ભારતીય સંસ્કૃતિની અનેક બાબતો પરત્વે અમેરિકામાં સ્વામી વિવેકાનંદને મતાંધતાનો સામનો કરવો પડ્યો હતો અને તેમાંની એક બાબત હતી – ભારતીય નારી, સ્વામીજીનો સ્વાભાવિક પ્રયત્ન એ પાશ્ચાત્ય ખોટા ખ્યાલોને સુધારવાનો હતો. પરંતુ, પોતાના દેશમાં બોલતી વખતે, ભારતીય નારીઓની સ્થિતિની સુધારણાનો સ્વામીજી કરતાં કોઈ મોટો વકીલ ન હતો.

સને ૧૮૯૪ના ડિસેમ્બરની ૧૭મીએ (બૉસ્ટન પાસેના) કેમ્બ્રિજમાં સ્વામી વિવેકાનંદે આપેલ અને કુ. ફ્રાન્સિસ વિલાર્ડના સ્ટેનોગ્રાફરે ઉતારેલ પ્રવચનનો શ્રીદુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.

સંદર્ભ : ન્યુ ડિસકવરીઝ, ભાગ-૨, પૃ.૨૧૧-૨૬

સન્નારીઓ અને સજ્જનો,

ભારતની નારીઓ વિશે બોલતાં મને એમ લાગે છે કે, જે બીજા જાતિની ઘણી નારીઓ મને માતા અને ભગિની સમાન થઈ છે. તે જાતિની મહિલાઓ સમક્ષ હું મારી માતાઓ અને બહેનો વિશે બોલવાનો છું. પરંતુ, દુર્ભાગ્યે, તાજેતરમાં જ, અમારા દેશની મહિલાઓને ઉતારી પાડવા માટે કેટલાંક મુખ ઉઘુક્ત થયાં છે તો, મેં એ પણ જોયું છે કે, એ મહિલાઓ પર કૃપા વર્ષાવતાં કેટલાંક મુખ પણ છે ખરાં. આ રાષ્ટ્રમાં કુ. (ઓલે) બુલ, કુ. (સારા) ફાર્મર અને કુ. (ફ્રાન્સિસ્) વિલાર્ડ જેવા ઉદાત્ત આત્માઓ છે અને લોકોની સાથે ઓતપ્રોત થવા માટે ઈસુની છ સદી પૂર્વે પોતાનું રાજ્ય સિંહાસન તજી દીધું હતું તેની યાદ મને આપનાર, જગતના ઉચ્ચતમ શ્રીમંતોનાં અદ્‌ભુત પ્રતિનિધિ લેડી હેન્રી સમરસેટ મારે માટે આંખ ઉઘાડનાર છે. ગાળો આપી ઉતારી નહીં પાડે, જેમનાં મુખેથી મારી ઉપર, મારા દેશ ઉપર, અમારાં નરનારીઓ ઉપર આશિષો વર્ષે છે અને, માનવજાતની સેવા માટે જેમના હાથ સદા તત્પર છે તેવાં લોકોને મળી હું હિંમતવાન બનું છું.

મારો ઈરાદો પ્રથમ ભારતના ઈતિહાસમાં ડોકિયું કરવાનો છે અને ત્યાં આપણને કશુંક અનન્ય જોવા મળે છે. આપ સૌ, કદાચ, જાણો છો કે તમે અમેરિકાનો, અમે હિંદુઓ અને, આઈસલૅન્ડનાં આ સન્નારી (શ્રીમતી સિગ્રિડ મૅગ્નુસ્સોં) આપણે સૌ, એક જ, આર્ય જાતિના વંશજો છીએ. આર્યો ગમે ત્યાં જાય, સૌથી વિશેષ તો, એ લોકો ગ્રામપ્રજા, સ્ત્રીઓના અધિકારો અને ધર્મની આસ્થા એ ત્રણ ભાવનાઓ સર્વત્ર જોવા મળે છે.

પ્રથમ ભાવના છે ગ્રામસભાની – શ્રીમતી બુલે ઉત્તરને લગતી વાત હમણાં જ કહી છે. દરેક ગ્રામવાસી પોતાનો ધણી હતો અને દરેકની પાસે જમીન હતી. આજે જગતમાં જોવા મળતાં બધાં રાજકારણી તંત્રો આ ગ્રામતંત્રમાંથી વિકસ્યા છે. આર્યો વિવિધ દેશોમાં ગયા એટલે, પરિસ્થિતિ અનુસાર આ કે તે તંત્ર વિકસ્યું.

