આર્યોનો નારીત્વનો આદર્શ :

સ્વામી વિવેકાનંદ માનતા કે આર્યો અને વૈદિક ધર્મ સાહિત્યમાં નારી સ્વાતંત્ર્યનું અનિવાર્ય સ્થાન હતું. વૈદિકકાળમાં નારીઓ બધાં ક્ષેત્રે પુરુષસમોવડી જ ગણવામાં આવતી અને આ પરંપરા બૌદ્ધકાળ સુધી સરસ રીતે ચાલી. પરંતુ ત્યારપછીનાં કાળમાં વિદેશીઓનાં આક્રમણો અને અન્ય એવાં ઘણાં ઐતિહાસિક-સામાજિક પરિબળોને લીધે આ નારી સ્વાતંત્ર્યમાં ઓટ આવી ગઈ અને ‘ન સ્ત્રી સ્વાતંત્ર્યમર્હતિ’ જેવાં ગેરમાર્ગે દોરનાર સૂત્રોનો જન્મ થયો અને જેને પરિણામે સમાજનું નૈતિક પતન થયું. સ્વામીજીના જીવનકાર્યનું મુખ્ય બિંદુ આ નારી જાગરણ કરીને તેમને પુન: વૈદિકકાળમાં હતું તેવું અને તેનાથી પણ વધારે વિકસિત વ્યક્તિત્વ આપવાનું હતું. સ્વામીજી માનતા કે પ્રાચીન આર્યોનો પરિવાર માતૃવંશી કુટુંબસંસ્થાનો હતો. દરેક ધાર્મિક કાર્ય અને સમાજની ફરજો પતિ અને પત્નીનું યુગલ સાથે મળીને જ કરતું. સંસ્કૃતમાં દ્વિવચનનું મૂળ કદાચ આ નારીનું પુરુષસમોવડીપણું જ હશે એવી કલ્પના કરી શકાય. માનવજીવનના જન્મથી માંડીને મૃત્યુ પર્યંતના બધાં કાર્યો અગ્નિને સાક્ષીએ જ થતાં અને બધાં વિધિવિધાનોમાં નારી પોતાના પતિની સાથે સમાન કક્ષાએ બેસીને એમાં ભાગ લેતી. પત્ની વગરનું કોઈ પણ ધાર્મિક કે સામાજિક કાર્ય અધૂરું અને નગણ્ય ગણાતું.

સ્વામીજી કહેતા : 

‘નારીત્વનો આદર્શ ભારતની એ આર્યજાતિમાં કેન્દ્રિત છે જે સંસારના ઇતિહાસમાં પ્રાચીનતમ છે. એ જાતિમાં નર-નારી પુરોહિત હતાં અથવા વેદ કહે છે તેમ તેઓ સહધર્મી હતાં. પ્રત્યેક પરિવારને પોતાનો અગ્નિકુંડ અથવા યજ્ઞવેદી હતાં, જેના પર લગ્નના સમયે વિવાહ અગ્નિ પ્રજ્વલિત કરાતો અને એને જ્યાં સુધી પતિ કે પત્ની બેમાંથી એકનું મૃત્યુ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવતો હતો અને ત્યારે એ ચિનગારીથી એમની ચિતાને અગ્નિ દેવામાં આવતો હતો. અહીં પતિ અને પત્ની એક સાથે યજ્ઞમાં બલિ ચડાવતાં હતાં અને આ ભાવના એટલે સુધી પહોંચી ગઈ હતી કે પુરુષ એકલો પૂજા પણ કરી શકતો ન હતો, કારણ કે એમ માનવામાં આવતું કે માત્ર પુરુષ અધૂરો છે અને એ જ કારણે કોઈ અવિવાહિત મનુષ્ય પુરોહિત પણ બની શકતો નહિ. આ વાત પ્રાચીન રોમ અને યૂનાન માટે પણ સત્ય છે.’ (વિવેકાનંદ સાહિત્ય, વો. ૧૦ – પૃ.૩૦૦)

વૈદિકયુગમાં જ્યાં સુધી સાહિત્ય-તત્ત્વજ્ઞાનનો સંબંધ છે ત્યાં પણ તે વિશેનાં શ્રેષ્ઠ ચિંતનો નારીઓ દ્વારા પણ રજૂ થયા છે. દાખલા તરીકે ગાર્ગી, મૈત્રેયી, વાક્, અદિતિ અને એવાં અન્ય નારીરત્નો ભારતીય ધાર્મિક સાહિત્ય-ખજાનામાં ઝળહળતાં નજરે પડે છે. વેદોના અનેકેશ્વરવાદમાંથી એકેશ્વરવાદની સર્વ પ્રથમ ઉદ્‌ઘોષણા નારી રચિત દેવી સૂક્તમાં જ કરવામાં આવી છે અને એના વિકાસ રૂપે સર્વેશ્વરવાદના મંડાણ પછીથી યાજ્ઞવલ્ક્યે કર્યાં. બીજા ધર્મગ્રંથોમાં પુરુષ પયગંબરોની પ્રધાનતા છે જ્યારે વૈદિકધર્મમાં નારીઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

