બધી સ્ત્રીઓનો આદર માતા અને દેવી તરીકે કરવા તરફ ધગશવાળાં મહિલાહિતચિંતકોનું વલણ વૈશ્વિક બનતું જઈ તેનાં ઘોડાપૂર આવી રહ્યાં છે. ૧૯૮૨માં પ્રકાશિત થયેલા ધ પોલિટિક્સ ઓફ વિમેન્સ સ્પિરિચ્યુએલિટી નામના પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં નારી ચિંતક ચાર્લીન સ્પ્રેટનેક લખે છે : 

‘યહૂદી-ખ્રિસ્તી પરંપરાના દૃઢ બંધનમાં મારા જીવનનો આરંભ મેં કર્યો હતો, ગોઠવાવામાં નિરાશાજનક ખાલીપો અનુભવ્યો હતો અને અંતે, જીવનનાં આધ્યાત્મિક પરિમાણોની શોધ જાતે કરવા લાગી. નારી આધ્યાત્મિકતાનો જાગતિક અભિગમ નારીના મનનાં જેવો અને એકીકરણ કરનારો છે. પિતૃશાહી માનસને માત્ર ભેદ દેખાય છે.એટલે તો પેંટેગોન સામે અને અન્યત્ર, અમે સામૂહિક વિરોધ કરીએ છીએ અને ત્યાં ઘોષણા કરીએ છીએ કે, બીજા દેશોમાંની અમારી બહેનોનાં બાળકોની સામે યુદ્ધ કરવા માટે અમે અમારાં બાળકોને મોકલીશું નહીં. બહેનો સાથે અમને અભેદ લાગે છે. અમે એનો આગ્રહ રાખીએ છીએ.’

પ્રાચીન ગ્રીસ, રોમ, સિરિયા, લિબિયા જેવા બીજા અનેક દેશોમાં દેવીની વિભાવના જાણીતી હતી. કિંગશીપ એન્ડ ધ ગોડ્‌ઝ નામના પોતાના ૧૯૪૮ના પ્રકાશનમાં હેન્રી ફ્રેંકફર્ટે લખ્યું છે કે, ‘મેસોપોટેમિયામાં દેવી પરમ છે કારણ, સમસ્ત જીવનનો સ્રોત નારી મનાય છે.’

એચ. જે. રોઝ માને છે કે, ‘પૌરસ્ત્ય દેવીઓ….તત્વત: માતાઓ છે, પત્નીઓ નહીં.’ સ્ત્રીઓ માટે દેવી પ્રતીક પર વધારે ભાર દેવાની જરૂર નથી. ‘દેવીની મૂર્તિ અમને સ્ત્રીઓને અમારી જાતને દિવ્ય તરીકે જોવાની અને અમારા દેહને પવિત્ર તરીકે જોવાની પ્રેરણા આપે છે.’ મર્લિન સ્ટોન લખે છે, ‘સ્વર્ગમાં પિતાનું આધિપત્ય પૃથ્વી પરના પિતાના આધિપત્યનું કેવળ પ્રતિબિંબ જ છે.’ કેરોલ પી. ક્રાઈસ્ટે લખ્યું હતું, ‘નર દેવની ઉપાસના આધારિત ધર્મો એવાં ‘વલણો’ અને એવી ‘પ્રેરણાઓ’ ઊભાં કરે છે કે, સ્ત્રીઓ પુરુષોના માનસિક પરાવલંબનમાં અને પુરુષ સત્તા હેઠળ રહે.’

જે.જે. બેકોફેન અને ફ્રેંડરિક એન્જલ્સ બન્નેએ ઓગણીસમી સદીમાં ઐતિહાસિક કાનૂનો અને, ઉત્ક્રાંતિનાં વૈશ્વિક સોપાનોના ઉપલક્ષમાં વૈશ્વિક માતૃપ્રધાનતાનો ખ્યાલ રજૂ કર્યો હતો. બેકોફેને લખ્યું હતું :

‘મનુષ્યજાતની, ખાસ કરીને પુરુષોની, કેળવણી માટે માતૃપ્રધાનતા આવશ્યક છે. પુરુષના આદિમ બળને અંકુશમાં રાખી એને શુભ માર્ગે વાળવાનું છે.’

