એમના બધા શ્રોતાઓ એમના સંદેશની વૈશ્વિકતા સમજી શકયા. ઓકટોબરની પાંચમીએ ‘ફ્રી પ્રેસ’માં અહેવાલ હતો:

ભારતના આપણા અતિથિ

એ બૌદ્ધ છે? એ મુસલમાન છે? એમનું ધ્યેય શું છે? મિ. વિવેકાનંદની ચોમેર આવા શબ્દો સાંભળવા મળે છે.

વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદમાં ભારતના એક પ્રતિનિધિ છે. બીજા કોઈ જાણીતા વિદ્વાન કરતાં એમણે બધાંનું ધ્યાન ખેંચ્યું છે, સૌ પ્રથમ મેંડેરિન રંગના એમના વિશિષ્ટ વેશથી, પછી એમની ચુંબકીય હાજરીથી અને, સૌથી વિશેષે તો એમની તેજસ્વી વાક્‌છટાથી અને હિંદુ ફિલસૂફીની અદ્‌ભુત રજૂઆતથી.

‘વિવેકાનંદ બૌદ્ધ નથી, બ્રાહ્મણ નથી, પારસી નથી, મુસલમાન નથી. એ સૌમાં જે કાંઈ ઉત્તમ છે તેના પ્રતિનિધિ એમને કહી શકાય. સનાતન સત્યની કે, બધાં સત્યોના એકત્વની વાત એ કરે છે. મેમોરિયલ આર્ટ પેલેસમાં એમની દરેક ઉપસ્થિતિના સમયે લોકોની મોટી સંખ્યા ઉત્સાહથી હાજરી આપતી. વાસ્તવમાં એમનો શિકાગો નિવાસ સતત તાળીઓથી વધાવાયો હતો. એ પંડિતોનાયે પંંડિત હોવા છતાં, જીવનમાં સરળ છે અને, દેહની બધી આળપંપાળોને દ્રિયોના બધા આવેગોને વશ રાખવામાં સંનિષ્ઠ છે.’

વર્તમાનપત્રોના અહેવાલો દ્વારા, વિવેકાનંદનો સંદેશ યુરોપમાં પણ પ્રસર્યો. પછીથી સ્વામીજીના નિકટના સંપર્કમાં આવનાર ફ્રેંચ લેખક ઝયૂલ બ્વા (Jules Bois) એ લખ્યું હતું: ‘ એક યુવાન હિંદુ પયગંબરની, ‘વિશ્વધર્મ’ની ઘોષણાએ મારું ધ્યાન ખેંચ્યું. ગહન હોવા છતાં એનું પ્રવચન અદ્‌ભુત રીતે વેધક હતું.- સુંવાળાં લાગે એવાં એ પ્રકારનાં ચાલુ પ્રવચનો કરતાં તાજગીભરી ભાત પાડનારું.’

ઉદારમનના પાશ્ચાત્યોના ભવ્ય સત્કાર છતાં મિશનરીઓનાં હિંદુ ધર્મનાં અજ્ઞાન અને વિકૃત રજૂઆત સામાન્ય અમેરિકન પ્રજાની સ્મૃતિમાં જડ ઘાલી બેઠાં હતાં. શિકાગો પરિષદની બે વરસ પહેલાં ‘ભારત અને ભારતવાસીઓ’ નામના એક પુસ્તકની ૩૬,૦૦૦ નકલો ફરતી કરવામાં આવી હતી; ‘હિંદુ નાસ્તિકો’ જે વિચિત્ર વહેમો અનુસાર જીવન વ્યતીત કરતા હતા તેનાં કાલ્પનિક ચિત્રો તેમાં હતાં. એક ચિત્રમાં એક હિંદુ માતા પોતાનું બાળક મગરના મુખમાં દઈ રહી હતી, બીજામાં એક પુરુષ પોતાની પત્નીને જીવતી બાળી રહ્યો હતો; ત્રીજામાં વરુઓને ખાવા માટે એક નવજાત શિશુને સ્મશાનમાં મૂકી છોડવામાં આવ્યું હતું. વિવેકાનંદને ઘણીવાર પ્રશ્નો કરાતા: ‘ભારતનાં લોકો પોતાનાં બાળકોને મગરના મોંમાં મૂકે છે?’ ‘જગન્નાથના રથનીચે પડી લોકો આત્મહત્યા કરે છે?’ ‘પતિના શબની સાથે પત્નીને પણ જલાવે છે?’ ઘણું ખરું વિવેકાનંદ હાસ્યરસિક ઉત્તરો આપતા. ‘મારી માતાએ મને પણ મગરના મોંમાં નાખી દીધો હતો પણ, હું ખૂબ જાડો અને કાળો હતો એટલે મગરને હું ગમ્યો ન હતો.’ ‘શું નવી જન્મતી બધી દીકરીઓનો ઘા પાણીમાં કરવામાં આવે છે?’ એ પ્રશ્નના ઉત્તરમાં એમણે એક વાર કહ્યું હતું, ‘ આજકાલ હવે ભારતમાં પુરુષો છોકરાંઓ જણે છે! ’

