(ગાયત્રી મંત્રનું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ વિશ્લેષણ આપે છે અને તેના સૂક્ષ્મ ભાવાર્થને સ્પષ્ટતાપૂર્વક સમજાવે છે. તેઓ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી છે.)

(૧) પ્રસ્તાવના

સામાન્ય અર્થમાં મંત્ર એ એક ટૂંકું ગૂઢ સૂત્ર છે. એમાં પ્રાર્થના અથવા દૈવી નામ હોય છે. એનો ઉપયોગ સાધનામાં ‘ઉપાસના’ એટલે કે ચિંતન અથવા ધ્યાન માટે અથવા ‘જપ’ માટે કરવામાં આવે છે. એનો ઉપદેશ ગુરુ દ્વારા અથવા તો એવી સમર્થ વ્યક્તિ દ્વારા આપવામાં આવે છે, જેમની આધ્યાત્મિકતા ખૂબ વિકાસ પામી હોય. પરંપરાપૂર્વક જેમણે મંત્રની પ્રાપ્તિ કરી હોય અને જેમને એનો લાંબા સમયનો પ્રત્યક્ષ અનુભવ હોય તેવી વ્યક્તિ દ્વારા, પછી ભલે એ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય, ધાર્મિક વિધિપૂર્વકની દીક્ષા દ્વારા પ્રદાન કરવામાં આવતો મંત્ર સિદ્ધ બને છે, એટલે કે સર્વ પ્રકારની કામનાઓ સિદ્ધ કરી આપે છે. કેટલીક વાર લાંબાં સ્તોત્રો અને ખાસ કરીને કવિતાના સ્વરૂપમાં હોય એવા અધ્યાત્મપૂર્ણ ગ્રંથોને પણ ‘માલામંત્રો’ ગણવામાં આવે છે, અને દરરોજ અથવા તો વિશિષ્ટ પ્રસંગોએ કરવાના ધાર્મિક મુખપાઠ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. એનો ઉપદેશ પરંપરાગત રીતે જ આપવો એવી આવશ્યકતા નથી, જો કે ખૂબ અસર કરે અને મનને રોચક લાગે એ રીતે કોઈ પણ વ્યક્તિએ આધ્યાત્મિક મુખપાઠ કરવો હોય અથવા ગાન કરવું હોય તો તે કેવી રીતે કરવું, એની કળા તો એના નિષ્ણાતો પાસેથી જ શીખી શકાય છે. વેદોની સંહિતાના સંપૂર્ણ ભાગને પણ ‘મંત્ર’ તરીકે ઓળખવામાં આવે છે અને એ મંત્રોનો ઉપયોગ વૈદિક – ધાર્મિક વિધિઓમાં કરવામાં આવે છે.

વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ “મંત્ર”ની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે: “મનનાત્ ત્રાયતે ઇતિ મંત્ર:” જો એનું મનન કરવામાં આવે તો એ માનવીનું રક્ષણ કરે છે. જે ઉદ્દેશથી મંત્રને પ્રયોજવામાં આવે તેને લક્ષ્યમાં રાખીને, મંત્રનો અર્થ, તેમ જ જે દેવતા એનું પ્રતિનિધિત્વ કરતા હોય તેનો અર્થ, એમ બંનેના અર્થ અને એની મહત્તા ઉપર ઘનિષ્ઠ અને ઉત્કટ ચિંતન કરવામાં આવે, એ થઈ ‘ઉપાસના’. શાબ્દિક અર્થમાં ‘ઉપાસના’ એટલે – ઉપ – જે પદાર્થ અથવા વસ્તુનું ચિંતન અથવા ધ્યાન કરવાનું છે તેની પાસે આસન એટલે કે બેસવું, અથવા માનસિક રીતે પોતાની જાતને મૂકવી. “યત્ ધ્યાયતિ તદ્ ભવિત”. જેના ઉપર માણસ ઘનિષ્ઠ ચિંતન અથવા ધ્યાન કરતો હોય, તેને તે પામે, એ એક માનસશાસ્ત્રીય નિયમ છે. છાંદોગ્ય ઉપનિષદમાં (૧. ૧-૧૦) જણાવ્યું છે, કે “જો કોઈ કાર્ય શ્રદ્ધાથી, દૃઢ અંત:પ્રતીતિથી અને જ્ઞાન સહિત કરવામાં આવે અને સાથે સાથે એનું આંતરિક મહત્ત્વ સમજીને કરવામાં આવે તો માત્ર તેવું કાર્ય વધારે શક્તિ અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

