ઉદ્યોગ અને મૅનેજમેન્ટ સાથે સંકળાયેલી વ્યક્તિઓની એક શિબિર જીવનચિંતક શ્રી વિમલાતાઈ ઠકારની નિશ્રામાં તા. ૭ થી ૧૧ ડિસેમ્બર ‘૯૪ના રોજ થયો. આ શિબિરનો વિષય હતો ‘આર્થિક જીવન અને આધ્યાત્મિક્તા’ — સં.

તમે બધા શહેરમાંથી આવ્યા છો. હું પર્વતો પર રહું છું. તમે બધા અર્થતંત્ર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છો, હું આધ્યાત્મિક જીવન જીવતી વ્યક્તિ છું. આપણું આ મિલન આમ બે વિભિન્ન વિચારશૈલીનું મિલન છે.

આજે આપણે ઉપભોક્તા સંસ્કૃતિમાં જીવી રહ્યાં છીએ. જીવનમાં સતત હરીફાઈ છે, એક દોડ છે. તેમાંથી આપણે શારીરિક કે માનસિક રીતે અળગા પડી જવું તે તેનો ઉકેલ પણ નથી. પરંતુ આ સંસ્કૃતિને પરિણામે જે ભોગવાદની દોડ ચાલી છે, અને હિંસાચાર, જોહુકમી અને બીજી અસંખ્ય માનસિક વિકૃતિઓ સમાજમાં અને વ્યક્તિના જીવનમાં ફેલાઈ રહી છે તેના વિશે આપણે કંઈ વિચારીશું ખરા? કે પછી સરકારો, કાયદાઓ, ધર્મગુરુઓ આ વિશે કંઈ કરે તેની રાહ જોઈશું? તેઓ કંઈ કરી શકશે ખરા?

નજીકના ભવિષ્યમાં આપણે વિજ્ઞાન અને ટૅકનૉલૉજીની મદદથી ગરીબી અને ભૂખમરો દૂર કરી શકીશું, પરંતુ માનવીય ચેતનાનો માનવીય સમજણનો વિકાસ કેમ કરીશું? આજની આ જે દોડ-હરીફાઈ ચાલે છે તેના પ્રત્યેના માનવીના દૃષ્ટિકોણને, તેના અભિગમને બદલવો તે મૂળ પ્રશ્ન છે અને વ્યક્તિગત ધોરણે આજની આ પદ્ધતિને, આ માળખાંને બદલવા આપણે શું કરી શકીએ? આ છે આપણી, સંવેદનશીલ માનવીની વેદના.

જીવન એક રહસ્યમય ઘટના છે. આજે આપણે તેને સમજવા પ્રયત્ન કરીશું. જીવનનાં બે પાસાં છે, બાહ્યજીવન અને આંતરિક જીવન. બાહ્યજીવનની શરૂઆત આપણા ભૌતિક શરીરથી થાય. આજકાલ પર્યાવરણીય અર્થતંત્ર, પર્યાવરણીય દર્શન, પર્યાવરણ હિતપ્રેમી ઉદ્યોગોની ચર્ચા બહુ ચાલે છે. તેથી પ્રથમ તો આપણે કુદરત સાથે, આજુબાજુના પર્યાવરણ સાથેના આપણા શરીરના સંબંધની વાત વિચારીએ. આ સૃષ્ટિમાં દરેક એકમેક સાથે સંકળાયેલું છે. બધે જીવન વિલસે છે. પશુ-પક્ષી-માનવ તથા કહેવાતા જડ પદાર્થોમાં પણ જીવન છે. અને આ જીવન અખંડ-એક રસ છે. ગ્રહો એકબીજા સાથે જોડાયેલા છે. જરૂર છે આપણા શરીરને કુદરતના સ્પર્શની, તેની સાથે સભાનપણે જોડવાની. પર્વતો, નદીઓ, સમુદ્ર, વૃક્ષોના સ્પર્શની આપણને જરૂર છે. કુદરતથી દૂર રહેવાને લીધે આપણામાં તાણ ઊભી થઈ છે. તે ઓછી ક૨વા આપણે કુદરતના સહવાસમાં વધુ રહેતાં શીખીએ. સમૂહવાદ્યવૃંદના એક સભ્ય તરીકે આ સૃષ્ટિના તાલમાં લયમાં આપણો સૂર પૂરાવીએ.