પણ માત્ર ઠઠ્ઠા કટાક્ષ પૂરતાં ન હતાં. વિવેકાનંદની અસાધારણ લોકપ્રિયતા અને વેદાંતની લોકપ્રિયતાએ એ‘નાસ્તિક હિંદ’ના ચારિત્ર્યહનન સુધીના અનેક હુમલાઓ આણ્યા. એક અમેરિકન માતાને દાર્શનિકની સ્થિતપ્રજ્ઞતાથી એમણે લખ્યું:

‘મારા ગુરુ કહેતા કે, આ હિંદુ, ખ્રિસ્તી જેવાં નામ માણસ માણસ વચ્ચે મોટી આડ ઊભી કરે છે. સૌ પ્રથમ એમને તોડવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. પોતાની બધી ઉપયોગિતા એ વાડાઓએ ગુમાવી દીધી છે અને આજે, એમની ભૂંડી અસરો જ રહી છે; એનો કાળો જાદુ આપણને સૌને દૈત્યો બનાવી દે છે.’

વિવેકાનંદ ભારત આવ્યા તે પછી, શિકાગો ધર્મપરિષદના અધ્યક્ષ ડો. બેરોઝ ભારત આવ્યા; એમનો હેતુ સ્વામીજીની પ્રશંસાનો નહીં નિંદાનો હતો, એ ઊંડી ઈર્ષ્યાથી પીડાતા હતા અને, એમને ભય હતો કે, પૂર્વ અને પશ્ચિમમાં મિશનરી પ્રવૃત્તિમાં ઓટ આવે. એમની દૃષ્ટિએ ભારતમાં એક જ વસ્તુ ચડી: ‘ભારતના વિવિધ લોકોના પગ નિતંબ સુધી ઉઘાડા હતા અને એમને ઊંડી આશા હતી કે, આ રાંક ભારતવાસીઓ એક દહાડો ખ્રિસ્તી ધર્મ જરૂર અપનાવશે.’ વળી એમણે લખ્યું: ‘ભારત ખ્રિસ્તી ધર્મ તરત અપનાવશે તો, પાટલૂનની વધી જતી માંગથી ન્યુર્યોક અને લંડનના સેંકડો જથ્થાબંધ વેપારીઓ ન્યાલ થઈ જશે.’ મદ્રાસના ‘ધ હિંદુ’ એ પ્રતિકાર આપતાં કહ્યું કે, ‘ડો. બેરોઝના શબ્દો પાટલૂનના જથ્થાબંધ વેપારીઓને સૂચન કરે છે કે ભારતના નાસ્તિકોને વટલાવવા માટે તેઓ ઉદારતાથી મિશનોને ભંડોળ આપે.’ ‘હિંદુ’ એ ઉપસંહારમાં કહ્યું:

‘ઈસુ ખ્રિસ્ત શિકાગો જાય તો, અમને ખાતરી છે કે, પાટલૂનો આપવા માટે જથ્થાબંધ કાપડિયા પર બેરોઝ તેમને ભલામણ પત્ર લખી આપશે.’

અંતે તો, વિવેકાનંદનાં માનવોત્તર વિશુદ્ધિ, ખંત અને સંઘર્ષની જીત થઈ. મિશનરી વિરોધ એની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો તે ડેટ્રોય્‌ટના વિખ્યાત ખ્રિસ્તી વક્તા રેબઈ ગ્રોસમન આ મિશનરી હુમલા સામે અડગ ઊભા રહ્યા અને વોટ વિવેકાનંદ ટોટ અસ (વિવેકાનંદે આપણને શું શીખવ્યું?) એ વિશે બોલતાં તેમણે કહ્યું:

