શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ ૨૦-૨૧ ઓક્ટોબર- બે દિવસનો મેનેજમેન્ટ સેમિનાર

‘ભારતનું ભાવિ વિશ્વનૈતૃત્વ અને એ માટે આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રદાન’ એ વિષય પર તા. ૨૦-૨૧ ઓક્ટોબરના યોજાયેલ મેનેજમેન્ટ વર્કશોપના સમાપન સમારંભમાં ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારીએ કહ્યું : ‘ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિને જીવનમાં ઉતારીએ, જ્ઞાનના ક્ષેત્રોનો સહકાર અને સદભાવ સાથે ઉપયોગ કરીને આગળ ધપીએ, બીજા નાના લોકોનું મહત્ત્વ જાળવીએ અને શોષણ ન કરીએ તો સંઘર્ષને જરૂર નિવારી શકીએ. ભારત પર બહારની પ્રજા અને સંસ્કૃતિઓનું આક્રમણ થતું રહ્યું છે પરંતુ આપણી સંસ્કૃતિની ઉદાત્તતા અને સમન્વયની ભાવનાને લીધે સંઘર્ષને નિવારી શક્યા છીએ. આજે જે સંઘર્ષ દેખાય છે તેનું મૂળ કારણ વર્ચસ્વ જમાવવાની ભાવના છે. બીજાને ભોગે આપણે ઉન્નતિ સાધી શકીએ નહીં.’ 

આ પ્રસંગે એમ.સી.સી. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, મુંબઇના નિયામકશ્રી પ્રો. ડો. એન. એચ. અથ્રેયે કહ્યું : ‘આપણા અંગત જીવનમાં આપણે આધ્યાત્મિક સંસ્કૃતિને મહત્ત્વ આપીએ છીએ. પરંતુ ઔદ્યોગિક અને વ્યાપારના ક્ષેત્રમાં તેનું મહત્ત્વ હજી સમજાય એવું નથી. પણ હવે એ સમજવું પડશે. ટેક્‌નોલોજીકલ વાસ્તવિક્તા અને આધ્યાત્મિક વાસ્તવિક્તા વચ્ચે સંતુલન જાળવવું પડશે.’ એક્સેલ ઈન્ડસ્ટ્રીઝના વાઇસ ચેરમેન શ્રી જી. નારાયણે કહ્યું : ‘આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. નેતૃત્વ અને સંગઠનનું માહાત્મ્ય જીવનનાં વિવિધ ક્ષેત્રો માટે છે. દરેક માનવમાં ઈશ્વરને જોવા એ સાચી આધ્યાત્મિકતા છે.’ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, લખનૌના પ્રાધ્યાપક શ્રી દેવાશિષ ચેટર્જીએ કહ્યું : ‘વિશ્વના માનવીઓએ સૈકાઓની મહેનતથી સંગઠનો અને માળખાં ઊભાં કર્યાં છે. તેનું અસ્તિત્વ જાળવવું એ સબળ નેતૃત્વ વિના શક્ય નથી. યુવાનોએ આ ભાર પોતાના ખભે લેવો જ પડશે.

આ પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ સ્વામી વિવેકાનંદની ભારત વિશેની ભવિષ્યવાણીની યાદ અપાવીને આજના ભારતે વિવિધ ક્ષેત્રોમાં સાધેલી મહાનતાની વાત કરી હતી. ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ જ અને તેમાંય શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલ સર્વધર્મ સમભાવની ભાવના ભાવિ વિશ્વને માટે શ્રેયસ્‌કર બની રહેશે. રામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ દુષ્ટોમાં, દરિદ્રોમાં, અજ્ઞાનીઓમાં રહેલા પ્રભુની સેવા કરવા માટે સૌને હાકલ કરી હતી. વિશ્વની સમસ્યાઓનો ઉકેલ યુદ્ધ કે વિનાશની નહીં પરંતુ શાંતિ અને સેવાને જીવનમાં જીવી બતાવવાથી થશે.

રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજીએ રાજ્યપાલશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સલાહકાર સમિતિના સભ્ય શ્રી ઉમાકાંતભાઇ પંડિતે આભારવિધિ કરી હતી.

બે દિવસના આ સેમિનારમાં સર્વ મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાત શ્રી સુરેશ પંડિત, એચ.એમ.ટી.ના જનરલ મેનેજર શ્રી શ્રીધર રેડ્ડી, આઇ.ક્યુ.એફ.ના નિયામક શ્રી અર્જુન બાદલાણી, ઇસરોના શ્રી કલ્યાણ બેનર્જી, વિવેકાનંદ સ્કૂલ ઓફ હોટેલ મેનેજમેન્ટના નિયામક, રાજકોટના ડો. કવિતા સૂદ, દિલ્હીના શ્રી સુનિલકુમારે પોતપોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. ૪૯૦ જેટલા નોંધાયેલા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓએ આ સેમિનારનો લાભ લીધો હતો.વચ્ચે વચ્ચે સ્વામી જિતાત્માનંદના ભક્તિસંગીત સાથેનાં સંક્ષિપ્ત વક્તવ્યો સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયાં હતાં.

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં નેત્રયજ્ઞ

રામકૃષ્ણ મિશન, લીંબડીના ૧૮ ઓક્ટોબરના રોજ યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૫૦ દર્દીઓને તપાસવામાં આવ્યા હતાં. ૧૬ દર્દીઓનાં ઓપરેશન શિવાનંદ મિશન, વિરનગરમાં કરવામાં આવ્યાં હતાં. દર્દીઓને મફત દવા અને ચશ્મા આપવામાં આવ્યાં હતાં.

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.