(ગતાંકથી આગળ)

સામાન્ય રીતે ભારતીય સમાજ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે તેમાં ક્ષિતિજગામી પ્રગતિને તો અવશ્ય અવકાશ છે પરંતુ ઊર્ધ્વગામી પ્રગતિ માટેનો અવકાશ નહિવત્ છે. આ આક્ષેપ ભારતની સામાજિક સ્થિતિના ઇતિહાસનું અજ્ઞાન સૂચવે છે. હકીકત તો એ છે કે જેમ જેમ સમાજ વિસ્તૃત બનતો ગયો, જેમ જેમ એના ઔદ્યોગિક પાસાં ખૂલતાં ગયાં તેમ તેમ અનુક્રમે વર્ણ, જાતિ અને જ્ઞાતિ એવા સમાજમાં સ્વાભાવિક વિભાગો પડતા ગયા. અલબત્ત, સમાજમાં સ્વાભાવિક રીતે આવેલા આવા વિભાગોમાં પાછળથી દોષો પ્રવેશેલા જણાશે, એમાં અવૈજ્ઞાનિકતા પણ ભાસે છે છતાં જે જમાનામાં તેઓ ઉદ્‌ભવ્યા તે જમાનામાં એણે સમાજની રક્ષા પણ કરી છે અને એને મજબૂત પણ બનાવ્યો હતો. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસવિદો આ મુદ્દા સાથે એકમત જ છે.

વ્યાવસાયિક વિકાસ કે સમાજમાં વધતી જતી સંખ્યા માત્ર વર્ણ, જાતિ, જ્ઞાતિના વિભાગ માટે જવાબદાર નથી. એનાં અન્ય કારણોમાં મનુષ્યનાં મનમાં રહેલી કેટલીક સહજવૃત્તિઓ પણ જવાબદાર હશે.

હવે આ વર્ણ-જાતિ-જ્ઞાતિની સમસ્યા અને તેના ઉકેલ માટે સ્વામી વિવેકાનંદે દર્શાવેલા વિચારો પર એક અછડતી નજર આપણે નાખીએ. અન્ય સમાજ સુધારકોની પેઠે સ્વામીજીની આ જાતિજ્ઞાતિ પ્રથામાં વિભક્તસમાજની ટીકા ભલે કરી પરંતુ તેનો સદંતર અનાદર કરવાની વાત તેમણે ક્યારેય કરી નથી. આથી ઊલટું, તેણે તત્કાલીન સમાજને સુસ્થિર રાખવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો હતો તે એક સુનિશ્ચિત ઐતિહાસિક તથ્ય છે. જો કે સ્વામીજી માનતા કે વેદાન્તની ઉચ્ચતમ દૃષ્ટિએ વર્ણાશ્રમ વ્યવસ્થાને એટલું બધું મહત્ત્વ છે નહિ પરંતુ, એટલું ચોક્કસ કે જો આ વર્ણાશ્રમ વ્યવસ્થાને તેના યથાર્થ સ્વરૂપમાં સમજવામાં અને એને અનુસરવામાં આવે તો તે એક સીડીને પેઠે ઊંચાથી વધુ ઊંચા અને છેવટે સૌથી ઊંચા સ્તર પર માનવજાતને મૂકી શકે છે. બ્રાહ્મણત્વ એ ભારતીય માનવજીવનું ચરમ લક્ષ્ય છે અને વર્ણાશ્રમના પગથિયાં ચડતાં ચડતાં એ બ્રાહ્મણત્વ હાંસલ કરવાનો સર્વ કોઈ માનવીને જન્મસિદ્ધ અધિકાર છે. પણ આ બ્રાહ્મણત્વ એટલે શું? સ્વામીજી કહે છે: ‘આપણો ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ, બીજાઓના કરતાં જુદો છે. આપણો આદર્શ છે આધ્યાત્મિક સંસ્કૃતિભર્યો ત્યાગમૂર્તિ બ્રાહ્મણ. હું બ્રાહ્મણ-આદર્શ કહું છું એનો અર્થ શો? એનો અર્થ એ કે આદર્શ ‘બ્રાહ્મણત્વ’માં સંસારીપણાનો સંપૂર્ણ અભાવ હોય અને સત્ય જ્ઞાન વિપુલ પ્રમાણમાં ભર્યું હોય.’ (સ્વા.વિ.ગ્રંથ. ભાગ – ૪ : પૃ.૮૧) 

