માતૃશક્તિ એટલે શું?

આપણે ‘માતૃશક્તિ’ શબ્દનો અર્થ જોઈએ. ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ બે શબ્દોથી તમે પરિચિત છો. ‘નર-નારી’ શબ્દો તમે જાણો છો. ‘માતા-પિતા’ શબ્દોને ઓળખો છો. પરંતુ ક્યાંક એક બિંદુ ઉપર ઊભા રહીએ છીએ તો નરત્વ-નારી, સ્ત્રીત્વ-પુરુષત્વ આ બંનેમાં સમાયેલી શક્તિઓનો એક શબ્દમાં નિર્દેશ પણ થઈ શકે છે અને કરવામાં આવે છે. ‘जगत: पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ ।’ ‘पितर’ – શબ્દ કહ્યો એમાં માતા-પિતા, જનક-જનની બધાં સમાઈ ગયાં. તો માત્ર સ્ત્રી-શક્તિ નહીં, કેવળ પુરુષ-શક્તિ નહિ, એ પુરુષોના વિરોધમાં ઊભી રહેલી સ્ત્રી-શક્તિ પણ નહિ. એ કોઈના વિરોધમાં ઊભી નથી. સ્વયંસિદ્ધ, સ્વયંભૂ એવી એક શક્તિ છે જેનો નિર્દેશ ‘મા’ શબ્દથી થાય છે. રામકૃષ્ણ પરમહંસદેવનું નામ સાંભળ્યું હશે, બંગાળમાં ગંગાકિનારે દક્ષિણેશ્વરમાં જે રહેતા હતા. નિરક્ષર હોવા છતાં સાક્ષરોના શિરોમણિ, જ્ઞાનીઓના ચક્રવર્તી, ભક્ત – વરિષ્ઠ ગણાય.

‘स्थापकाय च धर्मस्य, सर्वधर्मस्वरुपिणे ।
अवताारवरिष्ठाय रामकृष्णाय ते नम: ॥’