નારી સ્વાતંત્ર્ય આર્યની બીજા ભાવના હતી. (પ્રાચીન) આર્ય સાહિત્યમાં જોવા મળે છે કે, પ્રાચીન કાળમાં સ્ત્રીઓના અધિકારો પુરુષો જેટલા જ હતા અને, બીજા કોઈ સાહિત્યમાં આપણને આ સાંપડતું નથી.

જગતના પ્રાચીનતમ સાહિત્ય અને તમારા તથા મારા સમાન પૂર્વજોએ રચેલા (એ ભારતમાં લખાયા ન હતા કદાચ બાલ્ટિક સમુદ્રને તટે કે કદાચ મધ્ય એશિયામાં રચાયેલા) વેદો ભણી વળીએ. 

આર્યો જેમને ભજતા એ દેવો માટેનાં સૂક્તો તો સૌથી પ્રાચીનતમ વેદોનો ભાગ છે. દેવો શબ્દ વાપરવા માટે હું ક્ષમા પ્રાર્થું છું; એનો ખરો શબ્દાર્થ તો છે ‘તેજસ્વી લોકો.’ 

આ સૂક્તો અગ્નિ, સૂર્ય અને વરુણને તથા બીજા દેવોને સંબોધીને રચાયેલાં છે. સૂક્તનું શીર્ષક આવું હોય છે; ‘અમુક ઋષિએ આ સૂક્ત રચી અમુક દેવને અર્પણ કરેલું છે.’

ઋગ્વેદના દસમા મંડળમાં એક વિશિષ્ટ સૂક્ત આવે છે – એની રચના એક સ્ત્રીએ કરી છે- અને એ આ બધા દેવોની પાછળ રહેલ એક દેવને અર્પિત છે. આગળનાં બધાં સૂક્તો ત્રીજા પુરુષમાં વાત કહે છે. જાણે કે, દેવોને કોઈ સંબોધી રહ્યું છે. પણ આ સૂક્ત નોખું પડે છે : (દેવી સ્વરૂપે) ઈશ્વર પોતે બોલે છે. ‘હું’ સર્વનામ વ૫રાયું છે : અહં રાષ્ટ્રી સઽગમની વસૂનાં…

સ્ત્રીઓના કાર્યની વેદોમાં આ પ્રથમ ઝાંખી છે. આપણે આગળ ચાલીએ છીએ તેમ, આપણે સ્ત્રીઓને વધારે ભાગ ભજવતી જોઈએ છીએ – પુરોહિતોનું કાર્ય કરતાં પણ જોઈએ છીએ. સ્ત્રીઓ પુરોહિત ન બની શકે એવો એક પણ ઉલ્લેખ સમગ્ર વેદ સાહિત્યમાં ક્યાંય નથી. વાસ્તવમાં, સ્ત્રીઓ પુરોહિત કાર્ય કરતી હોય તેવાં અનેક દૃષ્ટાંતો છે.

પછી આપણે વેદાંત પર આવીએ છીએ – વેદાંત જ વાસ્તવમાં ભારતનો ધર્મ છે; એના અર્કરૂપ જ્ઞાનને આ સદીમાં પણ આંટી શકાયું નથી. ત્યાં પણ આપણે સ્ત્રીઓને અગ્રિમ જોઈએ છીએ. નારીઓનાં મુખોમાંથી ઝરેલા શબ્દો એ ગ્રંથોનો સારો એવો ભાગ રોકે છે. એમનાં નામ અને એમના બોધ સાથે એ બધું નોંધાયેલું છે.

મહાન સમ્રાટ જનકના દરબારમાં જનાર મહર્ષિ યાજ્ઞવલ્ક્યની કથા છે. અને ત્યાં, પંડિતોની સભામાં, લોકો એમને સવાલો પૂછવા આગળ આવ્યા. એ કે પૂછ્યું, ‘મારે યજ્ઞ કેમ કરવો?’ બીજાએ પૂછ્યું, ‘મારે આ બીજો યજ્ઞ કેવી રીતે કરવો?’ અને યાજ્ઞવલ્ક્યે એમને ઉત્તરો આપ્યા. પછી એક નારી ઊભી થઈ. એણે કહ્યું : ‘આ સઘળા બાલિશ પ્રશ્નો છે. હવે સંભાળજો. હું બે તીર – પ્રશ્નો – છોડું છું. આપી શકાય તો એના ઉત્તર આપ અને તો જ હું તને ઋષિ કહીશ. પ્રથમ પ્રશ્ન છે: ‘આત્મા શું છે?’ અને બીજો છે. ‘ઈશ્વર શું છે?’