નારીહિતવાદી બીજી લેખિકા એડ્રિયેન રિચ પોતાના પુસ્તક ઓફ વિમેન બોર્નમાં લખે છે કે, જે. જે. બેકોફેને અને રોબર્ટ બ્રિફોલ્ટે અને અન્ય લેખકોએ, ‘માતા અને ગૃહની અધિષ્ઠાત્રી તરીકે સ્ત્રીને કેન્દ્રમાં રાખતી સમૃદ્ધ, પ્રાગૈતિહાસિક સભ્યતાની શોધ કરી હતી.’ અને ‘એ સભ્યતા- સંસ્કૃતિમાં મહાન દેવીઓ પણ પૂજાતી હતી; પ્રાચીન પુરાણકથાઓમાં નિયામાત ર્‌હીઆ, આઈસિસ, ઈશ્ટેવ, એસ્ટાર્ટે, સિબોલ, ડીમીટર, ડાયના, ઈફીસસની વગેરે દેવીઓ જીવનનું સનાતન દાન કરનારી અને, મૃત્યુ સહિતના ઋતનું મૂર્તિમંત સ્વરૂપ છે.’

મહાદેવી જગજ્જનનીની વૈશ્વિકતાનો ઇતિહાસ માંડતાં, નારીરૂપમાં જોઝેફ કેમ્પબેલને માનવજાતના ‘પ્રથમ ઉપાસ્ય રૂપો જોવા મળે છે. પ્રાચીન ઇતિહાસનાં પૃષ્ઠો ભરતી અનેક દેવીઓની વાત ચાર્લીન સ્પ્રેટનેક કરે છે. એ દેવીઓ ‘એનેટ, એફ્રોડાઈટ, આર્ટેમિસ, એશેરાહ, એસ્ટ્રેય્‌ટ, એથીના, તારા, થેમીસ, શ્વેતાદેવી અને અન્ય છે.’

પંદરમી સદીના જાણીતા ખ્રિસ્તી ધર્મગ્રંથના લેખકે લખ્યું છે:

‘તમને હું મુક્તિનો કે, વૈરાગ્યનો, બીજો પંથ બતાવું? તમારી કાકલૂદીઓ વડે તમારા સર્જકને ફરજ પાડો કે તમારા અંતિમ ધ્યેયથી તમે વિચલિત ન થાઓ, બધી દૈવી શક્તિઓને, બધા સંતોને અને ખાસ તો, પરમ વિશુદ્ધ પ્રભુનાં માતાને પ્રભુ સમક્ષ તમારે માટે વચ્ચે પડવા કહો.’

પોતાના પશ્ચિમના પ્રવાસ દરમિયાન, ભૂમધ્ય સમુદ્રના દેશોમાં ઈશ્વરના માતૃત્વનો ખ્રિસ્તીઓમાં થતો મહિમા વિવેકાનંદે જોયો. એમણે લખ્યું : ‘જિહોવા, જિસસ અને ટ્રિનિટી – ત્રિમૂર્તિ – ગૌણ છે; ઉપાસના માની છે – બાળ જિસસને કાંખમાં તેડેલ માની. શહેનશાહ પોકારે છે ‘મા’, ફીલ્ડમાર્શલ – રણવીર – પોકારે છે ‘મા’, ધ્વજધારી સૈનિક પોકારે છે ‘મા’, સુકાન હાથમાં ધારણ કરનારો પોકારે છે ‘મા’, ફાટેલા વાઘાવાળો માછીમાર પોકારે છે ‘મા’, શેરીનો ભીખારી પોકારે છે ‘મા’….દરેક સ્થળે, દિનરાત, એક જ પોકાર છે: એવ મારિયા’, ‘એવ મારિયા – હે માતા મેરી. 

‘ઈસુ ખ્રિસ્તમાં નર કે નારી જેવું કશું ન હતું,’ એમ એક સ્ત્રી કહે છે. એક નારીહિતચિંતક કહે છે કે, ‘બધી દેવીઓને ખોળામાં બાળક સાથેની કુમારી મેરીમાં પરિવર્તિત કરવામાં આવી હતી.’

