૧૦.

શ્રીમતી જી.ડબલ્યુ. હેલને

ડેટ્રોઈટ, ૨૦ ફેબ્રુઆરી, ૧૮૯૪.

પ્રિય બા,

અહીંનાં મારાં વ્યાખ્યાનો પૂરાં થયાં છે. મને અહીં કેટલાક સન્મિત્રો સાંપડ્યા છે, જેમાંના એક, વિશ્વમેળાના અધ્યક્ષ હતા તે મિ. પામર છે. સ્લેય્‌ટનના કામથી હું કંટાળી ગયો છું અને એનાથી મુક્ત થવા કોશિશ કરું છું. એ આદમી સાથે જોડાઈને મેં ઓછામાં ઓછા ૫૦૦૦ ડોલર ગુમાવ્યા છે. તમે સૌ સારાં હશો એવી આશા રાખું છું. શ્રીમતી બેય્‌જલી અને એમની પુત્રીઓ મારી પ્રત્યે ખૂબ માયાળુ છે. અહીં હું થોડાંક ખાનગી પ્રવચનો આપવા માગું છું, પછી એડા જઈશ ને પછી, શિકાગો પરત આવીશ. આજ સવારથી અહીં હિમ વરસે છે. લોકો બધા ખૂબ સારા છે અને, જુદી જુદી ક્લબોએ મારા કાર્યમાં સારો રસ લીધો છે.

આ સતત સત્કાર સમારંભો અને આ ભયંકર ખાણાંઓ, ખરેખર ત્રાસદાયક છે – સો ખાણાંઓ ભેગાં કરી એક કર્યું હોય એવા ખાણાં-અને, માત્ર પુરુષોની ક્લબ હોય તો વળી, બે પિરસણી વચ્ચે ધૂમ્રપાન અને ફરી એકડે એકથી આરંભ. માત્ર ચીનાઓનું જ ખાણું, વચ્ચે વચ્ચે આવતા ધૂમ્રપાનના વિષ્કંભકો સાથે, અર્ધો દહાડો ચાલે છે એમ હું માનતો હતો!

પરંતુ, એ સૌ ખૂબ સજ્જનતાવાળા છે અને, આશ્ચર્ય જેવું તો એ છે કે, એક એપિસ્કોપલ પાદરી અને એક યહૂદી રેબાઈ મારામાં ખૂબ રસ લે છે અને મારા પ્રસંશક છે. હવે જે માણસે અહીંનાં વ્યાખ્યાન ગોઠવ્યાં તેને ઓછામાં ઓછા એક હજાર ડોલર મળ્યા છે. દરેક સ્થળે તેવું જ છે. અને મારે માટે આમ કરવાની સ્લેય્ટનની ફરજ છે. અને એ આવું કરે છે. ઈશ્વરનું ધાર્યું જ થાઓ. હું ઘેર જાઉં છું. અમેરિકન લોકોનો મારા પ્રત્યેનો ભાવ જોતાં, અત્યાર સુધીમાં મારી પાસે ઘણી મોટી રકમ ભેગી થવી જોઈતી હતી. પરંતુ જીમી મિલ્સ અને સ્લેય્ટનને પ્રભુએ આડે મોકલ્યા. પ્રભુની ગતિવિધિ અકલ્પ્ય છે.

પરંતુ એક ખાનગી વાત રજૂ કરું છું. જુઠ્ઠા સ્લેય્‌ટનથી મને મુક્ત કરવા અધ્યક્ષ પામર શિકાગો ગયા છે. એમને જય મળે એવી પ્રાર્થના કરો. કેટલાક ન્યાયાધિશોએ મારો કરાર જોયો છે અને, એ સૌ કહે છે કે એ શરમભરેલી છેતરપીંડી છે અને કોઈ પણ પળે એ તોડી શકાય છે. પરંતુ, હું સાધું છું-કંઈ બચાવનામું રજૂ નહીં કરું. એટલે આ બધું ફગાવી દઈ હું પાછો ભારત ભેગો થાઉં તે વધારે સારું છે.