ભારતમાં આમ આત્મા અને પરમાત્મા વિશે પ્રશ્નો ઉદ્‌ભવ્યા અને, એ નારીમુખેથી સર્યા. એક મહિલા પાસે ઋષિને પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડ્યું અને, એ સારી રીતે ઉત્તીર્ણ થયા.

સાહિત્યની બીજી કક્ષા, મહાકાવ્યોએ આવતાં, આપણે જોઈએ છીએ કે, શિક્ષણનું ધોરણ નીચું ગયું નથી. ક્ષત્રિયોમાં આ આદર્શ બરાબર જળવાઈ રહ્યો હતો.

કન્યાઓ પતિની પસંદગી જાતે કરે – એ આદર્શ વેદોમાં જોવા મળે છે, છોકરાઓનું પણ તેમ જ હતું. બીજે સ્તરે, એક જ્ઞાતિને બાદ કરતાં, લગ્ન માબાપ નક્કી કરતાં.

અહીં પણ હું તમને બીજી બાજુ લક્ષમાં લેવા કહું. હિંદુઓ વિશે તમે ગમે તે કહો, જગતે ઉત્પન્ન કરેલી એ એકદમ શિક્ષિત જાતિ છે. હિંદુ અધ્યાત્મવાદી છે; એ બધું પોતાની બુદ્ધિએ કસે છે. બધું જ્યોતિષની ગણતરી મુજબ જ નક્કી થવું જોઈએ.

દરેક નરનારીનું ભાવિ ગ્રહો નક્કી કરે છે એ ખ્યાલ હતો. આજે પણ બાળક જન્મે છે ત્યારે, એની જન્મકુંડળી કરાવવામાં આવે છે. બાળકનું ચારિત્ર્ય એ નક્કી કરે છે. એક બાળક દિવ્ય પ્રકૃતિ લઈને જન્મે છે, બીજું માનવ પ્રકૃતિ સાથે અને બીજાં કેટલાંક અધમ પ્રકૃતિનાં જન્મે છે.

પ્રશ્ન હતો : રાક્ષસી પ્રકૃતિવાળું બાળક દૈવી પ્રકૃતિવાળા બાળક સાથે જોડાય તો, બંનેનું પતન થવાનો સંભવ નથી?

બીજી મુશ્કેલી એ હતી કે, લગ્નને લગતા અમારા નિયમો એક જ ગોત્રમાં લગ્નની છૂટ આપતા ન હતા. કોઈ પોતાના કુટુંબમાં લગ્ન ન કરે, પિતરાઈ કે મોસાળાઈ સાથે લગ્ન ન કરે એ તો ઠીક પણ, પોતામાં માતાપિતાનાં ગોત્રોમાં પણ લગ્ન કરી શકે નહીં.

ત્રીજી મુશ્કેલી હતી: વર કે કન્યાના કુળમાં, છ પેઢીમાં પણ કોઈને કોઢ કે ક્ષય થયો હોય તો, લગ્ન પ્રતિબંધિત હતું.

આ સઘળા સંજોગોને લક્ષમાં લેતાં, બ્રાહ્મણ કહે : ‘પુત્ર કે પુત્રી પસંદગી પર લગ્ન છોડું તો, છોકરો કે છોકરી રૂપાળા ચહેરા પર મોહી પડે અને, આ ત્રણેય બાબતો કુટુંબનો નાશ નોતરે.’ અમારા લગ્નકાનૂનો પાછળ આ મૂળભૂત વિચાર રહેલો તમને જણાશે. સાચી કે ખોટી, આ ફિલસૂફીની પીઠિકા છે. ઉપચાર કરવા કરતાં રોગ ડામવો સારો.

આપણે દુઃખને પેદા કરીએ છીએ એટલે તો, આ જગતમાં દુઃખનું અસ્તિત્વ છે. એટલે, દુઃખી બાળકોનો જન્મ કેમ અટકાવવો તે પ્રશ્ન છે. વ્યક્તિના અધિકાર કરતાં સમષ્ટિના અધિકાર કેટલા ચડે તે ખુલ્લો પ્રશ્ન છે. પણ હિંદુ કહે છે કે લગ્નની પસંદગી છોકરા કે છોકરીના હાથમાં રહેવા દેવી જોઈએ નહીં.

આ જ ઉત્તમ છે એમ હું કહેવા માગતો નથી. બાળકોના હાથમાં જ આ બાબત સોંપવાથી પૂરો ઉકેલ આવે છે એમ મને લાગતું નથી. મને એનો ઉકેલ જડ્યો નથી; તેમ જ મારા દેશને તે સાંપડ્યાનું પણ હું જોતો નથી.

