શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી મુખ્યાનંદજી મહારાજ સુખ્યાત લેખક તરીકે જાણીતા છે અને એમણે અનેક મૌલિક ગ્રંથોનું સર્જન કર્યું છે. મે, ૨૦૦૧ના ‘વેદાંત કેસરી’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા તેમના લેખ ‘The Decipherment of the Indus Script and the Vedic civilization’નો શ્રી પી.એમ.વૈષ્ણવે કરેલો અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં

અંગ્રેજી દૈનિક ‘Statesman’ના તા. ૪ નવેમ્બર, ૨૦૦૦ના અંકમાં શ્રી શરદ કે. સોનીનો અંગ્રેજી લેખ ‘Unlocking the Harappan Mystery’ શીર્ષક હેઠળ પ્રગટ થયો છે. તેમાં તેમણે શ્રી ધનપાલ (કે ધનપ્‌ત ?) સિંઘ ધનીયાના પોતે હડપ્પાની (સિંધુ ખીણની સંસ્કૃતિની) ભાષા-લિપિ ઉકેલી શકવાનો દાવો કર્યો છે તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

‘હડપ્પા જેવી ખૂબ મુશ્કેલ ભાષાને પોતે ઉકેલી શક્યા છે તેવો દાવો કરવો એટલો સહેલો નથી.’ એમ ડો. આર. એસ. બિષ્ટ, જેઓ ભારતીય પુરાતત્વ ખાતાંના, પ્રાચીન સ્થાનોના ખોદકામ અને સંશોધન વિભાગના વડા છે, તેઓ લખે છે. શ્રી ધનીયાનો દાવો છે કે, ‘સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજા સંસ્કૃત ભાષાની પણ જે જનની ગણાય છે તે ‘વન’ નામની ભાષા બોલતી હતી, આખી દુનિયામાં હું એક માત્ર એવી વ્યક્તિ છું કે જે આ ભાષા વાંચી, લખી અને બોલી શકે છે.’ તેઓ પ્રશ્ન કરે છે કે, ‘સિંધુ ખીણની ભાષા બીજું કોઈ જાણતું ન હોવાથી મારા આ દાવાને બીજું કોણ ટેકો આપી શકે ?’ –

પોતાનો દાવો રજૂ કરવાની આ વિચિત્ર રીત છે. તેમની દલીલમાં ખામી છે તે આ છે : જે કોઈ વ્યક્તિ અજાણી પ્રાચીન લિપિને ઉકેલી શકે, તેણે કઈ પદ્ધતિથી તે ઉકેલી છે તે જણાવવું જોઈએ. લિપિના વિવિધ પ્રતીકો અને અક્ષરોનાં સ્વરૂપ અને તેના ઉચ્ચારણની રીત, આ પ્રતીકો અને અક્ષર કેવી રીતે બન્યા છે, અને તેને ઉકેલવાની પદ્ધતિ તેણે સિલસિલાબંધ આપવી જોઈએ, કે જેની સહાયથી કોઈપણ જાણકાર વ્યક્તિ મુદ્દા પરનું આ લખાણ વાંચી શકે. તદુપરાંત લિપિની ભાષા આ જે છે તેવું માત્ર અનુમાનથી કહેવું યોગ્ય ન ગણાય. પ્રાચીન ઈતિહાસનો સંદર્ભ લઈ તેના પર આવી શકાવું જોઈએ, તેને પ્રાચીન વૈદિક સંસ્કૃત ભાષા સાથે કોઈ જોડાણ કે સંબંધ છે, અને હોય તો તેને લગતા સંદર્ભોથી તેની પ્રમાણભૂતતા સ્થાપિત કરવી જોઈએ, તથા મહોર-છાપને આ રીતે વાંચી શકવાના અને તેના અર્થનાં અનેક ઉદાહરણો ટાંકી બતાવવાં જોઈએ. આ બધું વ્યવસ્થિત અને પદ્ધતિસર થવું જોઈએ. આ બાબતમાં થયેલા અગાઉના પ્રયત્નોનું મુલ્યાંકન કરી. તેમના ગુણ અને ભૂલ બતાવી, અને તેઓએ ક્યાં ભૂલ કરી તે સ્પષ્ટ કરવું જોઈએ.