પરંતુ, સમય જતાં માતૃપૂજા ડાકણવેડા સાથે જોડાઈ ગઈ અને, સ્પ્રેટનેક અનુસાર, ‘યુરોપમાં ૧૩મીથી ૧૭મી સદી સુધીમાં, ઓછામાં ઓછી ૩૦૦૦ સ્ત્રીઓને ડાકણ માની બાળી નાખવામાં આવી હતી. ધાર્મિક સુધારણાના યુગ સુધીમાં કોન્વેંટો બંધ કરી દેવાયાં હતાં, ચર્ચમાં જ મુખ્યત્વે અપાતું સ્ત્રી શિક્ષણ અટકાવી દેવામાં આવ્યું હતું. યુનિવર્સિટીઓ અને ગિલ્ડો (ધંધાકીય મહાજનો)માંથી અને અધ્યાપકો થવામાંથી સ્ત્રીઓને બાકાત રાખવામાં આવી હતી. સ્ત્રીઓના મિલકતના અધિકાર છીનવી લેવાયા હતા અને ‘પુરુષોને નિત્ય અધીન અને આશ્રિત તરીકે રહેવાનો એક માત્ર વિકલ્પ’ રહ્યો હતો. હેલિસ ઈગલહાર્ટ લખે છે:

‘પશ્ચિમમાં ચૈતસિક વિરોધ એટલો બધો છે કે, આત્મા શું છે તેની અમને ભાગ્યે જ જાણ છે. યહૂદી-ખ્રિસ્તી-મુસ્લિમ ધર્મોની આ ઈજારાશાહીની સામાન્ય સમજણ મુજબનો ધર્મ પાપ, દોષ, અધિકારવાદ, ભય, અને, આત્મજ્ઞાન, આત્મ અને પર પ્રીતિ અને આંતરિક શક્તિ સાથે સંધાન સિવાયના ભાવિ કલ્યાણનાં વચનો આપે છે.’

બીજી નારીહિતવાદી મહિલા જયુદી શિકાગો લખે છે:

‘સામાજિક અને રાજકીય પરિબળો પર પુરુષોએ અંકુશ પ્રાપ્ત કર્યો તેવી જ દેવીશક્તિમાં ઓટ આવી કે એ નાશ પામી. આ દેવીની મૂળ કલ્યાણકારી શક્તિ નકારાત્મક, વિનાશક કે દુષ્ટ ગણાઈ. યહૂદી વડીલો દેવી ઉપાસનાનો નાશ કરવામાં સફળ થયા પછીથી સ્ત્રીઓ જંગમ મિલકત બની ગઈ.’

સ્ત્રીઓના ‘જોરદાર કૃત્રિમ ઘડતર’ છતાં સ્ત્રીઓ દ્વારા જ એક નવીન અને ઉગ્ર ચેતના પ્રકટી રહી છે. ઈલીઝાબેથ ગોલ્ડ ડેવિઝના પુસ્તક ધ ફર્સ્ટ સેક્સમાં વ્યાવહારિક અને આધ્યાત્મિક જ્ઞાનની એક માત્ર ધારણ કરનાર તરીકે સ્ત્રીઓને દર્શાવવામાં આવી છે. નાઓમી ગોલ્ડન બર્ગ માને છે કે થીઓલોજી – ધર્મ – શબ્દ ગ્રીક ધાતુ થીઓ (દેવ) પરથી બન્યો છે. એથી ઊલટું, થીઆ નો અર્થ દેવી થાય છે. માતૃપ્રધાન ધર્મ માટે થીઓલોજી – Thealogy -હોવો જોઈએ, થીઓલોજી નહીં, એમ એ સૂચવે છે. નારીહિતવાદીઓ જણાવે છે કે, મા અને કાદવ – મધર અને મડ-શબ્દો ઘણી ભાષાઓમાં ખૂબ નિકટના છે : matter, madre, mater, materia, moeder, modder.

