હજી સુધી ગુજરાતીમાં અપ્રકાશિત એવા ‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ વો. ૯ના શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદ રૂપે હવે પછી પ્રસિદ્ધ થનાર ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ – ૧૩’માંથી આ પત્રો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

૧ : બલરામ બોઝને પત્ર

શ્રીરામકૃષ્ણની જય

ગાઝીપુર
૬, ફેબ્રુઆરી, ૧૮૯૦

આદરણીય મહાશય,

મેં પવહારી બાબા સાથે વાત કરી છે. વિનમ્રતા, ભક્તિ અને યોગની જીવંત પ્રતિમા સમા એ અદ્‌ભુત સંત છે. પોતે ચૂસ્ત વૈષ્ણવ હોવા છતાં, બીજા ધર્મો માટે એમને પૂર્વગ્રહ નથી. ચૈતન્ય મહાપ્રભુ માટે એમને અઢળક પ્રેમ છે અને, શ્રીરામકૃષ્ણને એ ‘ઈશ્વરનો અવતાર’ કહે છે. મારી પર એ ખૂબ પ્રીતિ રાખે છે અને, એમની વિનંતીને માન આપી હું અહીં થોડા દિવસ રોકાવાનો છું.

પવહારી બાબા બેથી છ મહિના સુધી સળંગ સમાધિમાં રહી શકે છે. એ બંગાળી વાંચી શકે છે અને, પોતાના ઓરડામાં શ્રીરામકૃષ્ણની એક છબિ તેમણે રાખી છે. હું હજી એમને મોઢામોઢ મળ્યો નથી કારણ, એ બારણા પાછળથી વાતો કરે છે પરંતુ એમના જેવો મધુર અવાજ મેં આજ સુધી સાંભળ્યો નથી. મારે એમને વિશે ઘણું બધું કહેવાનું છે, પણ તે હાલ નહીં.

‘ચૈતન્ય ભાગવત’ની એક નકલ મેળવી, કૃપા કરી એને આ સરનામે મોકલાવો: ગગનચંદ્ર રાય, અફીણ ખાતુ, ગાઝીપુર. મહેરબાની કરી આ ભૂલી ન જતા. પવહારી બાબા આદર્શ વૈષ્ણવ અને મહાન પંડિત છે; પણ પોતાનું જ્ઞાન પ્રગટ કરવા એ ઉત્સુક નથી. એમના મોટાભાઈ એમની દેખભાળ રાખે છે પરંતુ, એ ભાઈને પણ ઓરડાની અંદર જવાની મનાઈ છે.

‘ચૈતન્ય મંગલ’ની નકલ મળતી હોય તો તે એમને મોકલવાની પણ કૃપા કરશો. આપની ભેટ એ સ્વીકારે એને આપનું મોટું સૌભાગ્ય માનજો. સામાન્ય રીતે એ કોઈની પાસેથી કશું જ સ્વીકારતા નથી. એ શું કરે છે કે, શું ખાય છે તે કોઈ જ જાણતું નથી.

હું અહીં છું એ ખબર કોઈને પણ નહીં આપવાની કૃપા કરશો અને કોઈનાયે સમાચાર મને મોકલશો નહીં એવી વિનંતી છે. એક અગત્યના કાર્યમાં હું રોકાયેલો છું.

આપનો સેવક,
નરેન્દ્ર

૨: બલરામ બોઝને પત્ર

શ્રીરામકૃષ્ણની જય

ગાઝીપુર
૧૧, ફેબ્રુઆરી, ૧૮૯૦

આદરણીય મહાશય,

આપનું પુસ્તક મને મળ્યું છે. હૃષિકેશમાં કાલી (સ્વામી અભેદાનંદ)ને ફરી વાર તાવનો હૂમલો આવ્યો છે અને, એ મલેરિયાથી પીડાતો જણાય છે. એક વાર એ આવે તો, અગાઉ જેને એ લાગુ ન પડ્યો હોય તેને એ સરળતાથી છોડતો નથી. મને એનો પ્રથમ હૂમલો થયો ત્યારે, મારા પર પણ એ જ વીતી હતી. કાલીને અગાઉ કદી મલેરિયા થયો ન હતો. હૃષિકેશથી મારી ઉપર પત્ર નથી… ક્યાં છે?