શ્રી ધનીયાના લખાણમાં નીચેના હકીકત-દોષ અને અસ્પષ્ટતાઓ છે : (૧) અહીં ખોદકામ મળી આવેલ મહોરોેની સંખ્યા ૪૦૦૦ છે અને નહિ કે ૨૫૦૦ જેટલી (૨) જેના વિશે વિદ્વાનોએ પણ કાંઈ સાંભળ્યું નથી તે ‘Van’-વન ભાષા સંસ્કૃતની જનની છે એવું શ્રી ધનીયાએ ક્યાંથી જાણ્યું તે તેમણે સ્પષ્ટ કર્યું નથી. તેમની આ માન્યતા પ્રમાણોથી સિદ્ધ કરેલી નથી (૩) પ્રાચીન લિપિ ‘બ્રાહ્મી’ અને ‘ખરોષ્ટિ’ને તેઓ ‘બ્રાહ્મ’ અને ‘ખ્રસ્તો’ કહે છે, તે બરાબર નથી. (૪) ડો. નટવર ઝાએ તેમનાં પુસ્તકમાં એવો ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી કે મહોરોની ભાષા સંસ્કૃત અને તામિલનું મિશ્રણ છે. ડો. ઝાએ તેમનાં પુસ્તકોમાં તો સ્પષ્ટપણે નિર્દેષિત કર્યું છે કે આ ભાષા વેદની સંસ્કૃત ભાષા જ છે. મહાદેવન નામના અન્ય લેખકે (કે જેમનું નામ ‘માધવન્’ આપ્યું છે) ધી આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ૧૯૭૭માં પ્રગટ કરેલાં તેમના અંગ્રેજી પુસ્તક ‘The Indus Script – Texts, Concordance, and Tables’માં આ મહોરોની ભાષા વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ તેઓ તો લખે છે, કે ‘સિંધુ સંસ્કૃતિની લિપિનો પ્રશ્ન મારાં પુસ્તકનાં વિષય-વસ્તુમાં આવતો નથી.’

ઉપરની તમામ બાબતો શ્રી ધનીઆનો દાવો કેવો ઉપરછલ્લો છે તે બતાવે છે.

શ્રી ધનીઆ કે શ્રી સોની (સહલેખક)ને આધુનિક સમયમાં સિંધુ સંસ્કૃતિની લિપિને ઉકેલવા માટે થયેલા નીચેના પ્રયાસોથી તદ્દન અપરિચિત લાગે છે. (૧) શ્રી એમ. વી. ક્રિષ્નરાવનું અંગ્રેજી પુસ્તક ‘Indus Script Deciphered’ (પ્રકાશક – અગમ કલા પ્રકાશન, દિલ્હી, ૧૯૮૨) (૨) પુરાતત્ત્વવિદ ડો. એસ.આર રાવ, જેણે લોથલ બંદરનું ખોદકામ, સંશોધનકાર્ય કર્યું હતું (‘The Decipherment of the Indus Script’ – એશિયા પબ્લિશિંગ, મુંબઈ, ૧૯૮૨). ભલે આ પ્રયત્નો બહુ સંતોષજનક ન હતા છતાં પણ બંને પદ્ધતિસરના પ્રયત્નો હતા અને યોગ્ય દિશામાં ચાલ્યા હતા. ૧૯૮૧ના ૧૬ માર્ચના ‘Bhavan’s Journal’ મુંબઈના અંકમાં ડો. એસ.આર.રાવનો લેખ ‘Indus Script Deciphered’ ઉદાહરણો અને ચિત્રો સાથે પ્રસિદ્ધ થયો હતો. આ સામયિકના તંત્રીએ આ અનોખા લેખ વિશે પોતાની નોંધ કરી છે: ‘સુખ્યાત પુરાતત્ત્વવિદોનો આ અનોખો લેખ ભારતના ઇતિહાસને ફરીથી લખવાની જરૂર છે એ વાત પર ભાર મૂકે છે. તે વધુમાં જણાવે છે કે સિંધુખીણની સંસ્કૃતિના સર્જક દ્રાવિડો હતા અને આર્યોએ આક્રમણ કરીને આ સંસ્કૃતિનો વિનાશ કર્યો હતો, એ વાત પશ્ચિમના સંસ્થાનવાદી વિદ્વાનોએ ‘ઉત્તરના’ અને ‘દક્ષિણના’ લોકો વચ્ચે ભેદભાવની ભેદી કાંટાળીવાળ રચવાના બદ ઇરાદાથી કરી છે.