મંત્રના ભાવાર્થનો તથા તેના આધ્યાત્મિક રહસ્યનો ખ્યાલ મનમાં રાખીએ અને નિષ્ઠાપૂર્વક તેમજ શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસપૂર્વક મંત્રનું સતત રટણ કર્યા કરીએ તો એને મંત્રના ‘જપ’ તરીકે ઓળખવામાં આવે છે. જપ સ્વતંત્ર રીતે થઈ શકે અને ઉપાસનાના ભાગ તરીકે પણ થઈ શકે.

૨ ગાયત્રી મંત્ર:

‘ગાયત્રી-મંત્ર’ અથવા તો જેને ‘સાવિત્રી-મંત્ર’ પણ કહેવામાં આવે છે તેનું મૂળ સ્વરૂપ વેદોમાં (ૠગ્વેદ, ૩ – ૬૨ – ૧૦) જોવા મળે છે; તેને જ વેદોનું ખરેખરું અનિવાર્ય તત્ત્વ ગણવામાં આવે છે. એને વેદોની માતા ગણવામાં આવે છે. (ગાયત્રી-વેદમાતા)

વખત જતાં જેને વેદોનું મૂળ ગણવામાં આવે છે એ ૐને તેની સાથે જોડવામાં આવ્યો અને ગાયત્રીને ૐનો જ વિસ્તાર ગણવામાં આવી. આમ થયું ત્યારે “ભૂ ર્ભુવ: સ્વ:” એમ વિશ્વના ત્રણે લોકનું પ્રતિનિધિત્વ કરતી ત્રણ વ્યાહૃતિઓ એટલે કે સર્જનહારના ઉદ્ગારો સાથે ૐકારને એ મંત્રની આગળ જોડવામાં આવ્યો. (જુઓ બૃહદારણ્યક ઉપનિષદ ૫ ૧૪.૧.૮ અને છાંદોગ્ય ઉપનિષદ ૨૩. ૨-;૩. ૩. ૧૨)

ગૂઢ રટણ કરતાં આખોય ગાયત્રી મંત્ર નીચે મુજબ થાય છે:

“ઓમ ભૂર્ભુવ: સ્વ: તત્ત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ; ધિયો યો ન: પ્રચોદયાત્”

બાહ્ય રીતે જોતાં, વૈશ્વિક દૃષ્ટિએ અને આંતરિક રીતે જોતાં પિંડની દૃષ્ટિએ એમ બંને દૃષ્ટિએ, સ્થૂળ અથવા તો પદાર્થમય એવા પૃથ્વીલોક (ભૂ:) સૂક્ષ્મ અથવા તો મનોમય એવા ચંદ્રલોક (ભૂવ:) અને નૈમિત્તિક અથવા તો પ્રભાવક એવા સૂર્યલોક (સ્વ:). એમ આ અખિલ વિશ્વના વિલક્ષણ ત્રણેય લોકનું જે ઉત્પત્તિસ્થાન અથવા પ્રકાશસ્થાન છે, એવા એ સવિતાનારાયણ દેવના (તંત્ સવિતુ: દેવસ્ય) વરવાલાયક સર્વોત્તમ તેજનું (વરેણ્યમ્ ભર્ગ:) અમે ધ્યાન કરીએ છીએ. (ધીમહિ). તે પરમ દિવ્ય સર્વશ્રેષ્ઠ અમૃત તત્ત્વ (તત્ યો) અમારી (ન:) બુદ્ધિને (ધિય:) સત્કર્મ કરવાની પ્રેરણા આપે (પ્રચોદયાત) ! (અને એથી જ અમે પરમ સત્યની અનુભૂતિ કરી શકીએ છીએ.)

