શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. – સં.

‘ભવિષ્યના, મારા વહાલા સુધારકો, દેશભક્તો, તમને કોઈ લાગણી થાય છે? તમને લાગે છે ખરું કે ભગવાન અને સંતોનાં કરોડો સંતાનો જંગલી લોકો જેવા થતાં જાય છે? તમને લાગે છે ખરું કે આજે કરોડો લોકો ભૂખમરો વેઠી રહ્યાં છે અને કરોડો લોકો યુગોથી તનતોડ મહેનત કરી રહ્યાં છે? તમને લાગે છે ખરું કે આપણા દેશ પર અજ્ઞાનતા કાળા વાદળની જેમ છવાઈ ગઈ છે? આ વાત તમને બેચેન બનાવે છે ખરી? એ વાત તમારી ઊંઘને હરામ કરી દે છે ખરી? શું આ વાત તમારા હૃદયના ધબકારા સાથે સાતત્ય કેળવીને તમારી નાડીઓ દ્વારા ફરતી ફરતી તમારા લોહીમાં ઊતરી ગઈ છે ખરી? એણે તમને લગભગ ગાંડા બનાવી દીધા છે ખરા? એ વિનાશક દુઃખના વિચારે તમને જકડી લીધા છે ખરા કે જેથી તમે તમારું નામ, કીર્તિ, પત્ની, બાળકો, માલ- મિલ્કત, અરે! તમારા શરીરને પણ ભૂલી જાઓ? આ પ્રથમ પગલું છે, પહેલાં તમારા હૃદયમાં લાગણી ઊભી થવી જોઈએ. બુદ્ધિમાં કે તર્કમાં શું છે? એ તો થોડાંક પગલાં ચાલીને અટકી જાય છે. પણ પ્રેરણા હૃદયમાંથી પ્રગટે છે. પ્રેમ દ્વારા મોટા ભાગના દરવાજા ખૂલી જાય છે; વિશ્વના બધાં રહસ્યોનો દરવાજો પ્રેમ છે.’

સ્વામીજી હાક મારી રહ્યા છે, તેમને સાંભળો, ધ્યાન દઈને સાંભળો. આ હાક સાંભળનાર કોઈપણ યુવક શ્રોતાની ચેતના જરાપણ જાગી ઊઠી હોય તો તેનું હૃદય હચમચી ઊઠવું જોઈએ અને ઇલેક્ટ્રિકનો શોક લાગ્યો હોય એવી ઝણઝણાટી આખા શ૨ી૨માં પ્રસરી જવી જોઈએ. સ્વામી વિવેકાનંદે સાચી રીતે જ યુવકોને ઉદ્‌બોધન કર્યું છે, કારણ કે તેઓ રાષ્ટ્રની આશા છે. તેમણે યુવકોને મા ભારતીના નવનિર્માણ માટે કટિબદ્ધ થવા હાકલ કરી છે.

બળબળતા હૃદયે સ્વામીજીએ ઉદ્‌ગારો કાઢ્યા છેઃ ‘આપણા દેશની ગરીબીનું દૃશ્ય અને તેના ભવિષ્યનો વિચાર મને શાંત રહેવા દેતો નથી. સમાધિ અને એ બધું મને નકામું લાગે છે; મોજશોખના વિચારોથી ભરપૂર સ્વર્ગલોક મારા માટે નિરસ બની ગયું છે! તમારા કલ્યાણનો વિચાર એ મારું જીવનવ્રત બની ગયું. છે. જે દિવસે મારું એ વ્રત પૂર્ણ થશે તે દિવસે હું આ સ્થૂળ દેહનો ત્યાગ કરીને સીધો દોડ્યો જઈશ.’

સ્વામીજી પાસે પશ્ચિમના લોકો માટે તથા પૂર્વના પોતાન સંતાનો માટે સંદેશ હતો. હિંદુ ધર્મને લગતો ખતપત્ર તેમણે આપ્યો છે. આજના યુગના હિંદુ ધર્મમાં જે વિઘટન જોવામાં આવે છે તેને તેમના જેવા ખડકની લંગર તરીકે જરૂર છે. સાથે સાથે આત્મસાક્ષાત્કાર થઈ શકે તેવા અધિકારપૂર્ણ ઉદ્‌ગારોની પણ જરૂર છે. સ્વામીજીને મન જે કાંઈ સત્ય છે, તે વેદ છે. તેમણે અનુભવેલા સત્યો સનાતન ધર્મના પાયા પર આધારિત હોય છે. તેમના વાક્યો વેદો તથા ઉપનિષદોનાં ઉદાહરણોથી ભરપૂર હોય છે.