રામકૃષ્ણ પરમહંસની, પોતાની ગુરુની વિવેકાનંદે આવી રીતે સ્તુતિ કરી છે. રામકૃષ્ણદેવ કહે છે કે જગતની સત્તા જેને તમે પરમાત્મા કહો છો, બ્રહ્મ કહો છો, ચૈતન્ય શક્તિ કહો છો તેને હું મા કહું છું. ‘મા, આમી જોન્ત્રો તુમિ જોન્ત્રી, હો મા!’ આપ આ દુનિયાના સર્વ યન્ત્ર-તન્ત્ર ચલાવનાર છો, ‘અમે’ એટલે કેવળ ગદાધરનો ઉલ્લેખ નહોતો, શરીરવાચક શબ્દ નહોતો. નામ અને રૂપનું રામકૃષ્ણદેવને શું કરવું હતું? પરંતુ મનુષ્યજાતિ તથા આ આખાય અભિવ્યક્ત જીવનને ચલાવનારી જે શક્તિ છે, તેને તેઓએ ‘મા’ કહી – ‘માતૃશક્તિ’ કહી. તેમના પછી આવ્યા વિદ્વદશિરોમણિ શ્રી અરવિંદ. તેમને પણ ‘World Mother’ માતૃશક્તિનો ઉલ્લેખ કરવો પડ્યો. તેઓ તેના ઉપાસક બન્યા. આવા બીજા એક આવ્યા રોનાલ્ડ નિકસન જે અલ્મોડાની પાસે મિરતોલામાં કૃષ્ણપ્રેમ – યોગી કૃષ્ણપ્રેમ તરીકે બેઠા હતા. દિલીપકુમાર રોયે ‘યોગી કૃષ્ણપ્રેમ’ પુસ્તક લખ્યું છે, હિન્દીમાં પણ અનુવાદિત છે. મેં તો અંગ્રેજીમાં વાંચ્યું છે. તેમણે પણ એ શક્તિને ‘માતૃશક્તિ’ કહી છે. આ ‘માતૃશક્તિ’ જે શબ્દ છે તેનો આધ્યાત્મિક સંદર્ભ જોવો જોઈએ. તેને ફક્ત શરીર સાથે નહીં જોડતા. દેહવૃત્તિઓ છે તેની સાથે જોડીને તેને મર્યાદિત નહીં કરતા. સ્ત્રીઓમાં કંઈક વિશેષગુણ છે, તેનો અર્થ ઘણો વ્યાપક છે, ગહન છે. આજે સવારે હું અમારી પ્રિય સંતોષબહેનને કહેતી હતી કે બહેન, આજે મને માફ કરજો. ‘માતૃશક્તિ’નો જે આધ્યાત્મિક આશય છે તેને શબ્દબદ્ધ કરવાની મને સંમતિ આપજો. ઉપરછલ્લી કે છીછરી વાતો નહિ કરું. ‘માતૃશક્તિ’નો આધ્યાત્મિક અર્થ એ છે કે જેમાં સૃજનશક્તિ છે, ભરણપોષણની શક્તિ છે. અને જેમાં સૃજણ, ભરણ, પોષણ કરવાની શક્તિ છે તે કરુણા છે રે કરુણા! ‘માતૃશક્તિ’ એટલે કરુણાની શક્તિ! હિંસાનો પ્રતિકાર દ્વેષથી નહીં થાય, ઈર્ષ્યાથી નહિ થાય, હિંસાથી નહિ થાય, હિંસાનું નિરાકરણ કરુણાવતાર માતૃશક્તિથી થશે. માતૃશક્તિ જીવનનાં બધાં ક્ષેત્રોમાંથી હિંસાનાં બીજ હટાવશે, હિંસાને કારણે આવનારા આંતરવિરોધો બતાવશે, તેને હટાવવાનો, પરિહાર કરવાનો પથ પણ પ્રશસ્ત કરશે તે માતૃશક્તિ! ‘विरोधस्य परिहार: यतनम् विशिष्टस्य ।’ સૃજન કોનાથી થાય છે? પરમાત્માની સત્તાથી. ભરણપોષણ કોણ કરે છે? પરમાત્માની શક્તિ કરે છે. અત્યારે ઠંડીમાં સૂર્યનારાયણનાં કિરણો કેવાં મીઠાં લાગે છે! તેનાથી મળતી ઉષ્મા-તેનાથી મળતી હૂંફ કેટલી ગમે છે! ઈન્દોરમાં તો કંઈ નથી. આબૂથી હું આવી છું. ત્યાં શૂન્યથી નીચે આઠ સુધી ઠંડી છે. તળાવનું પાણી પણ જામીને બરફ થઈ જાય છે. ગરમી, પ્રકાશ, હૂંફ બધું સૂર્યકિરણોમાંથી આવે છે. તે મૂળ સત્તામાંથી આવે છે. આ ધરતીમાં કણ વાવો અને એ મણ ઉપજાવે છે. આ ફળદ્રુપતા, ઉત્પાદકતાની શક્તિ ક્યાંથી આવી? એ મૂળ સત્તામાંથી. આકાશ જે આપણને પોતાના અવકાશમાં વિહરવા દે છે, હરવા-ફરવા દે છે, શ્વાસ લેવા દે છે, આ અવકાશ – આ Emptiness – ક્યાંથી આવ્યું? એ પ્રભુસત્તામાંથી. ‘માતૃશક્તિ’ એ પ્રભુ શક્તિનો નિર્દેશ કરનારો શબ્દ છે. માતા અને પિતા એટલો જ મર્યાદિત અર્થ નથી. ત્યાંથી શરૂ કરો. નારીની વિશેષતાઓ છે તેનાથી તે ગૌરવાન્તિત થાય, સમાજનાં કાર્યો કરે. આ બધું ઠીક છે પરંતુ શક્તિ કેવળ પ્રભુની સત્તામાંથી આવે છે. શક્તિનો સ્રોત આપણે નથી. ‘તુંહી’ – ‘તુંહી’ – ‘તુંહી’ કહે છે ને! સ્ત્રીઓએ સંસ્કૃતિ બચાવી, સ્ત્રીઓએ ધર્મ બચાવ્યો. ખબર નથી શું શું કહે છે!