રાષ્ટ્રને માતા માનવાનો ખ્યાલ ભારતીય વિશિષ્ટતા છે અને,એણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્‌ઘોષ ‘વંદે માતરમ્‌’ ને જન્મ આપ્યો હતો. ‘સીરીયલ’ – (Cereal) – શબ્દ દેવી ડિમિટ્ર માટેના લેટિન શબ્દ સેરેસ – Ceres – પરથી બન્યો છે. ડિમિટ્ર સંસ્કૃત ધારિત્રીને મળતો શબ્દ છે. ‘યુકેરિસ્ટ’ શબ્દ બીજી દેવી ‘કોરિસ’ (Chiris)ના નામ પરથી નિષ્પન્ન થયો છે. હેલન ડાઈનર અને ઈલીઝાબેથ ગોલ્ડ ડેય્‌વિઝ ભારપૂર્વક કહે છે કે, સ્ત્રીઓ માતા તરીકે પૂજાતી હોય એવા સમાજો હતા અને આજે પણ છે; સ્ત્રીઓના આધિપત્ય વાળા અને સ્ત્રીઓ પ્રત્યે ઊંડો આદર દાખવતાં આ સમાજ સ્ત્રીરાજ્ય Gynarchy તરીકે ઓળખાય છે. બીજી નારીહિતવાદી બાબા કોપર લખે છે, ‘નારી અધ્યાત્મનું ઊપસતું ચિત્ર માતૃત્વની અનુભૂતિને રંગે રંગાયું છે ને એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધી સ્ત્રીઓનાં ચારિત્ર્યને અસર કરે છે.’

મહાપ્રસ્થાનમાં અને પુરુષ હેગેડેહમાં લખ્યું છે: ‘દરેક પેઢીમાં દરેક માણસે યાદ રાખવાનું છે કે પોતે મિસરમાંથી આવ્યો છે…. અને તારા પુત્રને તારે કહેવાનું છે.’ ‘એમાં સ્ત્રીઓનો ઉલ્લેખ કેમ નથી? સ્ત્રીઓએ પોતાની પુત્રીઓને એમ શા માટે નહીં કહેવાનું?’ આમ બીજા લેખક પૂછે છે. આજે રૂઢિચુસ્ત સ્ત્રીઓ પણ ‘નવા વિધિઓ શોધે છે.’ અને પુરુષલક્ષી વિધિવિધાનોથી અલગ નવા વિધિઓ અપનાવે છે.

સ્પ્રેટનેક લખે છે કે,

‘સ્ત્રીઓના અધ્યાત્મના માળખાને અનુલક્ષી રચાયેલા પૂજોપચારો રૂપ અને તત્ત્વમાં, આપણે જે વડીલશાહી રૂપો હેઠળ ઉછર્યાં છીએ તે પોકળ ચડઉતર ક્રમથી ભિન્ન છે. મૂલ્યોના સાર્થક કેન્દ્રમાંથી સહજ વિકસતી સાજા કરતી, બળવાન કરતી અને સર્જક શક્તિનો તેમાં સમાવેશ થાય છે.’

ધ્યાન દ્વારા સ્ત્રીના જીવનમાં વિકસતી વ્યક્તિગત શક્તિ વિશે હેલી ઈગલહાર્ટ લખે છે:

‘પુરુષો બુદ્ધિવાદી, અલગતાવાદી અને આક્રમક બને તે રીતે તેમનો ઉછેર કરવામાં આવે છે ત્યારે, સ્ત્રીઓનો ઉછેર એ રીતે કરવામાં આવે છે કે તેઓ શાંત, અંતર્મુખી, સંસ્કારપટુ, અને આંતરપ્રેરણાવાળી બને. શ્રદ્ધા શોધવામાં અને આપણા આંતરિક જ્ઞાનને વ્યક્ત કરવામાં સહાયરૂપ થાય તેવા ધ્યાનની આપણને જરૂર છે…. એકલા અને સામૂહિક ધ્યાન દ્વારા આપણે એવું દર્શન ઘડીએ કે, જે પ્રકારના જગતમાં આપણને જીવવું છે તેવું આપણે સર્જી શકીએ; આ માટે જગતને તોડી પડાય ત્યાં સુધી વાટ જોવાની આપણે ઇચ્છા રાખીએ છીએ તેવાં આપણે થઈએ.’

