સ્ત્રીઓના બીજા વર્ગની વાત પર આવીએ. આ નરમ હિંદુ જાતિએ સમયે સમયે વીરાંગનાઓ આપી છે. ૧૮૫૭ના બળવા દરમિયાન અંગ્રેજ સૈનિકો સાથે જે લડી હતી અને, બે વર્ષ સુધી નમતું જોખ્યું ન હતું, જેણે સૈન્યોને દોરવણી આપી હતી, તોપોની ગોઠવણ કરી હતી અને હંમેશાં જે પોતાના સૈન્યને મોખરે જ રહેતી હતી તે (ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ)ને વિશે તમે સાંભળ્યું હશે. એ રાણી બ્રાહ્મણ કન્યા હતી.

એ યુદ્ધમાં પોતાના ત્રણ પુત્રોને ગુમાવનાર એક માણસને હું ઓળખું છું. એમની વાત કરતી વેળા એ શાંત હોય છે પરંતુ, આ રાણીની વાત કરતી વખતે, એ ઉત્તેજિત થઈ જાય છે. એ માણસ કહેતો કે, એ રાણી તો દેવી હતી. માનવી નહીં. આ વૃદ્ધ યોદ્ધો માને છે કે પોતે રાણીના કરતાં વધારે સારું સેનાપતિત્વ જોયું નથી.

ચાંદબીબી કે ચાંદ સુલતાના (૧૫૪૬-૧૫૯૯)ની કથા હિંદમાં ખૂબ જાણીતી છે. જ્યાં હીરાની ખાણો છે તે ગોલકોંડાની એ રાણી હતી. મહિનાઓ સુધી એણે પોતાનું રક્ષણ કર્યું. આખરે ગઢની દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું. શાહી લશ્કર અંદર ધસ્યું ત્યારે, એ પૂરી બખ્તર સજ્જ હતી અને એણે શાહી સૈન્યને પાછું હઠાવ્યું.

પછીના સમયની વાત જાણી તમે નવાઈ પામશો કે એક મહાન અંગ્રેજ સેનાપતિને એકવાર એક સોળ વર્ષની છોકરીનો સામનો કરવો પડ્યો હતો.

મુત્સદ્દીગીરીમાં, દેશ વહીવટમાં, રાજ્ય અમલમાં, અરે યુદ્ધ ખેલવામાં પણ, હિંદુ સ્ત્રીઓ પુરુષો કરતાં ચડિયાતી નહીં તો પુરુષ સમોવડી તો પુરવાર થઈ જ છે. એ વિશે મને શંકા નથી. એમને તક મળી છે ત્યારે, એમણે બતાવી આપ્યું છે કે, એમનામાં પુરુષો જેટલી જ શક્તિ છે – વિશેષમાં લાભ એ છે કે, તેઓ ભાગ્યે જ અધમતામાં સરે છે. એમના જન્મજાત નૈતિક ધોરણને એ વળગી રહે છે. અને શાસનકર્તા તરીકે – કમ સે કમ ભારતમાં તો – સ્ત્રીઓ પુરુષો કરતાં ચડિયાતી પુરવાર થઈ છે. જોન સ્ટુઅર્ટ મિલ આ હકીકત જણાવે છે.

આજના સમયમાં પણ, ભારતમાં સ્ત્રીઓને મોટી જાયદાદ ખૂબ કુશળતાથી સંભાળતી જોઈએ છીએ. મારી જન્મભૂમિમાં મોટી જાયદાદની માલિક બે મહિલાઓ હતી અને એ કલા અને જ્ઞાનને પ્રોત્સાહન આપતી અને પોતાની જ બુદ્ધિ વડે જમીનદારી સંભાળતી અને, દરેક વિગતને જાતે જોતી.

