(ગતાંકથી આગળ)

આર્ષદૃષ્ટા સ્વામી વિવેકાનંદે ભારતના સાર્વત્રિક વિકાસ અને કલ્યાણને, પુનરુત્થાનને અનુરૂપ બની રહે એવી ભારતીય ઇતિહાસના સંશોધન અને કેળવણી માટેની એક નવી પદ્ધતિની પરિકલ્પના કરી હતી. એમના ભારત પરિભ્રમણકાળમાં ૧૮૯૧માં રાજપૂતાનાના વિશ્વવિદ્યાલયના યુવા વિદ્યાર્થીઓના એક સમૂહને પોતાની પ્રેરક વાણીમાં કહ્યું હતું : ‘સંસ્કૃતનો અભ્યાસ કરો, એની સાથે પશ્ચિમના વિજ્ઞાનનો અભ્યાસ કરો. વત્સો ! ચોકસાઈ કેળવતા શીખો. અભ્યાસ કરો, અને સાથે ને સાથે પરિશ્રમ કરો એટલે એવો વખત આવશે કે જ્યારે તમે આપણા ઇતિહાસને વૈજ્ઞાનિક પાયા ઉપર ખડો કરી શકશો. અત્યારે ભારતનો ઇતિહાસ કડીબદ્ધ રૂપે મળતો નથી. ઘટનાઓના સમયની ચોકસાઈ એમાં નથી. અંગ્રેજ લેખકોએ લખેલા આપણા દેશના ઇતિહાસે આપણાં મનને નબળાં બનાવ્યાં છે, આજના ઇતિહાસમાં આપણા અધ:પતનની જ વાત છે. જે પરદેશીઓને આપણી ખાસિયતો, રીતિરીવાજો, ધર્મ અને તત્ત્વજ્ઞાનની ગતાગમ નથી, તેઓ શી રીતે ભારતનો સાચો નિષ્પક્ષ ઇતિહાસ લખી શકે ? સ્વાભાવિક છે કે એવા ઇતિહાસોમાં અનેક ખોટા વિચારો અને જૂઠાં અનુમાનો આવી ગયાં હોય; આમ છતાં યુરોપિયનોએ આપણને આપણા પ્રાચીન ઇતિહાસ અંગે સંશોધન કરવાની રીત દેખાડી છે, એટલે હવે આપણા માટે ઐતિહાસિક સંશોધનની નવી કેડી પાડવાનું, વેદપુરાણો અને ભારતના પ્રાચીન ઇતિહાસોનો અભ્યાસ કરવાનું, એ બધી વસ્તુઓનો આધાર લઈને દેશના સાચા, સહાનુભૂતિભર્યા અને પ્રેરક ઇતિહાસોના લેખનને એક જીવનસાધના બનાવવાનું આપણા હાથમાં છે. ભારતનો ઇતિહાસ તો ભારતીય લેખકોએ જ લખવો જોઈએ. માટે દોસ્તો ! આપણા લુપ્ત અને ગુપ્ત ખજાનાને વિસ્મૃતિમાં સરી જતો અટકાવવાના પુરુષાર્થમાં લાગી જાઓ ! જેવી રીતે કોઈ માણસનું બાળક ખોવાઈ ગયું હોય અને એ મળે નહિ ત્યાં સુધી એને ચેન ન પડે, તેવી રીતે લોકોના અંત:કરણમાં જ્યાં સુધી તમે ભારતના ભવ્ય ભૂતકાળને પુન: જીવંત ન કરી શકો, ત્યાં સુધી તમે જંપશો નહિ. એ જ સાચું રાષ્ટ્રિય શિક્ષણ છે. એની વૃદ્ધિ થશે ત્યારે જ સાચી રાષ્ટ્રભાવના પ્રગટ થશે.’ (સ્વા.વિ.વિસ્તૃત જીવન, પૃ.૧૨૪)