વેદોત્તર કાળમાં પુરોહિતગીરીના દબાણ હેઠળ,ધીમે ધીમે, સ્ત્રી પાછળ ધકેલાઈ ગઈ. વેદ પઠનનો તથા ગીતાપઠનનો એનો અધિકાર છીનવી લેવાયેા. ગાયત્રી કે ૐ બોલવાની પણ એને મનાઈ ફરમાવાઈ. ધર્મસિંધુ નામની સ્મૃતિમાં ભેદ પર ભાર મૂકતા એક શ્લોકમાં સ્ત્રીઓને શાલિગ્રામ કે શિવલિંગની પૂજા તેમને સ્પર્શ્યા વિના, દૂરથી કરવાનું ફરમાવવામાં આવ્યું છે. શ્રીરામકૃષ્ણના આગમન પછી આ પરંપરાઓ તોડવામાં આવી.

શ્રીરામકૃષ્ણની મા કાલીની આજીવન ભક્તિમાં અને, વિશેષ તો, પોતાનાં પત્ની શારદાદેવીને કરેલા આધ્યાત્મિક સમર્પણમાં, વિશ્વસંસ્કૃતિના આ ચક્રમાં, ઊર્ધ્વતમ આધ્યાત્મિકતા પર આધારિત માતૃશક્તિની પુનર્જાગૃતિ વિવેકાનંદને પ્રાપ્ત થઈ હતી.

પોતાની કૃપાળુ મા કાલી સાથે શ્રીરામકૃષ્ણ ઐતિહાસિક અવતાર-રમત રમ્યા તેને એક સો વીસ વર્ષ વીતી ગયાં છે. આજે હોલીવૂડમાં પણ કાલીની પૂજા થાય છે. રક્તપિપાસુ દેવી કાલી એક વેળા ખૂનીઓ કે ચમત્કારવાંછુઓની આરાધ્ય દેવતા મનાતી હતી તે, એના પુત્ર રામકૃષ્ણની સાથે એકરૂપ મનાઈ છે; વૈશ્વિક પ્રેમ અને બધા ધર્મોની સંવાદિતાની એમની વિશાળ પાંખો હેઠળ. નાતજાત કે ધર્મના ભેદભાવ વિના સમસ્ત માનવજાત એક કુટુંબ બની રહી છે.

વીસમી સદીના આરંભમાં પણ કાલીને દાનવ સમાન ગણવામાં આવતી હતી. કલકત્તાની સ્કોટિશ ચર્ચ કોલેજ સાથે સંકળાયેલા એક પાશ્ચાત્ય લેખકે ૧૯૨૦માં બંગાળ જોયા પછી લખ્યું હતું: ‘કેટલાંક લોકપ્રિય દેવદેવીઓ ખરે જ દાનવો જેવાં છે અને, એમની ઉપાસના એમને પ્રસન્ન કરવા માટેની જ છે. કાલીની ભયંકર પ્રતિમાને ‘મા’ કહી પ્રેમથી સંબોધતી તે એની પૂજા કરતી હિંદુ સ્ત્રીની ચેતના એવી સંશયની બાબત જ છે…જેમનું જીવન લૂંટ, ખૂન અને એવી બીજી સમાજ વિરોધી પ્રવૃત્તિઓને અર્પિત છે એવા લોકો પૂજા દ્વારા એની સહાય યાચે છે.

આજે કાલીને પ્રત્યેક નારીમાં રહેલી અનંત શક્તિની સમાન માનવામાં આવે છે. નારીહિતવાદી બાર્બરા સ્ટારેટ લખે છે :

‘તીવ્રતા દ્વારા મન પોતાના વિચારો ઘડે છે. આ સર્જકતા છે અને, એની શક્યતાઓ અમર્યાદ છે (પૃ. ૧૯૧). એ થવાની વિકસવાની, મર્યાદાઓ પાર જવાની એ સનાતન ઝંખના છે, આત્માની જ્ઞાનતૃષા, સર્જનપિપાસા અને પરિવર્તનેચ્છા છે. આપણી અંદર રહેલી કાલી એ છે.’