વેદોની આશ્રમવ્યવસ્થામાં ગૃહસ્થાશ્ર અને સંન્યાસાશ્રમ :

આર્યોની સમાજવ્યવસ્થા મૂળે તો સમાજમાં અનુકૂલન સાધીને રહેવાની હતી અને તે માટે તેમને કેટલાંક નિયમ-બંધનો પાળવાં જ પડતાં. કારણ કે નિયમ વગરના સમાજમાં અંધાધૂંધી ફેલાવાનો ભય હતો. આ સમાજ વ્યવસ્થા કથળી ન જાય તે માટે માણસ સવારમાં જ્યારથી ઊઠે અને રાત્રે સૂવા જાય ત્યાં સુધીના તેના જીવનનાં બધાં જ કાર્યોને આ નિયમોથી જકડી લેવામાં આવ્યાં. એનો હેતુ ભલે સમાજની સુવ્યવસ્થાનો હોય પરંતુ એનું દુષ્પરિણામ જબરૂ આવ્યું. આ વિધિવિધાનોનાં જાળાંમાંથી – કર્મકાંડમાંથી મુક્ત થવાનો કોઈ આરો માણસ પાસે ન રહ્યો. એની ચેતના નિયમોમાં ગુંગળાવા લાગી. એની પ્રતિભા ઢંકાઈ ગઈ. એના વ્યક્તિત્વનો વિકાસ અટકી ગયો, આ દુષ્પરિણામોમાંથી બચવા માટે આર્ય ઋષિઓએ મોટું ચિંતન આરંભ્યું અને આ વિધિવિધાનો પાછળ રહેલાં માનસિક રૂપકોને શોધવાનો પ્રયત્ન કર્યો. આ ગાળામાં સંહિતામાંથી બ્રાહ્મણોનો અને આરણ્યકોનો જન્મ થયો. આ સાહિત્યમાં વિધિવિધાનથી મુક્ત થવા માટેના ઉપાયો અને વ્યક્તિત્વવિકાસ માટેનો માનસિક ઝોક આપણને જોવા મળે છે. અને બન્યું એવું કે ધીરે ધીરે ગૃહસ્થાશ્રમીઓનાં આ નિયમબંધનો થોડાં ઢીલાં પડ્યાં. આ બાબતનો ઈશારો આપણને જુદી જુદી સ્મૃતિઓમાં જોવા મળે છે. પણ આ વિધિવિધાનોથી- કર્મકાંડથી સદંતર મુક્ત થવા માટે પણ આર્ય ઋષિઓએ ઉપાય શોધી કાઢ્યો અને એ ઉપાય ઉપનિષદોમાં પ્રતિફલિત થયો. પુત્રૈષણા અને વિત્તૈષણા વગરનાં – શ્રીરામકૃષ્ણના શબ્દોમાં કામિની-કાંચનના મોહ વગરનાં મનુષ્યો માટે કર્મફલત્યાગપૂર્વકનાં આ માર્ગને સંન્યાસ એવું નામ આપવામાં આવ્યું. ખાવું, પીવું, ઊઠવું, વગેરે કાર્યો કરતાં છતાં તે બધાંના ફળનો ત્યાગ કરવો એને શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં સંન્યાસ કહ્યો છે. આ સંન્યાસમાર્ગને કર્મવિધિઓ સાથે કશી લેવા દેવા નથી. શ્રીશંકરાચાર્યે પોતાનાં ભાષ્યમાં અવારનવાર આ જ્ઞાનકર્મ સમુચ્ચયનું જોરદાર ખંડન કર્યું છે. અરણ્ય તરફ જવાના આ વલણનો બીજો ફાયદો એ થયો કે કર્મકાંડથી છૂટેલા માનવો મુક્ત રીતે વિચાર કરતા થયા અને પરિણામે ભારતનાં કલા, સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાનનો અપેક્ષિત વિકાસ થયો. દરેક સમાજમાં સમાજની વ્યક્તિ પ્રધાનતા અને સમાજપ્રધાનતાની સંતુલના જાળવવી કઠીન છે. આ બંનેનો સમન્વય ભારતમાં એક વિશિષ્ટ રીતે થયો. સમાજના ધારા ધોરણો અને નિયમની સાંકળોને તોડી વછોડીને મુક્ત થયેલા ત્યાગીઓએ વ્યક્તિત્વનો વિજયધ્વજ સમાજ સામે ધર્યો અને વ્યક્તિત્વના વિકાસને મુખ્ય સ્થાન આપ્યું. એના પ્રત્યુત્તરમાં સમાજલક્ષી રૂઢિવાદીઓએ પહેલાં મૂર્તિભંજકોનો અનાદર ન કર્યો પરંતુ તેને પૂર્ણ સન્માન આપ્યું. અને જ્ઞાન તેમજ ત્યાગની શ્રેષ્ઠતા સમગ્ર ભારતવર્ષમાં પ્રસરી ગઈ.