આ વૈશ્વિક ચેતના સાથે આપણો સંબંધ કેમ જોડાય? આપણા શરીરનું, તેના અંગોનું, સ્વાસ્થ્ય યોગ્ય રીતે જાળવીએ. શ્રમ ન કરવાની આપણી સ્વતંત્રતાને નામે આપણી સહજ કાર્યકુશળતા  — રચનાત્મકતા ગુમાવી બેસીએ નહીં. યોગ દ્વારા શરીરનું શુદ્ધિકરણ કરીએ. શુદ્ધિકરણથી એક વ્યવસ્થિતતા આવશે. જે શરીરમાં સંવાદ પેદા કરશે. આથી સૃષ્ટિ સાથે સહેલાઈથી સંવાદિતા સધાશે.

આપણી પાસે આપણે પોતે ઘડેલું, માનસર્જિત એક માનસિક ચોકઠું છે. જેમાં આપણે આપણા મનને, વિચારોને, ટેવોને બાંધી લીધા છે. આપણે આપણા બનાવેલા શબ્દોને અંતિમ માની લીધા છે અને એનાથી પર થઈને જોઈ વિચારી શકતા નથી. આપણે જ પેદા કરેલા શબ્દો અને ખ્યાલોમાં ગુંચવાઈ ગયા છીએ. થોડા અક્ષરો આમ તેમ ગોઠવવાથી GOD કે DOG બને પણ આપણે GOD શબ્દમાં જ ઈશ્વરીય તત્ત્વ પકડીને બેસી ગયા છીએ. શબ્દની બહાર નીકળતાં નથી.

આપણે સતત સંબંધમાં આવીએ છીએ જેને કારણે આપણું મન સતત ગતિશીલ રહે છે. તે સતત વિચારોમાં, સંવેદનોમાં, યાદોમાં અને સ્વપ્નાઓમાં ગતિ કરે છે. આપણે આ ગતિને, ભ્રમણને શાંતિથી નિહાળીએ, અવલોકીએ. આ માટે આખા દિવસમાં ૩૦ મિનિટ ફાળવીએ. ધીમે ધીમે ધીમે આ ૩૦ મિનિટનો વિસ્તાર આખા દિવસમાં થશે. અવલોકનની આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. આ દ્વારા જીવનની-મનની અને આપણી જાણ બહાર ઊંડે સુધી પડેલી ગાંઠો દેખાશે અને ઉકેલાતી જશે. આ રીતે વિચારોમાં, સંબંધોમાં, વર્તનમાં રહેલી અશુદ્ધિઓ દૂર થતી જશે. આંતરિક શુદ્ધિકરણની આ પ્રક્રિયા મન ૫૨ની તાણ હળવી કરશે. આ જ ધ્યાન છે.

તમારી ઉંઘ તપાસો. તમને ગાઢ, સ્વપ્ના વગરની ઊંઘ આવે છે? તમારી નિદ્રા એ તમારી માનસિક સ્વસ્થતાની પારાશીશી છે.

ધર્મ, ઈશ્વરના સંબંધમાં તૈયાર બીબાઢાળ જીવન જીવવાની રીતો આપે છે. જ્યારે અધ્યાત્મ તો સમગ્ર જીવન વિજ્ઞાન છે. પરમ સત્યના વિવિધ પાસાઓની શોધ છે. એને માનવચેતના, મનની ગતિ અને સંબંધોના તાણાવાણાની ગુણવત્તા સુધારવામાં રસ છે. આ દ્વારા . આપણામાં ઉત્પન્ન થતી વિપરિત ઊર્જાઓ જેવી કે ચિંતા, રોષ, તાણ, બદલાની ભાવના, ક્રોધ વગેરેને આપણામાં શાંત કરી શકીએ, સંયમિત કરી શકીએ. જો મન અશાંત રહે, આંતરિક શાંતિ-સ્વસ્થતા ન પામીએ તો એ આધ્યાત્મિક્તાનો કશો અર્થ નથી.

મારો અહમ્, ‘હું પણું’ શું છે? એ તો આપણા વિચારોનો જ વારસો છે. આપણા નામ સાથે જોડાયેલા વિચાર-સંસ્કાર-અભિગમનું એ અસ્તિત્વ છે. એનું શારીરિક નહીં, માનસિક અસ્તિત્વ છે. એક વૈચારિક સત્ય છે. અહમ્‌ને દબાવશો નહીં, એનો ઈન્કાર પણ ન કરશો. એ તમારી સાથે જોડાયેલો તમારો હજારો વર્ષોનો ભૂતકાળ છે. એના પ્રત્યે ઓળખાણનો, સમજણનો, શોધનો અભિગમ કેળવો. આ માટે તમારી ઈન્દ્રિયોને, જે તમારી સમજણનું માધ્યમ છે, તેને સતેજ, સજાગ અને સંવેદનશીલ રાખો.