વિવેકાનંદ કહેતા કે, ‘દરેક અવતાર, પ્રગટ કે પ્રચ્છન્ન, માની ઉપાસના કરતો, નહીં તો, એને શક્તિ ક્યાંથી સાંપડે?’ પશ્ચિમમાં કોઈએ વિવેકાનંદને પૂછ્યું કે, ‘તમે સંન્યાસી કેમ થયા?’ ત્યારે, તેમણે કહ્યું કે, ‘પ્રત્યેક નારીમાં મને દિવ્ય માના દર્શન થતાં હોય પછી મારે શા માટે પરણવું?’ એમને સાંભળીને પશ્ચિમમાં કોઈએ લખ્યું હતું, ‘મા પવિત્ર છે. સ્વામીના મનમાં દેવના પિતૃત્વ કરતાં એનું માતૃત્વ સવાર છે.’ સહસ્રદ્વીપ ઉદ્યાનમાં પોતાનાં શિષ્યોને સ્વામીજીએ કહ્યું હતું: ‘આપણી પાર્થિવ માતામાં જગન્માતાના કેવળ એક સ્ફુલિંગની ઉપાસના મહત્તા બક્ષે છે. તમારે પ્રેમ અને જ્ઞાન પ્રાપ્ત કરવાં હોય તો એની ભક્તિ કરો.’ પૂજ્ય શારદામાએ પોતે પણ ઉચ્ચાર્યું હતું : ‘આ જગતનાં તમામ પ્રણીઓમાં ઠાકુરને માતૃભાવ હતો. આ માતૃભાવને અભિવ્યક્ત કરવા માટે આ વેળાએ મને રાખી ગયા છે.’

કાશ્મીરમાં ક્ષીરભવાની મંદિરમાં આ સર્વશક્તિમાન માતૃશક્તિને વિવેકાનંદે આત્મસમર્પણ કર્યું હતું. અને તેમણે બેલુડમાં રામકૃષ્ણ મઠના શ્રી ગણેશ કર્યા ત્યારે, પૂજ્ય શારદામાના સ્વરૂપ દ્વારા તેમણે દેવીના આશીર્વાદ વાંછ્યા હતા. વિવેકાનંદ નિત્ય જેમનું સ્વપ્ન જોતા તે ‘શક્તિની ઉપાસના’ ત્યાં કરવામાં આવી હતી અને પયગંબરે જાતે અક્ષરશ: પૂજ્ય માની અર્ચા કરી હતી. પૂજ્ય શારદામાના સ્વરૂપ દ્વારા વિશ્વજનનીના આશીર્વાદની યુગવર્તી શક્યતા વિવેકાનંદ જાણતા હતા.

પત્નીત્વ કરતાં માતૃત્વનું વિવેકાનંદ હંમેશાં વધારે ગૌરવ કરતા. પાશ્ચાત્ય શ્રોતાઓને એ વારંવાર કહેતા કે, સ્ત્રીત્વનો પાશ્ચાત્ય આદર્શ પત્નીનો છે ત્યારે, પૂર્વનો માતાનો છે.

‘અમારા કુટુંબમાં માતા દેવ છે. ખ્યાલ એ છે કે, જગતમાં આપણે જે સાચો, નિ:સ્વાર્થ પ્રેમ વરસાવતી માતા છે. અને માતામાં જોવા મળતા પ્રેમ કરતાં બીજો કયો પ્રેમ ઈશ્વરના પ્રેમનું પ્રતિનિધિત્વ કરી શકે? આમ હિંદુને મન એ પૃથ્વી પર ઈશ્વરનો અવતાર છે.’