હેરિયેટોને, મેરીને, ઈઝાબેલને, ચર્ચમાતાને, મિ. મેથ્યુઝને, બાપુજીને અને તમને સૌને સ્નેહ સ્મરણ.

તમારો આજ્ઞાંકિત,
વિવેકાનંદ

૧૨

ડેટ્રોઈટ, ૧૭ માર્ચ, ૧૮૯૪.

પ્રિય બા,

કાલે સાંજે ડેટ્રોઈટ સહી સલામત પહોંચી ગયો. બન્ને નાની પુત્રીઓ ગાડી લઈને મને લેવા આવી હતી. એટલે બધું બરાબર હતું. વ્યાખ્યાન સરસ જશે એવી મને આશા છે કારણ, એક છોકરી કહે છે કે ટિકિટો ચપોચપ ઉપડે છે. મારે મિ. પામરને ઘેર એમના અતિથિ બનવા જવું એ મતલબનો એમનો પત્ર મને અહીં મળ્યો.

ગઈ રાતે ન જઈ શક્યો. આજ આખા દિવસમાં એ મને લઈ જવા આવશે. મિ. પામરને ત્યાં જવાનો હોઈ, ઠાંસો-ઠાંસ ભરેલી બેગ મેં ખોલી જ નથી. એક વાર કાઢ્યા પછી ફરીથી બધું વ્યવસ્થિત રીતે ભરવું મને અશક્ય લાગે છે. એટલે આજે સવારે મેં દાઢીયે બોડી નથી. પણ, દિવસ આખામાં સગવડે દાઢી કરી લઈશ. હાલ તુરત જ હું અહીંથી બોસ્ટન અને ન્યુયોર્ક જવા વિચારું છું કારણ, મિશિગનનાં શહેરોમાં હું ઉનાળે આવી શકીશ; પણ ન્યુયોર્ક અને બોસ્ટનના ફેશનેબલ લોકો ઊઠી દૂર ચાલી જશે. પ્રભુ માર્ગ બતાવશે.

મિસિઝ બેય્‌જલી અને કુટુંબીઓ મારા પુનરાગમનથી ખૂબ ખુશ છે અને લોકો ફરી મને મળવા આવી રહ્યા છે.

અહીંના ફોટોગ્રાફરે પાડેલી કેટલીક તસવીરો એણે મને મોકલી છે. એ ચોખ્ખી તિરસ્કરણીય છે. મિસિઝ બેય્‌જલીને એ જરા પણ ગમતી નથી. હકીકત એ છે કે બે ફોટાઓ વચ્ચેના સમયગાળામાં મારો ચહેરો ખૂબ જાડો અને ભારે થઈ ગયો છે- બીચારો ફોટોગ્રાફર શું કરી શકે?

ફોટોગ્રાફની ચાર નકલો મોકલવા વિનંતી છે. હોલ્ડન સાથે હજી કશી ગોઠવણ નથી થઈ. બધું સારું થશે એવું લાગે છે. ‘સ-સેનેટર પ-પામર’ સરસ આદમી છે અને મારી પ્રત્યે ખૂબ માયાળુ છે. એને ત્યાં ફ્રેંચ રસોઈયો છે – ભગવાનના આશીર્વાદ એના પેટ પર ઊતરો! વોશિંગ્ટનમાં એ ઉત્તમ ખાણાંઓ આપતા! મેં આશા જ છોડી દીધી છે! હું દૈવાધીન છું!

મિ.પામરને ઘેરથી વધુ લખીશ.

હિમાલયની પર્વતમાળા ખડિયો બને, મહાસાગર શાહી બને, સ્વર્ગીય દેવદારુ કલમ બને, આકાશ કાગળ બને તો પણ, તમારા અને તમારા કુટુંબનાં ઋણનું એક ટપકું પણ પાડવા હું અસમર્થ છું. હેલ કુટુંબના ચાર આખા સ્વરોને અને ચાર અર્ધા સ્વરોને મારાં સ્નેહ સ્મરણ કહેવા વિનંતી છે.