મૌનનો અભ્યાસ આપણા બંધિયાર મનનું સાતત્ય તોડે છે. જ્યારે ‘જ્ઞાત’ની ગતિ થંભે છે, ત્યારે ‘અજ્ઞાત’ જાગે છે. ‘અજ્ઞાત’ને તમારી બુદ્ધિ, જ્ઞાન, આવડત, નબળાઈઓ કે ઓછપ સાથે કોઈ સંબંધ નથી. અજ્ઞાત એથી પર છે. આ અજ્ઞાતને આપણા શાસ્ત્રોએ પ્રજ્ઞા કહી છે. જે આપણને જન્મદત્ત મળેલી સમજણની, અસ્તિત્વ સાથે જોડાયેલી સૂઝ છે. મૌનની અવસ્થામાં પ્રજ્ઞા તમારા બોધનું, સમજનું માધ્યમ બને છે.

તમે સર્વે આર્થિક દૃષ્ટિકોણ સાથેનું જીવન જીવો છો, જે હરિફાઈથી ભરેલું છે. આ જીવનમાં હરીફાઈ વચ્ચે સ્વસ્થપણે કેવી રીતે જીવવું? હરીફાઈથી રંગાઈ જઈએ, એના મય ન થઈ જઈએ. ધ્યાન રાખીએ કે આપણે ખરીદ-વેચાણની વસ્તુ ન બની જઈએ. આગળ જરૂર વધવું છે. પરંતુ તે માટે કોઈ જાતના ભ્રષ્ટાચાર, ખોટાં કામો, હિંસા કે અપમાનનો આશરો લેવો નથી વહીવટ જરૂરથી ક૨વાનો છે, પરંતુ તે માણસોનો નહિ, માનવીય સંબંધોનો. પાસા ગોઠવીને રમતો રમવાની છે પણ સામેની વ્યક્તિનું શ્રેષ્ઠત્તમ બહાર આવે એ રીતે રમવી છે. વ્યાપક સંમતિને અંતે નક્કી થયેલા ધ્યેયોને પામવા માટે રમવી છે, નહિ કે ક્ષુલ્લક બાબતો માટે, અભિમાન સંતોષવા કે લાલસા પોષવા માટે.

વાતચીત એ માનસિક અને શારીરિક અવયવો વચ્ચેનો સેતુ છે. બોલવાથી ઉર્જા ખર્ચાય છે. જેનાથી ગરમી ઉત્પન્ન થાય છે. આનો અર્થ એ કે પ્રાણ વપરાયો આથી બિનજરૂરી ઉર્જા કે પ્રાણ ન ખર્ચાય તે માટે વાતચીતનો અતિઉપયોગ કે દુરુપયોગ અટકવો જોઈએ. વાતચીતનો હેતુ આપણા અસત્યોને, કુકર્મોને ઢાંકવા માટે નહીં, પણ સંવાદ માટે હોય. વાતચીતની શુદ્ધતા પર ધ્યાન આપીએ. વાતચીતનો ઉપયોગ સમાજ પરિવર્તન માટે કરીએ. આપણા સત્યથી કોઈને કશી ઈજા ન થાય એવું શિક્ષણ પામીએ. આવું તો જ શક્ય બને જો આપણે સતત જાગૃત – સતેજ રહીએ અને તો વાતચીત દ્વારા થતા ભ્રષ્ટાચાર અને પ્રદુષણને અટકાવી રહીશું.

