ડિસેમ્બર ૨૦૦૦ના સંપાદકીય લેખમાં આપણે સ્વામીજીના વેદ અને ઉપનિષદ વિશેના ઉદ્‌ગારોનું પદ્ધતિસરનું નિરૂપણ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી, વૈદિક ધર્મના પુનરુત્થાનની પ્રક્રિયામાં તેના ઉપયોગનું મહત્ત્વ દર્શાવ્યું હતું. આ નિરૂપણ કરતા પહેલાં વૈદિક સંસ્કૃતિના મૂળમાં જે ‘આર્ય’ નામથી ઓળખાતી પ્રજા અને તેના ઇતિહાસ ઉપર એક અછડતો દૃષ્ટિપાત કરવો એ ઘણું જરૂરી છે. આર્ય પ્રજાના મૂળ વતન વિશે પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોમાં ઘણા જૂના સમયથી જુદા જુદા મતભેદો ચાલી રહ્યા છે અને હમણાં હમણાં તો આ પ્રશ્નને લઈને જબરો ઉહાપોહ ચાલી રહ્યો છે. મેક્સમૂલર જેવા પશ્ચિમના કેટલાક ભારતીય વિદ્યા વિશેષજ્ઞોએ આર્ય પ્રજા વિદેશમાંથી આવી અહીં વસી છે એવો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો છે અને એમાં તેમણે મુખ્યતઃ ભાષાકુળને કેન્દ્રમાં રાખીને એનું પ્રસ્થાપન કર્યું છે.

પરંતુ આની સામે હાલમાં કેટલાક ભારતીય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોએ કેટલીક નક્કર દલીલો સાથે એવું પૂરવાર કરવાનો પ્રયાસ કર્યો છે કે આર્ય પ્રજા બીજા કોઈ દેશમાંથી ભારતમાં આવી નથી પણ એ મૂળ ભારતની જ પ્રજા છે, ભારતમાં જ પળાઈ પોષાઈ છે અને એણે ઊલટું સ્વવિકાસની સાથોસાથ ભારતમાંથી અન્યદેશોમાં જઈને ત્યાંની પ્રજાને પણ સુસંસ્કૃત કરવાના પ્રયાસો કર્યા છે. આ મતને સ્વામી વિવેકાનંદનો મજબૂત ટેકો હતો. તેઓ કહે છે :

‘તમારા યુરોપીય પંડિતો જે કહે છે કે આર્યો કોઈક પરદેશની ભૂમિમાંથી ઊતરી આવ્યા તથા આદિવાસીઓની જમીનો ખૂંચવી લીધી અને તેમનો ઉચ્છેદ કરીને હિંદમાં સ્થિર થયા, એ બધી અક્કલ વગરની મુર્ખાઈભરી વાતો છે! નવાઈ તો એ છે કે આપણા ભારતીય વિદ્વાનો પણ એમાં ‘હા જી હા’ ભણે છે, અને આવાં હડહડતાં જૂઠાણાં આપણાં બાળકોને શીખવવામાં આવે છે! આથી મોટી કરુણતા બીજી કોઈ હોઈ શકે?

હું પોતે બહુ વિદ્વાન નથી; હું કશી વિદ્વત્તાનો દાવો રાખતો નથી; પરંતુ જે થોડુંક હું સમજું છું તેના જોરે મેં પેરિસ કોંગ્રેસમાં પેલા વિચારો અને મારો સખત વિરોધ નોંધાવ્યો હતો. આ વિષય ઉપર હું હિંદી તથા યુરોપીય વિદ્વાનો સાથે વાતચીત ચલાવી રહ્યો છું, અને સમય મળતાં આ માન્યતા સામે અનેક વાંધાઓ ઉઠાવવાની ઉમેદ રાખું છું. અને આ હું તમને – આપણાં પંડિતોને પણ – કહું છું કે તમે તો વિદ્વાનો છો; પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોમાં કૃપા કરીને શોધ ચલાવજો અને તમારાં પોતાના સ્વતંત્ર અનુમાનો તમે તારવજો.

હું પૂછું છું કે ક્યા વેદમાં, ક્યા સૂક્તમાં એમ લખ્યું છે કે આર્યો પરદેશમાંથી આવીને આર્યાવર્તમાં વસ્યા કયે ઠેકાણે એમ જાણવા મળે છે કે આર્યોએ જંગલી આદિવાસીઓની કતલ કરી? આવો અર્થહીન પ્રલાપ ક૨વાથી શું વળવાનું છે?