અલ્લાહાબાદમાં શરૂ થયેલો વાંસાનો દુ:ખાવો મને બહુ પીડી રહ્યો છે. થોડા સમય પહેલાં હું સાજો થઈ ગયો હતો પણ, એ ફરી શરૂ થયો છે. એટલે, આ વાંસાની પીડાને કારણે મારે અહીં થોડો વધારે સમય રોકાવું પડશે. વળી બાબાજી (પવહારી બાબા)નો પણ એવો આગ્રહ છે.

આપે કાચી રોટલી વિશે લખ્યું છે તે સાચું છે. પણ સાધુ એ રીતે જ મરે છે, પ્યાલો રકાબી ફૂટે એ રીતે નહીં. આ વેળા હું કોઈ નબળાઈને જરાય વશ થવાનો નથી. ને હું મૃત્યુ પામું તો, મારે માટે એ સારું થશે. આ જગતમાંથી વહેલા વિદાય લેવી ઇચ્છનીય છે.

આપનો સેવક,
નરેન્દ્ર

૩ : બલરામ બોઝને

શ્રીરામકૃષ્ણાય નમ:

ગાઝીપુર
ફેબ્રુઆરી, ૧૮૯૦

આદરણીય મહાશય,

મને એક નનામો પત્ર મળ્યો છે અને, એ ક્યા વિરાટ પુરુષે લખ્યો છે તે જાણી શક્યો નથી. આવા લોકોને, ખરે જ, આદર આપવો ઘટે. પવહારી બાબા જેવા મહાત્માને જે ગોષ્પદ વારિ ગણે, જેને આ જગતમાંથી શીખવાનું કશું નથી અને, બીજાની પાસે શીખતાં જેને નીચાપણું લાગે – આવા અવતારી પુરુષનાં, ખરે જ, દર્શન કરવાં જોઈએ. આ વ્યક્તિ કોણ છે તેની ભાળ સરકારને મળે તો, મને આશા છે કે, ખૂબ સંભાળપૂર્વક એને અલીપુરકા પ્રાણીબાગમાં બેસાડવામાં આવશે. આપ એને ઓળખતા હો તો, કૃપા કરી એને કહેશો કે એ મને આશીર્વાદ આપે જેથી, પવહારી બાબા સમા મહાત્મા જ નહીં પણ, કૂતરું અને શિયાળ પણ મારા ગુરુ બની શકે.

મારે શીખવાનું ઘણું છે. મારા ગુરુ કહેતા કે, ‘જીવીશ ત્યાં સુધી શીખતો રહીશ.’ વળી ‘સાત સમુદ્ર અને તેર નદીઓ’ ઓળંગી, મારા નાકમાં તેલ મૂકી, (કુંભકર્ણની જેમ) ઊંઘી જવા માટે મને ફુરસદ નથી એમ એને કૃપા કરી કહેશો.

આપનો સેવક,
નરેન્દ્ર

૪ : તુલસીરામ ઘોષને 

થોડા દિવસમાં તમને ચિત્પુરને સરનામે, ગુલાબની ટોપલી મળશે. એ શશી (સ્વામી રામકૃષ્ણાનંદ)ને મોકલી દેવા કૃપા કરશો. એ બલરામ બસુને સરનામે નહીં મોકલવામાં આવે કારણ, એથી સારી એવી ઢીલ થાય અને તેથી ફૂલ બધાં નાશ પામે. એ તમારે ભંડારે મોકલવામાં આવે તો, મને લાગે છે કે, એ તમને ત્યાં જ મળશે; ન મળે તો તુરત પત્ર લખજો. બાબુરામ (સ્વામી પ્રેમાનંદ) અહીં છે અને એકાદબે દિવસમાં અલ્લાહાબાદ જશે. હું પણ અહીંથી તરત ઉપડવા માગું છું. હું કદાચ બરેલી અને ઉત્તર ભાગમાં જઈશ. બલરામ બાબુના શા ખબર છે?