સ્વામીજીનું બેનમૂન પ્રદાન તેમના આ અદ્ભુત ઉદ્‌ગારોમાં રહેલું છે : ‘જો અનેક અને એક ખરેખર એક જ પરમ સત્તા હોય તો પછી બધાં; માત્ર ભજવાના બધા પ્રકારો જ નહિ; પણ એટલી જ બધી કામ કરવાની રીતો, સંઘર્ષ કરવાની બધી પદ્ધતિઓ, સર્જનની બધી રીતો, આત્મસાક્ષાત્કારના માર્ગો બની રહે છે.’ આધ્યાત્મિક અને ભૌતિક વચ્ચે તેમને કશો ભેદ દેખાતો ન હતો. શારીરિક શ્રમ એ પ્રાર્થના છે, ત્યાગ કરવો એટલે જીત મેળવવી; જીવન પોતે જ ધર્મ છે. આપણી પાસે કાંઈક હોવું અને એને પકડી રાખવું એ છોડી દેવા અને નિવારવા જેવી અડગ શ્રદ્ધા માગી લે છે.

સ્વામી વિવેકાનંદે પોતાના જાગ્રતિપૂર્ણ જીવનકાર્યના પાયામાં આ મૂળભૂત સત્યને પ્રસ્થાપિત કરેલું હતું. તેમનું લક્ષ્ય કર્મ, જ્ઞાન અને ભક્તિનું યોગમાં એકીકરણ કરવાનું અને તેમનો સમન્વય સાધવાનું હતું. બધું એક અને અદ્વિતીય છે, એવી અનુભૂતિ પ્રબોધતા અદ્વૈતના તત્ત્વજ્ઞાનમાં તેમને દૃઢ શ્રદ્ધા હતી. દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત એ ત્રણેય એક જ વિકાસમાળાના ત્રણ અવસ્થાવિશેષો કે તબક્કા છે અને અદ્વૈતમાં અંતિમ સાધ્ય રહેલું છે – આ સિદ્ધાંત તેમણે હિન્દુધર્મમાં ઉમેરેલો છે. ‘અનેક અને એક એ એક જ પરમતત્ત્વ છે. અલગ અલગ સમયે અને અલગ અલગ અભિગમોમાંથી મન દ્વારા તેનું દર્શન થાય છે અથવા ભગવાન સાકાર અને નિરાકાર બન્ને સ્વરૂપે રહેલા છે. તેનામાં સાકાર અને નિરાકાર બન્નેનો સમાવેશ થઈ જાય છે.’ એવા તેમના ઉપદેશોના શબ્દો તેમના ભવિષ્યના કાર્યની ગુરુચાવીરૂપ શબ્દો બની ગયા હતા.

જવાહરલાલ નહેરુએ સ્વામીજીને નીચેના શબ્દોમાં અંજલિ અર્પણ કરી હતીઃ

‘ભારતના અતીતમાં મૂળિયાં ધરાવતા અને એના વારસાનું અભિમાન ધરાવતા હોવા છતાં સ્વામી વિવેકાનંદ જીવનની સમસ્યાઓ તરફ આધુનિક અભિગમ ધરાવતા હતા. ઉત્સાહરહિત અને નીતિવિહીન બની ગયેલ હિન્દુ માનસ માટે તેમનું આગમન સંજીવની જેવું બની રહ્યું અને તેને આત્મવિશ્વાસ તથા અતીતના આધાર પૂરા પાડ્યા.’ આમાં થોડોક ઉમેરો કરે તેવું વિધાન સ્વામીજી વિષે શ્રી રવીન્દ્રનાથ ટાગોરનું છેઃ ‘જો તમારે ભારતને જાણવું હોય તો વિવેકાનંદનો અભ્યાસ કરો. એમાં બધું જ હકારાત્મક છે, કશું ય નકારાત્મક નહીં.’

આ બે ઉદાહરણોમાં તેમના ઉપદેશ અને લોકો માટેના સંદેશના મુખ્ય પાસા જોવા મળે છે. તેમનું પ્રતિબિંબ તેમનાં વાર્તાલાપો અને પ્રવચનો અને ઉદ્‌બોધનો, પત્રો, શિષ્યો સાથેની તેમની વાતચીતો વગેરે રૂપે તેમના સાહિત્યમાં જોવા મળે છે. આ બધાં નવી પેઢી સમક્ષ ભારતનાં સત્યો અને ખજાનાને પ્રકટ કરે છે. સાથે સાથે તેમાં સત્યના શોધકની અનુભૂતિઓ, અભિવ્યક્તિઓ અને પ્રયોગો પણ પ્રકટ થયા છે. સ્વામીજીની સમાજસેવાની વિભાવના તેમણે માનવજાતિને ઉપહારરૂપે બક્ષેલા ‘રત્ન’માં ચોક્કસપણે વ્યક્ત થયેલી છે. આ વિભાવનાઓ વેદાન્તના તત્ત્વજ્ઞાનમાં તેમનું ઉદ્‌ગમસ્થાન ધરાવે છે. સામૂહિક અધઃપતનનાં જરૂરિયાતો, સમસ્યાઓ અને કાર્યકારણાત્મક પરિબળોનું વિશ્લેષણ કરતાં તેમણે દર્શાવ્યું છે કે મા ભારતીનું સામર્થ્ય અને તેના નવનિર્માણની પ્રક્રિયા ધર્મ અને વેદાન્તની સાધના દ્વારા મોક્ષમાં રહેલાં છે. ‘ત્યાગ અને સેવા’ – એ બે મૂલ્યો એના હાર્દમાં રહેલાં હતાં. અને કરોડો માણસોને પોતાના અધિકાર પૂર્વક જીવવામાં અને વ્યક્તિઓને આત્મસાક્ષાત્કારના સર્વોચ્ચ શિખરને સર કરવા માટે સહાયક બનવા માટે નવો પ્રાણ ફૂંકવા માટે સર્વસાધક ઔષધરૂપ હતાં.