‘ધર્મ જીવન છે, વિચાર નથી. આપણી પાસે સુંદર અને સફાઈદાર ઘણા વિચારો છે પણ, એ બધા હવામાં તર્યા કરે છે… આપણે વાત બંધુતાની કરીએ છીએ પણ, પૂર્વમાં વસતા માનવબંધુને મુક્તપણે હડધૂત કરીએ છીએ. આપણી ધાર્મિક માન્યતા એવી છે કે, આપણા વિરોધીઓને નરક ભેગા કરવાનું એ કહે છે.. ચર્ચમાં અને ધર્મમાં ધાર્મિક પ્રતિભાનું સ્થાન ગરબડભર્યા અને આવેશપૂર્ણ ઢોંગે લીધું છે તેને શરમાવી દે તેવું કશુંક સ્પષ્ટ, ચોકસાઈ ભર્યું અને નિર્ભીક આપણને સંભળાવ્યું છે… તો ચાલો એ હિંદુ પાસેથી આપણે શીખીએ કે ઇશ્વર આજે અને સનાતનપણે છે અને રાજય કરે છે, વાડામાંના દરેક પુષ્પમાં એ છે, હવાના દરેક શ્વાસમાં એ છે અને આપણા પ્રત્યેક ધબકારામાં ઈશ્વરનો વાસ છે.

‘એમના સત્ય, સ્વાભાવિક ધર્મ વિશે સાંભળ્યા પછી, આપણા મનમાં આશંકા જાગે કે, એમના લોકોમાં આપણે આરોપ મૂકીએ છીએ તેના કરતાં આ દેશમાં વધારે અખ્રિસ્તી છે. સ્વામીનો ધર્મ સંપ્રદાયની મર્યાદા ઓળંગે છે. આપણા સંપ્રદાયો ધર્મની સુચારુ મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે.’

કેટલાક ભણેલા હિંદુઓ જૂની રૂઢિમાં સબડતા હતા અને સમુદ્રપારના પ્રવાસને તથા વિદેશીઓ અને વિધર્મીઓના હાથનો ખોરાક લેવાથી અભડાઈ મ્લેચ્છ થઈ જવાય એમ માનતા હતા તેવા કેટલાકો મિશનરીઓના વિરોધથી આવા વિચારો કરતા થયા હતા. ‘ડોન’ અને ‘ધ લાઈટ ઓફ ધ ઈસ્ટ’ અખબારોના તંત્રીએ વિવેકાનંદના પશ્ચિમના પ્રવાસ વિશે ૧૮૯૪માં લખ્યું હતું: ‘કોઈ હિંદુ કદી મ્લેચ્છની ધરતી પર પગ મૂકે તો એની આધ્યાત્મિકતા સદાને માટે ઊડી જાય… કોઈ પણ પ્રાયશ્ચિા એનું પાપ ધોઈ શકે નહીં’ વધારામાં, ભારતની બહાર હિંદુ ધર્મ પ્રબોધવાનું સૌથી મોટું પાપ વિવેકાનંદે કર્યું હતું કારણ, ‘જગતના બીજા લોકોના ધર્મની પંચાતમાં સાચો હિંદુ કદી પડતો નથી. હિંદુઓનો દેશ ભારતવર્ષ અને ભારતવર્ષ જ છે.’

વિવેકાનંદનો જન્મ બ્રાહ્મણ માતપિતાને ત્યાં નહીં થયો હોઈ, કેટલાંક રૂઢિ-ગ્રસ્ત મંડળોએ એમને શૂદ્ર કહેવા યત્ન કર્યો. વિવેકાનંદે શાંતિથી કહ્યું: ‘મને કોઇ શૂદ્ર કહે તેનું મને માઠું લાગતું નથી. એ રાંક અછૂતો પર મારા વડવાઓએ વર્તાવેલા ત્રાસનું એ પ્રાયશ્ચિા થશે. હું શૂદ્ર હોઉં તો મારે માટે એ આંનદની વાત છે કારણ, બ્રાહ્મણોના બ્રાહ્મણ એવા ગુરુનો હું શિષ્ય છું…. એવા ગુરુ જેમણે જાતે શૂદ્રનું સંડાસ સાફ કર્યું હતું અને પોતાના લાંબા કેશથી એ લૂછયું હતું…. તે એટલા માટે કે પોતે બધાના દાસ બની શકે.’