ઉત્તર ભારતમાં આર્યોએ પ્રવેશી, ત્યાંના મૂળ વતની દ્રવિડોને દક્ષિણ ભારતમાં હડસેલી મૂક્યા હતા; તેવી કલ્પિત વાત અંગ્રેજોએ ઉત્તર અને દક્ષિણ ભારતના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરવા વહેતી મુકેલી. અનેક ભારતીય અને વિદેશી સંશોધકોએ આ કપોલકલ્પિત વાતને સાવ જુઠ્ઠી સાબિત કરી છે. ડેવીડ ફ્રોલે, સુભાષ કાક, ડી. એન. એસ. રાજારામ, શ્રીકાંત તલગેરી, જીમ શેફર, ભગવાન સિંધ અને બીજા ઘણાના લેખોએ દસ્તાવેજી પુરાવા સાથે હવે તે મતનું પૂરેપૂરું ખંડન કર્યું છે. ઉપરોક્ત વિદ્વાનોમાંથી ઘણાએ પ્રતિપાદિત કર્યું છે કે ઈસુના જન્મ પહેલાંની સહસ્ત્રાબ્દિમાં તામિલભાષાનો સાહિત્યિક ભાષા તરીકે ઉદય થયો અને તેની લિપિ પ્રાચીન બ્રાહ્મી લિપિ પરથી આવી છે. પરંતુ સિંધુ ખીણ સંસ્કૃતિના સમયે વપરાતી લિપિ સાથે તેનું જરાપણ મળતાપણું નથી. હવે તો એ ભારપૂર્વક પુરવાર થયું છે કે વેદ સમયની પ્રજાએ એક પછી એક આવતાં મોજાં પેઠે પશ્ચિમ એશિયાના દેશો અને તુર્કસ્થાન તથા છેક યુરોપમાં સ્થળાંતર કરેલું છે. પશ્ચિમના પ્રખ્યાત પુરાણવિદ એફ. ઈ. પારગીરે, પોતાનાં ૧૯૨૨માં પ્રસિદ્ધ થયેલ પુસ્તકમાં જણાવ્યું છે કે ઈ.સ. પૂર્વે ૧૫મી સદીમાં હિંદમાંથી અનેક લોકોએ અન્યત્ર સ્થળાંતર કરેલું.

