સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત અને ઉદ્‌બોધને પ્રકાશિત કરેલ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’ના સંકલિત અંશો ‘વિવિધરૂપે શ્રીમા શારદાદેવી’ એ નામે ગુજરાતી પુસ્તકનું શ્રીમા શારદાદેવી સાર્ધશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૭ ડિસેમ્બરના રોજ વિમોચન થયું હતું. તેમાંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે. – સં.

ભક્તોનાં માતા

આશુતોષ મિત્રે લખ્યું છે : ‘ગોપાલની માને કશો રોગ ન હતો. એમનાથી વાર્ધક્યનો ભાર વેઠાતો ન હતો. અંતની નજીકની સમયમાં દૈહિક કાર્યોનું ભાન પણ ઘણી વાર એમને ન રહેતું. પણ બે બાબતો વિશે એ પૂરાં ચોક્કસ હતાં. એક : પોતાની જપમાળા એ સદા હાથવગી રાખતાં અને એ ન જડે તો એ ખૂબ અસ્વસ્થ થઈ જતાં અને કોઈક વાર મોટેથી રડી પણ ઊઠતાં. બે : એ કોઈને ઓળખી શકતાં નહીં પણ મા એમને જોવા જાય તો એ માને તરત ઓળખી કાઢતાં અને ક્ષીણ અવાજે બોલે, ‘કોણ, મારી વહુ આવી છે? આવ મા.’

પણ એમના ધબકારા ઓછા થતા ગયા અને હૃદય લગભગ કામ કરતું થંભી ગયું. વૈદે કહ્યું : ‘હવે એમનો અંત નજીક છે.’ ત્યારે ભગિની નિવેદિતા બોલ્યાં, ‘પોતાનું આખું જીવન એમણે ગંગાતટે વીતાવ્યું છે. હવે આપણે એમને ગંગા પાસે લઈ જવાં જોઈએ.’ એ રાતનો પહેલો પ્રહર હતો. કલકત્તાના કુમારતુલિ વિસ્તારમાં અમે એમને લઈ ગયાં; ત્યાં ગંગાકાંઠે એક ઘરમાં મૃત્યુ પામતા આત્માઓ પોતાના અંતિમ દિવસો પસાર કરતા હતા. ગોપાલની મા ત્યાં ચાર દિવસ રહ્યાં. રોજ મા તેમને જોવા જતાં. મા આવે તેવી જ તેમની આંખો પળવિપળ ખૂલે ને પછી બંધ થઈ જાય. ચોથા દિવસની મધરાતે, લગભગ ૧:૦૦ વાગ્યે એમનો અંતકાલ પાસે આવ્યો ત્યારે, ગંગાતટે લઈ જવામાં આવ્યાં અને ત્યાં એમણે અંતિમ શ્વાસ લીધો. 

સ્વામી સારદેશાનંદે પોતાની યુવાવસ્થામાં જયરામવાટીમાં વર્ષો સુધી માની સેવા કરી હતી. એક ભક્ત દંપતી પોતાનાં ચાર બાળકો સાથે મા પાસે એક દિવસ રહી ગયાં તેની વાત સારદેશાનંદે લખી છે: ‘એ લોક જતાં હતાં ત્યારે એ લોકો દૃષ્ટિપાર થયાં ત્યાં સુધી અશ્રુપૂર્ણ નેત્રે મા મુખ્ય દરવાજે ઊભાં રહ્યાં. ભારે હૈયે અને ગમગીન બનીને મા પાછાં આવ્યાં અને નલિની દીદીના આંગણામાં બેઠાં. થોડીવાર પછી જાણવા મળ્યું કે એ ભક્તો ટુવાલ ભૂલી ગયાં છે. માને દુ:ખ થયું. સેવકપુત્ર તરત ઊઠ્યો અને મેલો ટુવાલ લઈ દોડતો એ ભક્તોને આપી આવ્યો. એ લોકો હજી દૂર ગયાં ન હતાં. ટુવાલ મળતાં આભાર માનીને આનંદપૂર્વક એ આગળ વધ્યાં. સેવકે પાછા આવીને માને એ ખબર આપતાં એમને પણ ખૂબ આનંદ થયો.’

