શિક્ષણની બાબતમાં હમણાં ઘણી જાગ્રતિ દેખાય છે. ખાસ કરીને શિક્ષણનાં માધ્યમ અને શિક્ષણ સંસ્થાનાં સંચાલન તેમ જ ત્યાંનાં આધ્યાત્મિક વાતાવરણ આ બધી બાબતે સાવચેતી – સંવેદના પ્રગટી રહી છે. શિક્ષણ સંસ્થાઓ હજારો છે, પરંતુ હવે માત્ર માર્ક આપે કે પાસ કરાવે – ડિગ્રી આપે તેવી સંસ્થાઓને બદલે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપે તેવી સંસ્થાઓ વિકસી રહી છે. તે આનંદની વાત છે.

રાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તાજનક શિક્ષણ સંસ્થાના સંચાલન માટે શ્રીરામકૃષ્ણ મઠ-મિશન દ્વારા જે કામગીરી થાય છે તેની નોંધ લેવામાં આવી છે. શ્રીરામકૃષ્ણ મઠ-મિશન દ્વારા જે વિવિધ શૈક્ષણિક – તબીબીસેવા માનવતા-વાદી કામગીરી કરવામાં આવે છે તે ટૂંકમાં આ પ્રમાણે છે :—

(૧) દેશભરમાં ૨,૯૫૯ જેટલી વિવિધ પ્રકારની શિક્ષણ સંસ્થાનું સંચાલન કરે છે. તેમાં ડિગ્રી કોલેજ, સંસ્કૃત કોલેજ – માધ્યમિક શાળા – કૃષિ સંસ્થા – ભાષા શિક્ષણ કેન્દ્ર અને અવિધિસરનાં શિક્ષણકેન્દ્રોનો સમાવેશ થાય છે અને ૧,૬૮,૫૬૬ વિદ્યાર્થીઓ તેનો લાભ લે છે.

(૨) પુસ્તકાલય અને નિઃશુલ્ક વાંચનાલયની સંખ્યા ૧૮૦ છે. પ્રસિદ્ધ થતા વિવિધ ભાષાનાં સામયિકોની સંખ્યા ૧૪ છે.

(૩) ગુજરાતી ભાષામાં રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામનું સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં શ્રેષ્ઠ કક્ષાના આધ્યાત્મિક લેખો હોય છે.

(૪) તબીબી ક્ષેત્રે પણ રામકૃષ્ણ મઠ દ્વારા માનવતાવાદી કામગીરી કરવામાં આવે છે. ઈન્ડોર હોસ્પિટલ – દવાખાના ધર્માર્થ ચિકિત્સાલય – વૃદ્ધાશ્રમ – પરિચારિકા તાલીમ કેન્દ્ર, માતા અને શિશુ કલ્યાણ કેન્દ્ર વગેરે દ્વારા વાર્ષિક રૂ.૧૫ કરોડ ખર્ચ કરવામાં આવે છે.

(૫) ૨ામકૃષ્ણ મઠ જીવનોપયોગી માર્ગદર્શક – આધ્યાત્મિક પુસ્તકો પ્રસિદ્ધ કરે છે. રામકૃષ્ણ આશ્રમ દ્વારા ગુજરાતી ભાષામાં ૧૦૫ પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. જે ગુજરાતી સમાજે પણ ગૌરવ લેવા જેવો મુદ્દો છે.

રાષ્ટ્રીય કક્ષાએ અમુક માપદંડ નક્કી થયા છે. તે અનુસાર પ્રથમ ૧૦ શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થામાં રામકૃષ્ણ આશ્રમ સંચાલિત પાંચ સંસ્થાઓ છે. આમ ગુણવત્તાજનક શિક્ષણ પૂરું પાડવામાં રામકૃષ્ણ મઠ-મિશન અગ્રેસર છે. ૧૮૯૧-૯૨માં સ્વામી વિવેકાનંદ પોરબંદર ખાતે ભોજેશ્વર બંગલામાં રહ્યા હતા. સ્વામીજીની પદરજથી પવિત્ર બનેલા આ બંગલામાં મરામત – સુધારણા – પુસ્તકાલય વગેરે પાછળ રૂ. ૫૦ લાખના ખર્ચનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે.

લોકસહકાર વડે જ આ કાર્ય શક્ય બને તેમ છે. માનવતાના તેમજ શિક્ષણના સુંદર કામો માટે જો પ્રજાનું પીઠબળ – સહકાર અને હાથ લંબાવવાનો અભિગમ હોય તો જ સઘળું શક્ય બને છે.

તન-મન અને ધનના ત્રિવેણી સંગમથી જ સમાજસેવા શક્ય બને છે. સમાજને બેઠો કરવો અને માનવનું લુપ્ત થયેલું વ્યક્તિત્વ પ્રગટાવવું તે જ રામકૃષ્ણ મઠનું ધ્યેય છે.

રામકૃષ્ણ આશ્રમની પ્રવૃત્તિમાં યુવાનોને કેન્દ્રમાં રાખીને વ્યક્તિ ઘડતરની જે કામગીરી થાય છે તેથી રાષ્ટ્રને તેના પરિણામો જોવા મળશે. એક પુસ્તકાલયમાં બેસીને જો યુવાન દ્વારા વાંચન – ચિંતન – મનન દ્વારા પોતાનું ઘડતર કરવામાં આવે તો પાંચ વર્ષે પરિણામ આવે છે.

આવા અનેક નિઃશુલ્ક પુસ્તકાલય – વાંચનાલય ચલાવવામાં આવે છે. થોડી નજીવી ફી લઈને પણ સમાજને ખૂબ જ સુંદર સેવા આપવામાં આવે છે. આવી નાની નાની પ્રવૃત્તિ થકી જ સમાજના નિર્માણનું કાર્ય થાય છે.

(‘મુંબઈ સમાચાર’ ૧૧-૧૦-૯૮ માંથી સાભાર)

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.