આપણું મગજ અને જ્ઞાનતંતુઓને સદાય સજાગ, સતેજ રાખીએ. જ્યારે પણ ટેવ વશ કોઈ કામ કરીએ છીએ ત્યારે આપણે અંધકારમાં હોઈએ છીએ. ટેવ વશ થતું કામ અજાગ્રતપણે, અસાવધાનીથી કરીએ છીએ, ટેવોના આદિ ન બનીએ. ધ્યાન રાખીએ કે આપણી ક્રિયાઓ ટેવના ચોકઠામાં બેસીને યંત્રવત, પુનરાવર્તીત ન થઈ જાય. જ્યારે આપણે સજાગપણે, સતેજ થઈને કશું કામ કરીએ છીએ ત્યારે આપણા પ્રતિસાદ વધુ સ્પષ્ટ, તાજા અને શુદ્ધ થતા જાય છે. જૂની ટેવોની યાદી બનાવી એનાથી મુક્ત થવાનું શરૂ કરીએ. ધ્યાન રહે કે નવી ટેવો ન પડતી જાય. યાદશક્તિ બહુ સારું સાધન છે, પણ એનો ઉપયોગ યોગ્ય જગ્યાએ જ થાય, દરેક જગ્યાએ નહિ. દરેક કાર્ય સાથે, પ્રક્રિયા સાથે સંબંધિત થઈએ. દરેક ક્ષણને જીવતા શીખીએ. કોઈપણ ક્ષણ અભાનપણામાં પસાર ન થઈ જાય. જ્યારે આપણે દરેક ઈન્દ્રિયો દ્વારા ઊર્જાઓનો અતિઉપયોગ કે દુરુપયોગ કરીને વેડફી નાખીએ છીએ ત્યારે આપણાં કર્મો  — પ્રતિભાવો નમાલા ને માંદલા લાગે છે. તેમાં તાજગી કે જોશ નથી દેખાતા.

પરમ સત્યને માપી શકાતું નથી. શબ્દોમાં ગોઠવી શકાતું નથી. ના તો એને અનુભવી શકાતું કે ના એનું વિશ્લેષણ થઈ શકતું. એ તો છે સ્વનિર્મિત, સ્વનિયંત્રિત ઘટના.

આજની આ ઔદ્યોગિક, નાણાકીય, અંધાધુંધીમાં સ્વસ્થપણે કેવી રીતે જીવવું? વિકાસની આ હરીફાઈમાં રહીને માનવસંબંધો કેમ જાળવવા? જો પરમ સત્યની સાથે સંબંધમાં રહીશું, સંવાદિતામાં રહીશું, તેના તાલ અને લય સાથે આપણા તાલ-લય ચાલશે, તો જ માનવ સંબંધોની ગુણવત્તા બદલાશે.

આપણે આપણા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. ઉત્તમ શક્તિઓ વાપરીશું. શક્ય એટલું બધું જ કરી છુટીશું અને અંતે પરિસ્થિતિનો સ્વીકાર કરીશું. જે કંઈ પરિણામ આવે તે મંજૂર. પુરુષાર્થ પૂરેપૂરો, નહિ વધારે નહિ ઓછો. દરેક કર્મ અસ્તિત્વની સમગ્રતા સાથે પણ આખરે શરણાગતિ. પરિણામથી વિચલિત ન થઈએ. ગતિમાં અને સ્થિતિમાં, કોલાહલમાં અને મૌનમાં એક જ સ્વસ્થતા, સહજતા રહે.

જ્યારે પૂરતા પુરુષાર્થને અંતે થાકીને લોથ થઈ જઈએ ત્યારે આસપાસનાં સઘળાં દ્વારો ખોલી નાખીએ. પરમ શક્તિની મદદના સ્વાગત માટે તૈયાર રહીએ. આજ આપણો ભક્તિયોગ, અંતે તો બધું જ પરમ ચૈતન્યને – પ્રભુને સમર્પણ.

આપણી જાતને તૈયાર કરીએ એક સાથે વિવિધ પાસાઓમાં. આપણી સ્વસ્થતા, બુદ્ધિની ચોક્કસતામાં અને ચિત્તની શાંતિમાં, કોલાહલમાં અને મૌનમાં અવિચલ રહે.

જીવન પ્રત્યે આદર, આ છે માર્ચ ધર્મ, સઘળી ઊર્જાઓનો લય વ્યક્તિગત અને સમૂહગત જીવન. એક લય તાલમાં ચાલે. જીવન છે સતત શિક્ષણ, જીવન છે પરમ ગુરુ. ગુરુને શોધવાનું છોડી ઉત્તમ શિષ્ય બનવા પ્રયત્નશીલ રહીએ, જેથી સમગ્રતયાપૂર્વક જીવન જીવતાં શીખી શકીએ અને જીવનનું સૌંદર્ય પામીએ.

(સંકલન – મુનિકુમાર દવે, અમદાવાદ.)

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.