આ પછીએ મિશનરીઓનો વિરોધ કે રૂઢિવાદીઓની ટીકા બંધ ન પડયાં પણ, એની ધાર, બુઠ્ઠી થઇ ગઈ.પરિણામે ભણેલા સંસ્કારી અને ઉદાર વૃત્તિવાળા ખ્રિસ્તીઓ વિવેકાનંદના આજીવન મિત્રો અને અનુયાયીઓ બની ગયા હતા. લંડનમાં અંગ્રેજ નૌકાકપ્તાન સેવિયર અને એમનાં પત્ની તથા, કુમારી માર્ગરેટ નોબલ, લેગેટ કુટુંબ, હેય્‌લ કુટુંબ, શ્રીમતી ઓલે બુલ, સિસ્ટર ક્રિસ્ટીન, જોઝેફાઈન મેકલેઓડ અને એવા બીજાં કેટલાંક પૂર્વ અને પશ્ચિમમાં વેદાંત આંદોલનનાં અગ્રગામીઓ બન્યાં હતાં. અને ભારતમાં, વિવેકાનંદના નવા વેદાંતે ભારતના રાષ્ટ્રીય આંદોલનને તથા શ્રી અરવિંદ, ગાંધીજી, ટિળક, રાજગોપાલાચારી, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને બીજા રાષ્ટ્રીય નેતાઓને જન્મ આપ્યો.

મેક્ષ મુલર, પોલ ડોઈસન કે મોનિયેર વિલિયમ્સ જેવા પાશ્ચાત્ય બૌદ્ધિકોની દૃષ્ટિએ સાચો હિંદુ ધર્મ કેવો મહિમાવાન છે એ સ્વામીજીએ પોતાના ભારતીય શિષ્યોને દર્શાવ્યું. એ કાળે હિંદુ ધર્મના મહાન અમેરિકન જ્ઞાતા મોનિયેર વિલિયમ્સના શબ્દો ટાંકતો લેખ, ‘ધ લાઈટ ઓવ ધ ઈસ્ટ’ના તંત્રીને તેમણે અમેરિકાથી લખી મોકલ્યો હતો :

‘છતાંયે, હિંદુ ધર્મને ધર્માંતરની આવશ્યકતા નથી, એ માટેનો એનો પ્રયત્ન- નથી એ એની નોંધપાત્ર લાક્ષણિકતા છે. પોતાના વિશાળ બાહુમાં અને નિત્ય વૃદ્ઘિં ગત ક્ષેત્રમાં બધા ધર્મોને સમાવી લેવામાં એને કશી મુશ્કેલી નથી. અને વાસ્તવમાં બધાં ચિત્તને રુચે એવું કશુંક આપવાનું એની પાસે છે. માનવ ચરિત્રો અને માનવ વલણોની અનંત વિવિધતાને અનુરૂપ થવાની અનંત શક્તિ એની પાસે છે. ઉચ્ચ દાર્શનિક વર્ગો માટે, એની પાસે એની ઉચ્ચ આધ્યાત્મિક અને સૂક્ષ્મ બાજુ છે. એની વ્યવહારુ અને નક્કર બાજુ વ્યવહારુ જનને તથા દુન્યવી લોકોને અનુકુળ આવે છે. એની કલાત્મક અને વિધિઓની બાબતો કવિ ચિત્તને અને કલ્પનાને લાગુ પડે છે. એની શાંત, ધ્યાનની બાજુ શાંતિ અને એકલતાના ચાહકોને માટે છે.’

ઘેર પાછા વળવાનો સમય આવવા લગ્યો હતો. યરુસલેમ આવતા ઈસુની માફક, ભૂતકાળમાં કોઈ હિંદુ સાધુને કદીય ન મળેલો સત્કાર એમની વાટ જોતો હતો. પણ એ જાણતા હતા કે, પોતે એક નવા સંદેશ સાથે આવે છે; હિંદુ ધર્મનું એ મહિમાગાન રાષ્ટ્રનો મોટો સત્કાર પામવાનું છે. જે મદ્રાસમાં સ્વામીજીએ નવ દહાડા વ્યાખ્યાનો આપ્યાં હતાં ત્યાંના અખબાર હિંદુએ લખ્યું હતું:

‘જગતના ઈતિહાસમાં શિકાગો પ્રદર્શન સીમાચિહ્ન છે તેમ, ભારતના ધાર્મિક ઈતિહાસમાં અમેરિકાનું સ્વામીજીનું કાર્ય પણ સીમા ચિહ્ન છે.’ ‘જે પુણ્યશાળી મહાત્માએ ભારતને અને જગતને માટે મોટાં પરિણામગામી કાર્ય કર્યાં છે તેમને સત્કારવાનો લહાવો આપણને તરત જ મળવાનો છે.’ 

