બધી શક્તિઓનો મૂળ સ્રોત પરમાત્માની, પ્રભુની સત્તા છે. આપણા એ પરમાત્મા કોણ છે? ક્યાં છે? ક્યા મંદિર – મસ્જિદમાં છે? આપણા પરમાત્મા આ આખું વિશ્વ છે. વિશ્વમાં જીવનની આ એકતા જ આપણી શક્તિ છે. દા.ત. મનુષ્ય પૃથ્વી વગર, સૂરજ વગર, ચાંદ વગર, સાગર કે સરિતા વગર, વૃક્ષો વગર કે પશુ-પક્ષીઓ વગર જીવી નહિ શકે. તો આ જે એક પરસ્પર સંબંધ છે The inter – relatedness of everything that exists is the Truth-is the God of Gandhi. દરેક વસ્તુ – જેનું અસ્તિત્વ છે એ બધાં વચ્ચે આંતર – સંબંધિતતા છે એ ગાંધીજીનું સત્ય છે, એ ગાંધીજીના પરમાત્મા છે. જીવનની આ એકતા અવિભાજ્ય છે અને આ એકતા એટલે પરસ્પર સંબંધિતતા.

તમે કુટુંબમાં રહો છો તો કહો છો ને મારી માતા, મારા પિતા, મારી બહેન, મારો ભાઈ! આપણે બધાં એક છીએ એ મમત્વ, એ અનન્યતા ક્યાંથી આવ્યાં? માનો કે પરિવાર એક એકમ છે. બાપુને માટે આખું વિશ્વ એક એકમ બની ગયું. આજે વિજ્ઞાનના યુગમાં આનાથી નાના પરમાત્મા કામ નહીં આપે. વિશ્વની આ જ એકતા છે, જે સત્ય છે, વિજ્ઞાનપૂત, યોગપૂત, વેદવેદાન્તપૂત આ જે સત્ય છે એ પરમાત્મા છે. એટલા માટે હવે વૈશ્વિક પરમાત્માની ઉપાસના, આરાધના કરવાની અને તેમાં શ્રદ્ધા રાખવાની છે. તેમાં શ્રદ્ધા રાખીને આપણાં કાર્યો કરવાનાં છે. વિનોબાજી કહેતા, ‘Think Globally, Act Locally.’ ‘વિચારો વૈશ્વિક દૃષ્ટિએ, કાર્ય કરો સ્થાનિક દૃષ્ટિએ.’ ગામડાંના કોઈ ખૂણામાં બેસીને ભલે ને કામ કરતાં હો પરંતુ તમારું ચિંતન વૈશ્વિક થવા દો. વૈશ્વિક ચિંતનથી બ્રાહ્મીદશા આવશે. ‘બ્રહ્મવિદ્ બ્રહ્મૈવ ભવતિ’ વૈશ્વિક જીવનનું ચિંતન કરવાથી દૃષ્ટિ વૈશ્વિક બને છે, વૃત્તિ વૈશ્વિક બને છે.

ભારત દેશમાં કેટલી જાતિઓ, કેટલા વર્ગો, કેટલા વંશો, કેટલી ભાષાઓ, કેટલી સંસ્કૃતિઓ જીવી રહી છે! સત્યની – પરમાત્માની ઉપાસનાની આજે મંગળ ઘડી એટલા માટે છે કે લોકતન્ત્રને કારણે પુખ્ત મતાધિકાર આ દેશમાં આપવામાં આવ્યો છે એ એક બીજારોપણ થયું છે. મતદાન કરતાં કરતાં, ચૂંટણીઓ જોતાં જોતાં અહીંનાં વર્ણોની, જાતિઓની, ભાષાઓની, સંપ્રદાયોની અસ્મિતા જાગી ઊઠી. તેમના ચિત્તમાં અને જીભ પર એક ભાષા આવી કે અમારો આ બંધારણીય હક્ક છે, અધિકાર છે. જો કે તેમને પોતાની જવાબદારીનું ભાન નથી. અસ્મિતાઓનું પોતાનું અસ્તિત્વ છે એ બતાવવામાં એક સંતોષ થવા લાગ્યો. સામુદાયિક અહમ્‌ને એક જાતનું સુખ મળવા લાગ્યું. તેઓ કહેવા લાગ્યા, ‘અમે બોડો છીએ, ઝારખંડના આદિવાસી છીએ. આદિવાસી, ખ્રિસ્તી છીએ, હરિજન છીએ, શિડ્યુલ કાસ્ટ, ટ્રાઈબ, કોણ જાણે શું શું કહેવા લાગ્યા! લોકતંત્ર હોય ત્યાં આ ખરાબા નથી. પરંતુ આપણે આ બધી વિભિન્નતાઓને અસ્મિતાઓને સંસ્કારિત તો કરી નથી. ચાલીસ વર્ષોમાં લોકતંત્રને ચલાવવા માટે જે અધિકાર મળ્યા છે તેની સાથે સાથે એ જવાબદારી પણ છે, એ શિક્ષણ આપણે તેને આપ્યું નથી. જો આપણે આપણી જવાબદારી નહિ નિભાવીએ તો અધિકારનો ઉપયોગ કરવાની શક્તિ પણ નહિ રહે. આપણે તેને શીખવ્યું નહિ. તેઓ નિરક્ષર રહ્યા, સંસ્કારહીન રહ્યા, ગરીબીની રેખાથી પણ નીચે રહ્યા. હવે જ્યારે તેઓની અસ્મિતા સહજવૃત્તિથી પોતાની ઓળખાણ – Instinctive Identification જાગી ઊઠી, તેઓ પ્રક્ષુબ્ધ થયા ત્યારે આપણે કહીએ છીએ કે પોતાનું કામ શાન્તિથી કરો, અહિંસાથી કરો. તેઓ સમજી શક્તા નથી કે આજ સુધી ક્યાં ગઈ હતી આ અહિંસાની ભાષા?

તેઓ કહે છે અમારાં સાત ગામો બાળી દેવામાં આવ્યાં તો અમે સાતથી વધારે બાળીશું. હરિજનોના અગિયાર પરિવાર મારી નાખવામાં આવ્યા તો અમે સાડત્રીસ મારીશું. તેઓની પાસ બીજી ભાષા આવશે ક્યાંથી? અસ્મિતાઓના આ પ્રક્ષુબ્ધ વાતાવરણમાં વૈશ્વિક એકતા, જીવનની એકતા, માનવવંશની એકતારૂપી પરમાત્મામાં આપણે જે શ્રદ્ધા રાખી છે એ શ્રદ્ધા કસોટીની સરાણે છે. જો તેની સામે ક્રિયાની પ્રતિક્રિયા, આઘાત સામે પ્રત્યાઘાત આપનારું માનસ રહેશે તો લોકતંત્રમાં વધુ અરાજક્તા, અવ્યવસ્થા આવશે. સંકટમય પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ.

(‘માતૃશક્તિ’માંથી સાભાર)

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.