સમાજસેવાનાં જે મિશન અને વ્યવસ્થાતંત્રને સ્વામીજીએ ગતિમાન કરેલાં તે વટવૃક્ષનાં બીજ જેવાં છે. એ દેખાતું હોય છે જો કે રાઈના દાણા જેવડું નાનું, પણ તે છતાંય તેમાં વિશાળ વટવૃક્ષ છુપાયેલું હોય છે. જે માણસ આ જોઈ શકે છે અને દરેક કામને ખરેખર મહાન બનાવી શકે છે, તે ખરા બુદ્ધિશાળી છે. સ્વામીજીનાં જીવન અને કાર્ય માત્ર પૂર્વ અને પશ્ચિમનાં જ નહીં, અતીત અને ભવિષ્યનાં પણ સંગમસ્થાનરૂપ હતાં. સામાન્ય લોકોને અને સત્યના સાધકોને નવું જીવન બક્ષવા માટે જરૂરી કાર્યો – તેમાં રહેલાં દૂષિત તત્ત્વોની પરિભાષા બાંધવી અને તેમને ઓળખી કાઢવાં તથા તેમના પ્રતિકારની પદ્ધતિ અપનાવવામાં આ સમન્વયનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે. સ્વામીજીના વિચારો વિશિષ્ટ છે અને તેમની કાર્ય અને ઉપાસનાની વિભાવના માટે અજોડ છે. ભારતના કરોડો લોકોની દુઃખદાયક પરિસ્થિતિનો નિર્દેશ કરી દેવાની એક પણ તક તેઓ જતી કરતા ન હતા. આખા જગતમાં ફરતાં ફરતાં તેઓ કહેતા હતા કે ‘અન્ય દેશોના લોકોની સરખામણીમાં મને લાગે છે કે અમારા દેશના લોકો મોટા તમસ (નિષ્ક્રિયતા)માં ડૂબી ગયેલાં છે. બહારથી સાત્ત્વિક્તા (શાન્તિ અને સમતુલન)ની દંભી પરિસ્થિતિ અને ભીતરમાં પથ્થર જેવી નરી જડતા, આવા લોકો જગતમાં શું કામ કરી શકશે? આવા નિષ્ક્રિય, આળસુ અને વિષયલંપટ લોકો કેટલો વખત જગતમાં જીવતા રહી શકશે?…પશ્ચિમના લોકોના જીવનમાં કેવી સાહસિકતા અને કાર્ય માટેની ભક્તિ, કેટલો ઉત્સાહ અને રજોગુણનું પ્રાય! અહીં તો જાણે કે હૃદયમાં લોહી થીજી ગયું છે. તેથી નાડીઓમાં તેનું પરિભ્રમણ ચાલુ રહી શક્યું નથી, જાણે કે શરીરને પક્ષઘાત થઈ ગયો છે અને એ સુસ્ત બની ગયું છે.’

‘આથી હું માનું છું કે સૌથી પહેલાં લોકોના રજોગુણનો વિકાસ સાધીને તેમને કાર્યરત બનાવવા જોઈએ અને આ રીતે તેમને અસ્તિત્વ માટેના સંઘર્ષ માટે યોગ્ય બનાવવા જોઈએ. જો તેમના શરીરમાં શક્તિ નહીં હોય, તેમના હૃદયમાં ઉત્સાહ નહીં હોય અને તેમના ભેજામાં મૌલિક્તા નહીં હોય, તો એ નિર્જીવ ઢેફાં જેવા લોકો કરશે શું? તેમનામાં ઉત્તેજના ઊભી કરીને હું તેમનામાં જીવનનો સંચાર કરવા ઇચ્છું છું. વૈદિક મંત્રોની અજેય શક્તિ દ્વારા હું તેમને બેઠા કરીશ.’