‘પરંતુ તે છતાંય મા ભારે હૈયે બેઠાં હતાં. બહાર ફળિયામાં જઈ સેવક ઝોલું ખાવા ચાહતો હતો ત્યાં એણે માને વિષાદભર્યા સ્વરે રોતાં સાંભળ્યાં. ‘અરે, કેવી ઉપાધિ! કાલે મારી દીકરી નહાવા જશે ત્યારે એને સાડી નહીં મળે ને તપાસ કરતાં એને ખબર પડશે કે સાડી પોતે અહીં માને ઘેર ભૂલી ગઈ છે ત્યારે કેવી દુખી થશે?’ સેવકપુત્ર મા પાસે દોડતો આવ્યો. માની એ દીકરી પુણ્યપુકુરે નહાવા ગઈ ત્યારે ત્યાં સાડી સુકવવા નાખી હતી અને પાછા જતાં એ સાડી લેવાનું ભૂલી ગઈ. આ ભક્ત યુગલના જવાથી જે વિરહદુ:ખ થયું હતું તેને અત્યાર લગી દબાવ્યું હતું પણ હવે એ રુદન વાટે વહેવા લાગ્યું : બાળક વિનાની એક સ્ત્રી બોલી ઊઠી, ‘કમભાગી નારી! આટલાં બધાં છોકરાંને એ ભૂલકણી કેવી રીતે સંભાળશે?’ આ અવિવેકી બોલે માની પીડા વધારી. આંસું સારતાં ત્રૂટક સ્વરે મા બોલ્યાં : ‘એ છોકરીએ ભૂલ કરી તે સ્વાભાવિક છે. એ શું મને પાછળ રાખી જવા માગતી હતી? મારી દીકરી એક જ રાત મારી સાથે રહી. પોતાનું હૈયું મારી પાસે ખોલવાનો પણ વખત એને ન સાંપડ્યો.’

સુકાતી સાડી પ્રત્યે સેવકપુત્રે જોયું ત્યારે નલિનીદીદી આકરે સ્વરે બોલી, ‘છોકરો હજી હમણાં તો દોડતો પાછો આવ્યો છે. એ લોકો પણ હવે દૂર નીકળી ગયાં હશે. હવે એણે ફરી ધક્કો ખાવાની જરૂર નથી.’ પણ માના કરુણાપૂર્ણ વદન તરફ જોઈ સેવક જાતને રોકી શક્યો નહીં. સાડી હાથમાં લઈ એ બોલ્યો, ‘એ હજી દૂર નહીં પહોંચ્યાં હોય. હું હમણાં દઈને પાછો આવીશ.’

માનું મુખ આનંદથી પ્રફુલ્લિત થઈ ઊઠ્યું. એ બોલ્યાં, ‘બેટા, તડકો આકરો છે. છત્રી લઈને જજે.’ સેવકને પોતાની તરફ ફરી દોડતો આવતો ભાળી પેલા ભક્ત યુગલને આશ્ચર્ય થયું અને પોતે સાડી ભૂલી ગયાનું યાદ આવ્યું.’ નમ્ર્રતાપૂર્વક અને સખેદ એમણે કહ્યું : ‘આટલી બધી તકલીફ લેવાની જરૂર ન હતી.’ એમની વિદાય પછી માને થયેલી ખિન્નતા અને ચિંતાની ખબર પડતાં એમને આશ્ચર્ય થયું અને અહોભાવ થયો. માના પ્રેમે એમનામાં બળ પૂર્યું અને એમનાં હૈયાં પિગળાવ્યાં.’ 

મા – રક્ષા કરનારાં

ઉદ્‌બોધન મંદિરમાં શ્રીમાનો એક યુવાન સંન્યાસી શિષ્ય બાણેશ્વર શિવલિંગની પૂજા કરતો હતો. એક દહાડો બેદરકારીથી શિવલિંગ છટકી ગયું અને ભોંય પર ગબડવા લાગ્યું. ભારતીય ચેતનાપ્રણાલિમાં બાણેશ્વર શિવલિંગને શિવની જીવંત મૂર્તિ માનવામાં આવે છે. યુવાન સંન્યાસી ગભરાઈ ગયો. બીજી સવારે એક ભક્તસ્ત્રીએ માને કહ્યું : ‘સ્વપ્નમાં પાંચ વરસનો શ્વેત જટાધારી શિવને મારી પાસે નૃત્ય કરતાં આવતા જોયા. એમણે મને કહ્યું, ‘એણે મને જમીન પર રેડવ્યો છે?’ મા આ બધું સાંભળતાં હતાં ત્યારે ખૂબ ગભરાઈ ગયેલો પેલો યુવાન સાધુ મનમાં પ્રાર્થના કરવા લાગ્યો : ‘હવે ગુરુકૃપા જ મને બચાવી શકશે.’ માએ પેલી મહિલાને જવાબ આપ્યો. ‘બાળકો એ રીતે કોઈ કોઈ વાર ગબડી પડે છે!’ પછી માએ બાણેશ્વર શિવલિંગ તરફ દૃષ્ટિપાત કર્યો અને કહ્યું, ‘હે પિતા શિવ, આઠ દિવ્યરૂપોમાં તું સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છો. આ છોકરો તને એક પાત્રમાં શી રીતે રાખી શકે?’ (ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન, શિવનાં આ આઠ નામનો ઉલ્લેખ શિવ મહિમ્ન સ્તોત્ર કરે છે).