હડપ્પા સંસ્કૃતિના વિસ્તારમાં પ્રો.એમ.એસ.વત્સ અને મોહેંજોદરોમાં પ્રો. આર.ડી. બેનરજીએ કરેલાં સંશોધનાત્મક ખોદકામને લીધે ૧૯૨૦ પહેલાં સિંધુનદીની સંસ્કૃતિ કે હડપ્પન સંસ્કૃતિની શોધ થઈ. ત્યારથી માંડીને આજ સુધીનાં ૮૦ વર્ષ સુધી અને ખાસ કરીને ૧૯૫૦ પછી આ સંસ્કૃતિ વિશેનું આપણું જ્ઞાન એક મહત્ત્વની ઘટના રૂપે વિકસ્યું. આને કારણે સંશોધનાત્મક વલણમાં વૃદ્ધિ થઈ અને સંશોધનાત્મક ખોદકામો માટે વધુ સારી નવીન પદ્ધતિઓ પ્રયુક્તિઓ અને અભિગમો સાથે વૃદ્ધિ પામ્યા, અને સાથે ને સાથે ઘટનાઓ માટે નવાં મંતવ્યો આવવાં શરૂ થયાં. જો કે, સૌ પ્રથમ થયેલાં સંશોધનો સિંધુનદીના કિનારે વિકસેલી સંસ્કૃતિ, સિંધુસંસ્કૃતિ – હડપ્પન સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી હતી, પરંતુ સિંધુનદીની દક્ષિણે વહેતી સરસ્વતીની શુષ્ક બની ગયેલી ભૂમિની ભીતર થયેલાં સંશોધનો પછી તેના બંને કાંઠે વિકસેલી સંસ્કૃતિના અવશેષો મળતાં તેના તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયું. ભૂસ્તરશાસ્ત્રી ગ્રેગરી એલ. પોશેલના – The Indus age : The Beginnings – પ્રમાણે અત્યાર સુધીનાં લગભગ ૨૬૦૦ પુરાતત્ત્વ સ્થળો-નગર આયોજનોમાંથી મોટા ભાગનાં સ્થળો પ્રાચીન કાળની સરસ્વતી નદીના બંને કિનારે સાંપડ્યાં છે. એટલે જ આ સંસ્કૃતિને સિંધુનદીની સંસ્કૃતિ કહેવાને બદલે ‘સિંધુસરસ્વતી સંસ્કૃતિ’ કહેવાનું વધારે વ્યાજબી ગણાયું છે. આ સંસ્કૃતિ પ્રાચીન જગતની શ્રેષ્ઠતમ સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ ગણાય છે. આપણે જેટલી પૂર્વધારણાઓ કરી હતી તેના કરતાં તે વધારે વિસ્તૃત વિસ્તારમાં ફેલાયેલી હતી : પશ્ચિમમાં ઈરાનની સીમાઓથી માંડીને હિંદુકુશ પર્વતમાળાની ઉત્તરમાં તુર્કમાનિયા, બગ્ટ્રિયા, તઝ્કિસ્તાનની પામીર પર્વતમાળા અને કાશ્મીરથી માંડીને દક્ષિણમાં ગોદાવરીની ખીણ અને પૂર્વમાં દિલ્હીની પેલે પાર સુધીના આશરે ૧૦ લાખથી વધુ ચો.કિ.મી.માં આ સંસ્કૃતિ વિસ્તરી હતી. એટલે કે તત્કાલીન ઇજિપ્તની કે મેસોપોટેમિયાની સુખ્યાત સંસ્કૃતિ કરતાં પણ આ સિંધુસરસ્વતી સંસ્કૃતિ વિસ્તાર તેમજ સંસ્કૃતિ-સભ્યતાના વિકાસની દૃષ્ટિએ વધારે વિકસી હતી.

શ્રીકાંત તલાગિરિ નામના વિદ્વાને લખેલ ‘Rigveda A Historical Analysis’નામના પુસ્તકમાં ઋગ્વેદ સંહિતાના આધારે અને તેના વિસ્તૃત અભ્યાસથી વૈદિકકાળના ઇતિહાસ તેમજ તેના ભૌગોલિક વ્યાપ વિશે અહીં આપેલાં તારણો તારવ્યાં છે :

ઋગ્વેદ સંહિતાના સૌથી વધુ પ્રાચીન મંડળોના અભ્યાસથી સરસ્વતીની પૂર્વે આવેલા પ્રદેશ વિસ્તાર, હાલના હરિયાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં આર્યોની વૈદિક સંસ્કૃતિના શરૂઆતના ઘટનાક્રમનો ઇતિહાસ જોવા મળે છે. અને જેમ જેમ પછીના મંડળોનો અભ્યાસ કરીએ તેમ તેમ આ સંસ્કૃતિ પશ્ચિમબાજુએ વિકસતી ગઈ અને ફેલાતી ગઈ એવી આપણને એક ભૌગોલિક ઘટનાક્રમની હારમાળા જોવા મળે છે. એનો અર્થ એ થયો કે વૈદિકકાળના આર્યોની ઐતિહાસિક કૂચ સરસ્વતીની પૂર્વબાજુએથી પંજાબ અને પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને ત્યાંથી ઈરાન તરફની રહી હતી. યુરોપના સંસ્થાનવાદી ઇતિહાસકારોનાં મંતવ્યો પર ઊભી થયેલી, ઊભી કરેલી સદી જૂની વિચારસરણી કરતાં આ વિચારસરણી તદ્દન ઊલટી વિચારસરણી છે. આનાથી એવું સિદ્ધ કર્યું છે કે ભારત જ વૈદિક આર્યોની મૂળ ભૂમિ છે અને અહીંથી જ તેઓ પશ્ચિમ તરફ ઇરાન અને તેથી પણ વધુ આગળના વિસ્તારોમાં વિસ્તર્યા હતા.