સામાન્ય માનવતાથી ઉપર ઊઠી, દરેક રાષ્ટ્ર વિશિષ્ટ પ્રકારનું ચારિત્ર્ય ખીલવે છે – ધર્મમાં, રાજકારણમાં, ભૌતિક દેહમાં, માનસિક વલણોમાં, પુરુષો અને સ્ત્રીઓમાં તેમજ ચારિત્ર્યમાં. એક રાષ્ટ્ર ચારિત્ર્યની એક વિશેષતા ખીલવે છે, બીજું, બીજી વિશેષતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી જગત આ વાતને લક્ષમાં લેતું થયું છે.

હિંદુ સ્ત્રીઓએ વિકસાવેલી, એમના જીવનના અર્થ જેવી, વિશિષ્ટતા માતૃત્વની છે. તમે હિંદુ ઘરમાં દાખલ થશો તો, અહીં જોવા મળતી પતિના સમાન સાથીદાર જેવી સ્ત્રી તમને નહીં દેખાય. પણ માતાને જોશો તો તે ઘરનો સ્તંભ જણાશે. પત્નીએ માતા થવા સુધી રાહ જોવી જોઈએ પછી, એ સર્વેસર્વા બને.

કોઈ મનુષ્ય સંન્યાસ લેતો, એના પિતાએ એને નમવું પડે કારણ, પુત્ર સંન્યાસી છે ને તેથી ચડિયાતો છે. પણ એ સંન્યાસી હો યા ન હો, એની માતા પાસે તો એણે ઘૂંટણિયે પડવું પડશે. પછી માતાના પગ પાસે એ પાણીનો વાટકો મૂકે, માતા એમાં પોતાના પગનાં આંગળાં બોળે અને એ સંન્યાસીએ એ પાણી પીવાનું. હિંદુ પુત્ર આવું ફરી ફરી હજારવાર કરે.૧૦

વેદો નીતિશિક્ષણની વાત કરે છે ત્યાં, પ્રથમ શબ્દો છે: ‘માતૃ દેવો ભવ’૧૧ અને માતા તે છે જ. ભારતમાં અમે નારીની વાત કરીએ છીએ ત્યારે, નારી વિશેનો અમારો ખ્યાલ માતાનો છે. મનુષ્ય જાતિની માતા થવામાં નારીનું મૂલ્ય છે એ, હિંદુનો ખ્યાલ છે.

નાની બાળાઓને ઊંચકી, તેમને ખુરશીમાં બેસાડીને તેમની પૂજા કરતાં મારા ગુરુને મેં જોયા છે.-એ નાની બાળાઓને ચરણે ફૂલ ચડાવી એમની પાસે એ સાષ્ટાંગ પ્રણામ કરતા કારણ, એ બાળાઓ જગજ્જનનીનાં રૂપ હતી.

માતા અમારી કુળદેવી છે. ખ્યાલ એ છે કે, નિ:સ્વાર્થ પ્રેમ, સતત સહનશીલતા, સાચો પ્રેમ આપણને માતામાં જોવા મળે છે. ને માતામાં જોવા મળતા પ્રેમ કરતાં બીજો કયો પ્રેમ પ્રભુપ્રેમનું રૂપ લઈ શકે? આમ હિંદુને માટે માતા પૃથ્વી પર દેવનો અવતાર છે.

‘જે છોકરાને પ્રથમ માતાએ બોધ આપ્યો હોય તે જ ઈશ્વરને સમજી શકે.’ અમારી સ્ત્રીઓની નિરક્ષરતા વિશે મેં ખોટી ખોટી વાતો સાંભળી છે. હું દસ વર્ષનો થયો ત્યાં સુધી મારી માતા પાસે શીખતો. મારાં દાદીને અને વડદાદીને મેં જોયાં છે અને, તમને ખાતરી આપું છું કે, મારી કોઈ પૂર્વજ મહિલા અભણ ન હતી, અંગૂઠાછાપ ન હતી. એ કોઈ સ્ત્રીને લખતાંવાંચતાં આવડતું ન હોત તો મારો જન્મ જ શક્ય ન હતો. જ્ઞાતિ નિયમો અબાધિત હતા.