‘આર્યોએ બહારથી આવી ઉત્તર ભારત પર આક્રમણ કરેલું.’ એ સિદ્ધાંત, સંસ્કૃત અને યુરોપીય ભાષાઓનું મૂળ એક જ હોવાને આધારે, ઘડી કાઢવામાં આવેલો. તેની પાછળ ખ્રિસ્તી ધર્મપ્રચારકો અને અંગ્રેજ રાજ્યકર્તાઓનો સ્વાર્થી હેતુ હતો. તે માટે કોઈ સાહિત્યિક કે પુરાતત્ત્વીય પ્રમાણ નથી. આ સિદ્ધાંતના પ્રચાર સમયે માત્ર મોહન-જો-દેરો અને હડપ્પાની પ્રાચીન સંસ્કૃતિઓની શોધ થયેલી. પરંતુ હવે તો આ પ્રાચીન સંસ્કૃતિના હજારેક સ્થળો કે જે એક બાજુ ઈરાનની સરહદથી માંડી ઉત્તરપ્રદેશના પૂર્વભાગ સુધી અને બીજી બાજુ પંજાબથી માંડી મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીની ખીણ સુધી, લગભગ ૧૫ લાખ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલાં છે, તેમને શોધી કાઢવામાં આવ્યાં છે, અને તેમાં પણ ગુજરાતમાં ધોળાવીરા અને લોથલ જેવાં વિકસિત બંદરનાં સ્થળ તથા રંગપુર, કાલીબંગન કુણાલ અને અન્યનો સમાવેશ થાય છે.

વૈદોક્ત લુપ્ત સરસ્વતી નદીના વિશાળ સૂકા પટ તથા તેની નહેરોનું સંશોધન એ એક એવી મહાન શોધ છે કે જે વેદના સમય બાબતમાં એક સીમાચિન્હરૂપ છે, તે વૈદિક કાળની ખગોળ અંગેની માહિતી પર નવો પ્રકાશ પાડે છે અને તે હડપ્પન સંસ્કૃતિની પણ પૂર્વે આપણને લઈ જાય છે. પ્રાચીન લુપ્ત સરસ્વતીના કાંઠે જે સંસ્કૃતિ – અવશેષો મળ્યા છે તેની સંખ્યા તો સિંધુ ખીણ અને હડપ્પાની સંસ્કૃતિની પૂર્વેના સમય કરતાં, ઘણી મોટી છે. (જુઓ આકૃતિ નં. ૧) સરસ્વતીના વહેણના કાંઠે હરિયાણા, રાજસ્થાન ઉપરાંત કરનાલ, જીંદ, સોમજન, રોહતક, ભીવાની, મહેન્દ્રગઢ, ગુરગાંવ, હિસ્સાર, કપુરથલા, હનુમાનગઢ અને અન્ય સ્થળોએ અનેક વસવાટો હતી. વેદોના ઉલ્લેખ પ્રમાણે, વેદ સમયમાં આ સ્થળો ખૂબ સમૃદ્ધ હતાં, ઘણાં સ્થળોએ તો વેદોક્ત યજ્ઞ કરવાની વેદીઓ પણ મળી આવે છે.

અગાઉના સંશોધકો અને પુરોતત્ત્વવિદોના ગ્રંથો વાંચી, તેમનું મુલ્યાંકન કરી. આ સંસ્કૃતિની પ્રાચીન લિપિ ઉકેલનાર છેલ્લામાં છેલ્લો અને સૌથી મહાન અંગ્રેજી ગ્રંથ (The Deciphered Indus Script) છે. તે, ડો. નટવર ઝા, તેઓ ફરાક્કા, પશ્ચિમ બંગાળના કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય છે, વેદના (મહાન વિદ્વાન અને પ્રાચીન લિપિ નિષ્ણાત છે.) અને ડો. એન. એસ. રાજારામ (તેઓ એક વૈજ્ઞાનિક છે અને હાલ પ્રાચીન ભારતના ઈતિહાસ અને વિજ્ઞાન વિશે સંશોધન કરી રહ્યા છે.) (પુસ્તકના પ્રકાશન : આદિત્ય પ્રકાશન, નવી દિલ્હી, સન્ ૨૦૦૦ કિંમત રૂા. ૯૫૦)

