્યા હોય એવા શિક્ષકોને પહોંચાડી શકાય તો સારું થશે. આ વિષય સાંભળવો તો સહેલો છે, પણ આચરવો અઘરો છે, એને વીસરી જઈશું તો ખુદ વિદ્યાર્થીઓ જ આપણી ટીકા કરવાના છે કારણ કે વિદ્યાર્થીઓ શિક્ષકની બધી મર્યાદાઓને બરાબર રીતે સમજતા જ હોય છે. ક્યો શિક્ષક સમયસર આવે છે? ક્યો મોડો આવે છે? ક્યો વહેલો ચાલ્યો જાય છે? ક્યો સારું ભણાવે છે? ક્યો નકામી વાતો કરે છે? વગેરે બધી જ બાબતોનું વિદ્યાર્થીઓ નિરીક્ષણ કરતા જ હોય છે, એ ભૂલવું ન જોઈએ.

પોતાનું ટ્યૂશન ન રાખનાર વિદ્યાર્થીને હેરાનપરેશાન કરીને એનું જીવન બગાડનારા શિક્ષકો પણ અત્યારે મળે છે. ઊછરતા જીવન પર જુલમ ગુજારનારા શિક્ષકોનાં ઉદાહરણો પણ મળે છે એ ઘણું જ ખેદજનક છે. આવા લોકોને શિક્ષક કહી જ ન શકાય.

શિક્ષકે તો સમયસર શાળામાં આવવું જોઈએ. ચુસ્ત સમયપાલન કરવું જોઈએ. પોતાની સંસ્થાના દરેક કાર્યમાં સહકાર આપવો જોઈએ. શિક્ષકે દાયિત્વપૂર્ણ રહી જીવવું જોઈએ. આવા શિક્ષકને વંદન કરવાં જોઈએ. આ વંદન યંત્રવત્ નહિ, હૃદયપૂર્વકનાં હશે. આવા શિક્ષકો એક સુંદર વાતાવરણ સરજી શકે છે.

આજે વિષયોનું વૈવિધ્ય વધ્યું છે, વિષયોના વિસ્તારનો કોઈ આરોઓવારો રહ્યો નથી. પણ પ્રેમ, કર્તૃત્વ, ચારિત્ર્ય અને ભાવસંક્રમણનું દાયિત્વ જ ગમે તે વિષયને ભણાવતા શિક્ષક પાસે હોવું અનિવાર્ય છે.

કહેવાતું હતું તે મેં કહ્યું છે. કોઈને કશું પૂછવું હશે તો હું ઉત્તર આપીશ. જરૂરી બધી બાબતો આટલામાં આવી જશે.

Total Views: 277

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.