સ્ત્રી જે આજે ભારતના લોકતંત્રની નાગરિક બની છે તેને જો ભાન થઈ જાય કે બધા ગુણોનો, સર્વ શક્તિઓનો સ્રોત એક પરમાત્મસત્તા છે અને આપણા સમાજમાં, આપણા પરિવારમાં તેનું પ્રતિનિધિત્વ આપણે કરવાનું છે તો મને લાગે છે કે માતૃશક્તિનું દાયિત્વ નારીદેહમાં સહજ સુલભ થઈ જશે, પ્રતિનિધિત્વ કરવાનું પણ સુલભ થઈ જશે. ખ્યાલમાં રાખો કે શક્તિનો એક જ સ્રોત છે – દેહની શક્તિ હોય, મનની શક્તિ હોય, બુદ્ધિની શક્તિ હોય. બધી શક્તિનો એક જ સ્રોત છે અને તે છે સર્વવ્યાપ્ત પરમાત્મશક્તિ. જેણે સર્વરૂપ ધારણ કર્યાં છે અને જે સર્વમાં ઓતપ્રોત છે.

આપણે જે કપડાં પહેર્યાં છે તે કપડામાં સૂતર છે. સૂતર કપાસમાંથી બન્યું છે ને! તો જેવી રીતે કપડાંમાં કપાસ વ્યાપ્ત છે, માટીના ઘડામાં માટી વ્યાપ્ત છે તેવી રીતે જગતમાં તમને સ્પર્શ થાય છે તત્ત્વથી પરમાત્માનો. દેખીતી રીતે તમે વૃક્ષને હાથ લગાડ્યો, કૂતરાને હાથ લગાડ્યો, બિલાડીને હાથ લગાડ્યો, પોતાના શરીરને કે બાળકને હાથ લગાડ્યો, પરંતુ જ્યાં સુધી બધી શક્તિઓના મૂળ સ્રોત પરમાત્મા છે અને તે વિશ્વાકાર બનીને, સર્વાકાર બનીને, સજીધજીને આપણી સામે છે એવો બોધ નથી થતો, ભાન નથી જાગી ઊઠતું ત્યાં સુધી ચિત્તમાં કરુણા નથી જાગતી. અને કરુણા જ અસલમાં માતૃશક્તિ છે! કરુણા જ સ્ત્રીના દેહમાં રક્તનું દૂધ બનાવે છે, જેને આપણે વાત્સલ્ય-વત્સલતા કહીએ છીએ. ગુજરાતમાં એક મુનિ સંતબાલ થઈ ગયા. જે વિશ્વ-પ્રકૃતિને ‘મૈયા’ કહેતા હતા. તેઓ વિશ્વ-વાત્સલ્યની વાત કહે છે. રામકૃષ્ણ પરમહંસ હોય, મુનિ સંતબાલજી હોય, વિનોબાજી હોય કે મહાત્મા ગાંધી હોય, કોઈ પણ સંત એક જ વાત કરે. બધાની વાતો તમારી પાસે કહીને હું તમને થકાવવા નથી માંગતી. હમણાં હમણાં ક્યાંક કોઈ એક રચનામાં અમે લખ્યું કે આ વિશ્વવિમલ છે કે માધવનો મહારાસ છે! તો હિંસાના નિરાકરણ માટે સર્વાત્મમય, સર્વમય પરમાત્મસત્તાનું ભાન થવું જોઈએ. જેનું શબ્દથી ચિંતન, મનન, જપ, ભજન, મૌન જે સાધન કરવું હોય તે કરો. જેનાથી તેનો બોધ થાય, તેનો સાક્ષાત્‌ સ્પર્શ થાય, ત્યાર પછી તેમાંથી જાગૃત થનારી શક્તિનો ઉપયોગ થાય. આજે આ ભાન નથી. આજે લોકો કહે છે ‘મારા માટે જ કમાવા દો. જુઠ્ઠું બોલીને પણ કમાવા દો. કોઈનું ગળું કાપીને કમાવા દો. કોઈને કચડીને મને આગળ આવવા દો.’ લોકોને પૈસામાં સુરક્ષા લાગે છે, પ્રતિષ્ઠામાં સુરક્ષા લાગે છે, અહંકારની બધી માંગ પૂરી કરવામાં સુરક્ષા લાગે છે. કારણ કે પેલો બોધ નથી. આજે આ વિનાશનો રસ્તો છે, હિંસાનો રસ્તો છે.