વેદ સમયના પ્રદેશો, ઉત્ખનન દ્વારા પ્રાપ્ત પ્રાચીન મહોર છાપ અને સિંધુ સંસ્કૃતિની લિપિ અને વિશાળ વૈદિક સાહિત્ય સાથે તેનો સંબંધ – આ વિષયો પર આ બંને વિદ્વાનોએ કેટલાક લેખો અને પુસ્તકો લખ્યાં છે. ઉપર જણાવેલ પુસ્તક, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આ વિષય અંગેની તમામ બાબતોને આવરી લેતો સર્વગ્રાહી અભ્યાસગ્રંથ છે. પ્રાચીન લિપિ ઉકેલવા અંગેના તમામ પ્રશ્નો હાથ પર લઈ તેઓ એની આધારભૂત પદ્ધતિ રજૂ કરે છે કે જેથી સંસ્કૃત અને વેદનાં સાહિત્યની અભ્યાસુ કોઈપણ વ્યક્તિને યોગ્ય માહિતી મળી રહે છે. અગાઉ પ્રાચીન લિપિ ઉકેલવાના થયેલા પ્રયાસોની આ ગ્રંથમાં સમીક્ષા કરવામાં આવી છે અને તેના લાભ વર્ણવાયા છે. તથા તે સાથે આ પ્રયાસો પૂરી સફળતા મેળવવામાં ક્યાં અને કેમ નિષ્ફળ ગયા તે તરફ અંગૂલિનિર્દેશ કરવામાં આવ્યો છે. લેખકો આ વિષયને તદ્દન વૈજ્ઞાનિક ઢબે અને પદ્ધતિપૂર્વક ચર્ચે છે. તેમણે વેદો , બીજા પ્રાચીન સંસ્કૃત ગ્રંથો તથા લિપિ-ઉકેલ અંગેના વિજ્ઞાનના તથા ફોનીશીયન, અરામીક અને અશોકની બ્રાહ્મી લિપિ, (જેની સિંધુ સંસ્કૃતિની લિપિ પર ઘણી અસર છે) અભ્યાસ બાદ આ વિષયને વિશદતાથી આલેખ્યો છે. અશોકની બ્રાહ્મી લિપિ ઉપરની તમામ કરતાં ઘણી વધુ પ્રાચીન છે (ઈ.સ. પૂર્વે ૩૦૦૦ની). આમ સિંધુ સંસ્કૃતિની લિપિને બ્રાહ્મીની અસલ લિપિ ગણી શકાય.

લેખકોએ પાયાના મૂળાક્ષરોનું ચાવીરૂપ ચોકઠું (Keyboard), સિંધુની લિપિ સાથે સંકળાયેલી સંજ્ઞાઓ અને તેમના ઉચ્ચારો, સાથે આપેલ છે. શબ્દોની રચનામાં, જોડીયા અક્ષરોમાં, તેમાં જોડાતા વ્યંજનો, અને ‘સ્વરો’નું સ્વરૂપ અને તેમનો ઉપયોગ, પ્રતીકોનો ઉપયોગ અને તેમના અર્થ વિગેરે વિગતોથી અને સદૃષ્ટાંત વર્ણવેલ છે. આ ગ્રંથમાં તેમણે ૬૦૦થી વધારે મહોર-છાપ, તેના અર્થ, તેના વેદના સંદર્ભ સાથે આપેલ છે. તેમણે એ નોંધ્યું છે કે શબ્દોની રચના અને લખાણ વેદના પ્રાચીન વ્યાકરણના નિયમોને અનુસરે છે.