…….ભારતે એવું કદી કર્યું નથી. આર્યો ઉદાર અને દયાળુ હતા; એમના મસ્તકમાં લોકોત્તર બુદ્ધિની બક્ષિસ હતી; અને આ બધી ક્ષણભંગુર અને ઉપરથી રમ્ય લાગતી પણ વાસ્તવિક રીતે પાશવિક પ્રથાઓને તેમનામાં કદી સ્થાન નહોતું.’ (સ્વા. વિ. ગ્રંથમાળા ભાગ-૬, પૃ.૩૩૬-૩૩૮)

તેમના ‘ભારતનું ભાવિ’ નામના પ્રવચનમાં સ્વામીજી આગળ કહે છે :

‘કેટલાક મત પ્રમાણે આર્યો મધ્ય તિબેટમાંથી આવ્યા, બીજાઓ કહેશે કે મધ્ય એશિયામાંથી આવ્યા… કેટલાક વળી એમ કહે છે કે આર્યો ઉત્તર ધ્રુવમાં રહેતા. આર્યોનું અને તેમના વસવાટનું ભગવાન ભલું કરે! આ બધા મતોની સચ્ચાઈ વિશે આપણાં શાસ્ત્રોમાં એક શબ્દ સરખોય નથી; એક પણ શબ્દ એવો નથી જે એમ સાબિત કરી શકે કે આર્યો કદી પણ ભારતની બહારથી આવ્યા હતા, અગર તો પ્રાચીન ભારતમાં અફઘાનિસ્તાનનો સમાવેશ થઈ જતો. (સ્વા. વિ. ગ્રંથમાળા : ભાગ-૪, પૃ. ૧૬૫-૧૬૬)

‘દુનિયાને માટે ભારતનો સંદેશ’ નામનું એક પુસ્તક લખવાનો સ્વામીજીનો વિચાર હતો. તેથી તે માટે તેમણે બેતાળીસ મુદ્દાઓની એક વિષયસૂચિ તૈયાર કરી રાખેલી. તેમાં સ્વામીજીએ લખ્યું છે :

‘કહેવાતી ઐતિહાસિક કલ્પનામાંથી વ્યવહારુ સામાન્ય સમજણ ઉપર આવીએ. સૌથી જૂની નોંધના હિસાબે, આર્યો તુર્કસ્તાન અને પંજાબ અને વાયવ્ય તિબેટના વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા.’ (સ્વા. વિ. ગ્રંથમાળા ભાગ-૫ : પૃ. ૨૪૨)

આર્યો એટલે અનેકવિધ ભારતીય વંશોનો સમન્વય

સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે જગતની સંસ્કૃતિઓ ત્રણ મુખ્ય પર્વતમાળાઓની ઓથમાં ખીલી છે. ‘ઈન્ડો-આર્યન’ સંસ્કૃતિ હિમાલયના ખોળે ખીલી, હિબ્રૂ સંસ્કૃતિ સિનાઈના અને યુનાની સંસ્કૃતિ ઑલમ્પસના ખોળામાં ખીલી હતી. પરંતુ વિવિધ પ્રજાઓનું સુભગ સમન્વય વિશાળ પાયે જેટલો ભારતમાં થયો છે – હિમાલયના ખોળે થયો છે – તેટલો વિશ્વના કોઈ પણ દેશમાં થયો નથી. આનું મુખ્ય કારણ ભારતમાં ભાષાકીય એકતા ઉપરાંત વેદોના ધાર્મિક શાણપણ અને ઉદારતા રહેલ છે. પણ અન્ય પ્રજાઓમાં આ સમન્વયના પ્રયાસો ઉદારતા અને શાણપણના બદલે સત્તા, બળપ્રયોગ અને એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિ ઉપર પરાણે આસન જમાવવાથી થયો. એને પરિણામે કામચલાઉ વિકાસ તો થયો પણ એ જાજો ટકી શક્યો નહિ. આર્ય પ્રજાના વૈદિક ધર્મમાં રહેલ શાણપણ અને ઉદારતાનો સમન્વય સાધવાના બધા જ માનદંડોમાં પરોવાયેલ છે અને એમાં ભાષાકીય માનદંડ પણ અપવાદરૂપ નથી. ભારતીય આર્યપ્રજાએ સ્વગત તેમજ બહારથી આવેલી પ્રજાઓનું ભાષાકીય સમન્વય કરવા માટે સંસ્કૃત ભાષાને એક ઉકેલ તરીકે સ્થાપી પણ એની સાથોસાથ તત્કાલીન અસ્તિત્વ ધરાવતી બીજી ભાષાઓને પણ સમૃદ્ધ કરવામાં મદદ કરી. તત્કાલીન દ્રવિડકુળ ભારતમાં બોલાતી ભાષાઓનું ઉદ્‌ગમસ્થાન સંસ્કૃતભાષા હોય કે ન હોય તો પણ હવે તે ભાષાઓનું પણ સંસ્કૃતિકરણ થયું છે અને તે ભાષાઓમાં પણ અત્યારે ઘણા સંસ્કૃત શબ્દો સ્વીકારાયા છે.