માતૃશક્તિ યુગધર્મનું નેતૃત્વ કરે :

યુગધર્મ અને યુગકર્મ કહે છે કે આટલાથી કામ નહિ ચાલે. પરિવારમાં જે વાત્સલ્યની પાવન સરિતા વહાવો છો તેને, આ કરુણા શક્તિ છે તેને તમે રાષ્ટ્રવ્યાપી બનાવો. વિશ્વવ્યાપીની વાત રહેવા દઈએ. રાષ્ટ્રવ્યાપી બનાવવી એટલે શું કરવાનું? જ્યાં જ્યાં અર્થનીતિ, લોકતંત્ર, રાજ્યતંત્રમાં શોષણનાં અને હિંસાનાં બીજ છે તેની ચર્ચા બહેનો કરે. ગામથી માંડીને સંસદ સુધીની રાજનીતિમાં – અર્થનીતિમાં આ ફરક આવવો જોઈશે. સમજાવવું જોઈશે. ફક્ત Multinationalનો- બહુરાષ્ટ્રિયનો પ્રતિકાર કરવાથી કામ પુરું નહિ થાય. એ તો પ્રારંભ છે. નહિ તો જોતજોતામાં આ દેશ સેનાને કારણે નહિ, રાજનૈતિક સત્તાને કારણે નહિ, અમેરિકાના આર્થિક સામ્રાજ્યને કારણે ગુલામ બની શકે છે કારણ કે બીજું વિશ્વ (સોવિયેટ યુનિયન) તૂટી ગયું, હવે રહી ગયું યુનાઈટેડ સ્ટેટ્‌સ.

ગયા ઓગસ્ટ મહિનામાં હું આયર્લેન્ડમાં હતી, ઈંગ્લેન્ડમાં હતી. તે વખતે અમારા મિખાઈલ ગોર્બાચોવને ત્રણ દિવસ કેદમાં રાખ્યા હતા. ત્યારબાદ છોડ્યા. જ્યારે તેઓ મોસ્કો પહોંચ્યા, ત્યાર પછીનું તેમનું પહેલું ભાષણ હતું તેમાં કહ્યું કે આપણે પેરેસ્ત્રોઈકા, ગ્લાસનોસ્ત, ખુલ્લીનીતિ, પુનર્રચના, વિશ્વબજારમાં હરીફાઈ, લોકતંત્ર વિગેરે બધું જરૂર ઇચ્છીએ છીએ, પણ પશ્ચિમના દેશો એમ ન માની લે કે અમે એની ભ્રષ્ટ ઉપભોગનીતિને અને મૂડીવાદી સંસ્કૃતિને અનુસરીશું. તેના માટે અમે બજારની અર્થનીતિ નથી ઇચ્છતા કે જેનાથી સંકટમાં ફસાઈએ. સમાજવાદ, સામ્યવાદ આ તાનાશાહીની જાળમાં જેઓ ફસાઈ ગયા હતા તેને બહાર કાઢવા માટે અમારે આ મુક્ત અર્થનીતિ અથવા બજારની અર્થનીતિનો રસ્તો પકડવો પડે છે, ઉપભોગવાદી અથવા ઉપભોક્તા બનાવનારી સંસ્કૃતિ બને તે માટે નહિ જ. ઉપભોક્તા સિવાય જાણે મનુષ્યની કંઈ હેસિયત રહી નથી! અત્યારે જે અર્થધારા ચાલી રહી છે તેને જો આપણે ચાલુ રાખીશું તો સંભવ છે કે ગામમાં જે આંશિક સ્વાવલંબન છે તે પણ નહીં રહે. ખેર, હું કહેવા માંગતી હતી કે ભારતના ગામડાંથી માંડીને લોકતંત્રની સંસદ સુધી માતૃ-શક્તિ અવાજ ઉઠાવે. આજે લોકસભાની સભ્યના નાતે ઘણી બહેનો લોકસભામાં છે.