વિવેકાનંદે જોયું હતું કે સમસ્ત ભારતમાં જે હિંદુ ધર્મ આચરાતો હતો તે સ્મૃતિ આધારિત અને, પુરાણોના વિકૃત હિંદુ ધર્મ દર્શનને વળગતો હતો; એણે શ્રુતિને, ઔપનિષદિક હિંદુ ધર્મદૃષ્ટિને, ઉવેખી હતી. શંકરાચાર્યની માફક સાચા આચાર્યની અદાથી, વિવેકાનંદે વારંવાર શ્રુતિ અને સ્મૃતિ વચ્ચે, હિંદુ ધર્મના તાત્ત્વિક અને અતાત્ત્વિક અંશો વચ્ચે ધ્યાન દોર્યું હતું.

‘આપણાં શાસ્ત્રોમાં બે પ્રકારનાં સત્યો સાંપડે છે: એક મનુષ્યની સનાતન સા સાથે સંકળાયેલું છે – એ ઈશ્વર, આત્મા અને પ્રકૃતિના શાશ્વત સંબંધને લગતું છે; બીજું સ્થાનિક સંજોગો, તત્કાલીન પર્યાવરણ, સામાજિક સંસ્થાઓ વગેરે બાબતોને લગતું છે. પ્રથમ પ્રકારનાં સત્યો આપણા વેદોમાં, આપણાં શાસ્ત્રોમાં મૂર્ત થયાં છે ત્યારે, બીજા પ્રકારનાં સ્મૃતિઓ અને પુરાણોમાં અંકિત થયાં છે. સર્વયુગે વેદો અંતિમ પ્રમાણ છે અને, પુરાણો કોઈપણ સ્થાને વેદથી જુદાં પડતાં હોય તો, પુરાણોનો એ ભાગ આપણે નિષ્ઠુર બનીને ત્યજવાનો છે એ વાત આપણે યાદ રાખવાની છે.’

‘આ બધી સ્મૃતિઓના બોધમાં ભિન્નતા છે ત્યારે, વેદોને અંતે આવતાં ઉપનિષદોનો કેન્દ્રવર્તી બોધ એક જ છે,’ એ વિવેકાનંદે જોયું હતું. અને, વિવેકાનંદના જ શબ્દોમાં કહીએ તો, એ બોધ એ છે કે , ‘દરેક આત્મા પાસે દિવ્ય શક્તિ છે. ભીતર રહેલી એ દિવ્ય શક્તિનો આવિષ્કાર કરવો એ ધ્યેય છે.’ એમણે અન્યત્ર કહ્યું હતુ: ‘માનવીમાં નિહિત દિવ્યતાનો આવિષ્કાર તે ધર્મ છે.’ વિધિઓ, શાસ્ત્રો, દેવળો, મંદિરો, નિયમો અને રીતરિવાજો, આ સર્વ, ધર્મના આ મુખ્ય ધ્યેય આગળ ગૌણ છે; એ ધ્યેય છે પોતાનામાં રહેલી દિવ્યતાનો આવિષ્કાર. બેલુડ મઠના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ સમક્ષ બોલતાં સ્વામીજી એથીયે આગળ ગયા હતા અને કહ્યું હતું કે, તર્કબુદ્ધિ સાથે સુસંગત હોય એવા જ શ્રુતિના ભાગોને સ્વીકારવા જોઈએ. એ જાણતા હતા કે વિધિઓ દરેક ધર્મના અગત્યના ભાગ છે. પણ, જૂના વિધિઓને ચીટકી રહેવાને બદલે, નવા વિધિઓ ઊભા કરી વિવેકાનંદ વેદાંતને જીવનમાં અમલમાં મૂકવા ચાહતા હતા.

‘વિધિઓ ધર્મનાં બાલમંદિરો છે. અત્યારે છે તેમ, જગતને તેમની જરૂર છે પણ, લોકોને નવા અને તાજા વિધિઓ આપણે આપવા પડશે. વિચારકોની એક મંડળીએ આ કાર્ય ઉપાડી લેવું જોઈએ…. રચના મારો ધ્યાનમંત્ર છે, વિનાશ નહીં: પ્રચલિત વિધિઓમાંથી જ નવા વિધિઓ ઊભા કરવા પડશે.’

