‘જીવનકથા’

પુસ્તકનું નામ : ‘શ્રીમા સારદાદેવીની સચિત્ર’

મૂળ લેખક : સ્વામી વિશ્વાશ્રયાનંદજીએ બંગાળીમાં લખેલા મૂળ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રવીણભાઈ એમ. વૈષ્ણવે કર્યું છે. પૂર્ણચંદ્ર ચક્રવર્તીએ ચિત્રાંકન કર્યું છે. પદ્યોની છંદોબદ્ધ રચના કેશવલાલ શાસ્ત્રીએ કરી છે. પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

પૃ. : ૪૦, કિંમત : રૂા. ૧૬

શ્રીમા સારદામણિ દેવીનાં જીવનનું ઊડીને આંખે વળગે તેવું પાસું એ તેમનું દિવ્ય માતૃત્વ છે. રોજીંદા વ્યવહારુ જીવનમાં તેઓ તદ્દન સામાન્ય વ્યક્તિ પેઠે જીવે છે. તેમનામાં ઈશ્વર પ્રત્યેની ઝંખના, અને આધ્યાત્મિક સાધના છે જ. તેમનામાં દિવ્યતા અંતનિર્ણિત છે. બહારથી તો તેઓ આપણે સૌ જે જગતમાં જીવીએ છીએ તેવાં માંદગી, દુઃખ અને મૃત્યુના પ્રસંગોની વચ્ચે જીવે છે, પરંતુ તેનાથી તેઓ જરા પણ ગુંગળામણ અનુભવતાં નથી. તેઓ ગામડાંનાં લોકો વચ્ચે તદન સાદું રોજીદું જીવન જીવે છે, એક સામાન્ય સ્ત્રી જેમ જ તેઓ ઘરમાંથી કચરો કાઢતાં, રસોઈ કરતાં, છાણા થાપતાં, શ્રીરામકૃષ્ણ પાસે અચાનક આવતા સત્સંગીઓ માટે હોંશે હોંશે રસોઈ બનાવતાં, ઠાકુરની અંગત સેવા કરતાં. પરંતુ આ બધું કરતાં અંતરમાં દિવ્ય જગતજનનીનો પ્રેમ સૌ પ્રત્યે રાખતાં, સૌ પ્રત્યે કરુણા અને સમતા રાખતાં, તેના અનેક પ્રસંગો આ નાનકડી પુસ્તિકાના પાને પાને ચિત્રાંકિત થયેલા છે. એક સાચી આધ્યાત્મિક વ્યક્તિ જ કરી શકે તેમ મુસલમાન લૂંટારા અમઝદ અને પોતાના અંતરંગ સંન્યાસી શિષ્ય શરદ વચ્ચે તેઓ કોઈ ભેદ જોતાં નથી. સમાજે જેની સાથે દુર્વ્યવહાર કર્યો તેવી પોતાના સ્ત્રી અને સ્વામી વિવેકાનંદના પ્રખર મહિલા શિષ્યા સિસ્ટર નિવેદિતાને એ સમાન રીતે ગળે લગાડે છે.

શ્રીરામકૃષ્ણ કરતાં ઉંમરમાં તેઓ ઘણાં નાનાં હતાં. ઠાકુરની સમાધિ પછી જાણે તેમણે ઠાકુરનું આધ્યાત્મિક કાર્ય ચાલુ રાખ્યું. શાળામાં કશું અક્ષરજ્ઞાન પણ ન મેળવનાર શ્રીમાની અંગત સલાહ લેવા સ્વામી વિવેકાનંદ પણ આવતા, તેમણે બેલૂર મઠની સ્થાપના અને પ્રગતિમાં, સંન્યાસીઓના મઠની સ્થાપના અને વિકાસમાં, સિસ્ટર નિવેદિતાએ શરૂ

કરેલ સૌ પ્રથમ કન્યાશાળાની સ્થાપના અને વિકાસમાં ખૂબ રસ લઈ. સૌને પ્રેરણા આપી, ઠાકુરના આધ્યાત્મિક કાર્યને વ્યવહારુ, ભૂમિકા પર લાવી આપ્યું, તે એક દિવ્ય પ્રદાન છે. તેમની કોઠાસૂઝ, વ્યવહારુ અભિગમ અને પાપી, પદદલિત અને સમાજે તરછોડાયેલાંને પણ પ્રેમથી સન્માર્ગેલઈ જવાની શક્તિ જોઈ સૌ નતમસ્તક થઈ જતા.

આ સચિત્ર પુસ્તિકામાં આવા એક એકથી ચડિયાતા પ્રેરક પ્રસંગો અંકિત થયા છે. આ પ્રસંગો બહેનોને તો પ્રેરણા આપે જ છે, સાથે ને સાથે પંડિતો, જ્ઞાનીઓ અને ફિલસૂફોને, તેમનાં જ્ઞાનનો ગર્વ ભુલાવી, શ્રીમાની દિવ્યતાને પ્રણામ કરવા જેટલા નમ્ર બનાવે છે.

આ પુસ્તિકાના સર્જનમાં મૂળ લેખક, ગુજરાતી ભાષાંતરકાર, ગુજરાતી પદ્યરચના કરી આપનાર તથા બંગાળી ચિત્રકાર પૂર્ણચંદ્ર ચક્રવર્તીનો સુંદર ફાળો છે.

પુસ્તકનું નામ : પશ્ચિમનાં ખંડેરોમાંથી… ભારતનો પુનર્જન્મ

લેખક : શ્રી અરવિંદ, પૃ.૨૫૪, મૂલ્ય : રૂ. ૯૦

પ્રાપ્તિ સ્થાન : મીરા અદિતિ સેન્ટર, ૬૨ ‘શ્રીરંગ’, બીજો મેઈન, ૧લો ક્રોસ રોડ, ટી.કે. લેઆઉટ, સરસ્વતીપુરમ્, મૈસુર – ૫૭૦૦૦૯. (ભારત)

આ ગ્રંથમાં શ્રી અરવિંદના ભારત વિશેના સ્વપ્નની ઝાંખી સમાયેલી છે. સોએક વર્ષ પહેલાં ૧૮૯૩માં શ્રી અરવિંદ ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા ત્યારથી આ સદીના આરંભના દાયકામાં એમણે કરેલી રાજકીય પ્રવૃત્તિઓ અને ત્યારપછીનાં છેલ્લાં ૪૦ વર્ષ દરમિયાન જાહેરજીવનમાંથી નિવૃત્ત થઈ, જીવનના ‘સાચા કાર્ય’ રૂપ ઉત્ક્રાંતિની સાધનામાં એ ઓતપ્રોત બની રહ્યા ત્યાં સુધી વિસ્તરતા રહેલા ભારતનું સ્વપ્ન આ પુસ્તકના લેખોમાં પ્રકટ થયું છે.

ગુજરાતી ભાષાંતર શ્રી ભૂપેન્દ્ર ઉપાધ્યાય અને શ્રી પી.એમ. વૈષ્ણવના સહયોગથી થયું છે. આ પુસ્તક શ્રી અરવિંદની વિચારધારા સમજવામાં સહાયભૂત થશે તેમજ ભારતના પુનર્જન્મની આડે આવતા અવરોધો ભારતે ઓળંગી જવા હોય તો જે વિચારોનું અનુસરણ કરવું જોઈએ તે વિચારો આ ગ્રંથમાંથી સાંપડશે.

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.