સ્વામીજી કહેતા : ‘દરેક દેશમાં આત્માની મહાનતાનો અર્થ છે અદ્વિતીય વ્યક્તિત્વ, એવું વ્યક્તિત્વ જે આમ સમાજમાં ન મળે. તે ઊકળે, તે આમળાય, અને સમાજને તોડી પાડવા ઇચ્છે. જો સમાજ તેને ગૂંગળાવવા ઇચ્છે તો તે સમાજના ટુકડે ટુકડા કરી નાખે. આવા લોકો માટે તેઓએ સરળ રસ્તો કરી આપ્યો. તેઓ કહે, ‘વારુ, તમે એક વખત આ સમાજમાંથી બહાર નીકળી જાઓ. પછી તમે તમારી આગવી રીતે શિક્ષા-દીક્ષાનું ઉપદેશ કાર્ય કરી શકશો. અમે તો તમને દૂરથી નમસ્કાર કરીશું.’ આમ, તેઓ ભવ્ય વ્યક્તિવાદી નર-નારીઓ હતાં અને તેઓ જ સમાજના સૌથી ઉચ્ચસ્થાને હતાં. જો આવો ભગવાધારી મુંડન કરાવેલ મસ્તકવાળો સંન્યાસી આવી ચડે તો રાજા-મહારાજા પણ તેમની હાજરીમાં સન્માનપૂર્વક ગાદી છોડી ઊભા થઈ જાય… પરંતુ આ સંન્યાસીઓ પૂર્ણ પવિત્રતા અને અપરિગ્રહ વ્રતનું પાલન કરે એટલે એમનું સન્માન જાળવો.’ 

(સ્વા.વિ.ગ્રંથ. ભાગ-૧૨, પૃ.૩૨૮-૨૯)

આ બંધનમુક્ત માનવોમાં સ્થગિતતાનું નામનિશાન નહોતું. ‘ચરૈવેતિ’, ‘ચરૈવેતિ’ એ એમનો જીવન મંત્ર હતો. શ્રીરામકૃષ્ણદેવ એક સરસ બોધકથા સાથે આ ઉપદેશ આપતા : એક કઠિયારો જંગલમાં લાકડાં કાપવા ગયો. રસ્તામાં એક બ્રહ્મચારીએ તેને આગળ ને આગળ જવા કહ્યું. આગળ જતાં ચંદનકાષ્ટ મળ્યાં. થોડા દિવસ પછી વળી તે બ્રહ્મચારીના કહેવા મુજબ આગળ ગયો અને તેને ચાંદીની ખાણો મળી. વળી આગળ જતાં સોનાની અને તેનાથી આગળ જતા હીરામાણેકની ખાણો મળી. 

આવા વિરલ માનવીઓ અને સમાજને તેમના પ્રદાન વિશે સ્વામી વિવેકાનંદ કહે છે : આ લોકો અત્યંત વ્યક્તિવાદી હોવાથી હંમેશાં નવા સિદ્ધાંતો, નવી યોજનાઓ અજમાવે છે.. તેઓએ કંઈ નવું વિચારવું જ જોઈએ; તેઓ રૂઢિવાદી વિચારોને અનુસરી શકે નહિ. બીજા બધા આપણને ચીલાચાલુ વિચારોમાં રાચવા ફરજ પાડે છે.. ધારો કે લોકો આમ એક જ રીતે વિચારતા થઈ જાય તો નવા વિચારો પૂર્ણપણે અટકી જાય અને આપણે મરણ પામીએ.. આવા શક્તિશાળી, વ્યક્તિવાદી માનવોમાં નવા સંપ્રદાયો ઊભા થતા. પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં આવી અદ્‌ભુત વ્યક્તિઓની અદ્વિતીયતાની કથાઓ આલેખાયેલ છે. 

(સ્વા.વિ.ગ્રંથ. ભાગ-૧૨, પૃ.૩૨૯)

Total Views: 201

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.