મધ્ય યુગમાં હિંદુ સ્ત્રીઓને લેખનવાચનથી દૂર રાખવામાં આવતી – એવાં પાયાહીન કથનો કોઈકવાર મારા વાંચવામાં આવે છે. સર વિલિયમ હંટરનું પુસ્તક, ‘ધ હિસ્ટરી ઓફ ધ ઈંગ્લિશ પીપલ’ જોવાનું સૂચન કરું છું, હિંદુ સ્ત્રીઓ સૂર્યગ્રહણનું ગણિત માંડી શકતી હતી એમ એ જણાવે છે.

વધારે પડતી માતૃભક્તિ માને સ્વાર્થી બનાવે છે કે, બાળકોનો મા ઉપરનો વધુ પડતો પ્રેમ બાળકોને સ્વાર્થી બનાવે છે, એમ મેં સાંભળ્યું છે. હું જે છું તે મારી માતાએ આપેલા પ્રેમને કારણે છું અને, કદી પાછું વાળી ન શકાય તેવું તેનું ઋણ મારી ઉપર છે.

હિંદુ માતાની પૂજા શા માટે છે? અમારા દાર્શનિકો એનું કારણ શોધવા મથે છે અને પછી આ તારણે આવે છે: અમે અમારી જાતને આર્ય કહેવડાવીએ છીએ. આર્ય એટલે શું? ધર્મ દ્વારા જન્મેલ મનુષ્ય. ભારતમાં એ ખાસ બાબત છે. પણ ખ્યાલ એ છે કે, વ્યક્તિનો જન્મ ધર્મ દ્વારા, પ્રાર્થના દ્વારા જ થવો જોઈએ. અમારી ‘સ્મૃતિઓ’ જોશો તો, તેમાં ગર્ભાવસ્થામાં માતાની ગર્ભ પર અસર ઉપર અધ્યાયો મળશે.

મારા જન્મ પહેલાં મારી માતા ઉપવાસો કરતી, પ્રાર્થના કરતી અને, હું પાંચ મિનિટ પણ ન કરી શકું તેવી સેંકડો બાબતો એ કરતી. એવું એણે બે વર્ષ કરેલું. હું માનું છું કે મારામાં જે કંઈ ધાર્મિક સંસ્કારો છે તે તેને લઈને છે. હું એનો ઋણી છું. હું જેવો છું તેવો અવતરું તે માટે મારી માતાના એ સભાન પ્રયત્નો હતા. મારામાં જે કંઈ સદ્‌અંશો છે તે મારી માતાએ આપેલા છે, જાગ્રતપણે, અજાગ્રતપણે નહીં.

‘ભૌતિક રીતે જન્મેલું બાળક આર્ય નથી; આધ્યાત્મિક રીતે જન્મેલું જ આર્ય છે.’ આ બધી યાતનાઓ માટે-પવિત્ર સંતાનો જન્મે તે માટે માતાએ કેટલું તો તપ કરવું પડ્યું હોય છે તે માટે – એને પોતાના સંતાન ઉપર વિશેષ અધિકાર હોય છે. બીજું બધું તો બીજી પ્રજાઓના જેવું જ હોય છે : માતા તદ્દન નિ:સ્વાર્થ હોય છે. પણ અમારાં કુટુંબોમાં માએ સૌથી વધારે સહન કરવાનું હોય છે.