સદ્ભાગ્યે પ્રાચીન મહાભારતના પોતાના અભ્યાસ દરમ્યાન ડો. ઝાને જાણવા મળ્યું કે વેદની ભાષાના વ્યુત્પત્તિકાર યાસ્કને કેવી રીતે લુપ્ત થયેલ પ્રાચીન લિપિ અને તેનું વિજ્ઞાન પ્રાપ્ત થયાં. તેમાંથી તેમણે ‘નિરૂક્ત’ નામનો ગ્રંથ લખ્યો. તેમાં તેણે વેદમાં વપરાયેલ પ્રાચીન શબ્દો અને તેના અર્થ આપ્યા છે. તે બધા સમય જતાં ભુલાઈ ગયા હતા. યાસ્કે કશ્યપના પ્રાચીન ગ્રંથ ‘નિઘંટુક પદાખ્યાન’ પરથી આ પ્રેરણા મેળવેલી. ડો. ઝાને મહાભારતમાં કેટલાક એવા શ્લોકો મળી આવ્યા, જેમાં કરેલ વર્ણન અને પ્રતીકો, સિંધુ સંસ્કૃતિમાં પ્રાપ્ય મહોર-છાપને અદ્ભુત રીતે મળતાં આવતાં હતાં. આ બે બાબતો એ તદ્દન નિ:શંકપણે સાબિત કર્યું કે આ મહોર-છાપોની ભાષા વેદની સંસ્કૃત ભાષા જ છે.

સિંધુ સંસ્કૃતિની ૪૦૦૦ મહોર-છાપો અત્યાર સુધીમાં ખોદી કાઢવામાં આવી છે. તેમણે ઉકેલવાની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આ પુસ્તકના લેખકોએ તેમાંની ૨૦૦૦ જેટલી મહોર-છાપોનો અર્થ બેસાડી આપ્યોે છે. આ ગ્રંથમાં આપેલ વર્ણમાળા, તથા અન્ય નિશાનીઓ અને પ્રતીકોની મદદથી અને તે માટે આપેલ પદ્ધતિથી સંસ્કૃત ભાષા અને વૈદિક સાહિત્યની જાણકાર કોઈપણ યોગ્ય વ્યક્તિ તે વાંચી શકે છે. લિપિ ઉકેલવાની તેમની આ પદ્ધતિ સાચી છે તેનું જાણે સમર્થન કરતા હોય તેમ આમાંથી ઘણી મહોર-છાપમાં ‘નિરૂક્ત’ અને ‘નિઘંટુ’માં આપેલા શબ્દો વપરાયા છે. (આ ગ્રંથમાં ૧૦૦ જેટલા આપવામાં આવ્યા છે.) મહોરોનાં નાનાં તથા મોટાં લખાણોને ઉકેલીને તેને આ ગ્રંથમાં બહુ સુવ્યવસ્થિતપણે આપવામાં આવ્યાં છે, જેનાથી તેમને સમજવાં સરળ બને છે. સિંધુ અને હડપ્પાની સંસ્કૃતિની ભાષા-લિપિનો સંતોષકારક ઉકેલ આપનાર આ અત્યંત મહત્ત્વનો ગ્રંથ છે.

આ ગ્રંથના પ્રકાશન પહેલાં ડો. ઝાએ, વેદો અને પ્રાચીન લિપિ ઉકેલવાના પોતાના વિદ્વતાપૂર્ણ અભ્યાસ અને મહાભારતમાં તેમણે કરેલ સંશોધનના આધારે, ડિસેમ્બર, ૧૯૯૪માં નવી દિલ્હી ખાતે યોજાયેલ ૩જા આંતરરાષ્ટ્રિય પુરાતત્ત્વવિદોનાં વિશ્વ સંમેલનમાં, તેમણે ‘સિંધુ સંસ્કૃતિની લિપિ ઉકેલવા અંગેનો પોતાનો અભ્યાસપૂર્ણ લેખ રજૂ કર્યો હતો. તેમણે આ વિષય પર કેટલાંક હિંદી પુસ્તકો પણ લખ્યાં છે. ૧૯૯૬માં તેમણે અધિકૃત દસ્તાવેજી પુરાવા સહિતનું સંક્ષિપ્ત પરંતુ સચોટ અંગ્રેજી પુસ્તક ‘Vedic Glossary on Indus Seals’ લખ્યું. (પ્રકાશક : ગંગાકાવેરી પબ્લીશીંગ હાઉસ, વારાણસી, ૧૯૯૬). વૈજ્ઞાનિક અને ઈતિહાસકાર ડો. રાજારામ સાથે કાર્ય કરી હવે તેમણે, સુંદર ગ્રંથ સૂચિ તથા ક્રમ સાથેનો આ વિસ્તૃત ગ્રંથ વિદ્વાનો, ભૂસ્તરશાસ્ત્રીઓ અને ઈતિહાસવિદોને આપેલ છે.