સુખ્યાત પુરાતત્ત્વવિદ્ વી.એન. મિશ્રાએ સિંધુસંસ્કૃતિ અને ઋગ્વેદકાળની સરસ્વતી અંગેનાં સંશોધનો વિશે ઘણો ઊંડો અભ્યાસ કર્યો છે અને એના આધારે કેટલાંક તારણો પણ તારવ્યાં છે. તેઓ કહે છે : ઋગ્વેદ સંહિતામાં સરસ્વતી નદી વિશે ઘણાં સ્તોત્રો જોવા મળે છે. એમાં સરસ્વતી નદીને સાગર જેટલી વિશાળ, નદીઓમાં શ્રેષ્ઠ, સૌથી પવિત્ર, પર્વતોમાં ઉદ્ભવતી, વહેતી અને સાગરમાં સમાઈ જતી, પર્વતો અને વૃક્ષોનો ઉચ્છેદ કરનારી અને પોતાના પ્રવાહમાં ખેંચી જનારી નદી તરીકે વર્ણવી છે. આ નદીના બંને કિનારે પવિત્ર યજ્ઞો કે પવિત્ર કાર્યો થતાં. પરંતુ પછીના કાળના વૈદિક સાહિત્યમાં આ નદીને પવિત્ર નદી તો કહી છે પણ વિશાળ ફલકવાળી નદી કહી નથી. ઋગ્વેદ ૧૦.૭૫ પ્રમાણે યમુના અને સતલજની વચ્ચે આ સરસ્વતી નદી વહેતી હતી. પછીના કાળના સાહિત્યમાં અને મહાભારતકાળમાં આ સરસ્વતી નદી સાવ સુકાઈ ગઈ અને વિનાશન (હરિયાણામાં આવેલું સ્થળ) નામના રણમાં લુપ્ત થઈ ગઈ એવો ઉલ્લેખ આવે છે. આ સુકાઈ ગયેલી સરસ્વતી આજની ઘાગ્ગર-હકરા નદીનું તળ છે. ઋગ્વેદ સંહિતામાં વર્ણવાયેલી બીજી પવિત્ર નદી દૃશદ્વતી અને સરસ્વતી નદીની વચ્ચેની ભૂમિને બ્રહ્મવર્ત એટલે કે વૈદિકઆર્યોની પવિત્ર ભૂમિ ગણવામાં આવી છે. આ જ દૃશદ્વતી નદીને ઘણા વિદ્વાનોએ યમુનાની પશ્ચિમે વહેતી અને હરિયાણાની રેતીમાં લુપ્ત થઈ જતી ‘ચૌટાંગ’ કે ‘ચિટનીંગ’ કે ‘ચિતાંગ’ નદીના રૂપે ઓળખાવી છે. ભારતની પ્રાચીન લોકમાન્યતા પ્રમાણે ઘાગ્ગર-હકરા નદીનો શરૂઆતનો ભાગ એક મહાન નદીનું ભૂતળ માનવામાં આવે છે અને હરિયાણાના શિરસા ગામમાં આવેલ સારસૂતિ કિલ્લાને પ્રાચીન સરસ્વતીના કાંઠે વિકસેલા એક નગર આયોજન રૂપે માને છે.

અનેકવિધ દૃષ્ટિકોણ અને પ્રયુક્તિવાળાં પ્રમાણો જેવાં કે અવકાશી ઉપગ્રહ અવલોકનો, પુરાતત્ત્વ, ઇતિહાસ, લોકવાયકાઓ વગેરે આ મંતવ્યને પ્રબળ સમર્થન આપે છે. એટલે કે પ્રો. મિશ્રાના મત પ્રમાણે આપણે આટલું તારણ કાઢી શકીએ કે હાલની હરિયાણા રાજ્યની ઘાગ્ગર-હકરા નદીનો એક ભાગ એ પ્રાચીનકાળની સરસ્વતી, મહાન પવિત્ર સરસ્વતી નદી છે. ધરતીકંપ અને લાંબાકાળના દુષ્કાળને પરિણામે આ મહાનદી વિવિધ તબક્કે શુષ્ક બનતી ગઈ. વાસ્તવિક રીતે આજના પંજાબ, રાજસ્થાન, સિંધ અને ગુજરાતના થોડા વિસ્તારોમાં વ્યાપેલ આ વિશાળ નદવિસ્તાર હતો. પુરાતત્ત્વવિદોના મત પ્રમાણે આ નદી ઈ.સ.પૂર્વે ૧૯૦૦ની આજુબાજુ સુકાઈ ગઈ અને સંસ્થાનવાદી ઇતિહાસકારો આર્યોના આક્રમણને ઈ.સ.પૂર્વે ૧૫૦૦ પહેલાં થયેલું ગણે છે. વૈદિક સાહિત્યમાં આ નદી ઈ.સ.પૂર્વે ૧૯૦૦ સુધી વહેતી હતી એવું વર્ણવાયું છે. એટલે કે સંસ્થાનવાદી ઇતિહાસકારોના આર્યોના આક્રમણ અને આક્રમણસમયની વાત હકીકતથી જૂદી તરી આવે છે. એટલે આર્યો સિંધુસરસ્વતી સંસ્કૃતિના કાળમાં અહીં જ રહેતા અને અહીંથી તેઓ પશ્ચિમમાં ગયા એવું સ્પષ્ટ મંતવ્ય તારવી શકાય. આ વિશે આપણે હવે પછીના લેખમાં વિગતવાર ચર્ચા કરીશું.

Total Views: 167

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.