ઇતિહાસ તરફ નજર નાખતાં આપણને જણાય છે કે જે ટુકડો ટકી રહેવા માટે યોગ્ય હશે તેજ ઊગરશે; અને ટકી રહેવાને યોગ્ય બનાવનાર ‘ચારિત્ર્ય’ સિવાય બીજું શું છે? વિચારશીલ માનવજાતનો ભવિષ્યનો ધર્મ અદ્વૈત થશે; તેમાં કોઈ શક નથી. અને તે બધા જ સંપ્રદાયોમાં જેઓ પોતાનામાં વધારે ચારિત્ર્યશીલતા દર્શાવશે, તેઓ જ વિજયી નીવડશે. તેઓ ભલેને અદ્વૈતથી ગમે તેટલા દૂર હોય.

મારો એક નાનકડો અંગત અનુભવ તમને કહું. જ્યારે મારા ગુરુએ દેહત્યાગ કર્યો, ત્યારે અમે માત્ર બારેક જેટલા નિષ્કિંચન અને અજ્ઞાત યુવકો હતા. અમારી સામે સેંકડો બળવાન સંસ્થાઓ હતી, કે જે અમને મૂળમાંથી જ કાપી નાખવા માટે ખૂબ જહેમત લઈ રહી હતી. પણ શ્રીરામકૃષ્ણે અમને એક મહાન બક્ષિસ આપી હતી: તે એ હતી કે કેવળ માત્ર વાતો કરવાની નહીં પણ પ્રત્યક્ષ જીવન જીવવાની ઇચ્છા રાખવી અને જીવનભર પ્રયત્ન કરવો! અને આજે સમગ્ર ભારત તે ગુરુને ઓળખે છે અને પૂજે છે; તથા તેમણે ઉપદેશેલાં સત્યો દાવાનળની માફક ફેલાતાં જાય છે. દશ વર્ષ પહેલાં હું તેમની જન્મજયંતી ઊજવવા માટે પૂરાં સો માણસો પણ ભેગાં નહોતો કરી શકતો; ગયે વરસે પચાસ હજાર હતા.

સંખ્યા કે સત્તા કે લક્ષ્મી કે વિદ્યા કે વકતૃત્વશક્તિ કે બીજું કંઈ પણ ફાવી જવાનાં નથી, પરંતુ ‘પવિત્રતા, જીવનમાં ઉતારવું,’ એ શબ્દમાં કહીએ તો ‘અનુભૂતિ’, સાક્ષાત્કાર જ સફળ નીવડશે. દરેક દેશમાં આવા બાર નર-સિંહો, કે જેમણે પોતાનાં બંધનો તોડ્યાં છે, જેઓએ ‘અનંત’ને સ્પર્શ કર્યો છે, જેમનો સમગ્ર આત્મા બ્રહ્મમાં મળી ગયો છે, જેમને લક્ષ્મી, સત્તા કે કીર્તિની કોઈ પરવા નથી, તેવા બાર નર-સિંહો હોય, તો દુનિયાને હચમચાવવા માટે તેઓ ‘પૂરતા’ થઈ પડશે.

તેનું રહસ્ય અહીં છે. યોગના પ્રણેતા પતંજલિ કહે છે: મનુષ્ય ‘‘જ્યારે બધી અતિ માનુષી સિદ્ધિઓનો અસ્વીકાર કરે છે ત્યારે તે ધર્મ-મેધ (સમાધિ) પ્રાપ્ત કરે છે.” તે ઈશ્વરને જુએ છે, તે સ્વયં ઈશ્વર બને છે, અને બીજાઓને તેવા બનવામાં સહાય કરે છે. મારે જે ઉપદેશ આપવાનો છે તે આટલો જ છે. સિદ્ધાંતોની ચર્ચા તો પુષ્કળ થઈ છે; ગ્રંથો પણ લાખોના હિસાબે લખાયા છે. પણ અરે! એક અધોળ આચરણ હોય તો કેવું સારું!

(‘સ્વામી વિવેકાનંદના પત્રો’માંથી સાભાર)

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.