માતા સૌથી છેલ્લી જમે. (હિંદુ) પુરુષ પોતાની પત્ની સાથે શા માટે જમતો નથી, પત્ની શું હલકું પ્રાણી છે એમ એ માને છે? આ સવાલ તમારા દેશમાં મને ઘણીવાર પૂછવામાં આવ્યો છે. પણ એ ખુલાસો જરાય સાચો નથી. ભૂંડનો વાળ કેટલો અપવિત્ર ગણાય છે એ તમે જાણો છો. એના બ્રશથી હિંદુ કદી એના દાંત સાફ કરી શકે નહીં. એ માટે એ એક ઝાડની ડાંખળી વાપરે છે. કોઈ પ્રવાસીએ હિંદુને દાતણ કરતાં જોયો અને લખ્યું કે, ‘હિંદુ સવારમાં વહેલો ઊઠે છે અને એક છોડ ચાવવા માંડે છે ને એને ખાઈ જાય છે!’ એ રીતે પતિપત્નીને સાથે ભોજન કરતાં ન જોનાર કોઈએ તે માટેનો પોતાનો ખુલાસો ગોતી કાઢ્યો છે. જગતમાં ખુલાસા કરનાર ઘણા છે અને નિરીક્ષકો ઓછા છે – કેમ જાણે જગત એમના ખુલાસાઓ માટે મરી પડતું ન હોય! એટલે મને કેટલીકવાર લાગે છે કે, મુદ્રણની શોધ નિર્ભેળ આશીર્વાદ નથી. હકીકત એ છે કે, તમારા દેશમાં પુરુષો સમક્ષ સ્ત્રીઓથી કેટલીક વસ્તુઓ નથી કરી શકાતી તેમ, અમારા દેશમાં પુરુષોની હાજરીમાં કોળિયા ભરવા એ સ્ત્રીઓ માટે ખૂબ અવિવેકી છે. પોતાના ભાઈની હાજરીમાં મહિલા જમી શકે પણ, એનો પતિ આવે તો એ ખાતી બંધ થઈ જાય અને પતિ તરત ચાલી જાય. અમારે ત્યાં જમવા માટે મેજ નથી વપરાતાં અને, પુરુષને ભૂખ લાગે એટલે એ અંદર આવે અને બેસીને ખાઈને પાછો ચાલ્યો જાય. હિંદુ પતિ પોતાની પત્નીને મેજ પાસે પોતાની સાથે બેસાડતો નથી એ વાત માનશો નહીં. એની પાસે મેજ જ નથી. રંધાયેલા ખોરાકનો પ્રથમ ભાગ અતિથિઓ અને અભ્યાગતો માટે છે, બીજો ભાગ નીચલી કક્ષામાં પ્રાણીઓ માટે, ત્રીજો બાળકો માટે, ચોથો પતિ માટે અને શેષ માતા – ગૃહિણી – માટે છે. મારી મા પહેલો કોળિયો મોંમાં મૂકે ત્યારે બે વાગતા મેં અનેક વાર જોયેલ છે. અમે દસ વાગ્યે જમતા અને એ બે વાગ્યે કારણ, એને કેટલાં બધાં કામ આટોપવાનાં હતાં. (ઉદાહરણ તરીકે) કોઈ બારણું ખખડાવે અને ‘અતિથિ’ કહી ટપકી પડે અને, રસોડામાં ખાવાનું માના ભાગનું જ હોય. મા ખુશીથી એને તે પીરસી દે અને પોતાના ભોજન માટે વાટ જુએ. એનું જીવન એવું હતું અને એને તે ગમતું. ને એટલા માટે તો અમે માતાને દેવી તરીકે પૂજીએ છીએ.

તમારો વાંસો થાબડે, તમારી પ્રત્યે ઉદારતા દાખવે એના કરતાં તમારી પૂજા કરે એ તમને વધારે ગમે એમ હું ઇચ્છું છું! તમે માનવજાતના એક સભ્ય છો – બિચારો હિંદુ એ સમજી શકતો નથી. પણ તમે કહેશો, ‘અમે માતાઓ છીએ અને આદેશ આપીએ છીએ,’ ત્યારે એ મસ્તક નમાવશે. તો હિંદુઓએ આ પાસું વિકસાવ્યું છે.

આપણી માન્યતાઓ તરફ પાછાં વળીએ – પશ્ચિમમાં લોકો બસો વર્ષોથી જ માનતા થયા છે કે બીજા ધર્મો પ્રત્યે સહિષ્ણુ થવું. પણ આજે આપણે જાણીએ છીએ કે, બીજા ધર્મ માટેની એ સહિષ્ણુતા પૂરતી નથી; આપણે એનો સ્વીકાર કરવો જોઈએ. આમ પ્રશ્ન બાદબાકીનો નહીં પણ, સરવાળાનો છે, આ સૌ જુદાં જુદાં પાસાંઓનો સરવાળો – યોગ – તે સત્ય. આ દરેક ધર્મ એક પાસું રજૂ કરે છે, બધાંનો યોગ તે પૂર્ણતા છે. ને દરેક વિદ્યા-વિજ્ઞાન-માં સરવાળો એ નિયમ છે.