ભારત એક રાષ્ટ્ર છે, તેની એક રાષ્ટ્રિય સંસ્કૃતિ છે, તે ન તો હિંદુ સંસ્કૃતિ છે, ન તો મુસ્લિમ સંસ્કૃતિ છે, ન જૈન સંસ્કૃતિ છે. બધાની મળીને એક સંગમસંસ્કૃતિ છે. આ આપણી જે સંસ્કૃતિ છે તેના પર પ્રહાર થઈ રહ્યો છે. એટલે આપણાં બાળકો પરાવલમ્બી થઈ રહ્યાં છે. આ અનર્થકારી અર્થ જ પરમ મૂલ્ય બની ગયું છે. લોકોની મનોવૃત્તિ ભ્રષ્ટાચારી બની ગઈ છે. તેથી અમે પ્રતિકાર કરીએ છીએ. બહેનો ગામેગામ ફરીને કહેશે કે ગ્રામ-પંચાયતોમાં રાજનૈતિક પક્ષોની જરૂર નથી. ત્યાં નાગરિકોનું પ્રશાસન રહેશે. રાજનીતિમાં લોકનીતિ દાખલ કરવાની વાત કોણ કહેશે? બાપુએ કહેલા માનવનિષ્ઠ અર્થતંત્રને આજની અર્થનીતિમાં પ્રતિષ્ઠિત કરવાની વાત કોણ કરશે? માનવીય મૂલ્યોને વિકસિત કરનારી નવી શિક્ષણ પદ્ધતિ લાવવાની વાત કોણ કરશે? હવે તમારે અને અમારે આ વાતો કરવાની છે. કન્યાઓ ફોજમાં જઈને શામેલ થાય, તેની ટુકડી બને એ કોઈ માતૃશક્તિની અભિવ્યક્તિ નથી. મહિલાઓ વિમાન ચલાવવા લાગી છે. સારું છે, ભલે ચલાવે. આપણને કંઈ વાંધો નથી. કોઈ ડોક્ટર બને, ઈજનેર બને, કાલે ઊઠીને કોઈ ભારતના વડાપ્રધાન બને, રાષ્ટ્રપતિ બને, એમાં કોઈ વાંધો નથી. જેવી જેની રુચિ હોય તેમ કરે, પરંતુ મહિલાવર્ગે આજે જો ખરેખર કંઈ કરવું હોય તો જે કાર્ય છેલ્લાં ચાલીસ વર્ષોમાં નથી બની શક્યું તે, લોકોને યુગધર્મનું ભાન કરાવવાનું અને યુગકાર્યનું નેતૃત્વ લેવાનું છે.

નાની બાળાઓને છોડી દઉં તો અહીં જે બહેનો બેઠી છે એમના કાં તો અનુભવની વાત હશે અથવા તેમના નિરીક્ષણ – પરીક્ષણ – આકલનની વાત હશે. કન્યા જ્યારે ‘વધૂ’ બને છે ત્યારે તેનું મનોવિજ્ઞાન – સાઈકોલોજી, તેનો વ્યવહાર બદલાય છે. પત્નીમાંથી માતા બને છે ત્યારે તેના ચિત્તમાં વ્યાપકતા સહજ આવવા લાગે છે, એક જાતની મૃદુતા, એક જાતની મધુરતા આવે છે. માતા ગર્ભને પેટમાં ધારણ કરે છે, તેનું જતન કરે છે, પોતાના હાડમાંસથી ભરણપોષણ કરે છે, પ્રસવની વેદના સહન કરે છે, લાલન-પાલન કરે છે. આ બધી કરુણાની પ્રક્રિયા છે. હવે બહેનોએ, માતાઓએ સમાજના હિતનો ગર્ભ ચિત્તમાં ધારણ કરવો પડશે. પોતાના વ્યક્તિગત અને સામૂહિક જીવનમાંથી તેનું ભરણપોષણ કરવું પડશે. આપણું દાયિત્વ છે, જવાબદારી છે કે આપણે એ કામ મૂળ પાયામાંથી કરવું જોઈએ.

Total Views: 170

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.