સ્વામી જિતાત્માનંદજીના મૂળ બંગાળી પુસ્તક ‘યૌવનેર પૂર્ણતાર પ્રતિમૂર્તિ – સ્વામી વિવેકાનંદ’માંથી શ્રી મનસુખભાઈ મહેતા અને બ્રહ્મ. રમાનાથ ચૈતન્યે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ઉપનિષદ કહે છે: ‘ૐના જપથી મનુષ્ય અનંત આત્માને સ્પર્શી શકે છે. આ ૐનો જપ મનુષ્યને ધ્યાનના સ્તરે પહોંચાડી દે છે. આત્મસ્વરૂપના ચિંતન તેમજ ધ્યાનના મહિમાનું વર્ણન કરતી વખતે કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદે આપેલ ‘ધ્યાન’ નામના પ્રવચનમાં કહ્યું છે: 

‘જેટલીવાર તમે ધ્યાન કરો તે તે વખતે ધ્યાનમાં તમને ઉન્નતિ મળશે. પ્રત્યેક ધ્યાન જ પ્રત્યક્ષ રીતે અંતર્નિહિત અનંતચૈતન્યનો અભ્યુદય છે. સંપૂર્ણપણે મનસંયોગ થવાથી આત્મા પોતાના સ્થૂળ દેહના બંધનથી મુક્ત બને છે. મનુષ્ય પોતાના વાસ્તવિક સ્વ-રૂપને ઓળખી શકે છે. જે ઇચ્છીએ છીએ તે જ સામે આવીને ઊભું રહે છે. શક્તિ અને જ્ઞાન તો અંતરમાં જ હતાં. માણસ પોતાના અજ્ઞાનને કારણે શક્તિહીન જડ પદાર્થની સાથે પોતાની અભિન્નતા અનુભવે છે, એટલે જ તે રડે છે. જેણે ઈશ્વરને જાણ્યો છે તે પોતે ઈશ્વર બની ગયો છે. આવા એક બંધનહીન મુક્ત આત્મા માટે કંઈ પણ અસંભવ નથી.’

પૃથ્વીના ઇતિહાસમાં ભગવાન બુદ્ધ પછીના સર્વશ્રેષ્ઠ ધ્યાનસિદ્ધ મહાપુરુષ સ્વામી વિવેકાનંદ છે, એ વાત સર્વસ્વીકૃત છે. ઉચ્ચતમ ધ્યાન કે સમાધિ એ એમની જન્મજાત સંપદા હતી. ૧૯૦૦માં સાન્ફ્રાન્સિસ્કોના પાશ્ચાત્ય લોકોને એમણે સહજસરળ ભાષામાં ધ્યાનનું તત્ત્વ સમજાવ્યું છે. તેઓ કહે છે : ‘ધ્યાન એટલે આત્મા પર સ્થિત-સ્થિર રહેવાનો પ્રયત્ન, એમ હું સમજું છું. આત્મા જ્યારે પોતાના અનુધ્યાનમાં વ્યાપ્ત બની જાય અને સ્વમહિમામાં પ્રતિષ્ઠિત થાય, એ અવસ્થા જ નિશ્ચિત રૂપે સુસ્થતમ અવસ્થા છે. એક ચિંતનધારા દ્વારા ધ્યાનમાં પહોંચી શકાય છે.’

‘ધ્યાનનો અર્થ મનને પાછું વાળીને પોતાના ઉપર જ એકાગ્ર કરવું એમ કરવામાં આવે છે. મન અંદરની બધી વૃત્તિઓને (વિચારતરંગોને) અટકાવી દે, એટલે જગત અનુભવમાં આવતું અટકી જાય છે. તમારી ચેતના વિકાસ પામે છે. જ્યારે જ્યારે તમે ધ્યાન ધરો, ત્યારે ત્યારે દરેક વખતે તમારો વિકાસ કરતા જજો. જરા વધારે પરિશ્રમપૂર્વક અભ્યાસ કરતા રહેજો, એટલે ધ્યાનની અવસ્થા આવશે. તમને દેહનો કે બીજા કશાનો અનુભવ જ નહિ થાય, કલાકેકની ધ્યાનાવસ્થા પછી જ્યારે તમે તેમાંથી બહાર આવશો, ત્યારે તમને તમારા જીવનના સુંદરમાં સુંદર આરામની અવસ્થાનો અનુભવ થયો લાગશે. તમારા શરીર યંત્રને સારામાં સારો આરામ આપવાનો એકમાત્ર રસ્તો તે છે, ગાઢમાં ગાઢ નિદ્રા પણ તમને એવો આરામ નહિ આપે. ગાઢમાં ગાઢ નિદ્રામાં સુધ્ધાં મન કૂદ્યા જ કરતું હોય છે; માત્ર ધ્યાનમાં પેલી થોડીક મિનિટો દરમિયાન જ મગજ લગભગ બંધ પડે છે, માત્ર એક જરાક જેટલી પ્રાણશક્તિ ચાલતી હોય છે. ત્યારે તમે શરીરને ભૂલી જાઓ છો; ત્યારે તમને કાપીને કોઈ ટુકડા કરી નાખે છતાં પણ જરાય ખબર નહિ પડે; તમને એ અવસ્થામાં અદ્‌ભુત આનંદ આવશે અને તમે પોતાને સાવ હલકા ફૂલ હો, તેવું અનુભવશો. ધ્યાનમાં આપણને આવો સંપૂર્ણ આરામ મળે છે.’ (ધ્યાન: તેની પદ્ધતિ, પૃ.૩૪)