ગાયત્રી-મંત્ર એ શ્રેષ્ઠ પ્રાર્થના-મંત્ર છે, જેમાં અકાર, ઉકાર અને મકાર, મળી બનેલા ની સર્વ સંકલ્પનાઓ સમાયેલી છે. સારીયે માનવજાત પરમ સત્યની અનુભૂતિ કરી શકે, એ લક્ષ્ય હોવાથી એ મંત્રમાં તમામ માનવજાતની બુદ્ધિને પ્રકાશિત કરવા સર્વોચ્ચ અનંત દિવ્ય પરમાત્મ તત્ત્વને પ્રાર્થના કરવામાં આવી છે. એને ‘સાવિત્રીમંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એમાં સૂર્યમાં રહેલા આદિત્યદેવને સંબોધવામાં આવ્યા છે. એને પરમ દિવ્ય તત્ત્વના દૃશ્યમાન પ્રતીકાત્મક પ્રતિનિધિ તરીકે ગણવામાં આવ્યા છે. જેમ પરમાત્મ તત્ત્વ તમામ આધ્યાત્મિક અજ્ઞાનનો નાશ કરી શાશ્વત ચૈતન્ય અથવા તો અમરત્વ તરફ લઈ જાય છે, તેવી જ રીતે સૂર્યદેવતા પણ તમામ અંધકારનો નાશ કરી જીવનની વૃદ્ધિ કરે છે. સૂર્યમાં જે દેવત્વ છે, એની માનવીના અંતરાત્મા સાથેની અભિન્નતા આ મંત્રમાં દર્શાવવામાં આવી છે.

જે સવિતૃ એટલે કે સવિતા સાથે સંબંધ ધરાવે છે, તે ‘સાવિત્રી’ એટલે એ શબ્દ સૂચવે છે.

સવિતાનો અર્થ થાય સૂર્ય, વિશ્વનું જે સર્જન કરે છે, તે મૂળ સર્જક અથવા બીજી રીતે કહીએ તો, જે વિશ્વનો સ્રોત છે તે. ‘સાવિત્રીમંત્ર’ની રચના ગાયત્રીછંદમાં છે. એ છંદમાં રચાયેલો એ મંત્ર વેદોમાં ઉત્તમ અને ખૂબ અર્થપૂર્ણ હોવાથી “ગાયત્રી” તરીકે ખૂબ જાણીતો થયો છે.

ગાયત્રી-મંત્ર એ અત્યંત વૈશ્વિક સ્વરૂપની નિર્વૈયક્તિક અને પવિત્ર પ્રાર્થના હોવાથી કોઈ પણ પ્રકારના કુળધર્મ અથવા તો જાતિના ભેદભાવ વિના કોઈ દેશની કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે.

સમય જતાં જેમ ૐકારને સગુણ ઉપાસના માટે ગજાનન અથવા તો ગણેશનું મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું, તેમ ગાયત્રી મંત્રને પણ સગુણ ઉપાસના માટે ગાયત્રી દેવી તરીકે મંત્રના અધિષ્ઠાતા દેવતા તરીકે મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું (જુઓ પાદટીપ ૧૦)

૩ ૐ અને ગાયત્રીમંત્ર:

ગાયત્રીમંત્ર ૐ સાથે પ્રગાઢ રીતે સંલગ્ન છે, તેથી તથા એને એનો વિસ્તાર જ ગણવામાં આવે છે તેથી – ખરેખર તો એને એટલું બધું સર્વોપરિ મહત્ત્વ આપવામાં આવ્યું છે કે અન્ય તમામ મંત્રોની આગળ એને ઉપસર્ગ તરીકે મૂકવામાં આવે છે – તેથી ટૂંકમાં આપણે અહીં એના ઉપર થોડો પ્રકાશ પાડીએ.