તેઓ આગળ કહે છે: ‘આ દેશની અંદર ઉચ્ચમાં ઉચ્ચ માણસથી માંડીને હલકામાં હલકા અસ્પૃશ્ય સુધી સૌ કોઈએ પ્રયાસ કરીને આદર્શ બ્રાહ્મણ થવાનું છે. વેદાન્તનો આવો આદર્શ આ દેશને લાગુ પડે છે એટલું જ નહિ, પરંતુ આખા જગતને એ લાગુ પડે છે. આપણો (જ્ઞાતિનો) આદર્શ આવો છે, એનો હેતુ છે સમસ્ત માનવસમાજને સહાનુભૂતિપૂર્વક અને ધીરે ધીરે ઊંચે લઈ જઈને, પેલા અહિંસક, શાંત, સ્થિર, પ્રભુપરાયણ, પવિત્ર અને ધ્યાનપરાયણ આધ્યાત્મિક માનવના મહાન આદર્શે પહોંચાડવાનો. એ આદર્શમાં ઈશ્વર છે.’ (સ્વા.વિ.ગ્રંથ. ભાગ – ૪ : પૃ.૮૨)

પણ સ્વામીજી સ્પષ્ટપણે એમ પણ કહેતા કે આ બ્રાહ્મણત્વની પ્રાપ્તિ કોઈ જન્મજાત નથી પણ ગુણલક્ષી છે. જો કે એવું બની શકે ખરું કે સ્થાપિત થયેલા બ્રાહ્મણકુળમાં જન્મેલી વ્યક્તિ બ્રાહ્મણ ન પણ હોય. આમ બ્રાહ્મણ જાતિ અને બ્રાહ્મણત્વ એ બન્ને જુદી જુદી વસ્તુ છે.

સમગ્ર સૃષ્ટિ ત્રિગુણાત્મક હોવાને લીધે દરેક માણસમાં ઓછા-વત્તા પ્રમાણમાં કોઈ એક ગુણનું આધિક્ય અવશ્ય રહેવાનું જ. આવા ગુણાધિક્ય ને ‘મનની ધાતુ’ એવું નામ આપવામાં આવ્યું છે. હવે જેના મનની ધાતુ સત્ત્વથી સભર હોય તેનામાં સાચું બ્રાહ્મણત્વ છે એમ કહી શકાય. કેટલીક વખત એવો કાળ પણ આવે છે કે બહુજન સમાજમાં વ્યાપક પ્રમાણમાં સત્ત્વગુણની વ્યાપકતા હોય. આવે વખતે સમાજના લગભગ બધા લોકો એકીભૂત થઈ રહે છે. દાખલા તરીકે મહાભારતના શાંતિપર્વમાં કહ્યું છે કે સત્યયુગમાં એક જ વર્ણ હતો. પણ જેમ જેમ આગળ જતાં કાળ બળે વ્યાવસાયિક વૈવિધ્ય અને માનવમનનાં વિશિષ્ટ વલણો વધતા ગયા તેમ તેમ આ એક વર્ણમાંથી બીજા બે વર્ણ ક્ષત્રિય અને વૈશ્ય તથા છેવટે શૂદ્ર વર્ણનો ઉદ્‌ભવ થયો. આમ સમાજ એકતામાંથી વિભક્ત અવસ્થામાં પરિણમ્યો. ગીતા કહે છે કે ‘ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ:’ ‘મેં ગુણ અને કર્મના વિભાગ અનુસાર ચાર વર્ણોનું નિર્માણ કર્યું છે’ અહીં ખાસ નોંધવાની બાબત એ છે કે પાછળથી સ્થાપિત જ્ઞાતિ વ્યવસ્થામાં જેવી છે તેવી જન્મજાત મહત્તાને જરા પણ સ્થાન નથી. આ બાબતને વધુ સ્પષ્ટ કરતા સ્વામીજી કહે છે :

‘જેવી રીતે સત્ત્વ, રજસ્ અને તમસ્ પૈકીનો એક બીજો ગુણ ઓછાવધતા પ્રમાણમાં દરેક માણસમાં રહેલો હોય છે, તેવી રીતે માણસને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર બનાવનારા ગુણો તેનામાં ઓછેવધતે અંશે સ્વભાવગત જ હોય છે. પરંતુ ક્યારેક આમાંનો એક કે બીજો ગુણ માણસમાં જુદી જુદી માત્રામાં પ્રબળ બને છે, અને તે પ્રમાણે તે પ્રગટ થાય છે. ઉદાહરણરૂપે માણસને જુદી જુદી પ્રવૃત્તિમાં રોકાયેલો હોય ત્યારે જુઓ. જ્યારે તે પગાર સારુ બીજાની નોકરી કરે છે ત્યારે તે શૂદ્રત્વમાં છે; જ્યારે તે પોતાને માટે નફો મેળવવા સારુ કાંઈક વેપારધંધામાં મશગૂલ હોય છે ત્યારે તે વૈશ્ય છે; જ્યારે અન્યાયનો સામનો કરવા માટે તે લડાઈ કરે છે ત્યારે તેનામાં ક્ષત્રિયના ગુણો પ્રગટ થાય છે; અને જ્યારે તે ઈશ્વરનું ધ્યાન કરે છે અથવા ઈશ્વર વિશે વાતચીત કરવામાં પોતાનો સમય ગાળે છે, ત્યારે તે બ્રાહ્મણ છે. સાહજિક રીતે જ એક વર્ણમાંથી બીજા વર્ણમાં જવું એ માણસને માટે સાવ સંભવિત છે. નહિતર વિશ્વામિત્ર બ્રાહ્મણ કેવી રીતે થયા, અને પરશુરામ ક્ષત્રિય કેવી રીતે થયા?’ (સ્વા.વિ.ગ્રંથ. ભાગ – ૧૧, પૃ.૧૯૦)