‘શિવ ક્રોધે ભરાય તો પણ ગુરુ આપણને બચાવી શકે છે;’ એ શબ્દોનો અર્થ મને તરત સમજાયો! પણ ગુરુ ક્રોધે ભરાય તો કોઈ તમને બચાવી શકે નહીં.’ શિવ રુષ્ટે ગુરુ ત્રાતા, ગુરુરુષ્ટે ન કશ્ચન.

પોતાની પત્નીના કૃતઘ્ન સ્વભાવને કારણે એક જુવાન ડોક્ટર ખૂબ નાસીપાસ થઈ દારુ પીવાની અફીણ ખાવાની અને મોર્ફિનનાં ઈંજેક્શન લેવાની રવાડે સુધ્ધાં ચડી ગયો કે જેથી તરત મોત આવે. અચાનક માની લાડકી ભત્રીજી નલિનીના વર પ્રમથને તપાસવા એ આવ્યો અને પછી પૂજ્ય શ્રી માના એક શિષ્યના પરિચયમાં આવ્યો. કથામૃતના લેખક મ. ને ત્યાં મળવા ગયેલાં શ્રીમા પાસે એ શિષ્ય પેલા ડોક્ટરને લઈ ગયો. એ ભક્તે લખ્યું છે :

‘મા હમણાં જ પૂજામાં બેઠાં. ઠાકુરને પ્રસાદ ધરાવતાં હજી વાર લાગશે તેમ જાણી હું (ડોક્ટર) મિત્રને ત્યાં ગયો. મેં એને તરત મારી સાથે આવવા કહ્યું અને એણે તેમ કર્યું. એને કદાચ લાગ્યું કે એનો દર્દી પ્રમથ ગંભીર છે. એટલે એ પહેરણ વિના, માત્ર ધોતિયું પહેરીને મારી સાથે ચાલવા લાગ્યા. પણ હું એમને જુદી ગલીમાંથી (શ્રી મ.ને ઘેર) લઈ જવા લાગ્યો ત્યારે એણે પૂછ્યું, ‘ભાઈ, મારે ક્યાં જવાનું છે?’ મેં ઉત્તર વાળ્યો, ‘ચાલો ને મંત્રદીક્ષા લો. એટલે તમારા જીવન પર સર્વ પ્રકારના આશીર્વાદ ઊતરશે.’ એ બોલ્યો, ‘પણ હું આજે જમ્યો છું.’ મેં કહ્યું, ‘મા કહેશે તેમ થશે.’ એણે કહ્યું : ‘તો તમે મને શ્રીમા પાસે લઈ જાઓ છો?’ મેં કહ્યું : ‘હા એમનાં ચરણનો સ્પર્શ અદ્‌ભુત ચીજ છે. એમને વિશે મેં તમારી સાથે વાત પણ કરી છે.’

એ મિત્ર મૂંગા મૂંગા ચાલતા આવ્યા. હું માસ્ટર મહાશયને ઘેર પહોંચ્યો ત્યારે મારા ડોક્ટર મિત્રને મેં નીચે બેસવા કહ્યું. ઉપર જઈ મેં જોયું કે માએ ઠાકુરની પૂજા કરી લીધી છે પણ એ હજી પૂજાસને જ બેઠાં છે. એમને મેં મારા મિત્રની વાત કરી તો એને ઉપર લઈ આવવા તેમણે મને કહ્યું ને તત્કાલ શ્રી માએ પોતાના પ્રિય પુત્ર તરીકે એમને સ્વીકાર્યા. માએ એમને મંત્ર આપ્યો. મારા મિત્રનું મુખ દિવ્યતેજથી ચમકવા લાગ્યું. એની આંખો નીચેનાં કાળાં કુંડાળાં અદૃશ્ય થઈ ગયાં ને તેને બદલે એમની આંખો દિવ્ય તેજે છલકાવા લાગી. આજે જે કોઈ એને જુએ છે તે — भिद्यते हृदयग्रन्थि: छिद्यन्ते सर्वसंशया:, क्षीयन्ते चास्य कर्माणि तस्मिन दृष्टे परावरे – ‘જે કોઈ વ્યક્તિ બ્રહ્મને આત્મસ્વરૂપે અનુભવી શકે તેના વ્યક્તિત્વની બધી વિશેષતાઓ દૂર થઈ જાય છે અને તેની બધી શંકાઓ નિર્મૂળ થાય છે, તેનાં કર્મ પણ નાશ પામે છે.’ (મુણ્ડક ઉપનિષદ) – એ ઉપનિષદ પંક્તિઓને સ્મરે છે.