અનંત જ્ઞાન સ્વરૂપ, અનંત શક્તિ સ્વરૂપ, અનંત આનંદ સ્વરૂપ, આત્માનું ધ્યાન કરવા માટે તેઓ પોતાના શિષ્યોને પ્રેરતા રહેતા. છાંદોગ્ય ઉપનિષદ અનંત આત્મસ્વરૂપના ગુણગાન કરતાં કહે છે : ‘आत्मैवेदं सर्वमिति स वा एष एवं पश्यन्नेवं मन्वान् एवं विजानन्नात्मरतिरात्मक्रीड आत्ममिथुन आत्मानंदः स स्वराट् भवति। तस्य सर्वेषु लोकेषु कामचारो भवति…’ ‘આ સર્વ કંઈ આત્મા જ છે; જે લોકો એવું જુએ છે, એવું મનન કરે છે, એવું જાણે છે, જે આત્મામાં રત રહે છે, આત્મા સાથે જ ખેલે છે, આત્મામાં જ જે મિલનસુખનો આનંદ અનુભવે છે, આત્મામાં જ જેમનો આનંદ છે તે સ્વરાટ્‌, સ્વાધીન બને છે અને એની ઇચ્છા કરવાથી જ અબાધ રીતે સર્વલોકમાં વિચરી શકે છે.’ સ્વામીજીએ કહ્યું છે :

‘આધ્યાત્મિક જીવન માટે ધ્યાન એ સૌથી વધુ મદદરૂપ છે. ધ્યાનમાં આપણે ભૌતિક પરિસ્થિતિમાંથી છૂટા થઈ જઈએ છીએ, અને આપણા દિવ્ય સ્વભાવનું આપણને ભાન થાય છે. ધ્યાનમાં આપણે કોઈ બહારની મદદ ઉપર આધાર રાખતા નથી. આત્માનો સ્પર્શ ખૂબ જ અંધકારમય જગ્યાને પણ ઘણા જ ઉજ્જ્વળ રંગોથી રંગી શકે છે; ખરાબમાં ખરાબ વસ્તુને પણ તે સુગંધિત બનાવી શકે છે; પાપીને પણ તે દિવ્ય બનાવી શકે છે – ને એથી બધું વેર, ઝેર બધો સ્વાર્થ અદૃશ્ય થઈ જાય છે. (ધ્યાન: તેની પદ્ધતિ, પૃ. ૩૦)

મૃત્યુના પાંચ વર્ષ પહેલાં જ સ્વામીજીએ આ પૃથ્વી પર આવનાર તીવ્ર સ્પર્ધાત્મક જીવનની તસવીરને જોઈને પોતાના મદ્રાસના ભાષણમાં ભારતવાસીઓને સાવધાન કરી દીધા હતા :

‘પ્રતિદ્વન્દ્વિતાનું મહાન શક્તિશાળી યંત્ર બધાનો ધ્વંશ કરી નાખશે. જો આપણે બચવું જ હોય તો આ નવી પ્રતિદ્વન્દ્વિતા પર આધારિત વિશ્વ માટે તૈયાર થવું પડશે.’

પોતાના અવસાનના અઢી વર્ષ પહેલાં જ ૨૭ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ ભગિની નિવેદિતાએ ભગિની ક્રિસ્ટીનને લખેલા પત્રમાં સ્વામીજીની આ ભવિષ્યદૃષ્ટિની એક ઝલક જોવા મળે છે :

‘તેઓ માનવજાતિની પ્રયોજનીયતાને એક સંપૂર્ણ ભિન્ન દૃષ્ટિકોણથી જુએ છે. જે તત્ત્વો દ્વારા મનુષ્યની મદદ થઈ શકે એ તત્ત્વો વિશે તેઓ મક્કમ હતા. પરંતુ આજે કેટલાક કલાક એમણે આ તત્ત્વ કઈ રીતે અને કયા પથે કામમાં લાવી શકાય તેની ચર્ચા કરવામાં વિતાવ્યા. આજ સુધી એમણે જે (આધ્યાત્મિક) તત્ત્વ જાણ્યું છે તે માત્ર નિર્જન ગુફાવાસી સાધક માનવ માટે જ હતું. પરંતુ સ્વામીજી માનવસમાજને ઉદ્વેગહીન કરવા માટે આ ઉદ્વેગમય દૈનંદિન જીવન જીવતાં માનવસમાજમાં શક્તિનું જાગરણ કરી શકે એવું કંઈક આપશે.’