વેદાંતના આદર્શોનો સાક્ષાત્કાર કરવો, માનવમાં ઈશ્વરને ઓળખવો અને, જીવનનાં સઘળાં કાર્યોનું દૈવીકરણ કરી ઈશ્વરની ઉપાસના તરીકે તે કરવાં તે હેતુ બધા હિંદુ વિધિઓનો છે. હિંદુ ધર્મના નવા વિધિઓનાં સ્વપ્ન વિવેકાનંદે સેવ્યાં અને તેમણે જ નવો ચીલો પાડયો. નવપલ્લવિત હિંદુ ધર્મને અનુસરીને એમના અનુયાયીઓએ ઈશ્વરને અને દેવોને શાળાકોલેજોમાં, હોસ્પિટલોમાં, દુષ્કાળો અને પૂરમાં, કુદરતી અને માનવ સર્જિત આફતોમાં જીવંત દેવોની સેવા આરંભી. હિમાલયમાંના માયાવતીના અદ્વૈત આશ્રમના પોતાના અનુયાયીઓએ આત્માનું ધ્યાન ધર્યા પછી, પોતાને માથે સફરજનના ટોપલા ઊંચકી, તળેટીમાં આવેલી બજારે જવું જોઈએ એમ વિવેકાનંદ ચાહતા હતા. માનવજાતમાં નિહિત ઈશ્વરની ઉપાસના પછી, પોતાના અનુયાયીઓ કેવળ ઈશ્વરની જ છે ધ્યાનધારણામાં વિવેકપૂર્વક લાગી જાય તેમ સ્વામીજી ચાહતા હતા. ઈશ્વર જ કેવળ છે, જગત મિથ્યા છે અને અનંત શક્તિવાળો આત્મા ભીતર છે તેનું જ ધ્યાન ધરવાનું.

એકવાર વિવેકાનંદને ઔપનિષદિક કાળનું દર્શન થયું. અને એ વિશે પોતાના શિષ્યોને તેમણે વાત કરી: યુગો પહેલાં વેદકાલીન ઋષિઓ અંતિમ સત્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા; એક યુવાન આત્મજ્ઞાની અચાનક ઊભો થયો અને શ્વેતાશ્વતર ઉપનિષદની પંક્તિઓ – ‘હે અમૃતના પુત્રો, ભલે તમે ઉચ્ચતમ લોકે વસતા હો, સૂર્ય સમ ભાસવાન અને તમસના પટથી પર એવા બ્રહ્મને મેં જાણ્યું છે. એને જાણીને જ મૃત્યુની પાર જઈ શકાય છે. આ જ્ઞાન સિવાય બીજો માર્ગ નથી.’

ઉત્તર ભારતમાં, પંજાબમાં કયાંક, પોતાના બીજા દર્શનની વાત તેમણે નિવેદિતાને કરી હતી. ‘સંસ્કૃત મંત્રોચ્ચાર કેમ કરવા તે એ દર્શનમાંથી સ્વામીજી શીખ્યા હતા. સ્વામીજી કહે : ‘સંધ્યા થઈ છે. આર્યો હજી સિંધુ સુધી જ પહોંચ્યા છે. એ મહાનદીને તટે હું એક માણસને બેઠેલો નિહાળું છું. એની ઉપર અંધકારના તરંગ અથડાય છે અને એ ઋગ્વેદની ઋચાઓનો પાઠ કરે છે. પછી હું જાગ્યો અને ઋચાપાઠ કરવા લાગ્યો. યુગો અગાઉ આપણે એ સ્વરોમાં પાઠ કરતા હતા.’

વૈદિક જ્ઞાનની પુન: સ્થાપના એમનું એક ધ્યેય હતું. ઈ.સ. ૧૮૮૮માં, વરાહનગર મઠમાં, વૈદિક સંસ્કૃત ઉપર પ્રભુત્વ મેળવવા માટે સ્વામીજી પાણિનિનું વ્યાકરણ લાવ્યા હતા. ઈ.સ. ૧૮૯૧માં, જયપુરમાં તેમણે પતંજલિના મહાભાષ્ય ઉપર પ્રાવીણ્ય મેળવ્યું હતું. એ જ વર્ષે, ખેતડીમાં બીજા પંડિત પાસે તેમણે પાણિનિનો પુન: અભ્યાસ કર્યો હતો. પોરબંદરમાં પંડિત શંકર પાંડુરંગે સ્વામીજીના પાણિનિ તથા પાતંજલ મહાભાષ્ય પરનું પ્રભુત્વ જોયું હતું. પોરબંદરમાં જ સંસ્કૃતમાં અસ્ખલિત રીતે બોલવા પર તેમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું અને, અથર્વવેદના નવસંપાદનમાં પંડિતને તેમણે સહાય કરી હતી.

