દુનિયાને આપવા જેવું આપણી પાસે કંઈક છે. ભારતના અસ્તિત્વનું સાચું કારણ આ જ છે. યાદ રાખજો કે સેંકડો વરસો સુધી અત્યાચારો સહન કરવા છતાં – લગભગ હજાર વરસ સુધી પરદેશી હકૂમત અને પરદેશીઓના જુલમોનો ભોગ બની રહેવા છતાં, આ પ્રજા ટકી રહી છે, હજી સુધી અસ્તિત્વ ધરાવી રહી છે; તેનું કારણ એ છે કે એ હજી સુધી ઈશ્વરને વળગી રહી છે, ધર્મ ને આધ્યાત્મિકતાના ભંડારને પકડી રહી છે… પશ્ચિમની લગભગ રગદોળાઈ ગયેલી, અધમૂઈ થઈ ચૂકેલી અને રાજકીય મહેચ્છાઓ તથા સામાજિક ષડ્‌યંત્રો વડે અધઃપતન પામેલી બીજી પ્રજાઓમાં નવું જીવન અને નવી પ્રાણશક્તિ પૂરવાને માટે જેમણે ઊભરાઈ જઈને જગતને જળમય બનાવી દેવું પડશે, તે ધર્મ અને આધ્યાત્મિકતાનાં ઝરણો હજીયે આ ભૂમિમાં છે. સંવાદી તેમ જ વિસંવાદી અસંખ્ય અવાજોમાંથી, ભારતીય વાતાવરણને ભરી દેનારા અનેક સૂરોના શંભુમેળામાંથી, સૌથી શ્રેષ્ઠ, સૌથી અલગ તરી આવે એવો, પૂરા જોસવાળો એક સૂર ઉપર ઊઠે છે; એ સૂર છે ત્યાગ. ત્યાગ કરો! ભારતીય ધર્મોનો મૂળમંત્ર એ છે… એ આપણો આદર્શ છે! અલબત્ત, એક દેશના બધા માણસો સર્વસ્વનો ત્યાગ ન કરી શકે. આપ એમને ઉત્સાહિત કરવા માગો છો? તો આ રહ્યો એનો રસ્તો. તમા૨ી રાજકારણની વાતો, સામાજિક સુધારણાની ચર્ચાઓ, પૈસો પેદા કરવાની અને વેપારધંધાની વાતો વગેરે બધું હંસનાં પીંછાં પર પડેલા પાણીની માફક ખરી પડશે. એટલે, તમારે દુનિયાને જે શીખવવાનું છે તે આ આધ્યાત્મિકતા છે. સામેથી આપણે પોતે કંઈ શીખવાનું છે? દુનિયા પાસેથી આપણે કંઈ જાણવાનું છે? હા; કદાચ આપણે થોડુંક ભૌતિક જ્ઞાન મેળવવું પડશે, તંત્ર ચલાવવાની તથા તેને યોજવાની શક્તિ પ્રાપ્ત કરવી પડશે, નાનામાં નાનાં ઉપાદાનોમાંથી સારામાં સારાં પરિણામો આવે એવી રીતે શક્તિનો ઉપયોગ કરવાનું જ્ઞાન મેળવવું પડશે.

– સ્વામી વિવેકાનંદ

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.