હવે આપણે બીજું ચિત્ર જોઈએ. પુત્રીનો પિતા (મોટે ભાગે રાજા) બીજા રાજકુંવરોને અને ઉમરાવોને નિમંત્રે અને તે સૌની સભા યોજાય તેવા બીજા વિશિષ્ટ લગ્ન – પ્રકારની વાત મેં કરી. યુવાન રાજકુંવરીને એક આસન પર બેસાડી તેને, વારાફરતી, દરેક રાજકુંવર પાસે ફેરવવામાં આવે. ‘આ ફલાણો રાજકુમાર છે અને આ એની યોગ્યતા છે, ‘એમ છડીદાર બોલતો ચાલે. કુંવરી ત્યાં જ ઊભી રહે અથવા કહે, ‘આગળ ચાલો…’ (આ બધું પહેલાંથી ગોઠવાયેલું હોય; કુંવરીના મનમાં કોઈક હોય જ) પછી, એક માણસના ગળામાં માળા આરોપવાનું એ કહે અને, એ પુરુષનો સ્વીકાર થયો છે તેમ દેખાય. (આવો છેલ્લો સ્વયંવર ભારત પર મુસ્લિમ આક્રમણનું કારણ બન્યો હતો) આ લગ્નપ્રથા મુખ્યત્વે ક્ષત્રિયો માટે હતી.

પ્રાચીનતમ સંસ્કૃત કાવ્ય રામાયણમાં, સીતાના પાત્રમાં નારીનો ઉચ્ચત્તમ હિંદુ આદર્શ મૂર્તિમંત થયો છે. અનંત ધૈર્ય અને ભલમનસાઈના એના જીવનની કથામાં ગૂંથવાનો સમય આપણી પાસે નથી. અમે એને મૂર્તિમંત દેવી તરીકે પૂજીએ છીએ અને, એનું નામ એના પતિ રામના નામની પહેલાં બોલાય છે. અમે ‘શ્રી અને શ્રીમતી’ નથી કહેતા પણ બધાં દેવદેવીઓ માટે ‘શ્રીમતી અને શ્રી’ કહીએ છીએ.

હિંદુઓનો એક બીજો પણ વિશેષ ખ્યાલ છે. મારી સાથે સ્વાધ્યાય કરનાર સૌ જાણે છે કે, હિંદુ તત્ત્વદર્શનના કેન્દ્રમાં પૂર્ણ બ્રહ્મ છે ને એ, વિશ્વની પાછળ છે. આ પૂર્ણ બ્રહ્મ વિશે આપણે કશું કહી શકતા નથી તેનો ઉલ્લેખ ભારતમાં શક્તિ તરીકે કરવામાં આવ્યો છે. બ્રહ્મની આ શક્તિ હંમેશાં નારી જાતિમાં જ હોય છે.

રામ બ્રહ્મ છે અને સીતા શક્તિ છે. સીતાની સમગ્ર જીવનકથા કહેવાનો આ સમય નથી પરંતુ, આ દેશની સ્ત્રીઓને બરાબર બેસે તેવો તેના જીવનનો એક પ્રસંગ હું કહીશ.

એમને વનવાસ દેવામાં આવ્યો છે, તેના પતિ સાથેના વનવાસનું આ દૃશ્ય છે. એ બંને એક સાધ્વીને મળવા ગયાં. ઉપવાસે અને તપે એમને કૃશકાય કરી દીધાં હતાં.

સીતા એ સાધ્વી પાસે ગયાં અને એને ચરણે નમ્યાં. એમણે સીતાના મસ્તકે હાથ મૂકી કહ્યું, ‘સુંદર શરીર હોય એ મોટા આશીર્વાદ છે; તમારી પાસે એ છે. ઉમદા પતિ હોય એ વધારે મોટા આશીર્વાદ છે, તમારી પાસે એ પણ છે. આવા પતિને સંપૂર્ણપણે આજ્ઞાંકિત રહેવું એ શ્રેષ્ઠ આશીર્વાદ છે. તમે તેવાં છો. તમે સુખી જ હશો…’

સીતાએ ઉત્તર આપ્યો : ‘ઈશ્વરે મને સુંદર શરીર આપ્યું છે અને નિષ્ઠાવાન પતિ આપ્યા છે તેનો મને આનંદ છે. પરંતુ, ત્રીજા આશીર્વાદ બાબત, હું જાણતી નથી કે હું મારા પતિની આજ્ઞામાં રહું છું કે તેઓ મારી આજ્ઞામાં રહે છે. મને માત્ર એક જ વસ્તુ યાદ છે કે, પાવક અગ્નિની સાક્ષીએ એમણે મારો હાથ ઝાલ્યો ત્યારે, એ અગ્નિનું પ્રતિબિંબ હતું કે, સાક્ષાત ઈશ્વરે મને એ દેખાડ્યું હતું કે, હું એમની છું અને એ મારા છે. ત્યારથી મને લાગ્યું છે કે એમના જીવનની પૂર્તિ હું છું અને, મારા જીવનની પૂર્તિ એ છે.’