જાઓ અને અભયનો આ સંદેશ બધાને સમજાવો. દરેકને કહો: ‘તમારી અંદર અનંત શક્તિ રહેલી છે. તમે શાશ્વત આનંદના ભાગીદાર છો.’ આ રીતે તેમનામાં રજોગુણને જાગ્રત કરો, જીવન-સંઘર્ષ માટે તેમને લાયક બનાવો અને પછી તેમની સાથે મોક્ષની વાતો કરો. તેમની આંતરિક શક્તિને જગાડીને દેશના લોકોને પગ ભર બનાવો, પહેલાં તેમને સારો ખોરાક, કપડાં અને ખુબ મોજમજા કરતાં શીખવા દો અને પછી તેમને વિષયાનંદના બંધનમાંથી મુક્ત થવાની વાત કહો. પાશ્ચાત્ય વિજ્ઞાનની સહાયથી ઉત્પાદન અને પરિશ્રમનાં નવાં નવાં ક્ષેત્રો શોધી કાઢીને લોકોને પ્રવૃત્તિમાં ડૂબેલાં રહેવા દો, જેથી જેઓ પોતાના માટે અન્ન અને વસ્ત્રનું ઉત્પાદન કરી શકે. સઘન પ્રવૃત્તિઓમાં ઊભી કરીને જો તેમની ભૌતિક જરૂરિયાતો પૂરી કરવામાં નહીં આવી હોય તો કોઈ આધ્યાત્મિક્તાનો એક પણ શબ્દ ધ્યાનથી સાંભળશે નહીં. મનુષ્યની ભીતરમાં રહેલી આત્મશક્તિને જાગૃત કરો.

‘તમે તમારી જાતને મદદ કરો.’ એક સૂત્ર એક નીતિ તરીકે લોકોને મદદ કરવાની બાબતમાં સ્વામીજીના વિચારો ચોક્કસ હતા અને દૃષ્ટિ સ્પષ્ટ હતી.

ભગવાને ગીતામાં કહ્યું છે તે રીતે દેશનાં લોકોને બેઠાં કરવા માટે ઉત્કટ કર્મયોગ અને સાથે સાથે મુક્ત હિંમત અને દુર્દમ્ય સામર્થ્ય જરૂરી છે. સ્વામીજીની કામના હતી કે, પવિત્રતાના ઉમંગ વાળાં, ભગવાનમાં અમર શ્રદ્ધા રૂપી કવચ ધરાવતાં, સિંહ જેવી હિંમતવાળાં એકસો નરનારી તેમને મળી જાય. તેમનામાં ગરીબ, પતિત અને દલિત માટે સહાનુભૂતિ હોય. તેઓ દેશની ચારેય દિશાઓમાં ફરી વળે તથા સમાનતાનો સંદેશ પહોંચાડે આ ધ્યેય સાધવા માટે સ્વામીજી વ્યક્તિગત અને રાષ્ટ્રીય નીતિ તરીકે બન્ને કક્ષાએ ‘તમે તમારી જાતને મદદ કરો,’ એ તત્ત્વજ્ઞાનની હિમાયત કરી હતી. ‘તમારે કોઈપણ પ્રકારની વિદેશી સહાય પર આધાર ન રાખવો જોઈએ. વ્યક્તિની પેઠે રાષ્ટ્રોએ પણ પોતાની જાતને સહાય કરવી જોઈએ. દરેક રાષ્ટ્ર, દરેક માણસ અને સ્ત્રીએ પોતાનો મુક્તિમાર્ગ કંડારી કાઢવો જોઈએ. તેમને વિચારો આપો – એ જ એકમાત્ર સહાયતાની તેમને આવશ્યક્તા છે; અને બાકીનું બીજું બધું તો કાર્ય તરીકે પાછળ પાછળ ચાલ્યું આવશે.’ તેમણે અન્યત્ર કહ્યું છેઃ ‘જો લોકોને પોતાની જાતને મદદ કરવાનું શિક્ષણ ન આપવામાં આવ્યું હોય તો આખા જગતની સંપત્તિ પણ ભારતના એક નાનકડા ગામડાને સહાયરૂપ ન બની શકે. આપણું કાર્ય મુખ્યત્વે નૈતિક અને બૌદ્ધિક એમ બન્ને પ્રકારનું શિક્ષણ આપવાનું હોવું જોઈએ. સ્થાનિક લોકોને જાગૃત કરો કે તેઓ શિક્ષણ આપનારાં મંડળો શરૂ કરે જેથી લોકો સ્વાશ્રયી બનવાના પાઠ શીખી શકે.’

સ્વામીજીએ કહ્યું છે કે, ‘ભારતના સામાન્ય લોકોને પોતાના વારસારૂપે મળેલા આંતરિક પ્રકાશને પ્રકટ કરવાનો મોકો કદી મળ્યો નથી. આથી લોકોને પોતાની અંદર જ શ્રદ્ધા નથી. તેથી પ્રશ્ન થાય છે કે વેદાન્તના પાયાના સત્યરૂપ આત્મશ્રદ્ધાને જ જ્યાં સુધી લોકો જીવનમાં નહીં ઉતારે ત્યાં સુધી સ્વાશ્રય ક્યાંથી આવશે? આને લીધે આપણે સામર્થ્યહીન છીએ. માત્ર શિક્ષણ જ આ ધ્યેયને હાંસલ કરી શકે. શિક્ષણ, શિક્ષણ અને માત્ર શિક્ષણ જ! શિક્ષણ દ્વારા પોતાની અંદર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને આત્મશ્રદ્ધા દ્વારા જ અંદર રહેલ બ્રહ્મ જાગૃત થઈ ઊઠે છે.’

