સ્વામી વિવેકાનંદ અને ભારતના ઇતિહાસના પુનર્લેખન

આપણે આપણા ઇતિહાસનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? શું એ આપણા માટે ફળદાયી નીવડે તેમ છે? ખરેખર તો આપણે આપણા ભવિષ્ય તરફ નજર રાખીને, ભાવિને નજર સમક્ષ રાખીને કોઈ પણ કાર્ય-મહાકાર્ય કરીએ છીએ, ચિંતાઓ સેવીએ છીએ અને એ ભાવિ આપણને દોરવી જાય છે. સ્વામી વિવેકાનંદના એક શિષ્ય શ્રી પ્રિયનાથ સિંહાએ સ્વામીજીને એક સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો, ‘પોતાના વડવાઓ અને પોતાના ભૂતકાળના ઇતિહાસ વિશે કોઈ ન જાણે તો તેણે શું ગુમાવવાનું રહે છે?’ આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં પોતાના શિષ્યની આ પ્રશ્નભરી પૂછપરછને ધ્યાનમાં રાખીને સ્વામીજીએ કહ્યું હતું :

‘‘જે પ્રજાનો પોતાનો ઇતિહાસ નથી તેને આ દુનિયામાં કંઈ જ નથી. તમને એમ લાગે છે કે જેનામાં ‘હું ઊંચા કુળનો છું’ એવું અભિમાન હોય એ કદી હલકો બને? એ બની શકે જ કેવી રીતે? તેના પોતાનામાં રહેલી શ્રદ્ધા જ તેનાં કાર્યો અને લાગણીઓને સંયમમાં રાખે; અને તે પણ એટલે સુધી કે કંઈ ખોટું કરવા કરતાં તેઓ મરવાનું વધુ પસંદ કરે. તેથી પ્રજાનો રાષ્ટ્રીય ઇતિહાસ તેને ખૂબ સંયમમાં રાખે છે, તેને વધારે નીચે પડવા દેતો નથી.’’(સ્વા.વિ.ગ્રંથ.ભાગ-૧૧, પૃ.૧૮૦)

સ્વામીજીએ શિષ્યના પ્રશ્નની પૂર્વધારણાને ધ્યાનમાં રાખીને વધુ આગળ કહ્યું : ‘‘હા, હું જાણું છું કે તમે તુરત કહેશો કે : ‘પણ આપણે આવો કોઈ ઇતિહાસ છે જ નહિ!’ બરાબર; તમારી પેઠે વિચાર કરનારાઓના મત પ્રમાણે નથી; તેમ જ તમારી યુનિવર્સિટીના મોટા પંડિતોના મત પ્રમાણે પણ કશો જ ઇતિહાસ નથી; અને તે જ પ્રમાણે જેઓ ખૂબ ઝડપભેર પશ્ચિમનો એક પ્રવાસ કરી આવીને યુરોપિયન ઢબે કોટપાટલૂન પહેરીને ભારપૂર્વક કહેવા લાગે છે કે ‘આપણું પોતાનું કંઈ છે જ નહિ; આપણે જંગલી છીએ.’ તેમને માટે પણ આપણો ઇતિહાસ નથી. અલબત્ત બીજા દેશોના ઇતિહાસ જેવો જ આપણો ઇતિહાસ નથી.’…. આપણે માટે જેવો હોવો જોઈએ તેવો જ આપણો પોતાનો ઇતિહાસ પણ છે. તમે આંખો બંધ કરીને ‘અફસોસ! આપણે કશો ઇતિહાસ જ નથી!’ એવી બૂમો મારો તેથી શું એ ઇતિહાસ અસ્તિત્વમાંથી નાબૂદ થઈ જવાનો છે? જેમને આંખો છે તેઓ તો આપણો જ્વલંત ઇતિહાસ જુએ છે અને જાણે પણ છે કે પ્રજા હજી એના જોરે જ જીવંત છે. પરંતુ એ ઇતિહાસ હવે ફરીથી લખવાની જરૂર છે. પાશ્ચાત્ય કેળવણી દ્વારા આજના જમાનામાં આપણા માણસોએ જે જ્ઞાન અને વિચારવાની પદ્ધતિઓ સ્વીકારી છે તેને અનુકૂળ તે હોવો જોઈએ, અને તે પ્રમાણે તેનું પુનરાલેખન થવું જોઈએ.’’ (સ્વા.વિ.ગ્રંથ.ભાગ-૧૧, પૃ.૧૮૦)