તમારા સૌ પર ઈશ્વરના આશિષ સદા વર્ષો.

સદાનો સ્નેહાસક્ત,
વિવેકાનંદ

૧૩.

ડેટ્રોઈટ, ૧૬ માર્ચ, ૧૮૯૪.

પ્રિય બા,

મારા છેલ્લા પત્ર પછી અહીં કશું અગત્યનું બન્યું નથી. સિવાય કે મિ.પામર ખૂબ પ્રેમાળ, આનંદી, પીઢ સજ્જન છે અને ખૂબ પૈસાદાર છે. મારી પ્રત્યે એમનું વર્તન સદા માયાળુ રહ્યું છે. આવતીકાલે પાછો હું મિસિઝ બેય્‌જલીને ત્યાં જાઉં છું કારણ, અહીંનું મારું લાંબું રોકાણ એમને બિલકુલ ગમતું નથી. સામાન્યપણે દરેક દેશમાં અને, અમેરિકામાં વિશેષે નથ ખેંચનાર ‘નારી’ છે. એટલું સમજવા જેટલો ચતુર તો હું છું જ.

સોમવારે હું અહીં પ્રવચન આપવાનો છું. અને મંગળ તથા બુધવારે ગામ પાસેના સ્થળે જવાનો છું. તમે જે બહેનનો ઉલ્લેખ કરો છો તેનું મને સ્મરણ નથી અને, એ લિનમાં છે; લિન શું છે, પૃથ્વીના ગોળા પર એ ક્યાં આવેલું છે તે કશું હું જાણતો નથી. હું બોસ્ટન જવા માગું છું. લિન રોકાવાથી મને શો લાભ થશે? કૃપા કરી મને બરાબર માહિતી આપો. વળી જે મહિલા ને ત્યાં હું એમને મળ્યો હતો તેમનું નામ પણ હું વાંચી શક્યો નથી. પણ હું એ માટે ખાસ આતુરેય નથી. મારી સ્વાભાવિક રીતે હું જીવનને આસાનીથી વહાવું છું. મને ક્યાંય જવાની ખાસ ઇચ્છા નથી. બોસ્ટન કે અ-બોસ્ટન. મારી વૃત્તિ ‘થવાનું-હોય-તે-થાય’ની છે. સારું કે નરસું, કશુંક બનવાનું છે. પાછા ફરવા માટે તથા થોડું ફરવા-જોવા માટે પૂરતી રકમ મારી પાસે છે. મારા કાર્યની યોજનાની વાત કહું તો, એની ગતિ જોતાં, એને સરખો ઘાટ આપવા માટે મારે ચાર-પાંચ વાર આવવું પડશે.

બીજાને શીખવીને કશું એ રીતે સારું કરવા બાબત, મારી જાતને હું મનાવી શક્યો નથી કે, મારે જગતને કશું આપવાનું છે. એટલે હાલ હું ખૂબ સુખી છું ને મને નિરાંત છે. આ મોટા ઘરમાં બીજું કોઈ નથી અને હોઠ વચ્ચે સિગાર સાથે, મારા કામનો અને જે જ્વર હતો તેનું હું સ્વપ્ન જોઉં છું અને તેને વિશે ચિંતન કરું છું. એ બધું મિથ્યા છે. હું કંઈ નથી. જગત કંઈ નથી. માત્ર ઈશ્વર જ કર્તા છે. આપણે માત્ર એના હાથમાં સાધન છીએ વગેરે. તમારી પાસે અલાસ્કાની માહિતી છે? હોય તો મને મિસિઝ બેય્‌જલીને સરનામે મોકલવા વિનંતી છે.