સ્વામી વિવેકાનંદે પોતે પોતાના અત્યંત સંઘર્ષપૂર્ણ અને ઉદ્વેગમય જીવનમાં પોતાના ચરિત્રખંડનથી માંડીને વિના આહારે મૃત્યુ સુધીની દુદર્શાને પોતાની સગી આંખે જોયેલ છે. આમ છતાં પણ તેઓ ક્યારેય ઝૂક્યા નહિ, રણક્ષેત્રમાંથી તેઓ ક્યારેય પીઠ ફેરવીને ભાગ્યા નહિ; કારણ કે તેઓ નિત્યધ્યાનની મદદથી પોતાની ભીતરની અનંત શક્તિની સાથે સદૈવ જોડાયેલા રહેતા. આત્માની સાથે સંલગ્ન રહેવાથી જ માનવને શક્તિ સાંપડે છે. એનું કારણ એ છે કે આત્મા તો શક્તિનો મહાસાગર છે. સ્વામીજી કહે છે : ‘Go forth into the Eternal and come back with eternal energy.’ ‘અનંતમાં ચાલ્યા જાઓ અને શાશ્વતશક્તિ સાથે પાછા ફરો.’ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક પોલ ડિરાકે બતાવ્યું છે કે આપણે બધા એક શક્તિના મહાસાગરમાં રહીએ છીએ. એને પદાર્થવિજ્ઞાનની ભાષામાં Dirac Sea of energy ‘ડિરાકનો શક્તિસાગર’ કહેવાય છે. આ વિશાળ શક્તિસાગર આપણને હંમેશાં ઘેરીને રહેલો છે. પ્રાણા: વૈ સત્યમ્‌ – પ્રાણ એ જ સત્ય (બૃહદારણ્યક ઉપનિષદ) ૐના જપ અને ધ્યાનની મદદથી મનુષ્ય એ શક્તિ સાથે પોતાની જાતને જોડી શકે છે. ત્યાર પછી ધ્યાન ગહનગંભીર બનતાં સમાધિના સોપાન પર ઉન્નત થઈને મનુષ્ય ઈંદ્રિયાતીત, જગદાતીત (transcendental) આનંદ, જ્ઞાન, શાંતિ, દિવ્યજીવનથી પરિપૂર્ણ બનીને દેવજીવનમાં – ખ્રિસ્ત-બુદ્ધ સમાન જીવનમાં ઉન્નત બને છે. સ્વામી વિવેકાનંદે અમેરિકાની ભૂમિ પર વારંવાર આ જ ધ્યાનશક્તિને પ્રકાશિત કરી છે. વેદાંતના અનુરાગી અમેરિકનોને ૐનો જપ કરાવીને ધ્યાનના આનંદથી પૂર્ણ બનાવી દીધા.

જો ધ્યાનમાંથી નિષ્પન્ન થયેલ શક્તિ ભોગમુખી હોય તો પછી માણસ વળી પાછો દુ:ખ સાગરમાં ડૂબી જવાનો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે:

‘જ્ઞાન એ જ શક્તિ છે, અને જેવું આપણે એક વસ્તુ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા લાગીએ કે તરત જ આપણને તેના પર સત્તા મળવા લાગે છે તેવી જ રીતે મન જ્યારે જુદાં જુદાં તત્ત્વો પર ધ્યાન કરવા લાગે છે ત્યારે તે તેમના પર શક્તિ મેળવે છે. જે ધ્યાનના પ્રકારમાં બહારનાં સ્થૂળ તત્ત્વો ધ્યાનનો વિષય હોય છે તે ધ્યાનને ‘સવિતર્ક’ કહેવામાં આવે છે. વિતર્ક એટલે પ્રશ્ન; સવિતર્ક એટલે પ્રશ્નસહિત; એટલે કે જાણે કે તત્ત્વોને પ્રશ્ન પૂછવો કે તેઓ પોતા વિશેનાં સત્યો અને પોતાની શક્તિઓ તેમના પર ધ્યાન કરનારને આપી દે. પણ એ સિદ્ધિઓ મેળવવાથી મુક્તિ નથી મળતી. એ સિદ્ધિઓ એટલે સંસારના ભોગોની જ શોધાશોધ. પણ આ જિંદગીમાં સુખભોગ જેવું છે જ નહિ; સુખભોગ માટેની સઘળી શોધ વ્યર્થ છે; આ એક પ્રાચીનમાં પ્રાચીન પાઠ મનુષ્યને મળતો રહ્યો છે, પણ તે શીખવાનું અતિશય કઠણ પડે છે. પણ જ્યારે તે ખરેખર શીખે જ છે, ત્યારે તે પ્રકૃતિના પંજામાંથી નીકળી જાય છે અને મુક્ત થાય છે. જેને સિદ્ધિઓ કહેવામાં આવે છે તે મેળવવી એટલે સંસારબંધન વધુ મજબૂત કરવું, અને અંતે દુ:ખ વધારવું. જો કે એક વૈજ્ઞાનિક તરીકે પતંજલિને આ વિજ્ઞાનની શક્યતાઓ તરફ નિર્દેશ કરવો પડે છે ખરો, પણ એ સિદ્ધિઓ સામે આપણને સાવચેત કરવાની એક પણ તક તે ચૂકતા નથી.’ (રાજયોગ, પૃ. ૭૬).