આ કાવ્યના ખંડોનો અંગ્રેજી અનુવાદ થયો છે. ભારતમાં નારીનો આદર્શ સીતા છે અને સીતા દેવી તરીકે પૂજાય છે.

હવે આપણે મહાન સ્મૃતિકાર મનુ ભણી વળીએ. બાળકને શિક્ષણ આપવા વિશે એની ‘સ્મૃતિ’માં વિગતે લખ્યું છે. જ્ઞાતિ ગમે તે હોય, બાળકને શિક્ષણ આપવું આર્યોમાં ફરજિયાત હતું. બાળકને કેવી રીતે શિક્ષણ આપવું તે વર્ણવ્યા પછી, મનુ ઉમેરે છે કે, ‘છોકરીઓને પણ, એ જ રીતે, છોકરાઓની જેમ જ શિક્ષણ આપવું.૫’ 

સ્ત્રીઓને ઉતારી પાડવામાં આવી છે એવા ઉલ્લેખો તેમાં છે એમ મેં અનેકવાર સાંભળ્યું છે. સ્ત્રીઓને મોહિની તરીકે વર્ણવતા કેટલાય ઉલ્લેખો અમારાં શાસ્ત્રોમાં છે તે હું સ્વીકારું છું; તમે પણ એ જોઈ શકો છો. પરંતુ, પરમાત્માની શક્તિ તરીકે સ્ત્રીઓનો મહિમા કરતા ઉલ્લેખો પણ છે જ અને, જે ઘ૨માં સ્ત્રીનાં આંસુનું એક ટીપું પડે છે તેનો નાશ થાય છે એમ જણાવતા ઉલ્લેખો પણ છે. સુરાપાન, સ્ત્રીહત્યા અને બ્રહ્મહત્યા એ હિંદુ ધર્મમાં મોટામાં મોટા અપરાધો છે. (અમારા કેટલાક ગ્રંથોમાં) સ્ત્રીઓને ઉતારી પાડતા ઉલ્લેખો છે તે હું સ્વીકારું છું; પણ અહીં હું એ હિંદુ ગ્રંથોના ચડિયાતાપણાનો દાવો કરું છું કારણ, બીજી જાતિઓના ગ્રંથોમાં માત્ર ઉતારી પાડનારા ઉલ્લેખો જ છે અને સ્ત્રીને માટે એક સારો શબ્દ નથી.

પછી હું અમારી પ્રાચીન નાટકો લઈશ. પુસ્તકો ગમે તે કહે, તત્કાલીન સમાજનું પૂર્ણ પ્રતિબિંબ એ નાટકો પાડે છે. ઈસુની ચાર સદી પૂર્વેથી લખાયેલાં આ નાટકોમાં, છોકરાઓ અને છોકરીઓથી ભરપૂર વિદ્યાપીઠોના ઉલ્લેખો આવે છે. આજે હિંદુ સ્ત્રીઓ ઉચ્ચ કેળવણીથી વંચિત રાખવામાં આવતી હોવાથી, આજે હિંદુ સ્ત્રીઓ ઉચ્ચ કેળવજ્ઞી લેતી જોવા નહીં મળે. પણ એ સમયે, આ દેશની સ્ત્રીઓની માફક, એ બાગબગીચામાં ફરવા જતી.

એક બીજી બાબત તમારા ધ્યાન પર હું લાવું છું તે, એમાં જગતની બધી સ્ત્રીઓ કરતાં હિંદુ સ્ત્રી ચડિયાતી છે – એના અધિકારોની બાબતમાં, મિલકત હોવાનો પુરુષોને અધિકાર છે તેટલો જ પૂર્ણ અધિકાર સ્ત્રીને પણ છે.

આપનામાં કોઈ વકીલ મિત્ર હોય અને હિંદુ કાનૂન પરની ટીકાઓ લઈ શકે તો, એ બધું તમે જાતે જ જાણી શકશો, એક છોકરી પતિને ઘેર દસ લાખ ડૉલર લઈને જાય પણ, એમાંનો દરેક ડૉલર એની માલિકીનો જ છે. એમાંના એક ડૉલરને હાથ લગાડવાનો કોઈને અધિકાર નથી. પતિ નિઃસંતાન અવસાન પામે તો, બધી મિલકત એની પત્નીને મળે; પછી ભલે પતિનાં માતપિતા હયાત હોય. ને આ કાયદો પરાપૂર્વથી ચાલતો આવે છે. બીજા દેશોની સ્ત્રીઓ કરતાં હિંદુ સ્ત્રીનો આ વિશેષ અધિકાર છે.