હવે હિંદુએ આ પાસું વિકસાવ્યું છે. પણ શું એ પૂરતું થઈ પડશે? માતા છે તે હિંદુ નારીએ યોગ્ય પત્ની પણ બનવું જોઈએ પણ, માતાનો નાશ કરવાની કોશિશ ન કરશો. તમે ઉત્તમ કાર્ય એ કરી શકો. આખી દુનિયા ઘૂમવાને બદલે આ રીતે તમને વિશ્વનો વધારે સારો ખ્યાલ આવશે; વિવિધ પ્રજાઓમાં ધસી, એમની ટીકા કરી, ‘આ દુષ્ટોને તો સતત ભૂંજવા જ જોઈએ,’ એ ટીકાબાણ મારવાની જરૂર નથી.

દરેક પ્રજા ઈશ્વરની ઇચ્છા અનુસાર માનવ પ્રકૃતિનો એક અંશ ખિલવે છે – એ માન્યતાનો આપણે સ્વીકાર કરીશું તો, કોઈ પ્રજા નિષ્ફળ નહીં જણાય. આજ સુધી એ સૌએ સારી પ્રગતિ કરી છે, હવે એમણે વધારે સારી કરવી ઘટે! (તાળીઓ)

હિંદુઓને ‘અસંસ્કારી’, ‘દુષ્ટ’, ‘ગુલામ’, કહેવાને બદલે, હિંદ જાઓ અને કહો, ‘અત્યાર સુધીનું તમારું કાર્ય અદ્‌ભુત છે, પણ એ પૂરતું નથી – તમારે ઘણું કરવાનું છે. સ્ત્રીનું માતા તરીકેનું પાસું વિકસાવ્યું છે એ બદલ તમારી ઉપર ઈશ્વરની કૃપા હો. હવે બીજું પાસું વિકસાવવામાં સહાય કરો – પુરુષોની પત્નીઓનું.’ અને એ જ રીતે, (પૂરી સદ્‌ભાવના સાથે હું આ કહું છું કે) હિંદુ પ્રકૃતિનું માતૃત્વનું પાસું તમારા રાષ્ટ્રિય ચારિત્ર્યમાં વિકસાવો એ ઠીક થશે એમ મને લાગે છે. હું જીવનમાં પહેલીવાર શાળાએ ગયો ત્યારે મને શિખવાડવામાં આવેલી પહેલી કવિતા આ હતી :

‘જગ આખાની નારીઓ, જેને માતૃ સમાન,
ધન બીજા લોકો તણું જેને ધૂળ સમાન,
ને બીજાં સૌ પ્રાણીઓ જેને આત્મ સમાન,
તેવા માનવીને જ તું સાચો જ્ઞાની જાણ.’

સ્ત્રીનું બીજું પાસું છે તે પુરુષના સહકાર્યકરનું. આ આદર્શો હિંદુ પાસે ન હતા એવું નથી પણ, તઓ એમને વિકસાવી શક્યા નહીં.

પતિપત્નીનો એક શબ્દમાં સાથે ઉલ્લેખ હોય તેવા ચાર શબ્દો માત્ર સંસ્કૃત ભાષામાં સાંપડે છે. અમારા લગ્ન વિધિમાં જ એ બંને પરસ્પરને વચન આપે છે : ‘જે મારું હૃદય છે એ હવેથી તારું પણ થાઓ.’ એ લગ્નવિધિમાં જ પતિ ધ્રુવ તારા સામે જોઈ, પત્નીના હાથને સ્પર્શી કહે છે, ‘આકાશમાં ધ્રુવ અવિચલ છે તેમ, મારો સ્નેહ તારામાં અવિચલ હો.’ અને પત્ની પણ એમ કહે છે.

