શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવની ઉજવણી

વાર્ષિક મહોત્સવના ઉપક્રમે તા. ૪ મેના રોજ યોજાયેલ શિક્ષક શિબિરમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓના ૫૦૦ શિક્ષકોને સંબોધતાં સ્વામી જિતાત્માનંદજીએ શાળાને મંદિર બનાવવાની અને આધ્યાત્મિક ગુણવત્તાના આંકને વધારવાની હિમાયત કરી હતી. રામકૃષ્ણ મઠ-મિશન, મુંબઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજે કહ્યું હતું : ધ્યાન અને એકાગ્રતા કેળવવી એ આજના શિક્ષકોની પ્રથમ ફરજ બની રહે છે. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું હતું : માનવ બનો અને બીજાને માનવ બનાવો – એ આજનો શિક્ષણ જગતનો ધર્મ બની રહેવો જોઈએ. ચારિત્ર્ય ઘડતરની આજે સૌથી વધારે આવશ્યકતા છે. શિક્ષક ભાઈ બહેનોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તા.૫ના રોજ યોજાયેલ આધ્યાત્મિક શિબિર અને તા.૬ના રોજ યોજાયેલ ભક્તસંમેલનમાં ભજન, ગીત, વૈદિક મંત્રોચ્ચાર, વાચનના કાર્યક્રમો ઉપરાંત સ્વામી વાગીશાનંદજી, સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ક્રમશ: પંચેન્દ્રિય નિગ્રહ અને શાંતિ, આધ્યાત્મિકતા દ્વારા આપણી સમસ્યાઓનું કાયમી નિરાકરણ, ધ્યાનનાં વિવિધ સોપાનો વિશે પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં.

તા.૪-૫-૬મેની સાંજની જાહેર સભામાં અનુક્રમે અવતારશક્તિ શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમાનું જીવન અને સંદેશ, આ યુગના તારણહાર સ્વામી વિવેકાનંદ, વિવિધ દૃષ્ટાંતો અને પ્રેરક પ્રસંગો દ્વારા સ્વામી વાગીશાનંદજી, સ્વામી જિતાત્માનંદજી, સ્વામી આદિભવાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાનાં પ્રેરક ઉદ્‌બોધન કર્યાં હતાં. 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ધાણેટીની નવનિર્મિત વસાહતની મુલાકાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીકેશુભાઈ પટેલ

ધાણેટીમાં બંધાઈ રહેલી નવી વસાહતોના બાંધકામનું જાતનિરીક્ષણ કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીકેશુભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી શ્રીસુરેશભાઈ મહેતા અને ધારાસભાના અધ્યક્ષ શ્રીધીરુભાઈ શાહ વગેરે મહાનુભાવો આવ્યા હતા. આ પ્રસંગે રામકૃષ્ણ મિશનની સેવાકીય પ્રવૃત્તિઓને તેમણે બિરદાવી હતી અને જણાવ્યું હતું કે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તૈયાર થતી આ વસાહતના દરેકેદરેક બાંધકામ ધરતીકંપનો પ્રતિકાર કરી શકે તેવી સંરચનાવાળો છે. આ બાંધકામની રૂપરેખાને નજર સમક્ષ રાખીને વસાહતો બાંધવાનો સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને આ નવનિર્મિત વસાહતની વીગતે વાત કરી હતી.

