ડરો નહિ, કારણ કે માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી જ નીકળી આવી છે; તેમની કક્ષામાંથી જ, એ વર્ગમાંથી જ સઘળી પ્રતિભાશાળી વ્યક્તિઓ પેદા થયેલી છે. અને ઇહિાસ કેવળ પોતાનું પુનરાર્વન જ કરી શકે કોઈ વસ્તુથી ડરો નહિ. તમે અદ્‌ભુત કાર્ય કરી શકશો. જે ઘડીએ તમે ડર્યા તે ઘડીએ તમે કંઈ જ નથી. આ દુનિયામાં દુ:ખનું મોટું કારણ ભય છે; મોટામાં મોટો વહેમ હોય તો તે ભય છે; આપણી આપત્તિઓનું કારણ કોઈ હોય તો તે ભય છે, અને પળવારમાં અહીં સ્વર્ગ ખડું કરનાર કોઈ હોય તો તે નિર્ભયતા છે. એટલા માટે, ‘ઊઠો, જાગો અને ધ્યેયે પહોંચો નહિ ત્યાં સુધી અટકો નહિ.’

ઊભા થાઓ લડતાં લડતાં મૃત્યુને ભેટો! . એક ગાંડાઈમાં બીજી ગાંડાઈનો ઉમેરો કરો નહિ. જે અનિષ્ટ આવવાનું છે તેમાં તમારી દુર્બળતાનો ઉમેરો કરો નહિ. જગતને મારે આટલું જ કહેવાનું છે. સબળ બનો!. બળ અને વિકાસ એ જીવંતપણાની નિશાની છે. નિર્બળતા મૃત્યુનું ચિહ્ન છે. જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો! તેમાં મોત છે. જે કાંઈ બળ હોય તેને નર્કમાં જઈને પણ પકડો. માત્ર વીરને માટે જ મુક્તિ છે. ‘માત્ર વીરોને જ સુંદરી વરમાળા આરોપે છે.’ મુક્તિને પાત્ર વીર જ હોય છે. નર્ક કોને માટે? ત્રાસ અને પીડા કોને માટે? પાપ કોને માટે? નિર્બળતા કોને માટે? મૃત્યુ કોને માટે? રોગ કોને માટે?

વીરોને જ મુક્તિ હાથવેંતમાં હોય છે, કાયરોને નહિ. હે વીરો! કમર કસો, મહામોહરૂપી શત્રુઓ તમારી સામે છે. ‘શ્રેયાંસિ વહુવિઘ્નાનિ’ સારા કામમાં બહુ વિઘ્નો હોય છે, એ ચોક્કસ હોવા છતાં પૂરતો પ્રયત્ન કર્યે જાઓ. આ મોહગ્રસ્ત લોકોને જુઓ! તેમનો દયાભર્યો હૃદય ભેદતો શોકનો પોકાર સાંભળો! બદ્ધ લોકોના પાશ છોડવા, ગરીબોનાં દુ:ખોને હળવાં કરવાં, આગળ વધો, હે વીરો! આગળ વધો. વેદાન્તનો ઢોલ ઘોષણા કરે છે: ‘ડરો નહિ; ડરો નહિ!’ એ નિનાદ દુનિયામાં વસનારાઓનાં હૃદયની ગાંઠો કાપો! 

ઊઠો, ઊઠો, દીર્ઘ રાત્રિ પૂરી થવા આવી છે. દિવસ ઊગવાની તૈયારી છે, ભરતીનું મોજું ઊંચે ચડ્યું છે, તેનાં પ્રચંડ ધસારાને રોકવાની કોઈની પણ તાકાત નથી. વીરતા બતાવો, મારા નવયુવક! વીરતા બતાવો, પ્રેમની ભાવના કેળવો, મારાં બાળકો! પ્રેમની ભાવના કેળવો શ્રદ્ધા રાખો. વિશ્વાસ રાખો અને ભયને તિલાંજલિ આપો! ભય એ જ મોટામાં મોટું પાપ છે. વીર યુવકો! શ્રદ્ધા રાખો કે તમારો સહુનો જન્મ મહાન કાર્યો કરવા માટે થયો છે! કુરકુરિયાંના ભસવાથી ડરી જશો નહિ; અરે, આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત થશો નહિ. પણ ઊભા થઈ અને કામે લાગો! 

અત્યારે અપણને સૌથી વધુ જરૂર એવા પરાક્રમી વીરના આદર્શની છે, કે જેની નસોમાં પગથી માથા સુધી રજોગુણનો અતિશય જોમદાયક પ્રભાવ હોય, જે સત્યને જાણવા માટે હિંમતપૂર્વક મરણને ભેટવા તૈયાર હોય, ત્યાગ જેનું બખ્તર હોય અને તલવાર જેનું જ્ઞાન હોય. જીવનસંગ્રામમાં અત્યારે આપણે માટે બહાદુર યોદ્ધાની ભાવના આવશ્યક છે, નહિ કે જગતને પ્રમોદ-ઉદ્યાન સમજીને પ્રેમકેલી કરતા પ્રેમીની!

– સ્વામી વિવેકાનંદ

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.