શ્રીમતી ઓલે બુલ, શ્રીમતી સેવિયર કે નિવેદિતા સમાં પાશ્ચાત્ય શિષ્યાઓમાં સમાજનું રક્ષણ અને ધારણ કરી શકે તેવી માતૃશક્તિનો જન્મ સ્વામીજીને દેખાયો. સ્વામીજીનાં વિશ્વાસુ માતા મિસિસ બુલ ૧૮૯૮માં ભારત છોડી સ્વદેશ જતાં હતાં ત્યારે, સ્વામીજીએ તેમને લખ્યું: ‘આ પૂર્વે મને તમારે માટે માત્ર પ્રેમ હતો પણ, તાજેતરની ઘટનાઓએ પુરવાર કર્યું છે કે, મારા જીવન ઉપર ધ્યાન રાખવા માએ તમારી નિમણૂક કરી છે. એટલે પ્રેમમાં શ્રદ્ધા ઉમેરાઈ છે!’ એક વર્ષ પછી, ૧૮૯૯ના નવે.ની પાંચમી તારીખે ચિંતાને પહાડે થી, ભગિની નિવેદિતા અને મિ.ઓલે બુલને પોતાના શિર પરની બધી જવાબદારીઓનો ભાર નાખવા તૈયાર થઈ ગયા હતા.

અમેરિકામાં, રિજલી મેનરમાં, દિવ્યાર્પણ ભાવમાં સ્વામીજીએ તેમને આશીર્વાદ આપી કહ્યું: ‘શ્રીરામકૃષ્ણે મને જે આપ્યું છે તે સર્વ હું તમને આપું છું. નારી (માતાજી) પાસેથી જે મળ્યું હતું તે તમને, બે મહિલાઓને હું આપું છું. એનાથી જે થઈ શકે તે તમે કરો. મા પાસેથી, નારી પાસેથી જે મળ્યું તેને રાખવા માટે સ્ત્રીના હાથ જ ઉત્તમ છે.’

વિવેકાનંદના અવસાન પછી, એમનાં આધ્યાત્મિક પુત્રી નિવેદિતા, ટાગોરને લાગતું હતું તેમ, ભારતના મંચ પર લોકમાતા તરીકે બહાર આવ્યાં. એમના જીવને ભારતમાતાના પ્રસિદ્ધ ચિત્રને પ્રેરણા આપી હતી. અરવિંદ ઘોષ જેવા સ્વાતંત્ર્યવીરો, કટોકટીની પળોમાં એમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન લેતા. પોતાની પ્રસિદ્ધ શોધો માટે કેવળ પૈસા માટે જ નહીં પણ, વનસ્પતિજીવન પરના પોતાના અદ્‌ભુત ગ્રંથના સંપાદન માટે પણ, જગદીશચંદ્રે આ માતૃમૂર્તિની સહાય લીધી હતી. એક શબ્દમાં કહેવું હોય તો કહી શકાય કે, એમના અનેક સમકાલીન મહાપુરુષોની દૃષ્ટિએ, નવપ્રફુલ્લ મા ભારતીના પ્રતીક તરીકે નિવેદિતા પ્રગટ થયાં હતાં. એક બૌદ્ધિક દૃઢતા અને અર્વાચીન અભિગમ સાથે, ભારતીય નારીનાં આભિજાત્ય અને પાવિત્ર્યનો સુભગ સમન્વય કરી નિવેદિતા પ્રગટ થયાં હતાં.’

૧૮૯૫માં, અમેરિકામાં, સહસ્રદ્વીપ ઉદ્યાનમાં, વિવેકાનંદ બોલ્યા હતા:

‘આ યુગમાં, અનંત શક્તિરૂપિણી ‘મા’ તરીકે ઈશ્વરની ઉપાસના થવી જોઈએ, આથી શુદ્ધિ આવશે અને, અહીં અમેરિકામાં પ્રચંડ શક્તિ પ્રકટશે. આપણે વેદાંતી થવાનું છે અને આ ઉત્તમ વિચાર અનુસાર જીવવાનું છે, સામાન્ય જનતાને એ મળવો જોઈએ અને માત્ર અમેરિકામાં જ એ બની શકે તેમ છે. લોકો વેદાંત અનુસાર જીવે એ આવતી સદીમાં દેખાવું જોઈએ અને, આ માત્ર સ્ત્રીઓ દ્વારા જ આવી શકે.’

બાહોશ મહિલા વહીવટદારો, રાજકારણીઓ, વૈજ્ઞાનિકો, લેખકો અને આધ્યાત્મિક ગુરુઓની સંખ્યામાં વૃદ્ધિ આ આર્ષવાણીનું સત્ય ધીમે ધીમે પુરવાર કરે છે.

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.