સમાજ સુધારા

‘અત્યારના ભારતની વ્યવસ્થાઓમાં મૂલગત અને શાખાગત સુધારાની જરૂર છે. હું વિકાસમાં માનું છું. જેની જરૂર છે, તે જ બળતણ રાષ્ટ્રીય જીવનને પૂરું પાડો, પણ વિકાસ તેની પોતાની રીતે જ થશે. આપણા સમાજમાં ઘણાંબધાં દૂષણો છે. પણ દૂષણોનો ઇલાજ ક૨વો એ સાચી રીત નથી. આપણું તત્ત્વજ્ઞાન આપણને શીખવે છે કે સારું અને ખરાબ કાયમ માટે એકબીજા સાથે જોડાયેલાં છે, તેઓ તો એક સિક્કાની ઊંધી અને ચત્તી બાજુઓ છે. તમારી પાસે એક હોય તો બીજી હોવાની જ. આ જ કાયદો છે, આ જ ફિલસૂફી છે. દૂષણનો સામનો કરવો એ કામ વાસ્તવિક કરતાં શૈક્ષણિક વધારે છે. દરેક માણસ દૂષણ બતાવી શકે પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી આપે એ જ માનવજાતિનો સાચો મિત્ર છે. આપણા લોકો બૂમો પાડે છે. આપણે બહુ વ્યાખ્યાનો કરી લીધાં છે, આપણી પાસે પૂરતાં મંડળ છે, પૂરતા કાગળો છે, પણ આપણને બહાર કાઢવા માટે હાથ લંબાવે એવો માણસ ક્યાં છે? આપણને સાચી રીતે ચાહતો હોય એવો માણસ ક્યાં છે? આપણા પ્રત્યે સહાનુભૂતિ હોય એવો માણસ ક્યાં છે? એવા માણસની જરૂર છે. બીજું કે એમાં સમય પણ લાગે છે. પોતાની સમસ્યા હલ કરી શકે. એવો તંદુરસ્ત અને મજબૂત જનમત ઊભો કરવામાં બહુ લાંબો સમય લાગે છે. આને માટે આપણે રાહ જોવી પડશે. સમાજ સુધારાની સમસ્યા કાંઈક આ પ્રકારની છે.’

આ પહેલાં કરો

‘કેટલીક વસ્તુઓ દૂષિત છે, એમ માનનારા થોડાક લોકો રાષ્ટ્રને હચમચાવી નહીં શકે. પહેલાં રાષ્ટ્રને શિક્ષણ આપો, કાયદા ઘડનારું મંડળ ઊભું કરો. પછી કાયદો તેની પાછળ પાછળ આવશે. પહેલાં સત્તા ઊભી કરો અને પછી તેમાંથી કાયદાનો જન્મ થશે.’

‘લોકોની નવી સંમતિ, નવી સત્તા આવવી જોઈએ. સામાજિક સુધારા માટે પણ આપણી પહેલી ફરજ લોકોને શિક્ષિત કરવાની છે. આજ સુધી જે જે સુવિધાઓની હિમાયત કરવામાં આવી છે, તે બધા શોભાનાં ઘરેણાં જેવા બની રહ્યાં છે. બહુ બહુ તો તેમની અસર પ્રથમ બે જાતિઓ પર પડે છે, અન્ય પર નહીં. એ કાંઈ સુધારો ન કહેવાય! તમારે વસ્તુના મૂળમાં જવું જોઈએ, વસ્તુના મૂળ સુધીના ઊંડાણમાં; હું એને જ ક્રાંતિકારક સુધારો કહું છું. ફેરફારો એકાએક આવી જતા નથી. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે આ વાત જાણતા હતા. પ્રવર્તમાન ધર્મને તેના આદર્શની સર્વોચ્ચ કક્ષાએ ધીમે ધીમે મૂકી દેવો એ જ એક માર્ગ બાકી રહે છે. ધર્મનો પાયાનો સિદ્ધાન્ત ઉત્ક્રાન્તિનો છે. આત્મા સવોચ્ચ લક્ષ્ય માટે પોતાની યાત્રા ચાલુ રાખે. તેણે આ બધાં તબક્કા અને પાસાંમાંથી પસાર થવું પડે છે. આથી તેમની જરૂરિયાત રહે છે અને મદદરૂપ બની રહે છે.’