આ વિશે વિશદ ચર્ચા કરતાં પહેલાં આપણે આપણા અભ્યાસક્રમના – અંગ્રેજ પ્રેરિત શિક્ષણ પદ્ધતિની પરંપરા દ્વારા વારસામાં મળેલ પાઠ્યક્રમનાં ઇતિહાસનાં પાઠ્ય પુસ્તકો દ્વારા આઝાદી પહેલાંનાં વર્ષો સુધી અને ત્યાર પછી પણ જે પાઠ્ય પુસ્તકોનો પાઠ્યક્રમ ચાલે છે એ દ્વારા આપણે આપણાં બાળકોને, ભાવિ નાગરિકોને ક્યો અને કેવો ઇતિહાસ ભણાવીએ છીએ, એ વિશે આપણે વિચારવું જોઈએ. આપણા જીવન દરમિયાન આપણે જે ઇતિહાસને બાળપણથી કે કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં ગોખ્યે રાખ્યો, એ જ ઇતિહાસ આપણે જાણીએ છીએ અને એના જ પ્રકાશે આપણું જીવન ઘડતર કરીએ છીએ અને આપણી, આપણા સમાજની, આપણી સંસ્કૃતિની ઓળખની સંકલ્પનાઓ પણ ઘડીએ છીએ. સામાન્યત: આપણા ઇતિહાસમાં ભારત પર થયેલાં ઇસ્લામી આક્રમણો અને વર્ષો સુધી તેમના ચાલેલા શાસન-વ્યવસ્થા તેમજ ત્યારબાદ પશ્ચિમના દેશોના અને એમાં ય ખાસ કરીને અંગ્રેજ શાસનકાળ દરમિયાન જે ઇતિહાસ ભણ્યા, તેમાં આ બંને કાળનો ઇતિહાસ જ સિંહ ભાગે રહે છે. એની સાથે બૌદ્ધકાળ, ગુપ્તકાળનો સુવર્ણયુગ અને આપણા સ્વાતંત્ર્યવીરોની જ્વલંત ગાથા પણ આવે છે ખરી. પરંતુ હજારો વર્ષ-ઈ.સ.પૂર્વેના હજારોવર્ષ પહેલાંનાં આર્ય સંસ્કૃતિ અને એમની વૈદિકકાળની સંસ્કૃતિના ઇતિહાસના અભ્યાસનું શું, એ પ્રશ્ન ઊભો થાય છે.

સામાન્ય રીતે આપણાં પાઠ્યપુસ્તકોની શરૂઆત એક વિચિત્ર સિદ્ધાંત કે જે પાશ્ચાત્ય ઇતિહાસવિદોએ ઊભા કરેલા મત-આર્યોના આક્રમણથી-‘આર્ય આક્રમણ સિદ્ધાંત’થી શરૂ થાય છે. આ સિદ્ધાંત પ્રમાણે ઈ.સ. પૂર્વે ૧૫૦૦ વર્ષ પહેલાં ઘોડાં – રથપર સવાર થઈને મધ્યએશિયા કે યુરોપમાંથી એક શ્વેતવર્ણી પ્રજા આવી. આ વિચરતી આર્ય પ્રજાના લડવૈયાઓએ ઉત્તર ભારતની તત્કાલીન સિંધુસંસ્કૃતિની પ્રજા પર વિજય મેળવ્યો. પછીથી સંસ્કૃત, વેદો, હિંદુધર્મ-જીવનવિભાવના અને જેને આપણે ભારતીય કહીએ છીએ તે બધું લાવનાર સ્થાપનાર પરિબળ તરીકે આ આર્ય પ્રજાને ગણવામાં આવી છે. આ સિદ્ધાંત દ્વારા પાશ્ચાત્ય ઇતિહાસવિદો એવું પ્રતિપાદિત કરવા માગે છે કે ભારતનો આધ્યાત્મિક, સાંસ્કૃતિક વારસો કે સંસ્કૃતિ એ ભારતના મૂળ નિવાસી સિંધુખીણની સંસ્કૃતિના વાહકોને જીતી લેનાર આ શ્વેતવર્ણી, ચડિયાતી ગણાતી આર્યજાતિની નિષ્પત્તિ સિવાય કે આર્યજાતિના પ્રદાન સિવાય બીજું કંઈ નથી. પાશ્ચાત્ય ઇતિહાસવિદોના આ મંતવ્યનો સૌથી પહેલો વિરોધ કર્યો સ્વામી વિવેકાનંદે. તેમના ‘ભારતનું ભાવિ’ નામના પ્રવચનમાં સ્વામીજીએ કહ્યું હતું : 

‘‘કેટલાક મત પ્રમાણે આર્યો મધ્યતિબેટમાંથી આવ્યા, બીજાઓ કહેશે કે મધ્યએશિયામાંથી આવ્યા… કેટલાક વળી એમ કહે છે કે આર્યો ઉત્તરધ્રુવમાં રહેતા. આર્યોનું અમે તેમના વસવાટનું ભગવાન ભલું કરે! આ બધા મતોની સચ્ચાઈ વિશે આપણાં શાસ્ત્રોમાં એક શબ્દ સરખોય નથી; એક પણ શબ્દ એવો નથી જે એમ સાબિત કરી શકે કે આર્યો કદી પણ ભારતની બહારથી આવ્યા હતા.’’ (સ્વા. વિ. ગ્રંથ., ભાગ-૪, પૃ.૧૬૫)