પ્રાચીન ગ્રંથો – કે અર્વાચીન પણ – હિંદુ વિધવાને લગ્ન કરતાં અટકાવતા નથી. એમ માનવું ભૂલભર્યું છે. ગ્રંથો છૂટ આપે છે અને તે પણ સ્ત્રી અને પુરુષ બંનેને, અમારા ધર્મનો ખ્યાલ છે કે લગ્ન નિર્બળને માટે છે અને આજે પણ, એ ખ્યાલમાં ફેરફાર કરવાની જરૂર હું જોતો નથી. પોતે પૂર્ણ જણાતા તેવાંઓને લગ્નની આવશ્યકતા શી છે? ને જે લોકો લગ્ન કરે છે તેમને એક તક આપવામાં આવે છે. એ તક પૂરી થયા પછી, પુરુષો અને સ્ત્રીઓ બંને ફરીવાર લગ્ન કરે તો, એમની પ્રત્યે નીચી નજરે જોવાય છે; પણ લગ્નનો પ્રતિબંધ નથી. વિધવા લગ્ન ન કરી શકે એવું વચન ક્યાંય નથી. લગ્ન ન કરનાર વિધવા કે વિધુર વધારે આધ્યાત્મિક મનાય છે.

પરંતુ પુરુષો આ નિયમનો ભંગ કરે છે અને ફરી લગ્ન કરે છે પણ, પ્રકૃતિથી વધારે આધ્યાત્મિક હોઈને, સ્ત્રીઓ કાનૂનનું પાલન કરે છે. દાખલા તરીકે, અમારાં શાસ્ત્રો આમિષ આહારની મનાઈ કરે છે તે છતાં, તમે અમુક જાતનું માંસ ખાઈ શકો છો. ઘેટાંનું માંસ ખાતા હજારો પુરુષોને મેં જોયા છે પણ, ઉચ્ચ વર્ણની કોઈપણ સ્ત્રીને, મારી આખી જિંદગીમાં, મેં કોઈપણ પ્રકારનું માંસ ખાતી જોઈ નથી. નિયમ પાલન કરવું, ધર્મની વધારે નજીક રહેવું તે એમની પ્રકૃતિ છે તે આ બતાવે છે, પણ હિંદુ પુરુષો પ્રત્યે આકરા ન થતાં, હિંદુ કાનૂન પ્રત્યે તમારે મારી દૃષ્ટિથી જોવું જોઈએ કારણ, હું પણ હિંદુ પુરુષ છું.

વિધવાઓનું આ પુનર્લગ્ન ન કરવું તે ધીમે ધીમે રૂઢિ બની ગયું. અને ભારતમાં કોઈ રૂઢિ જડ થાય પછી, એને તોડવી અશક્ય બની જાય છે – તમારા દેશમાં પણ પાંચ દહાડા જૂની ફેશનને તોડવી કેટલી મુશ્કેલ છે તે તમે જાણો છો. બે સિવાયની બધી નિમ્ન જ્ઞાતિઓમાં વિધવાઓ લગ્ન કરે છે.

પાછલા કાળના અમારા એક શાસ્ત્રગ્રંથમાં લખ્યું છે કે, સ્ત્રીથી વેદ વંચાય નહીં. પણ શક્તિહીન બ્રાહ્મણને પણ તેની મનાઈ છે. કોઈ બ્રાહ્મણપુત્ર નબળા મનનો હોય તો, તેને પણ આ નિયમ લાગુ પડે. પરંતુ એનો અર્થ એ નથી કે સ્ત્રીઓને શિક્ષણ પ્રતિબંધિત હતું કારણ, હિંદુઓ પાસે માત્ર વેદો જ છે એવું નથી. બીજા બધા ગ્રંથો સ્ત્રીઓ વાંચી શકે. વિજ્ઞાન, નાટક, કાવ્ય સહિત નો સમગ્ર સાહિત્યનો સાગર સ્ત્રીઓ માટે ખુલ્લો છે, એ સાગર પાસે જઈ સ્ત્રીઓ બધું વાંચી શકે, માત્ર વેદો નહીં.