તમને સૌને મારા પ્રમાણ વ.

સ્નેહાધિન,
નરેન્દ્ર

(૧. બાબુરામ (સ્વામી પ્રેમાનંદ) અને શાંતિરામના મોટાભાઈ; એમનાં બહેન કૃષ્ણ ભાવિનીનું લગ્ન બલરામબોઝ સાથે થયું હતું.)

૫ : બલરામ બોઝને

ગાઝીપુર
૧૨, માર્ચ, ૧૮૯૦

બલરામ બાબુજી,

આપને રેલવે રસીદ મળે કે તુરત કોઈકને (કલકત્તાના) ફેરલાઈ પ્લેય્સના રેલવેના ગોદામે મોકલશો. ત્યાં જઈ ગુલાબનું પાર્સલ લઈ એ શશીને મોકલવાનું છે. એમને મેળવવામાં અને પહોંચાડવામાં ઢીલ ન થાય તે જોશો.

બાબુરામ થોડા જ કાળમાં અલ્લાહાબાદ જશે. હું બીજે જવાનો છું.

લિ. નરેન્દ્ર

તા.ક. :— ઢીલ થશે તો બધું બગડી જશે એ નક્કી જાણશો.

૬ : સ્વામી શારદાનંદને

કલકત્તા
૩૨ અષાઢ (૧૫ જુલાઈ, ૧૮૯૦)

પ્રિય શરત,

(વૈકુંઠનાથ) સન્યાલની ટેવો હજી દૃઢ નથી થઈ તેનો મને ખેદ છે; ને બ્રહ્મચર્ય બાબત શી સ્થિતિ છે? હું તેને સમજી શકતો નથી. એમ હોય તો, તમે બેઉ અહીં આવીને રહો એ ઉત્તમ છે. મહીન્દ્ર મુખર્જીની વિધવા તારે માટે મઠ ઊભો કરવા હૃદયપૂર્વક મંડી છે અને, સુરેન્દ્રનાથ મિત્ર બીજા એક હજાર મૂકી ગયા છે એટલે, તારે માટે નદીતટે સુંદર જગ્યા તરત ઊભી થવા સંભવ છે. ત્યાંની બધી કઠણાઈઓ બાબત મારો અભિપ્રાય હું અનામત રાખું છું.

પાછા અહીં આવવાનો મારો જરીય ઈરાદો ન હતો પણ, બલરામ બોઝના મૃત્યુએ મને અહીં મોઢું દેખાડી પાછો જવા ફરજ પાડી છે. પહાડો એટલા ભૂંડા હોય તો, મારે માટે ત્યાં પૂરતી જગ્યા છે; માત્ર હું બંગાળ છોડી જાઉં છું. એક નહીં તો બીજું અનુકૂળ સ્થળ સાંપડી રહેશે. આમ, આ મારો નિશ્ચય છે. તારા આવવાથી અહીં દરેકને ખુશી થશે અને, પાછા ન ફરવું તારે માટે હાનિકારક છે એમ, તારા પત્રથી હું જોઈ શકું છું. તો વહેલામાં વહેલી તકે આવી પહોંચ. આ પત્ર તને મળે તેની પહેલાં હું અહીંથી ચાલ્યો ગયો હોઈશ; માત્ર હું આલ્મોડા નહીં જાઉં. ભાવિ માટે મારી પોતાની યોજના છે ને એ ખાનગી છે.

સન્યાલને હું શો લાભ આપી શકું તે હું જાણતો નથી. અહીં (બધાંનો) સંગ મળી શકે એ વિશે તારો સ્વતંત્ર મત હોઈ શકે. મને સુદૃશ્ય અને સુભિક્ષા સ્થળો મળી રહે એટલે બસ. મને સંગની અગત્ય નથી ને જરૂર નથી.

ભવદીય,
નરેન્દ્ર

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.