રામકૃષ્ણ મિશન, લીંબડી ભૂકંપ-રાહતસેવાકાર્યો

તા. ૨૫-૪-૨૦૦૧ના રોજ સવારે ૮.૩૦ કલાકે લીંબડી તાલુકાના જાંબડી ગામે રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નૂતન પ્રાથમિક શાળા ભવન ‘સ્વામી વિવેકાનંદ વિનય મંદિર’નો નવા પ્લોટમાં તાલુકા પ્રમુખ શ્રીહિતેન્દ્રસિંહ રાણા તેમજ તાલુકા કેળવણી નિરીક્ષક શ્રીહરેશભાઈ જોષીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તવિધિ સ્વામી આદિભવાનંદજીના હસ્તે સંપન્ન થયો. સુરેન્દ્રનગર જિલ્લાના નાની કટેચી ગામે નવનિર્મિત પ્રાથમિક શાળા ‘સ્વામી વિવેકાનંદ વિનય મંદિર’નો ભૂમિપૂજન વિધિ તા. ૬-૫-૨૦૦૧ના રોજ સવારે ૯.૩૦ કલાકે ગુજરાત રાજ્ય પશુપાલન મંત્રી શ્રીકિરીટસિંહ રાણા, શ્રીહિતેન્દ્રસિંહ રાણા તેમજ શ્રીહરેશભાઈ જોષીની ઉપસ્થિતિમાં સ્વામી આદિભવાનંદજીના હસ્તે સંપન્ન થયો. આ પ્રાથમિક શાળાના મકાનમાં પ્રાર્થનાખંડ, વાચનાલય, પ્રયોગશાળા, બાળક્રિડાંગણ જેવી જરૂરી સુવિધાઓ હશે. 

રામરાજપરમાં ‘શ્રીરામકૃષ્ણ વિનયમંદિર’ એ નામે પ્રાથમિક શાળાનાં નવાં મકાનોનું બાંધકામ થશે. ઉપરાંત લીંબડી શહેરમાં જ સર. જે. મિડલ સ્કૂલ અને શાળાનં-૧ જેવી પ્રા.શાળાનું બાંધકામ કરી આપવામાં આવશે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ તળાવ ઊંડા ઉતારી દેવામાં આવશે અને પછાત વર્ગોની સંસ્થાઓની હોસ્ટેલ તેમજ શાળાના મરામત કામમાં મદદ કરવામાં મિશનનો સહયોગ રહેશે. ૧૯ એપ્રિલના રોજ યોજાયેલા નેત્રયજ્ઞમાં ૧૯૩ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા તેમજ ૧૩ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં. દર્દીઓને દવા, ચશ્મા, વગેરેની મફત સેવા આપવામાં આવી હતી. 

રામકૃષ્ણ મિશન, પોરબંદરનાં સેવાકાર્યો

રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૧૭ મેના રોજ યોજાયેલ નેત્રચિકિત્સા કેમ્પમાં ૧૫૫ દર્દીઓને તપાસવામાં આવ્યાં હતાં અને ૨૧ ઓપરેશન થયાં હતાં. દુષ્કાળ નિમિત્તે ૪ છાસ કેન્દ્રો ચલાવવામાં આવે છે, જેનો ૫૦૦ પરિવારો લાભ લે છે. ધરતીકંપપીડિત લોકો માટે ૨ નિ:શૂલ્ક ભોજનાલય ચાલુ છે, જેનો ૩૫૦ લોકો લાભ લે છે. ભારવાડામાં મકાનો, શાળા, વગેરે બાંધી આપવા માટેનો ભૂમિપૂજનવિધિ યોજાયો હતો. કેશવ ગામે ૨૦મી મેના રોજ મકાન અને શાળાનાં નવાં બાંધકામ માટે મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી શ્રીબાબુભાઈ બોખિરિયા અને જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં શિલાન્યાસવિધિ સંપન્ન થયો હતો. ભારવાડામાં ૩૦ મકાનો પુસ્તકાલય, સમાજમંદિર દવાખાનું અને ૮ ઓરડાની પ્રાથમિક શાળા; કેશવમાં ૨૦ મકાનો ૮ ઓરડાની પ્રાથમિક શાળા તેમજ બીજાં ૯ ગામોમાં ખૂલતાં વેકેશને વિદ્યાર્થીઓ નવી શાળાના મકાનમાં બેસી શકે તેવી પ્રાથમિક શાળાઓ બાંધી આપવામાં આવશે. આ સમગ્ર પ્રકલ્પ હેઠળ ૨.૨૫ કરોડનો ખર્ચ થશે.

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.