પાછોતરા કાળમાં ખ્યાલ એવો હતો કે, સ્ત્રી પુરોહિત થવાની નથી જ એટલે, એને વેદાધ્યયનની શી જરૂર છે? આમાં, બીજી પ્રજાઓ કરતાં હિંદુ પાછળ નથી. સ્ત્રીઓ સંસાર તજી સંન્યાસ ગ્રહણ કરે ત્યારે, એ નર કે નારી મટી જાય છે, એ સંન્યાસ ‘અલિંગી’ બની જાય છે. ઉચ્ચ કે નીચ. વર્ણનો, પુરુષનો કે સ્ત્રીનો, પછી પ્રશ્ન જ રહેતો નથી.

ધર્મ વિશે હું જે કંઈ જાણું છું તે મારા ગુરુ પાસેથી શીખ્યો છું અને એ, એક નારી પાસેથી શીખ્યા હતા.

રાજપૂત નારીની વાત પર પાછા આવતાં, અમારા જૂના ગ્રંથોમાંની એક કથા હું તમારી સમક્ષ રજૂ કરીશ – મુસ્લિમોના આક્રમણના કાળમાં, ભારત પરની તેમની જીતનું કારણ એક નારી કઈ રીતે બની.

કનોજ નામે એક અતિ પ્રાચીન નગરીના રાજપૂત રાજાને એક કુંવરી (સંયોગિતા) હતી. (અજમેર અને દિલ્હીના રાજા) પૃથ્વીરાજના શૂરાતન વિશે અને કીર્તિ વિશે તેણે સાંભળ્યું હતું અને, એ પૃથ્વીરાજના પ્રેમમાં પડી હતી.

હવે એના પિતાએ રાજસૂય યજ્ઞ કર્યો અને, દેશના બધા રાજાઓને નિમંત્ર્યા. એ યજ્ઞમાં એ બધા રાજાઓએ એ રાજાની સેવાચાકરી કરવી પડે કારણ, બીજા રાજાઓ કરતાં એ ચડિયાતો હતો અને એ યજ્ઞ સાથે એણે પોતાની પુત્રીનો સ્વયંવર ગોઠવ્યો.

પણ કુંવરી તો પૃથ્વીરાજના પ્રેમમાં હતી. એ ધણો બળવાન હતો અને એ કનોજના રાજાની તાબેદારી સ્વીકારે તેમ ન હતો. એટલે એણે નિમંત્રણ ન સ્વીકાર્યું. કનોજના રાજાએ પૃથ્વીરાજની સુવર્ણ પ્રતિમા બનાવડાવી અને તેને દરવાજા પાસે મુકાવી અને કહ્યું કે, ‘પૃથ્વીરાજને મેં દ્વારપાળનું કામ સોંપ્યું છે.’

પરિણામ એ આવ્યું કે, સાચો વીર હતો તે પૃથ્વીરાજ, પૃથ્વીરાજ ત્યાં આવ્યો અને, કુંવરીને લઈને ઘોડા પર નાઠો.

કુંવરીના પિતાને આની જાણ થતાં, પોતાના લશ્કર સાથે એ પાછળ પડ્યો. ભીષણ યુદ્ધ થયું અને બંને સેનાઓના મોટાભાગના સૈનિકો મૃત્યુ પામ્યા અને (આથી રાજપૂતો એટલા નબળા પડી ગયા કે) મુસલમાનોનું સામ્રાજ્ય ભારતમાં સ્થપાયું.

ઉત્તર ભારતમાં મુસ્લિમ સામ્રાજ્ય સ્થપાતું હતું ત્યારે, ચિત્તોડની રાણી (પદ્મિની) પોતાના રૂપ માટે પ્રસિદ્ધ હતી. એના સૌંદર્યની વાત સુલતાનને કાને આવી. પદ્મિનીને પોતાના ઝનાનામાં મોકલવા માટે તેણે પત્ર લખ્યો. પરિણામે ચિતોડના રાજા અને સુલતાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મુસલમાનોએ ચિતોડ પર હલ્લો કર્યો અને, રાજપૂતોને લાગ્યું કે તેઓ પોતાનો બચાવ કરી શકે એમ નથી ત્યારે, દરેક રાજપૂતે તલવાર લીધી અને કેસરિયાં કર્યાં. બધી રજપૂતાણીઓ સતી થઈ.

બધા રાજપૂતો ખપી ગયા પછી, વિજેતાએ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યાંની શેરીઓમાં ભયંકર અગ્નિ પ્રજ્વલિત હતો. રાણીની આગેવાની હેઠળ સૌ સ્ત્રીઓ તેની પ્રદક્ષિણા ફરતી હતી. નજીક આવી એણે રાણીને ચિતા પર ચડવાની ના પાડી ત્યારે, રાણીએ કહ્યું, ‘રાજપૂતાણીઓ તમારી સાથે આમ વર્તે છે,’ અને એણે પોતાની જાતને અગ્નિને સોંપી દીધી.