આપણી આર્યપ્રજાના ભાષાકીય સમન્વયનાં અને સંસ્કૃતને સર્વ ભાષાઓની માતા તરીકે સ્થાપવાના દૂરદર્શી પ્રયાસને પરિણામે જ દક્ષિણમાં વિવિધ દ્રવિડી ભાષા બોલતાં છતાં પોતાનું સમગ્ર સર્જન સંસ્કૃત ભાષામાં જ કરી ગયેલા ચાર મહાન આચાર્યો – શ્રી આદિ શંકરાચાર્ય, શ્રીરામાનુજાચાર્ય, શ્રીમધ્વાચાર્ય અને શ્રીવલ્લભાચાર્ય ઉત્પન્ન થયા. જેવી રીતે આ ભાષાકીય ઉકેલ સંસ્કૃત ભાષાથી મળ્યો તેવી જ રીતે ભારતના વિવિધ વંશો અને પ્રજાઓનો, પછી ભલે તે ભારતના હોય કે બહારથી આવેલા હોય, સમન્વયનો ઉકેલ તેમને આ ‘આર્ય’ શબ્દની પ્રતિષ્ઠાથી મળ્યો. તો ‘આર્યપ્રજા’ની ઐતિહાસિકતા વિશે પૂર્વના અને પશ્ચિમના વિદ્વાનોના ગમે તેવા વિચારો હોય પરંતુ સ્વામી વિવેકાનંદના મતે તો ‘વૈદિક ધર્મ’ કે ‘સનાતન ધર્મ’ જ ‘આર્ય’ શબ્દનો પર્યાયવાચી શબ્દ છે, તેઓ કહે છે કે :

‘પાશ્ચાત્ય વિદ્વાનોની માન્યતાઓનો વિરોધ છતાં અમે તો આપણાં શાસ્ત્રોમાં આર્ય શબ્દની જે વ્યાખ્યા આપી છે, અને જેમાં આપણે જેને હિંદુઓ તરીકે ગણીએ છીએ તે આખો જનસમૂહ સમાઈ જાય છે, તે વ્યાખ્યાને વળગી રહીશું. આ આર્યપ્રજા, સંસ્કૃત તેમ જ તામિલ બોલનારી બંને મહાન પ્રજાનું મિશ્રણ છે; બધા હિંદુઓને તે એકસરખી રીતે લાગુ પડે છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા ભાગ-૧ : પૃ. ૨૩૫)

‘પૂર્વ અને પશ્ચિમ’ નામના એમના લેખમાં સ્વામીજી જો૨પૂર્વક કહે છે :

‘વારુ, પંડિતો આપસઆપસમાં ભલે ઝઘડે; હિંદુઓ જ પ્રાચીન કાળથી પોતાને આર્ય કહેવડાવતા આવ્યા છે. શુદ્ધ લોહીના હો કે મિશ્રિત લોહીના હો, હિંદુઓ આર્ય છે; વાત ત્યાં પૂરી થાય છે. જો યુરોપિયનોને આપણે આર્યો તરીકે – આપણે શ્યામળા છીએ એટલા માટે – ન ગમતા હોઈએ તો તેઓ પોતાને માટે બીજું નામ ધારણ કરે; એની સાથે આપણને શો વાંધો હોય?’ (સ્વા. વિ. ગ્રંથમાળા ભાગ-૬ : પૃ. ૨૮૬)

‘દુનિયાને માટે ભારતનો સંદેશ’ નામના તેમના લેખમાં સ્વામીજી ભાવભર્યા શબ્દોમાં આર્યોના ભવિષ્ય વિશે કહે છે : ‘ભારતના અધઃપતન વિશે આપણે ઘણું ઘણું સાંભળીએ છીએ. આર્યોની પુણ્યભૂમિ, ઓ ભારત! તારું અધઃપતન કદાપિ થયું જ નથી… અનેક ઉજ્જવલ સૈકાઓથી અખંડ ચાલ્યા આવતા પ્રવાહ સામે હું સ્તબ્ધ બનીને જોઈ રહું છું; અહીં તહીં કોઈક સ્થળે એ આખી શૃંખલામાં એકાદ કડી ઢીલી નિહાળું છું, પણ બીજી જ ક્ષણે તે વધારે તેજથી ઝબકી ઊઠે છે. અને આમ મારી આ માતૃભૂમિ ગૌરવભર્યાં પગલાં માંડતી માંડતી આગળ ચાલતી જાય છે – પશુમાનવને દેવમાનવની સ્થિતિએ લઈ જવાની પોતાની ગૌરવમય નિયતિને પૂર્ણ કરવા આગળ જાય છે; તેની એ ગતિને પૃથ્વીની કે સ્વર્ગની કોઈ પણ સત્તા રોકી શકશે નહિ. (સ્વા. વિ. ગ્રંથમાળા ભાગ-૫ : પૃ. ૨૪૬)

(ક્રમશ:)

Total Views: 211

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.