‘માના ગર્ભમાંથી હું સાવ નગ્ન અવસ્થામાં આવ્યો, અને સાવ નગ્ન અવસ્થામાં હું પાછો જવાનો છું. અસહાય દશામાં હું આવ્યો અને અસહાય દશામાં જવાનો છું. આજે પણ હું અસહાય છું અને આપણે લક્ષ્ય જાણતા નથી.’ એવો વિચાર આપણને ભયંકર લાગે છે. આપણને એવા વિચિત્ર વિચારો આવે છે! કોઈ ભૂતપ્રેત આપણને સહાય આપી શકશે કે કેમ તેની તપાસ કરવા સારું ભૂવાઓ પાસે દોડીએ છીએ. જુઓ તો ખરા, આ તે કેવી નિર્બળતા! પ્રેતો, ભૂતો, દેવો કે બીજો કોઈ અને બધાય પુરોહિતો અને બધાય ઠગો : એ બધા ભલે 

આવો! આપણે પોતે જ્યારે દુર્બળ હોઈએ ત્યારે જ તેઓ આપણને પકડમાં લે છે. ત્યારે જ આપણે બધા દેવતાઓને લાવીએ છીએ. 

આપણે અસહાય છીએ. કોઈના તરફથી સહાય આવનાર નથી. એ સત્ય છે. મનુષ્યો કરતાં દેવોની સંખ્યા વધારે છે અને છતાં કોઈ સહાય મળતી નથી. આપણે કૂતરાને મોતે મરીએ છીએ! અને છતાં કોઈ સહાય મળતી નથી. સર્વ સ્થળે પાશવતા, દુષ્કાળ, રોગ, દુ:ખ, અનિષ્ટ દેખાય છે! અને સહુ સહાયને માટે પોકારી રહ્યા છે, પણ કોઈ પ્રકારની સહાય આવતી જ નથી. છતાં નિરાશામાં પણ આશા રાખીને સહાય માટે આપણે પોકારી રહ્યા છીએ, અરે, કેવી દુ:ખદ સ્થિતિ! કેવો ત્રાસ! તમારા પોતાના હૃદયમાં જુઓ! આપણી અડધી (મુશ્કેલીઓ) માટે જવાબદાર આપણે નથી; પણ આપણાં માબાપ છે. આ દુર્બળતા સાથે જ આપણે જન્મેલા છીએ; તેનું વધારે અને વધારે પ્રમાણ આપણા મગજમાં ઘુસાડવામાં આવ્યું છે. પણ ક્રમે ક્રમે આપણે એ દુર્બળતામાંથી મુક્ત થઈ શકીએ છીએ.

અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી શકીએ, તો બીજું કોઈ આપણને સહાય કરવાનું નથી. ‘તું પોતે જ તારો મિત્ર છે; તું પોતે જ તારો શત્રુ છે; તારા પોતા સિવાય બીજું કોઈ તારો શત્રુ નથી, તારા સિવાય તારો કોઈ મિત્ર નથી.’ આ છેવટનો અને મોટામાં મોટો ઉપદેશ છે. અરે! પણ એ ઉપદેશ સમજવા માટે, એ શીખવા માટે કેટલો બધો સમય લાગે છે! આપણે આ સત્યને સમજ્યા છીએ એમ આપણને લાગે છે, પણ બીજી જ ક્ષણે જૂનું મોજું પાછું આવે છે, કમર ભાંગી પડે છે, આપણે દુર્બળ થઈ પડીએ છીએ અને ફરી પાછા તે જ વહેમ અને સહાય માટે ઝાવાં નાખીએ છીએ. દુ:ખના વિશાળ ડુંગરનો જરા વિચાર કરો, અને જુઓ કે એ બધું સહાય માટે દોડવાના ખોટા ખ્યાલમાંથી ઉદ્‌ભવેલ છે!

શક્ય છે કે પુરોહિતો એમના રિવાજ મુજબ મંત્રો ઉચ્ચારશે અને બદલામાં દક્ષિણાની આશા રાખશે. હજારો લોકો આકાશ ભણી જોશે. પ્રાર્થના કરશે અને પુરોહિતોને દક્ષિણા આપશે. મહિના પછી મહિનાઓ જાય છે, તોપણ તેઓ હજુ આકાશ ભણી જ જોઈ રહે છે, હજુ પ્રાર્થના કર્યા જ કરે છે અને દક્ષિણા આપ્યે જ જાય છે… અને વિચાર કરો કે એ ગાંડાઈ નહીં તો બીજું શું? એને માટે કોણ જવાબદાર છે? તમે ધર્મનો ઉપદેશ ભલે આપો, પણ અપકવ બાળકોનાં મનને ઉશ્કેરવાં શા માટે?… તમારે એ માટે સહન કરવું પડશે! તમારા હૃદયના ઊંડાણમાં તમે શું છો? કોઈના પણ મગજમાં દુર્બળતાનો એક પણ વિચાર તમે નાખ્યો હશે તો તેનો બદલો તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ભરપાઈ કરવો પડશે. કર્મનો નિયમ એનું વેર લીધા સિવાય છોડશે નહીં…

– સ્વામી વિવેકાનંદ

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.