પોતાનું શિયળ બચાવવા માટે તે દિવસે, ૭૪,૫૦૦ સ્ત્રીઓએ અગ્નિનું શરણ લીધું એમ કહેવાય છે. આજે પણ અમે પત્ર લખીએ છીએ ત્યારે, એને બંધ કરી, ઉપર ૭૪૧ / લખીએ છીએ તેનો ખર્ચ એ છે કે, એ પત્ર ફોડનારને ૭૪,૫૦૦ સ્ત્રી હત્યાનું પાપ લાગશે.

બીજી એક સુંદર રાજપૂત કન્યાની વાત તમને કહું. અમારા દેશમાં ‘રક્ષા’ (બંધન)નો વિશિષ્ટ રિવાજ છે. સ્ત્રીઓ પુરુષને રાખડી મોકલાવે. કોઈ છોકરી આ રીતે કોઈ પુરુષોને રક્ષા મોકલાવે તો એ પુરુષ તેનો ભાઈ થઈ જાય છે.

તેજસ્વી મોગલ સામ્રાજ્યનો નાશ કરનાર છેલ્લા બાદશાહના અમલ દરમિયાન, એક રાજપૂત રાજકન્યાના રૂપ વિશે એણે સાંભળ્યું. એને મોગલ ઝનાનામાં બેસાડવા માટેના હુકમો છૂટ્યા. પછી શહેનશાહે એ કુંવરી પાસે પોતાની છબિ સાથે દૂત મોકલ્યો. કુંવરીને એ છબિ દેખાડતાં એની પર પગ મૂકી એ બોલી : ‘તમારા મોગલ શહેનશાહના રાજપૂત કન્યા આવા હાલ કરે છે.’ પરિણામે શાહી સૈન્ય રજપૂતાનામાં ચડી આવ્યું.

નિરાશ થઈને એ કુંવરીએ એક યુક્તિ વિચારી. આવી કેટલીક રાખડીઓ તૈયાર કરી એણે રાજપૂત રાજાઓને મોકલી અને સંદેશો મોકલ્યો : ‘અમને મદદ કરવા આવો.’ બધા રાજપૂતો ભેગા થયા અને શાહી લશ્કરને પીછેહઠ કરવી પડી.

રાજપૂતાનામાં ચલણી એવી એક કહેવત તમને કહ્યું. ભારતમાં વેપારીઓની, વૈશ્યોની, એક જ્ઞાતિ છે. એ લોકો – એમાંના કેટલાક – ખૂબ ચતુર હોય છે, હિંદુઓ એમને તેજ બુદ્ધિના માને છે. પણ એ જ્ઞાતિની મહિલાઓ એ જ્ઞાતિના પુરુષો જેટલી બુદ્ધિશાળી હોતી નથી એ હકીકત છે. સામે પક્ષે, રાજપૂતાણી કરતાં રાજપૂત આર્યો બુદ્ધિશાળી નથી.

રાજપૂતાનામાં એવી કહેવત પ્રચલિત છે કે, ‘બુદ્ધિશાળી નારી બુદ્ધુ દીકરા જણે અને, વેવલી નારી બુદ્ધિશાળી દીકરા જણે.’ રાજપૂતાનામાં કોઈ સ્ત્રીએ ક્યારેય પણ રાજ્ય ધુરા સંભાળી હોય તો, એનો વહીવટ ઘણો સરસ રહ્યો છે. 

૧. સ્વામી વિવેકાનંદ પછીના કાળમાં આર્યોનાં ફેલાવા વિશે વધારે સંશોધન થયું છે. 

૨. જુઓ ઋગ્વેદ – ૧૦/૧૨૫ (‘દૈવી સૂક્ત’)

૩. બૃહ, ઉ૫. : ૩.૮.૧.૧૨

૪. સંયોગિતાના સ્વયંવરની વાત આગળ આપવામાં આવી છે.

૫. મનુસ્મૃતિની મળતી પ્રતોમાં આ વાક્ય મળતું નથી. જુઓ : મહાનિર્વાણતંત્ર – ૮.૪૭

૬. સ્વામી વિવેકાનંદના સમયથી સ્ત્રીઓમાં ઉચ્ચ કેળવણીનું પ્રમાણ સારું એવું વધ્યું છે.

૭. આજે ભારતીય નારીઓ માટે વેદો પ્રતિબંધિત નથી.

૮. કિશનગઢના રાજા વિક્રમસિંહની કુંવરી ચારુમતિ અથવા રૂપમતિ. (બંકિમચંદ્ર ચેટર્જી લિખિત બંગાળી નવલકથા ‘રાજસિંહ’ની એ નાયિકા છે.)

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.