જેમ જેમ જ્ઞાતિ, જાતિ કે વર્ણનું વિભાજન સમાજમાં વિસ્તરતું ગયું તેમ તેમ સમય જતાં તેમાં અમુક દૂષણો પણ પ્રવેશી ગયા. તેમાં ઊડીને આંખે વળગે એવું દૂષણ વિશેષાધિકારનું છે. શરીરના દરેક અવયવને પોતપોતાનું વિશિષ્ટ કાર્ય તો છે પણ એક બીજા કરતાં વિશિષ્ટ મહત્ત્વ નથી. જો એ વિશિષ્ટ મહત્ત્વ આપવામાં આવે તો ઉપનિષદ્‌ના પેલા ઇન્દ્રિયોના ઝઘડાવાળા કથાનકની જેવી સમાજની હાસ્યાસ્પદ દુર્દશા થઈ જાય. એટલા માટે આ દૂષણને સમાજમાંથી દૂર કરવા માટે સ્વામીજી સતત મથતા રહ્યા. તેઓ કહે છે કે :

‘જ્ઞાતિ સારી છે; જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો એ એક જ કુદરતી માર્ગ છે. મનુષ્યોએ સમૂહોમાં વહેંચાઈ જ જવું જોઈએ; તમે તે ટાળી શકવાના નથી. તમે ગમે ત્યાં જાઓ પણ જ્ઞાતિ તો હોવાની જ. પણ એનો અર્થ એ માટે ખાસ હક્કો હોવા જોઈએ એવો નથી. એમના તો માથાં જ ભાંગી નાખવાં જોઈએ. માછીમારને જો તમે વેદાંત સમજાવશો તો એ બોલી ઊઠવાનો છે કે હું તમારા જેવો જ સારો માણસ છું; હું માછીમાર છું. તમે ફિલસૂફ છો; પરંતુ તમારામાં જે ઈશ્વર છે તે જ મારામાં પણ છે. અને આપણે એ જ ઇચ્છીએ છીએ. કોઈને માટે વિશેષાધિકાર ન હોય; સૌને સમાન તક હોય. માટે સૌ કોઈને શીખવો કે દિવ્ય આત્મા દરેકની અંદર રહેલો છે, અને દેરેક પોતાની મુક્તિનો માર્ગ મેળવી લેવાનો છે.’ (સ્વા.વિ.ગ્રંથ. ભાગ – ૪, પૃ.૧૨૩)

જ્ઞાતિપ્રથા વિશે સ્વામીજીનો અભિગમ સમાજને નીચેથી ઉપર લઈ જવાનો છે નહિ કે કોઈ ઉપરનાને નીચે પાડવાનો. એમાં સૌને ઉચ્ચ સ્તરે જવાનો પૂરતો અવકાશ છે. એ નિષેધાત્મક નથી પણ વિધેયાત્મક વલણ છે. સમાજના ઉચ્ચ સ્તરના લોકોને તેઓ આત્મનિરિક્ષણ અને આત્મ પરિષ્કાર કરીને નિમ્નવર્ગમાં પોતાના સાંસ્કૃતિક વારસાનું સંક્રમણ કરવા પ્રેરે છે. તો બીજી બાજુ નિમ્નસ્તરના લોકોને તથા કથિત ઉચ્ચ વર્ગના લોકોની અવહેલના કર્યા વગર પોતાની યોગ્યતા વધારવાની હાકલ કરે છે. આ યોગ્યતા નિમ્નસ્તરના લોકોમાં આધ્યાત્મિકતાના વિકાસથી તેમજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિની કેળવણી આપવાથી થઈ શકશે એવું તેઓ માનતા અને આ જવાબદારી બ્રાહ્મણત્વથી પરિપૂર્ણ વ્યક્તિઓની શિરે છે તેમ તેઓ કહેતા.  

(ક્રમશ:)

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.