ૐ અથવા અઉમ એટલે કે અકાર, ઉકાર અને મકાર એ સર્વોચ્ચ અનંત પરમ સત્યનું અત્યંત વ્યાપક, વૈશ્વિક, સમષ્ટિગત અને પવિત્ર ધ્વનિ-પ્રતીક છે. આ પરમ સત્ય જે આધ્યાત્મિક છે તે સત્-ચિત્ અને આનંદ સ્વરૂપ છે. બાહ્ય રીતે દૃશ્યમાન એવા તદૃન ભૌતિક અસ્તિત્વથી માંડીને તદ્ન આધ્યાત્મિક એવા આંતરિક અસ્તિત્વ સુધીના સમગ્ર અસ્તિત્વની સંપૂર્ણતાને એ અભિવ્યક્ત કરે છે. બ્રહ્માંડના તથા બ્રહ્માંડના સારરૂપ માનવપિંડ સહિતના વિશ્વસમસ્તના ચાર લોકના અસ્તિત્વને પણ એ અભિવ્યક્ત કરે છે, એટલે કે:

(અ) બ્રહ્માંડ અથવા વૈશ્વિક જગત

(૧) જુદાજુદા પ્રકારના જીવો સહિતનું આપણું વ્યાવહારિક જગત, જેનું વર્ણન ભૂ: અથવા ભૂર્લોક અથવા પૃથ્વીલોક તરીકે કરવામાં આવ્યું છે; એટલે કે સ્થૂળ અથવા ભૌતિક જગતની વાત છે.

(૨) જેને માનસિક રીતે જ સમજી શકાય એવા પિતૃઓ તથા સૂક્ષ્મ દેહધારી અદૃશ્ય જીવોના વચ્ચેના પ્રદેશો જેને ભુવ: અથવા ભુવર્લોક તરીકે વર્ણવવામાં આવ્યો છે; એટલે કે સૂક્ષ્મ અથવા માનસિક જગતની વાત છે.

(૩) પરમાત્મા સહિતનો લોક જેને સત્યલોક કહેવામાં આવે છે – સર્વશ્રેષ્ઠ સ્વર્ગ સહિત જુદાજુદા પ્રકારના દેવદૂતો અને દેવો સાથેનાં સપ્ત સ્વર્ગો. (જેની સુવ: સુવર્લોક એવી જોડણી પણ કરવામાં આવે છે). જેનું દર્શન આધ્યાત્મિકતાથી જ થઈ શકે છે, એ નૈમિત્તિક અથવા પ્રભાવક જગતની વાત છે.

(૪) ઉ૫૨નાં ત્રણેય જગત મળીને જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ તે વિલક્ષણ વૈશ્વિક જગત રચાય છે. બ્રહ્માંડની પેલે પાર એવું જે અદૃશ્ય નિર્વૈયક્તિક પરમતત્ત્વ, જેને બ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યું છે તે. (અનંત); જે શરીરથી પર છે અને તમામ લોક અને સ્વર્ગથી ૫ણ ૫૨ એટલે કે લોકોત્તર છે તે.

એ ચોથો લોક છે, તુરીય લોક. એ શુદ્ધ, અનંત, દિવ્ય અસ્તિત્વ માત્ર છે અને અન્ય ત્રણેય લોકનું મૂળ કારણ અથવા સ્રોત છે. આમ છતાં એ કોઈ પ્રદેશ કે વ્યક્તિ તો છે જ નહિ.

(બ) બ્રહ્માંડના સારરૂપ માનવપિંડરૂપી જગત અથવા વ્યક્તિગત જગત

વ્યક્તિનાં સ્થળ, સૂક્ષ્મ અને કારણ શરીર અને એ બધાંથી ભિન્ન અસ્તિત્વ ધરાવતો અંદર રહેલો આત્મા, એ ચારેય લોકનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્યાનના હેતુઓ માટે આ ૐનું ધ્વનિ-પ્રતીક ઉપર જણાવેલા ચારેય લોકનું પ્રતિનિધિત્વ કરે છે તથા આ જીવનમાં તેનું દર્શન કરાવવામાં મદદ કરે છે. ૐ એ આદિકાળનો ધ્વનિ પણ છે, આથી એને ‘પ્રણવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બ્રહ્મનો વાચક છે (તસ્ય વાચક: પ્રણવ:). ૐનો ઉલ્લેખ ઘણીવાર શબ્દ બ્રહ્મ, શબ્દના સ્વરૂપમાં બ્રહ્મ તરીકે અથવા શબ્દ એટલે કે વેદો તરીકે પણ કરવામાં આવે છે.