સંસ્કૃતને સ્વામીજીએ દેવભાષા પ્રમાણી હતી- ઉપનિષદોની ભવ્ય આધ્યાત્મિક અનુભૂતિઓને વ્યક્ત કરવા માટેની સમર્થ ભાષા એ હતી. સમગ્ર દેશમાં વેદવિદ્યાલયો સ્થાપવાની એમની ઈચ્છા હતી જેથી, ભારતીય બાળકો બાળપણથી જ વેદના ગહન અને ઉચ્ચ વિચારોને શીખી અને ગ્રહણ કરી શકે. કહેવાતા નીચલા વર્ણોના લોકોને એમણે સંસ્કૃત ભણવા અનુરોધ એ માટે કર્યો કે, હિંદુ સમાજમાં બ્રાહ્મણોના જેવી પ્રતિષ્ઠા એથી તેમને પ્રાપ્ત થાય, એકમ્‌ સત્‌ વિપ્રા: બહુધા વદન્તિ (સત્ય એક જ છે, ઋષિઓ એને જુદાં જુદાં નામે ઓળખે છે.) – એ વૈદિક જ્ઞાન પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણમાં આવિષ્કાર પામતું તેમણે પ્રથમવાર જોયું હતું. પોતાના ગુરુ પાસેથી હિંદુ ધર્મનું જે નૂતન વિશાળ દર્શન તેમને લાધ્યું હતું તે તેમણે નિવેદિતા પાસે પ્રગટ કર્યું હતું. એમને સ્પષ્ટ લાગ્યું હતું કે, નિવેદિતાના પુસ્તક ધ માસ્ટર એઝ આઈ સો હિમમાં રજૂ કર્યા પ્રમાણેનો ભાવિનો હિંદુ ધર્મ ખડો રહેશે.- બધા ધર્મો અને સંપ્રદાયોનું એ માતૃમંદિર હશે. એ વિશાળ તરંગરેખાઓના તટ વચ્ચે હિંદુધર્મ અને, વૈશ્વિક ભારતના તટ વચ્ચે બધા ધર્મો અને બધા સંપ્રદાયોને પ્રતિષ્ઠાપૂર્ણ સ્થાન મળશે. ‘બૌદ્ધ ધર્મ જેનું માત્ર બંડખોર શિશુ છે અને પોતાના બધા દાવાઓ સાથે ખ્રિસ્તી ધર્મ દૂરનો પડઘો છે, તે ધર્મનો બોધ આપવા હું વિહરું છું.’ વિવેકાનંદની દૃષ્ટિએ હિંદુધર્મ કદી પુરાણો કે કાલગ્રસ્ત ન હતો પણ, જુવાન અને થનગનતો ધર્મ હતો, અર્વાચીન વિજ્ઞાન અને સમાજ પરિવર્તનમાંની અર્વાચીન ઉથલપાથલનો પડકાર ઝીલી શકે તેવું દર્શન અને તેવો ધર્મ એ હતો.

તર્ક અને વિજ્ઞાનની ભાષામાં પોતાના વિચારો વ્યક્ત કરી શકે એ માટે, બીજા ધર્મોએ પણ વેદાંત દર્શન અપનાવવું જોઈએ એમ સ્વામીજી માનતા હતા. એલ્ડસ હકસ્લીએ જણાવ્યા પ્રમાણે વેદાંતનું દર્શન શાશ્વત છે. માનવજાતની તાત્ત્વિક એકતાના આદર્શમાંથી જ, એની જન્મજાત દિવ્યતાના પાયામાંથી જ, બાબાવાકય પ્રમાણમાંથી, જડતામાંથી, સંકુચિતતામાંથી ધર્મ બહાર નીકળી શકે અને, એક જ ઈશ્વરને પામવાના પંથો તરીકે બીજા ધર્મોનો આદર કરતો વૈશ્વિક અભિગમ વિકસાવી શકે.