રસ્તે રઝળી દેહ વેચનાર નારી પણ પોતાની જીવાઈ માટે પતિ સામે દાવો માંડી શકે છે. અને મેળવી શકે છે. અમારી પ્રજાના અનેક ગ્રંથોમાં આ વિચારનાં બીજ રહેલાં છે પરંતુ, ચારિત્ર્યની આ દિશાને અમે વિકસાવી શક્યા નહીં.

ન્યાય તોળતી વેળા આપણે લાગણીથી ખૂબ પાર જવું જોઈએ. જગત પર માત્ર ભાવનાનું શાસન ચાલતું નથી પણ, ભાવનાની પાછળ કશુંક છે. આર્થિક પરિબળો, પ્રવર્તતા સંજોગો અને બીજી બાબતો પ્રજાઓના ઘડતરમાં પ્રવેશે છે. (નારી પત્ની તરીકે વિકાસ પામી તેના કારણોની ચર્ચા અત્યારે હું કરવા માગતો નથી.)

આમ આ જગતમાં દરેક પ્રજા વિશિષ્ટ સંજોગો હેઠળ મુકાઈ છે અને, પોતાનો પ્રકાર વિકસાવે છે; એવો દિવસ આવી રહ્યો છે જ્યારે આ બધા પ્રકારો ભળી જશે – એ ક્યારે? ‘બધાને લૂંટી મને આપો,’ એ ભાવની ભૂંડી સ્વદેશ ભક્તિ અદૃશ્ય થાશે પછી જગતમાં ક્યાંય એકપક્ષી વિકાસ થશે નહીં અને, પોતે સાચું કર્યું છે એમ દરેક પ્રજા જોશે.

ચાલો આપણે કામે લાગીએ અને બધી પ્રજાઓને એકમેકમાં ભેળવીએ અને નવી પ્રજાનું ઉત્થાન કરીએ.

મારી દૃઢ માન્યતા કહેવાની રજા મને આપશો? આજે જગતને આવરી લેતી મોટાભાગની સભ્યતા મનુષ્યોની એક જ જાતિ – આર્ય – પાસેથી આવી છે.૧૨

આર્ય સંસ્કૃતિના ત્રણ પ્રકાર જોવા મળે છે : રોમન, ગ્રીક અને હિંદુ. રોમન પ્રકારની વિશિષ્ટતા છે વ્યવસ્થા, વિજય, સ્થિરતા. પણ, એનામાં ભાવનાત્મક પ્રકૃતિનો, સૌંદર્યદૃષ્ટિ અને ઉચ્ચતર ભાવનાઓનો અભાવ છે. ક્રુરતા એ એમની ખામી છે. ગ્રીક પ્રકાર તત્ત્વત: સૌંદર્ય માટે થનગનાટવાળો છે, પરંતુ બાલિશ અનૈતિક્તાના વલણવાળો છે – હિંદુ પ્રકાર તત્ત્વત: આધ્યાત્મિક અને ધાર્મિક છે પણ, કાર્યના અને વ્યવસ્થાના બધા અંશોની ઊણપવાળો છે.

આજે એંગ્લો સેક્સનો રોમન પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે; બીજી કોઈપણ પ્રજાના કરતાં ફ્રેંચો ગ્રીક પ્રકારનું વધારે પ્રતિનિધિત્વ કરે છે; અને પુરાણા હિંદુઓ મરતા નથી? આ આશાના દેશમાં દરેક પ્રકારનાને લાભ છે. અહીં રોમનોનું વ્યવસ્થાતંત્ર છે, સૌંદર્ય માટેનો ગ્રીકનો અદ્‌ભુત પ્રેમ છે અને, ધર્મની તથા પ્રભુપ્રેમની હિંદુની કરોડરજ્જુ છે. આ ત્રણેયનું બરાબર મિશ્રણ કરી, નવી સંસ્કૃતિ પ્રગટાવો.

