જનતાનો આ ગુણ આપણો કમાયેલો નથી. આપણા મહાન, પુણ્યવાન, વિશાળ દૃષ્ટિવાળા પૂર્વજોની એ ભેટ છે. જાણે કે આ ગુણ આપણે માતાના દૂધ સાથે જ પીધો છે. એ શ્રેષ્ઠ પૂર્વજોએ આપણને શીખવ્યું કે, માણસ ક્યા પ્રાન્તનો, કઈ જાતિનો છે એ જોવાને બદલે એટલું જ જુઓ કે, એ ભલો છે કે નહિ? એ ભારતીય છે કે નહિ? તેમણે આપણને શીખવ્યું કે ભારતવર્ષ એક રાષ્ટ્ર છે. કેટલાક લોકો કહે છે કે, અંગ્રેજોએ અહીં આવીને આપણને દેશાભિમાન શીખવ્યું ત્યારે આપણે રાષ્ટ્રીયતાથી પરિચિત થયા; પણ એ ખોટી વાત છે. એકરાષ્ટ્રીયતાની ભાવના જો આપણને કોઈએ શીખવી હોય તો તે આપણા પુણ્યવાન પૂર્વજોએ. એમની જ કૃપાથી આ અનોખી ભેટ આપણને મળી છે.

આપણા રાષ્ટ્રર્ષિએ આપણને ‘दुर्लभं भारते जन्म’ એવો ઉપદેશ આપ્યો. ‘‘दुर्लभं बंगेषु जन्म’, ‘दुर्लभं गुर्जरेषु जन्म’ એમ એમણે નથી કહ્યું; તેમણે તો એમ જ કહ્યું કે ‘દુર્લભં ભારતે જન્મ.’ કાશીમાં ગંગાતટ પર રહેનારને કઈ વાતનો તલસાટ હોય છે? કાશીમાંથી ગંગાની કાવડ ભરીને રામેશ્વર ચડાવવા માટે એ તલસતો હોય છે. જાણે કે કાશી અને રામેશ્વર એના ઘરનું આંગણું અને ઘર પાછળનો વાડો જ હોય! ખરી રીતે તો કાશી અને રામેશ્વર વચ્ચે પંદરસો માઈલનું અંતર છે. પણ તમારા શ્રેષ્ઠ ઋષિઓએ તમને એવો વૈભવ આપ્યો છે કે તમારું આંગણું પંદરસો માઈલનું છે. રામેશ્વરમાં રહેનાર રામેશ્વરના સમુદ્રનું જળ કાશીવિશ્વેશ્વરના મસ્તક પર ચડાવવા તલસે છે. રામેશ્વરનું સમુદ્રજળ તે કાશી સુધી લઈ જશે. કાવેરી અને ગોદાવરીના જળમાં નાહનાર પણ ‘જયગંગે’ ‘હરગંગે’ જ કહેશે. ગંગા કેવળ કાશીમાં જ નથી, અહીં પણ છે. જે વાસણમાં આપણે નાહવાનું પાણી ભરીએ છીએ તેને પણ ગંગાજળી નામ આપ્યું છે. આ કેવી વ્યાપક અને પવિત્ર ભાવના છે! આ ભારતીય ભાવના છે.

આ ભાવના આધ્યાત્મિક નહિ પણ રાષ્ટ્રીય છે. આધ્યાત્મિક માણસ ‘दुर्लभं भारते जन्म’ એમ નહિ કહે. એ કાંઈક બીજું જ કહેશે. જેમ કે તુકારામે કહ્યું, ‘आमुचा स्वदेश। भुवनत्रया मध्ये वास॥’ [स्वदेशो भुवनत्रयम्] તેમણે આત્માની મર્યાદાને વ્યાપક બનાવી દીધી; બધા દરવાજા અને બધા કિલ્લા તોડીને આત્મા પ્રાપ્ત કર્યો. તુકારામ જેવા આધ્યાત્મિક રંગમાં રંગાયેલા મહાપુરુષોએ પોતાના આત્માને સ્વતંત્ર સંચાર કરવા દીધો. ‘अणोरणीयान्महतो महीयान्’ એ ભાવનાથી પ્રેરાઈને, બધા ભેદાભેદોને પાર કરીને, જે સર્વત્ર ચિન્મયતાનું દર્શન કરી શક્યા તેઓ ધન્ય છે. લોકો પણ સમજી ગયા કે તેઓ આખા વિશ્વના છે. એમની કંઈ સીમા નથી. પરંતુ ‘दुर्लभं भारते जन्म’ની જે કલ્પના ઋષિઓએ કરી તે આધ્યાત્મિક નથી, રાષ્ટ્રીય છે.

(નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’માંથી સાભાર)

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.