મનુષ્ય જે વિષયનું ધ્યાન કરે છે એવું જ એનું મન રહે છે. કઈ વસ્તુ પર ધ્યાન કરવું ઉચિત ગણાય? પતંજલિ યોગસૂત્રની વ્યાખ્યા કરતી વખતે સ્વામીજી કહે છે :

विशोका वा ज्योतिष्मती।

અથવા શોકમાત્રથી પર એવી જ્યોતિનું ધ્યાન કરવાથી (સમાધિ પ્રાપ્ત થાય છે).

આ બીજા એક પ્રકારની સમાધિ છે. હૃદયની કમળ રૂપે કલ્પના કરો, તેની પાંખડીઓ નીચે ઢાળેલી છે. તેની વચમાં થઈને સુષુમ્ણા જાય છે; હવે શ્વાસને અંદર ખેંચો, અને શ્વાસને બહાર કાઢતી વખતે એવી કલ્પના કરો કે કમળપાંખડીઓ સહિત ઊર્ધ્વમુખી થયું છે અને કમળની અંદર ઝળહળતી જ્યોત છે, એ જ્યોત પર ધ્યાન કરો.

वीतरागविषयं वा चित्तम्।

અથવા વિષયો પ્રત્યે વીતરાગ બનેલા હૃદય પર ધ્યાન ધરવાથી (ચિત્ત સ્થિર થાય છે).

જેના પ્રત્યે તમને પૂજ્યભાવ હોય, જેને તમે સંપૂર્ણ વીતરાગ થયેલા જાણતા હો તેવા કોઈક પવિત્ર પુરુષ, કોઈક સંત મહાત્માનો વિચાર કરો, અને તેના પવિત્ર હૃદયનું ચિંતન કરો. એ હૃદય આસક્તિરહિત બન્યું છે, તમે તેના પર ધ્યાન કરો; એથી મન શાંત થશે. જો એ ન બને તો બીજો એક ધ્યાનનો પ્રકાર આ રહ્યો:

स्वप्ननिद्राज्ञानालबनं वा।

અથવા સ્વપ્નમાં જે જ્ઞાન આવે છે તેના પર ધ્યાન કરવાથી.

કેટલીક વાર માણસને એવું સ્વપ્ન આવે છે કે જાણે કે દેવતાઓ તેની તરફ આવી રહ્યા છે અને તેની સાથે વાતો કરી રહ્યા છે, યા તો તે ભાવ-અવસ્થામાં છે, અથવા હવાની અંદર થઈને સંગીત લહેરાતું આવતું તે સાંભળી રહ્યો છે. પોતે એ સ્વપ્નામાં આનંદમય અવસ્થામાં રહેલો છે, અને જ્યારે તે જાગી ઊઠે છે ત્યારે એ સ્વપ્ન તેના પર ઘણી ઊંડી અસર મૂકી જાય છે. એ સ્વપ્નને સાચું માનો, અને તેના પર ધ્યાન કરો. જો તમે તે ન કરી શકો તો તમને પસંદ પડે તે કોઈ પણ પવિત્ર પદાર્થ પર ધ્યાન કરો.

यथाभिमतध्यानाद्वा।

અથવા મનગમતી કોઈ પણ વસ્તુ પર ધ્યાન કરવાથી.

‘મનગમતી’નો અર્થ કોઈ અનિષ્ટ વસ્તુ નહિ, પણ તમને ગમતી હોય તે શુભ વસ્તુ, સારું સ્થળ, અથવા તમને ખૂબ ગમતું હોય એવું કોઈ નૈસર્ગિક દૃશ્ય, અથવા કોઈ શુભ વિચાર વગેરે જે કોઈ પણ બાબત મનને એકાગ્ર કરે તેના પર ધ્યાન કરો.’’ (રાજયોગ, પૃ.૮૯-૯૦)

*********

Total Views: 91

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.