ડો. રાજારામનાં એક અન્ય અંગ્રેજી પુસ્તક ‘From Sarasvati River to the Indus Script’ (જે વેદના કાળનાં મૂળ વિશે એક વૈજ્ઞાનિક યાત્રા જેવો ગ્રંથ છે. પ્રકાશક : મિત્રા-મધ્યમા. બેંગ્લોર, ૧૯૯૯), શ્રી એમ. વી. ક્રિષ્નરાવ અને ડો. એસ. આર. રાવ, ‘The Vedic Harappans’ નામના ભગવાન સિંઘ (આદિત્ય પ્રકાશન, નવી દિલ્હી, ૧૯૯૫)નાં વિદ્વતાપૂર્ણ ગ્રંથો તથા અન્ય સંશોધનોએ હવે સ્પષ્ટપણે પ્રસ્થાપિત કર્યું છે કે સિંધુ સંસ્કૃતિની મહોરોની ભાષા એ વેદોની જ સંસ્કૃત ભાષા છે. તથા હડપ્પાની સંસ્કૃતિએ વૈદિક સંસ્કૃતિને આગળ ચાલુ રાખેલ છે. શ્રી આર. એસ. બિસ્તના નિર્દેશન હેઠળ, કચ્છનાં રણમાં ધોળાવીરા ખાતે હડપ્પાના અવશેષો અંગે થયેલ ખોદકામ દરમ્યાન એક સુવ્યવસ્થિત શહેર મળી આવ્યું છે. તે ઈ.સ. પૂર્વે ૩૫૦૦ના સમયનું છે. બિસ્તનો મત એવો છે કે સરસ્વતીની આસપાસમાં વસેલા વેદના આર્યોએ હડપ્પન સંસ્કૃતિની ભેટ આપી છે.

આ ગ્રંથોએ હવે તદ્દન સ્પષ્ટ કર્યું છે કે હડપ્પન સંસ્કૃતિએ વૈદિક સંસ્કૃતિનો લંબાયેલો કાળ છે અને ત્યાંથી પ્રાપ્ત મહોર-છાપોની ભાષા વેદની જ સંસ્કૃત ભાષા છે. આનું એક સૌથી મોટું અને સારૂં પરિણામ એ આવ્યું છે તેનાથી હડપ્પન સંસ્કૃતિનો સંદર્ભ ઐતિહાસિક અને સાહિત્યિક પદ્ધતિ દ્વારા પ્રસ્થાપિત થયો છે અને વેદ સમયના આર્યોનો સંદર્ભ પુરાતત્ત્વીય અને ભૌમિતિક સંદર્ભમાં પ્રસ્થાપિત થયો છે. ઉપરોક્ત ગ્રંથમાં જેને પુરાતત્ત્વવિદો ‘ફ્રોવ્લેનો વિરોધાભાસ’ કહે છે તે વિશે લેખક (અંગ્રેજી પુસ્તક પાનાં નં. ૨૪ પર) જણાયે છે કે :