એ જમાનામાં સામાજિક સુધારાઓનું જે મોજું પ્રવર્તમાન હતું એની સામે સ્વામીજીએ જે અભિગમ અપનાવ્યો હતો તેમાં તેમને અડગ વિશ્વાસ હતો. તેઓ દૃઢતાથી માનતા હતા કે ‘આપણે આપણી તાસીર પ્રમાણે વિકાસ સાધવો જોઈએ. ભારતમાં ધાર્મિક જીવન કેન્દ્રમાં રહેલું છે. અને એ જ સમગ્ર રાષ્ટ્રીય જીવનની ગુરુચાવી છે. તમારા ધર્મની એ જીવન શક્તિ દ્વારા તમારે બધી વસ્તુઓને કામે લગાડવી જોઈએ. તમારા ધર્મની કરોડરજ્જુ દ્વારા તમારી બધી જ નાડીઓને ધબકવા દો. નૂતન પદ્ધતિ જીવનને કેટલું વધારે આધ્યાત્મિક બનાવી શકશે, તે દર્શાવીને ભારતમાં સામાજિક સુધારાનો ઉપદેશ દેવો પડે છે. આથી ભારતમાં દરેક સુધારાએ સૌથી પહેલાં ધર્મની બાબતમાં ઉથલપાથલ કરવી જરૂરી બની રહે છે. પહેલાં આ પ્રદેશમાં આધ્યાત્મિક્તાના વિચારોનાં ઘોડાપૂર વહેવડાવો. તેથી ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણો વગેરે બંધાઈ રહેલાં વિસ્મયકારક સત્યોને બહાર લાવવાં જોઈએ. અને સમગ્ર પ્રદેશ પર તેમને દૂર દૂર સુધી ફેલાવી દેવાં જોઈએ. આ જ તો છે આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર. આધ્યાત્મિક અને ધર્મનિરપેક્ષ જ્ઞાન બન્ને મળીને લોકો પર પક્કડ જમાવી શકશે.’

શૈક્ષણિક પદ્ધતિ તરીકે આંતરિક વિકાસ

સ્વામીજીએ સૂચિત શિક્ષણના ઢાંચા પ્રત્યે તંદુરસ્ત અને હકારાત્મક અભિગમ અપનાવવાની હિમાયત કરી છે. તેઓ નિર્દેશ કરે છે કે – ‘સદીઓથી લોકોને અવનતિના સિદ્ધાંતોનું શિક્ષણ આપવામાં આવ્યું છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ કાંઈ નથી. આખી દુનિયામાં લોકસમુદાયોને કહેવામાં આવ્યું છે કે તેઓ મનુષ્ય નથી. સદીઓથી તેમને એવા ડરાવી દેવામાં આવ્યા છે કે જેથી તેઓ લગભગ પશુઓ જેવા બની ગયા છે. તેમને આત્મા વિષે સાંભળવા દો – કે નીચામાં નીચી કક્ષાના પ્રાણીઓમાં પણ આત્મા છે. તે કદી મરતો નથી અને કદી જન્મતો નથી. તે લોકોમાં આત્મવિશ્વાસ આવવા દો. આપણે જે માગીએ છીએ તે બળ છે. આથી તમે તમારામાં શ્રદ્ધા રાખો. આપણે નબળા પડી ગયા છીએ તેથી ગૂઢ વિદ્યાઓ અને રહસ્યવાદ આપણામાં પ્રવેશ કરી શક્યાં છે. તેમણે આપને પાયમાલ કરી દીધાં છે. તમે તમારા સ્નાયુઓને મજબૂત બનાવો, તમારા પગ પર ઊભા રહો અને મહાન બનો. આપણને મનુષ્ય બનાવે તેવા ધર્મની જરૂર છે. આપણને માનવ બનાવે તેવા સિદ્ધાંતોની જરૂર છે. આપણને સર્વગ્રાહી રીતે માનવી બનાવે તેવા શિક્ષણની જરૂર છે. સત્યની કસોટી આ રહી – જે કોઈ વસ્તુ તમને શારીરિક રીતે, બૌદ્ધિક રીતે અને આધ્યાત્મિક રીતે નબળા બનાવી દે, તેનો તમે વિશ્વની જેમ ઇન્કાર કરી દો. સત્ય તો મજબૂત બનાવે, સત્ય એટલે પવિત્રતા, સત્ય એટલે બધું જ્ઞાન; સત્ય મજબૂત બનાવે તેવું હોવું જોઈએ, બોધ આપે તેવું હોવું જોઈએ, પ્રાણવાન બનાવે તેવું હોવું જોઈએ. મજબૂત બનો, તમારા તેજસ્વી, પ્રકાશપૂર્ણ, મજબૂત બનાવે તેવાં ઉપનિષદોનાં તત્ત્વજ્ઞાન તરફ પાછા જાઓ. તેમને પકડી લો, તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવવા માંડો અને ભારતની મુક્તિ હાથવેંતમાં જ દેખાશે!’