આ ઉનાળે તમે પૂર્વ તરફ આવો છો? શાશ્વત આભાર અને પ્રેમ સાથે,

આપનો પુત્ર,
વિવેકાનંદ

(૧) મિ. ટોમસ ડબલ્યુ. પામર ડેટ્રોઈટના એક સમૃદ્ધ નાગરિક હતા. તેઓ ઈ.સ. ૧૮૮૩માં યુ.એસ.ની સેનેટના સભ્ય ચુંટાયા હતા અને પછીથી સ્પેનમાં રાજદૂત બન્યા હતા. સને ૧૮૯૦માં, શિકાગોમાં વિશ્વ મેળા આયોગના અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ હતી. ધર્મ પરિષદમાં સ્વામીજીના પરિચયમાં એ આવ્યા હોવાનો પૂરો સંભવ છે. (૨) શ્રીમતી હેલના પત્રમાં સ્વામીજી આ પત્રના કવર ઉપર કદાચ, શ્રીમતી હેલે લખ્યું છે, ‘ફેબ્રુ.૨૨, અધ્યક્ષ પામરે સ્લેય્ટન કરાર તોડી નાખ્યો.’ (૩) આ પાદરી માનનીય રીડ સ્ટુઅર્ટ હતા. તેઓ સ્વામીજીના પ્રશંસક હતા. (૪) યહૂદી ધર્મગુરુ ‘રેબાય્’ કહેવાય છે. બેથ અલ દેવળનાં રેબાય્ ગ્રોસમેન સ્વામીજીના મિત્ર બન્યા હતા. ‘સ્વામી વિવેકાનંદે આપણને શું શીખવ્યું’ તે વિશે ૧૮ ફેબ્રુ., ૧૮૯૪માં એમણે પોતાના દેવળમાં પ્રવચન આપ્યું હતું અને સ્વામીજીએ ઈ.સ. ૧૮૯૬માં ડેટ્રોઈટની મુલાકાત દરમિયાન રેબાય્ના દેવળમાં પ્રવચન આપ્યું હતું. (૫) જીમી અથવા ઈરવીંગ મિલ્સ કદાચ ખાનગી પ્રવચન વ્યવસ્થાપક દલાલ અથવા તો સ્લેય્ટન લેક્ચર બ્યૂરોના દલાલ. (૬) એડાથી સ્વામીજી શિકાગો ગયા હોય અને ત્યાંથી ફરી ડેટ્રોઈટ આવ્યા હોય – ખ્રિસ્તી પાદરીઓએ સ્વામીજી સામે આદરેલા જંગના સામના માટે, સ્વામીજીના હિતેચ્છુઓએ સ્વામીજીને પાછા બોલાવ્યા હોય એમ લાગે છે.

(૧) ડેટ્રોઈટનો એક પ્રવચન વ્યવસ્થાપક દલાલ. (૨) પામરની જીભ તોતડાતી તેનો નિર્દેશ. (૩) મિ. અને મિસિઝ હેલ અને મિ. અને મિસિઝ મેથ્યુઝ એ ચાર આખા સ્વરો; હેરિયેટ અને મેરી હેલ તથા હેરિયેટ અને ઈઝાબેલ મેક્કિન્ડલે – હેલ પુત્રીઓ અને હેલની ભત્રીજીઓ – અર્ધ સ્વરો. (૪) ૧૯મી માર્ચ ને સોમવારે, ડેટ્રોઈટ ઓડિટોરિયમમાં ‘બૌદ્ધ ધર્મ, એશિયા જ્યોતિનો ધર્મ’ એ વિશે બોલ્યા હતા. (૫) માર્ચ ૨૦મીને મંગળવારે બેય્ સિટી (મિશિગન)માં હિંદુધર્મ વિશે અને ૨૧મી મે, બુધવારે, સેગિનો (મિશિગન)માં ધર્મોની સંવાદિતા વિશે સ્વામીજીએ પ્રવચનો આપ્યાં હતાં. (૬) બોસ્ટનથી ૧૦ માઈલ ઉત્તરે મેસેચ્યૂસેટ્સના અખાતને કાંઠે આવેલું એક નાનું ઔદ્યોગિક ગામ.

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.