અને મારે કહેવું જોઈએ કે, આ કાર્ય મહિલાઓએ કરવાનું છે. અમારાં કેટલાંક શાસ્ત્રો કહે છે કે, હવે પછીનો અને છેલ્લો અવતાર (અમે દસ અવતારમાં માનીએ છીએ) નારીના રૂપમાં આવવાનો છે.

જગતમાં આપણે હજી સ્રોતો રહેલા જોઈએ છીએ કારણ કે, જગતની બધી શક્તિ ઉપયોગમાં લેવામાં આવતી નથી. અત્યાર સુધી બધો વખત માત્ર હાથ કાર્યરત હતો અને શરીરના બીજા ભાગો મૂક બેઠા હતા. દેહના બીજા અવયવોને હવે જાગવા દો ને, કદાચ, એમના સંવાદી કૃત્યથી બધી પીડા દૂર થશે. કદાચ, આ નવી ભૂમિમાં, તમારી નશોમાં નવા લોહી સાથે, તમે એ નવી સંસ્કૃતિ આણી શકો – ને, કદાચ, અમેરિકન સ્ત્રીઓ દ્વારા.

મને આ દેહ આપનાર પવિત્ર દેશની વાત કરું તો, પૃથ્વી પરની પવિત્રતમ ભૂમિ પર મને જન્મવાની તક માટે હું એ પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે ઊંડા આદરથી અને ખૂબ આભારથી જોઉં છું. આખું જગત પોતાનું મૂળ શૌર્ય કે સમૃદ્ધિ માટે પ્રસિદ્ધ પુરુષોમાં શોધે છે ત્યારે, માત્ર હિંદુઓ પોતાનું કુળ ઋષિનું હોવાનું ગૌરવ અનુભવે છે.

જીવન સાગર પર નરનારીઓને યુગોથી વહેતી આ અદ્‌ભુત નૌકાને અત્રતત્ર છિદ્રો ભલે હોય અને ભગવાન જ જાણે છે કે, એમાંનાં કેટલાં પોતાની મેળે ઉદ્‌ભવ્યાં હશે અને કેટલાં હિંદુઓ પ્રત્યે તિરસ્કારથી જોનારને કારણે.

પણ આવાં છિદ્રો હોય તો, મારા જાનને ભોગે પણ નૌકાને ડૂબતી બચાવવી તેને, એનો મામૂલીમાં મામૂલી એવો પુત્ર હું મારી ફરજ સમજું છું. અને મને લાગે કે મારા બધા યત્નો વૃથા છે તો, ઈશ્વરની સાક્ષી એ હું એમને મારા અંતરના આશીર્વાદ સાથે કહીશ : ‘મારા બંધુઓ, તમે આજે સારું કાર્ય કર્યું છે – ના, આ સંજોગોમાં બીજી કોઈ પ્રજાએ કર્યું હોય એથી ચડિયાતું. મારી પાસે છે તે સર્વ તમે આપ્યું છે. અંત સુધી મને તમારી સાથે રહેવા દો અને આપણે સાથે ડૂબીશું.’

સંદર્ભ

૯. ચાંદબીબીના યુદ્ધકૌશલથી અને હિંમતથી સૈનિકો એટલા પ્રભાવિત થયા હતા કે, તેઓ એમને ચાંદસુલતાના કહેતા.

૧૦. માતા પ્રથમ ગુરુ છે એ માટે જ નહિ પણ, સર્વને ચાહનાર દેવીસ્વરૂપ છે તેના સ્વીકારાર્થે આ રિવાજ પ્રચલિત છે.

૧૧. તૈત્તિરીય ઉપનિષદ : ૧.૧૧

૧૨. ઘણા ઇતિહાસકારો અને નૃવંશ શાસ્ત્રીઓ આજે આર્યોને એક જાતિ તરીકે નહિ પણ, એક ભાષાના ભાષકો તરીકે વર્ણવે છે. એ નોંધવું જોઈએ.

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.