‘અન્યને દેવું અને મદદ કરવી એ આ યુગની જરૂરિયાત છે. આધ્યાત્મિક જ્ઞાન આપવું એ સૌથી ઊંચી ભેટ છે, તેના પછી તેમના જીવનની રક્ષા કરવાનું કામ આવે છે અને ખાવાપીવાનું આપવાનું કામ તો સૌથી છેલ્લે આવે છે. જે માણસ આધ્યાત્મિક જ્ઞાન આપે છે તે લોકોના આત્માને ઘણા જન્મોની જંજાળમાંથી બચાવી લે છે. જે માણસ ધર્મનિરપેક્ષ જ્ઞાન આપે છે, તે આધ્યાત્મિક જ્ઞાનની દિશામાં માણસોની આંખને ખોલે છે અને બીજું બધું તો નિમ્ન કક્ષાનું છે. બીજાને મદદ કરવામાં તમે જેમ જેમ વધારે કામ કરતા જશો તેમ તેમ તમારી જાતને વધારેને વધારે મદદરૂપ થઈ શક્શો.

‘હું માનું છું કે જો કોઈ પણ માણસ દેશના લોકોને હૃદયપૂર્વક પ્રેમ આપી શકે તો ભારત જાગૃત થઈ ઊઠશે. જ્યારે વિશાળ હૃદયનાં સેંકડો નરનારીઓ જીવની મોજમજા માણવાની લાલસા છોડીને અભાવ તથા અજ્ઞાનની ગર્તામાં ઊડે ને ઊંડે સરકતા જતા લાખો દેશબાંધવોનો કલ્યાણ માટે ઇચ્છા સેવશે અને તનતોડ પ્રયત્ન કરી છૂટશે ત્યારે જ ભારત જાગી ઊઠશે.’

દેશની તાકાતમાં, લોકસમુદાયમાં અને વ્યક્તિઓમાં શ્રદ્ધા સાથે સ્વામીજીએ રાષ્ટ્રના યૌવનને અનુરોધ કર્યો છે કે તેઓ મા ભારતીને પ્રાણવાન બનાવવાના આ મહાન કાર્ય અને મિશન માટે તત્પર બને અને તેમાં જોડાઈ જાય.

સંસ્થાનો મુદ્રાલેખ છે – ‘બહુજન હિતાય બહુજન સુખાય ચ’ – ‘ઘણાબધા લોકોના ભલા માટે, ઘણાબધા લોકોના સુખ માટે.’ નિઃસ્વાર્થ ભાવે અને પ્રેમ તથા આદરથી ભરેલા હૃદયે, વિશાળ હૃદયવાળા, પોતાની માતૃભૂમિને ચાહતા, સમજુ લોકોએ દેશબાંધવોની સેવામાં જોડાઈ જવું જોઈએ.

મહાન ગુરુ પાસેથી પ્રેરણા મેળવીને સ્વામી વિવેકાનંદે પીડિત લોકસમુદાય માટે અજોડ અને ઉત્કટ લાગણી પૂર્વક તેના અભ્યુદય માટે અને સ્વના મોક્ષાર્થે વેદાંતનાં સત્યોનો ઉપદેશ કર્યો. વેદાંત એ પાયાની ફિલસૂફી છે. જગત સમક્ષ એની બે વિભાવનાઓ રજૂઆત પામવી જોઈએ – દરિદ્રનારાયણની અને વિરાટ (લોકસમુદાય)ની પૂજા. જો ધર્મનો આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર એવો અર્થ કરતા હોઈએ તો વેદાંત શિક્ષણ આપે છે કે નિર્વાણ અહીં ને અત્યારે જ મેળવી શકાય છે. નિર્વાણ એટલે આત્મસાક્ષાત્કાર અને જીવનનાં બે પાસાં વિષે અનુભૂત; એ પાસાં છે – પ્રથમ, જે લોકોને પોતાની જાત વિષે સાચું જ્ઞાન છે, તેમના પર કોઈ વસ્તુની અસર નહીં પડે, અને બીજું, કે એ માણસ જ જગતનું ભલું કરી શકશે. એ માણસ પાસે જ અન્યનું ભલું કરવા પાછળના આશયનું દર્શન હશે; કેમ કે અદ્વૈત જ છે. આપણે એને અહંકારયુક્ત ન કહી શકીએ. કારણ કે એમ કરવાથી ભેદદૃષ્ટિ ઊભી થશે. એ જ તો નિઃસ્વાર્થભાવ છે. એમાં સમષ્ટિનું દર્શન રહેલું છે, વ્યક્તિનું નહીં. પ્રેમ એ હમદર્દીનો પ્રત્યેક કિસ્સો આ વૈશ્વિક્તાને જ ભારપૂર્વક રજૂ કરે છે. ‘હું નહીં, પણ તું.’ તમે અન્યને મદદ કરો કેમ કે તમે એમાં રહેલા છો અને એ તમારામાં રહેલો છે; આમ તત્ત્વજ્ઞાનની રીતે એ વાતની રજૂઆત કરી શકાય. માત્ર સાચો વેદાન્તી જ પોતાના બાંધવને ખાતર, વિના સંકોચે જીવન અર્પણ કરી દેશે, કેમ કે એ જાણે છે કે એ મરવાનો નથી. જ્યાં સુધી જગતમાં એકાદું જંતુ પણ જીવંત હશે ત્યાં સુધી એ જીવતો જ છે.