૧ યદેવ વિદ્યયા કરોતિ, શ્રદ્ધયા ઉપનિષદા, તદૈવ વીર્યવત્તરમ્ ભવિત ગીતામાં પણ કહ્યું છે, યો યત્ શ્રદ્ધા: સ એવ સ: જેવી જેની શ્રદ્ધા, એવો એ બને છે. એવો બીજો એક આધ્યાત્મિક બોધ આપતો ખૂબ સૂચક શ્લોક ભારપૂર્વક જણાવે છે કે, મંત્ર, તીર્થસ્થાન, સાધુ અને ગુરુના સંબંધમાં જેવી જેની દૃષ્ટિ એવું એને પરિણામ મળે છે.

તત્-જ૫: તદ્-અર્થ-ભાવનમ્પાતંજલ યોગ-સૂત્ર ૧.૨૮.

૩ યોગી યાજ્ઞવલ્કય કહે છે સૃષ્ટિના સર્જન સમયે સ્વયંભૂ ઈશ્વરે પોતે જ પોતાના જ્ઞાનદેહ વડે ભૂર્ભુવ: સ્વ: એમ ત્રણ શબ્દોનો ઉદ્ગાર કર્યો (વ્યાહૃતા) અને વિશ્વના ત્રણ લોક તરત જ અસ્તિત્વમાં આવ્યા. આથી જ એને વ્યાહૃતીઓ કહેવામાં આવે છે. (સરખાવો: બાઈબલમાં એ જ કહ્યું છે: ઈશ્વરે કહ્યું, પ્રકાશ થાઓ અને પ્રકાશ થયો) છાંદોગ્ય ઉપનિષદ કહે છે, વેદમાં જણાવેલ સર્જનના દેવ પ્રજાપતિએ સૃષ્ટિના સર્જન સમયે વિશ્વ અંગે ઉત્કટ ચિંતન કર્યું, એટલે કે તપ કર્યું અને ધ્યાન કર્યું. આ ઉત્કટ ચિંતનમાંથી એના મૂળતત્ત્વરૂપે વેદત્રયીની ઉત્પત્તિ થઈ. એના ઉપર પણ એમણે ઉત્કટ ચિંતન કર્યું. એ ઉત્કટ ચિંતનમાંથી ભૂર્ભુવ: સ્વ: એ ત્રણ ગૂઢ સ્વરો અથવા તો વ્યાહૃતિની ઉત્પત્તિ થઈ. એ સ્વરો ઉપર પણ એમણે ગંભીર ચિંતન કર્યું. એ ગંભીર ચિંતનના પરિણામે એના મૂળતત્ત્વરૂપે રહસ્યમય ૐ શબ્દની ઉત્પત્તિ થઈ. જેમ પાંદડાનાં બધાં જ અંગોમાં પાંદડાની નસેનસ વ્યાપ્ત છે, તેવી જ રીતે જગતના તમામ શબ્દોમાં ૐકાર વ્યાપ્ત છે. ખરેખર, ૐકાર જ આ સર્વસ્વ છે – હા, ૐકાર જ ખરેખર, આ બધું જ છે (૨. ૨૩.૨ -૩)

સમય જતાં મહ: જન: તપ: અને સત્યમ્ એમ પાંચ ઉચ્ચતર લોકના એક સરખા મેળમાં આવે એ રીતે સ્વ:ના પેટા વિભાગ પાડીને ત્રણ વ્યાહૃતિઓને વધારીને સાત કરવામાં આવી. સંધ્યાવંદન તેમ જ બીજા ધાર્મિક વિધિઓમાં ભૂ: અને ભુવ: સાથે આ વ્યાહૃતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. (હવે પછી મહાનારાયણ ઉપનિષદમાંથી જે કંડિકા ટાંકવામાં આવી છે, તેના છેલ્લા ભાગ સાથે સરખાવો.)