એમણે એક બીજે સ્થળે કહ્યું હતું, ‘‘હું પૂછું છું કે કયા વેદમાં, કયા સૂક્તમાં એમ લખ્યું છે કે આર્યો પરદેશમાંથી આવીને આર્યાવર્તમાં વસ્યા? … તમારા યુરોપીય પંડિતો જે કહે છે કે આર્યો કોઈક પરદેશની ભૂમિમાંથી ઊતરી આવ્યા તથા આદિવાસીઓની જમીનો ખૂંચવી લીધી અને તેમનો ઉચ્છેદ કરીને હિંદમાં સ્થિર થયા. એ બધી અક્કલ વગરની મુર્ખાઈ ભરી વાતો છે! નવાઈ તો એ છે કે આપણા ભારતીય વિદ્વાનો પણ એમાં ‘હાજી, હા’ ભણે છે, અને આવાં હડહડતાં જૂઠાણાં આપણાં બાળકોને શીખવવામાં આવે છે! આથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે? હું પોતે મોટો વિદ્વાન નથી; હું કશી વિદ્વત્તાનો દાવો રાખતો નથી; પરંતુ જે થોડું હું સમજું છું તેના જોરે મેં પેરિસકોંગ્રેસમાં પેલા વિચારો અને મારો સખત વિરોધ નોંધાવ્યો હતો. આ વિષય ઉપર હું હિંદી તથા યુરોપના વિદ્વાનો સાથે વાતચીત ચલાવી રહ્યો છું, અને સમય મળતા આ માન્યતા સામે અનેક વાંધાઓ ઊઠાવવાની ઉમેદ રાખું છું. અને આ હું તમને, આપણા પંડિતોને પણ કહું છું કે તમે તો વિદ્વાન છો; પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોમાં કૃપા કરીને શોધ ચલાવજો અને તમારાં પોતાનાં સ્વતંત્ર અનુમાનો તમે તારવજો.’’ (સ્વા.વિ.ગ્રંથ.ભાગ-૬, પૃ.૩૩૬-૩૮)

સ્વામીજીની પંડિતો પાસેની આ અપેક્ષાને તેમના અલ્પકાલીન જીવન દરમિયાન કે તે પછીના દાયકાઓ સુધી કદાચ બધાયે બહુ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધી નહિ. અલબત્ત, શ્રીઅરવિંદ જેવા મર્મજ્ઞે સ્વામીજી સાથે સહમત થઈને પાશ્ચાત્યભાવે લખાયેલા ઇતિહાસના આ અંશનો વિરોધ કર્યો હતો. એ પહેલાં ૧૯મી સદીના જેકોબી, થિબોટ અને હિલ્ડેબ્રાંટ જેવા યુરોપના તજ્જ્ઞોએ પણ આવી જ વાત કરી હતી. ૨૦મી સદીના છેલ્લા દાયકામાં સ્વામીજીના આ મંતવ્ય સાથે સંમત થઈને તેમજ એમની અપેક્ષા પ્રમાણે વિશ્વના વિદ્વાનો તેમજ ભારતના તજ્જ્ઞોએ ભારતના ઇતિહાસના પુનરાલેખનની ઝુંબેશ આદરી દીધી છે. આ વિદ્વાનોમાં માઈકલ ડેનીનો, ડેવિડ ફ્રોલી, જ્યોર્જ ફ્યોર્સ્ટાઈન, ક્લોસ્ટર મેયર, કોય્નરાડ એલ્સ્ટ, જેવા વિશ્વના વિદ્વાનો અને શ્રીરામ સાઠે, કે.ડી. સેઠના, ભગવાન સિંઘ, એસ.આર.રાવ, વાકણકર, એસ.એસ. તલગિરિ, સુભાષ કાક, એન.એસ. રાજારામ જેવા ભારતીય વિદ્વાનોનો સમાવેશ થાય છે. ઉપર્યુક્ત વિદ્વાનોનાં મંતવ્યો, સંશોધનો અને પુરાતત્ત્વના પ્રમાણો સાથે આ બધી બાબતો વિશે હવે પછી વિશદ ચર્ચા કરીશું. આપણાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ, સભ્યતાના ભવ્ય વારસાના ઇતિહાસને જાણીને આપણે આપણા વૈદિકધર્મને અને વૈદિક સંસ્કૃતિને બહુ સારી રીતે જાણી શકીશું અને તેનું ગૌરવ કરી શકીશું.

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.