‘જ્યારે માણસ ત્યાગની આ કક્ષાએ પહોંચે છે. ત્યારે તે નૈતિક સંઘર્ષની પેલે પાર, બધી જ વસ્તુઓને પેલે પાર ચાલ્યો જાય છે.’

‘તે સર્વમાં પ્રકટ થઈ રહેલી દિવ્યતાનાં દર્શન કરે છે… તે જ માત્ર સુખી માનવ બની રહે છે, અને જે માણસે એ સમતા હાંસલ કરી લીધી છે, તેણે આ જ જીવનમાં સમગ્ર અસ્તિત્વને જીતી લીધું છે. ઈશ્વર શુદ્ધ છે; તેથી આવો માણસ ઈશ્વરમાં જીવે છે એમ કહેવામાં આવે છે.’

‘આપણું વ્યક્તિત્વ એ જ ઈશ્વર છે સાચું વ્યક્તિત્વ (સ્વરૂપ) કદી પરિવર્તન પામતું નથી અને કદી પરિવર્તન પામશે પણ નહીં અને એ જ તો આપણી અંદર વિલસી રહેલું ઈશતત્ત્વ છે.’

‘ભક્તે કંડારેલા માર્ગમાં સર્વોચ્ચ કક્ષાની પૂજા એ છે કે માણસોની પૂજા કરો અને તેમને નારાયણ માનીને તેમની સેવા કરો. દરેક નરનારીમાં ઈશ્વરનું દર્શન કરો. તમે કોઈને મદદ કરી શક્તા નથી, માત્ર તેની સેવા કરી શકો છો. આ રીતે તમે ઈશ્વરનાં સંતાનોની અને એ દ્વારા ખુદ ઈશ્વરની સેવા કરી શકો છો. હા, આ બાબતમાં તમારો જો વિશેષાધિકાર હોય તો તમને આ વિશેષાધિકાર મળ્યો છે તે બદલ તમે ધન્ય છો. એનો અમલ પૂજા તરીકે કરો. મને અકિંચનમાં ઈશ્વરનું દર્શન થવું જોઈએ, અને હું તેમની પાસે જઈને તેમની આરાધના કરું છું. એ મારી મુક્તિ ખાતર જ હોય છે. દરિદ્ર અને દુઃખી લોકો આપણી મુક્તિ માટે છે કેમ કે એના દ્વારા આપણે વિકલાંગસ્વરૂપે આવતા, ગાંડાના, રક્તપિત્તના દર્દી અને પાપી તરીકે આવતા ઈશ્વરની સેવા કરીએ છીએ. આ બધાં સ્વરૂપોમાં રહેલા ઈશ્વરની સેવા કરવાનો આપણને મોકો મળે છે તે આપણો સૌથી મોટો અધિકાર છે.’

‘જગતમાં પ્રકાશ લાવો, દરેક પાસે પ્રકાશને આવવા દો. જ્યાં સુધી દરેક વ્યક્તિ ઈશ્વર પાસે નહીં પહોંચે ત્યાં સુધી આપણું કામ પૂરું નહીં થાય. દરિદ્ર પાસે પ્રકાશને લઈ જાઓ અને પૈસાદાર લોકો પાસે વધારે પ્રકાશ લઈ જાઓ, કેમ કે દરિદ્રો કરતાં તેમને તેની વધુ જરૂર છે. અજ્ઞાની લોકો પાસે પ્રકાશ લઈ જાઓ અને શિક્ષિત લોકો તરફ વધુ પ્રકાશ લઈ જાઓ કારણ કે આપણા યુગના શિક્ષણનાં મિથ્યાભિમાનો બહુ મોટાં છે. આ રીતે બધા પાસે પ્રકાશ લઈ જાઓ અને બાકીનું બધું ભગવાન પર છોડી દો. કારણ કે એ જ ભગવાનના શબ્દો છે – ‘તારો અધિકાર કર્મ કરવામાં જ છે, તેનાં ફળ ઉપર નહીં.’ ‘તમારાં કર્મોને તમારા માટે ફળો ઉત્પન્ન કરવા ન દો; અને તમે કદી કર્મ કર્યા વિના ન રહો.’

જે ભગવાને યુગો પૂર્વે આપણા પૂર્વજોને આવા મહાન વિચારો ઉપદેશ્યા હતા, તે જ આપણને તેના આદેશોનો અમલ કરવા માટે સામર્થ્ય મેળવવામાં સહાયરૂપ બની રહો.

અનુવાદક : શ્રીચંદુલાલ ઠકરાલ

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.