‘બહુ બહોળા પ્રમાણમાં પ્રાચીન સાહિત્યનું સર્જન વેદના સમયના આર્યોએ કરેલું છે. માત્ર તેની વિપુલતાની દૃષ્ટિએ પણ તે બીજી તમામ પ્રાચીન સંસ્કૃતિઓના સાહિત્યના સરવાળા કરતાં કેટલાયગણું મોટું છે. તેમ છતાં (એવું માનવામાં આવે છે કે) આ તમામ સાહિત્યના સર્જકો વિશે કે તેમણે કરેલ આક્રમણ વિશે કોઈ પુરાતત્ત્વીય કે ભૌગોલિક પ્રાચીન પુરાવો મળતો નથી. તેથી ઊલટું હડપ્પાની સંસ્કૃતિ આપણને વિશાળ વિસ્તારમાં સંસ્કૃતિના પ્રાચીન અવશેષો છોડી ગયેલ છે, જે દુનિયામાં પ્રાપ્ત અવશેષોમાં સૌથી વિશાળ છે, પરંતુ તેમનું કોઈ સાહિત્ય મળી આવ્યું નથી. આનાથી એક મોટો વિરોધાભાસ ઊભો થાય છે. ડેવીડ ફ્રોવ્લેએ સૌ પ્રથમ તેનો ઉલ્લેખ કર્યો હોવાથી તેને અંગ્રેજીમાં ‘Frawley’s Paradox’ કહે છે. તે એ છે કે ખૂબ શિક્ષિત હડપ્પનોનું કોઈ સાહિત્ય પુરાતત્ત્વવિદોને પ્રાપ્ત નથી, જ્યારે બીજી બાજુ વૈદિક આર્યોનો ઈતિહાસ, ભૂગોળ કે પુરાતત્ત્વીય ઈતિહાસ મળતોે નથી પરંતુ તેમનું સમૃદ્ધ સાહિત્ય પ્રાપ્ત છે (વેદના આર્યો કે જેમને વિચરતી જાતિઓ અને હુમલાખોરો માનવામાં આવે છે છતાં !) આ દેખીતા વિરોધાભાસનો તદ્દન સરળ ઉકેલ એ છે કે આ બન્ને મહાન સિદ્ધિઓ – વિપુલ પ્રાચીન અવશેષો અને વિશાળ સાહિત્ય – બન્ને એક જ પ્રજાનાં હતાં. આ એ જ વૈદિક આર્યો હતા જેમણે વેદો જેવું મહાન સાહિત્ય આપ્યું તો બીજી બાજુ સમૃદ્ધ પ્રજાઓવાળી નગર સંસ્કૃતિ આપી, જેને આપણે હડપ્પન સંસ્કૃતિ કહીએ છીએ.’

અંતમાં એટલું યાદ કરીએ કે વેદો તો ખૂબ સકારાત્મક અને પોતાના દર્શનમાં પૂર્ણ છે, તેઓ માનવના સર્વતોમુખી વિકાસ, આધ્યાત્મિક અને ભૌતિક, ધાર્મિક અને બિનસાંપ્રદાયિક, બન્ને પર ભાર મુકે છે. આમાં કોઈ બેવડી વાત કે વિરોધાભાસ તેઓ જોતા નહિ. એક જ પરમ વાસ્તવિકતાની બે બાજુ છે. તે ઉપરાંત વેદ અને હડપ્પાનો કાળ એકબીજાની અડોઅડ આવેલો છે અને તેથી એકબીજામાં લંબાયેલો છે. આમ આર્યોએ ઉત્તરમાંથી પ્રવેશી હુમલો કર્યો હતો એ ‘વાદ’ હવે તો ભાંગીને ભુક્કો થઈ ગયો છે અને જૂઠો સાબિત થયો છે. ઈજીપ્ત અને મેસોપોટેમીયાની સંસ્કૃતિઓ કાળક્રમે નષ્ટ થઈ ગઈ, પરંતુ વૈદિક સંસ્કૃતિનું કાયમી અસ્તિત્વ રહ્યું, અને તેની ચડતી પડતી વચ્ચે પણ, આજ સુધી તે અસ્તિત્વમાં રહી છે.

Total Views: 191

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.