૪ ઈશ-ઉપનિષદના પંદરમા મંત્રમાં આધ્યાત્મિક માર્ગમાં પદાર્પણ કરનાર સાધક સૂર્યને પ્રાર્થના કરે છે, સુવર્ણના પાત્રની જેમ તારો પ્રકાશમય ગોળો સત્યના મુખને ઢાંકી દે છે. હે સૂર્ય દેવતા! એને દૂર કરો, જેથી શુદ્ધ ચારિત્ર્ય અને સત્યને વરેલો એવો હું એને નિરખી શકું. ત્યાર પછીના બીજા જ મંત્રમાં પ્રાર્થના ચાલુ રહે છે, જેમાં એ એના પોતાનામાં રહેલા આત્મા અને સૂર્યદેવતા મારફત આપમેળે જ પ્રગટ થતા પરમાત્મા સાથેનું અભિન્નપણું સિદ્ધ કરે છે; હે સૂર્યદેવતા! સર્વભૂતોના સ્વામી એવા હે પ્રાજાપત્ય! હે સ્વર્ગના તેજી તોખાર! તમામ પ્રાણીમાત્રના નિયંતા તથા આધારરૂપ (પૂષન)! તારાં ઝળહળાટ કિરણોને તું સંકોરી લે. તારી કૃપાથી જ તારા પરમ ધન્ય અને તેજસ્વી (તેજ:) સ્વરૂપને હું નિરખી શકીશ. સુદૂર જે તારામાં નિવાસ કરી રહ્યો છે, તે જ સર્વોચ્ચ પુરુષ ખરેખર હું છું. (યોડસાવસૌ પુરુષ: સોડહમસ્મિ।)

૫ શુક્લ યર્જુવેદ (૨૬,૨)માં આદેશ કરવામાં આવ્યો છે કે જ્ઞાતિ, પંથ અથવા લિંગના ભેદભાવ વિના તમામ લોકોમાં અને અન્ય ધર્મોના લોકોમાં પણ વેદનાં કલ્યાણ વચનોનો પ્રસાર કરવો.

સ્વામી વિવેકાનંદે, જે ધર્મમાં આપણો જન્મ થયો છે તે એ પ્રવચનમાં નીચેનાં શાસ્ત્રવચનોનો ઉલ્લેખ કર્યો છે: (જુઓ કમ્પલીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ, વોલ્યુમ ૩, પૃ. ૪૫૭)

જેવી રીતે હું આ પવિત્ર શબ્દો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના લોકો સમક્ષ રજૂ કરું છું, તેવી જ રીતે તમે બધાં આ શબ્દોનો બ્રાહ્મણો, ક્ષત્રિયો, શૂદ્રો, વૈશ્યો અને બીજા બધા પ્રકારનાં પુરુષો અને સ્ત્રીઓમાં પ્રસાર કરજો, ચાહે એ તમારા પોતાનાં માણસો હોય કે પછી પરદેશી હોય.

હવે સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યા પ્રમાણે એ સમય આવી પહોંચ્યો છે કે જ્યારે વેદો અને ગાયત્રી-મંત્રનો પ્રચાર અને પ્રસાર જ્ઞાતિ, પંથ, લિંગ કે ધર્મના ભેદભાવ વિના સર્વ પ્રકારના લોકોમાં કરવો જોઈએ.

(૬) ૐકારને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું, એ સંબંધમાં તથા ૐકાર ગાયત્રી અને સંધ્યા અંગે આ જ લેખકનું આ જ શીર્ષકવાળું રામકૃષ્ણ મઠ, મયલાપુર, મદ્રાસ, ૬૦૦૦૦૪, તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલું પુસ્તક જુઓ.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

Total Views: 415

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.