હિંદુ ધર્મે કયો માર્ગ લેવો એ ભગિની નિવેદિતાના પ્રશ્નના ઉત્તરમાં વિવેકાનંદે સ્પષ્ટ કહ્યું હતું કે હિંદુ ધર્મે ‘આક્રમક’ ગતિશીલ અને, પોતાનાં આધ્યાત્મિક સત્યો વડે જગતને જીતવાની શક્તિવાળા થવું જોઈએ. ‘મારું સ્વપ્ન છે સમસ્ત માનવજાત પર વિજયનું, એથી જરીય ઓછું નહીં ચાલે.’ એમ, પશ્ચિમમાંથી આવ્યા પછી તેમણે પોતાના દેશબંધુઓને કહ્યું હતું. નિવેદિતાએ કહ્યા પ્રમાણે, આ હિંદુ નવજાગૃતિના, હિંદુ પુનર્નિમાણના પ્રતીક તરીકે વિવેકાનંદ જાતે ખડા હતા. હિંદુધર્મ પાસેથી ‘માનવ ઘડે’ તેવા, ‘જગત જીતે’ તેવા ધર્મની એમની અપેક્ષા હતી; સંકોચાઈને બેસી, ચાર દીવાલોની મર્યાદામાં રહે અને પાછલાં હજાર વરસથી જગતની સામેથી મોઢું ફેરવી બેસે તેવા બાબાવાક્ય ધર્મની નહીં. સર્વ સંકુચન મૃત્યુ છે, સર્વ વિકાસ જીવન છે, એમ એ વારંવાર કહેતા. અને, પુરોહિતના તથા ઉપલા વર્ણોના વિરોધ છતાં, એમણે જાતે જ દર્શાવ્યું કે હિંદુ ધર્મ પ્રગતિવાદી શક્તિ છે.

વિવેકાનંદના અવસાનકાળ સુધીમાં, રામકૃષ્ણવેદાંતનો હિંદુ ધર્મ ભારતમાં દૃઢમૂલ થઇ ચૂકયો હતો અને, પૂર્વ તથા પશ્ચિમના વિચારકોની મોટી સંખ્યા એની અસર હેઠળ આવવા લાગી હતી. લગભગ એક હજાર વરસ પૂર્વે, અદ્વૈત વેદાંતની સ્થાપના કરીને યુવાન શંકરાચાર્યે બૌદ્ધ નાસ્તિકવાદમાંથી હિંદુ ધર્મનો ઉદ્ધાર કર્યો હતો. વિવેકાનંદે કહ્યું છે:

‘હું હંમેશાં કલ્પના કરું છું કે, શંકરાચાર્યને મારી માફક કશું દર્શન થયું હશે. ત્યારે એ યુવાન હોઈ પ્રાચીન સંગીતને તે પામ્યા હશે. ગમે તે હોય, વેદો અને ઉપનિષદોના સૌંદર્યના ધબકાર સિવાય, એમનું સમગ્ર જીવન બીજું કશું છે જ નહીં’ ઉપનિષદોમાં ડૂબકી મારીને તથા વેદાંતને વ્યવહારુ અને ગતિશીલ ધર્મ બનાવીને વિવેકાનંદે ભારતને તથા હિંદુ ધર્મને રક્ષી તેમને જે રીતે જગતને જીતવા સમર્થ બનાવ્યા તે વિશે શ્રી સી. રાજગોપાલાચારી લખે છે:

‘સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મને બચાવ્યો, ભારતને બચાવ્યું. એ ન હોત તો આપણે આપણો ધર્મ ગુમાવી બેઠાં હોત અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકયાં ન હોત. આમ આપણે આપણા સર્વસ્વ માટે વિવેકાનંદના ઋણી છીએ. એમની શ્રદ્ધા, એમની હિમ્મત અને, એમનું શાણપણ આપણને સદા પ્રેરણા આપતાં રહો જેથી, એમની પાસેથી મળેલા ખજાનાને આપણે બરાબર જાળવી શકીએ.’

વિવેકાનંદના ભારતમાં પુનરાગમન પછી, મદ્રાસના ધ હિન્દુએ લખ્યું હતું કે, ‘શંકરાચાર્ય જેવા ત્યાગી કેવા હતા તેનો ખ્યાલ આપણે કોઈ વિવેકાનંદ પાસેથી મેળવી શકીએ.’ હિન્દુએ આ લખ્યું ત્યાર પછી પાંચ વર્ષે આદિ શંકરાચાર્યની માફક યુવાન વયે થયેલા વિવેકાનંદના અવસાન પછી પાંચ વર્ષે, મરાઠી લેખક વિજયા પુરકરે ભારતીય જનોને અપીલ કરી હતી કે ‘શંકર દિગ્વિજયમ્‌’ ની માફક ‘વિવેક દિગ્વિજયમ્‌’ લખવા કોઈ આગળ આવે.

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.