યુગયુગાન્તરથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો દેખાય છે; અને દૂર સુદૂર જે અતીતના અંધકારમાં ડોકિયું કરવામાં ઈતિહાસ અને પરંપરા પણ નિષ્ફળ નીવડે છે, ત્યાંથી આવી રહેલો જ્ઞાન, ભક્તિ અને કર્મના વિરાટ હિમાલયના શિખરે શિખરે પ્રતિઘોષ પાડતો, ચાલ્યો આવતો, મૃદુ, સુદૃઢ અને છતાં પોતાનાં વચનોમાં અચૂક, તેમજ વખતના વહેવાની સાથે વિસ્તારમાં વધતો જતો એક ગેબી અવાજ આપણી તરફ આવી રહ્યો છે! અને જુઓ, એ સાથે જ આપણી માતૃભૂમિ ભારત નિદ્રાધીન અવસ્થામાંથી જાગ્રત થઈ રહી છે!

જો એક એવું રાજ્ય રચી શકાય કે જેમાં ક્ષાત્ર સંસ્કાર, બ્રાહ્મણ સમયનું જ્ઞાન, વૈશ્યોની વહેંચી આપવાની ભાવના અને શૂદ્રોનો સમાનતાનો આદર્શ આ બધાંનો એમનાં દૂષણોને દૂર રાખીને સમન્વય સાધી શકાય તો આવું રાજ્ય આદર્શ બની રહે. હું માનું છું કે જ્યારે એક જ્ઞાતિ, એક વેદ અને શાંતિ તથા સુમેળની સ્થાપના થશે ત્યારે જ સત્યયુગ-સુવર્ણયુગ આવશે. સત્યયુગનો આ આદર્શ ભારત વર્ષમાં નવચેતન ફેલાવશે. વિશ્વાસ રાખો. જાગ્રત થાઓ, નવ યુવકો! અને કાર્યમાં લાગી જાઓ!… સનાતન હિંદુ ધર્મ હંમેશને માટે, હરહંમેશ ટકી રહેવાનો! જાગો, જાગો, મારા નવયુવકો! જાગો, ઊઠો, આપણો વિજય નક્કી છે!

હળ હાંકતા ખેડૂતની ઝૂંપડીમાંથી, માછીમારોની, ચમારોની અને ઝાડૂવાળાઓની ઝૂંપડીમાંથી તેનું-નવભારતનું ઉત્થાન થવા દો; મોદીની દુકાનમાંથી, ધાણી દાળિયા વેંચનારાઓની ભઠ્ઠીમાંથી તેને બહાર આવવા દો. ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો… ઓ ભૂતકાળનાં અસ્થિપિંજરો! તમારી સામે જ તમારા ભાવિ ભારતના વારસદારો ઊભેલા છે. તમારી તે રત્નપેટીઓ, તમારી એ મણિમય મુદ્રિકાઓ એ લોકોને જેમ બને તેમ જલ્દી આપી દો; પછી તમે હવામાં અદૃશ્ય થઈ જાઓ, ફરી કદી જ નજરે ન ચડશો – માત્ર તમારા કાન ખુલ્લા રાખજો. તમો અદૃશ્ય થશો કે તુરત તમો કરોડો મેઘગર્જનાઓ સમા સમગ્ર વિશ્વને કંપાવનાર તથા નવભારતને જગાડનાર નાદ સાંભળશો: ‘વાહ ગુરુકી ફતેહ’ – ‘ગુરુકી જય હો.’

સ્વામી વિવેકાનંદ

— (‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’ પૃ. ૭૨-૭૪)

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.