૧૯૧૫ – ૧૬ ના બાંકુડા દુકાળ વેળા વરસાદની કોઈ નિશાની ન હતી. બાંકુડાના શ્રી વિભૂતિ ઘોષે મા પાસે આવી કહ્યું, ‘મા, લગભગ બે વર્ષથી વરસાદ નથી અને આપણો બધો પ્રદેશ બળી રહ્યો છે. ઊંડા કૂવાઓમાંનાં પાણી પણ સુકાઈ ગયાં છે. તળાવોમાંથી પાણી શોષાઈ રહ્યાં છે. માર્ગો પરનાં વૃક્ષો પાંદડાં વિનાનાં હાડપિંજર બની ગયાં છે. મા, કંઈ કરો હવે!’ ગંભીર સ્વરે મા બોલ્યાં, ‘ઠાકુર! આ લોકોનું તમે આ શું કર્યું છે?’ થોડી ક્ષણની શાંતિ પછી માએ કહ્યું, ‘કમળપુષ્પો વડે શ્રીરામકૃષ્ણની પૂજા કરવાનું લોકોને કહો. એટલે વરસાદ આવશે.’ પછી આછા હાસ્ય સાથે એ બોલ્યાં, ‘પણ સિંહવાહિનીની કૃપાથી આ વિસ્તારમાં દુકાળ નથી.’ વાસ્તવમાં ચોમેર દુકાળની વચ્ચે કામારપુકુર – જયરામવાટી રણદ્વીપની જેમ ખડાં હતાં. બધાં ખેતરો લીલાંછમ હતાં, બધા કૂવાઓ પાણીથી ભરપૂર હતા અને બધાં તળાવ પાણીથી છલોછલ હતાં. આમોદર નદી પણ વહેતી હતી.

(બાંકુડાના દુષ્કાળગ્રસ્ત પ્રદેશનાં) અમે પુરુલિયાથી હજાર કરતાં વધારે કમળ લઈ આવ્યાં અને શ્રીરામકૃષ્ણની એ પુષ્પો વડે પૂજા કરી. સાથોસાથ બાણેશ્વર શિવલિંગ પર લોકો અભિષેક કરવા લાગ્યાં. દ્વારકેશ્વર નદીને કાંઠે આવેલા એકત્યેશ્વર પર સવારથી લોકો જલાભિષેક કરવા લાગ્યાં.

બપોર થતાંમાં આકાશ વાદળાંથી ઘેરાવા લાગ્યું. પછી ૪-૩૦ આસપાસ ધોધમાર વરસાદ પડયો ને એ હેલી પાંચ કલાક ચાલી. બીજે દહાડે લોકોએ જોયું તો કૂવાઓ, નહેરો, નાની મોટી નદીઓ, વિશાળ ખેતરો બધું જળબંબોળ હતું. સૂકાં ખેતરોમાં પડી ગયેલી પહોળી ફાટો પણ પાણીથી ભરાઈ ગઈ. આ સમાચાર ચોમેર પ્રસર્યા. દૂરના જે વિસ્તારમાં વરસાદ વરસ્યો ન હતો ત્યાં લોકો ટોળે વળી શ્રીરામકૃષ્ણની પૂજા કરવામાં તેમને સહાય કરવા લાગ્યા. અમે ગામે ગામ સાઈકલ પર દોડવા લાગ્યા અને એ રીતે શ્રીરામકૃષ્ણની પૂજા કરવા લાગ્યા. અને એ જ રીતે ધોધમાર વૃષ્ટિ પડી. અમે ન પહોંચી શક્યા તેવાં અનેક સ્થળોએ બ્રાહ્મણ પૂજારીઓની મદદ વડે લોકોએ એ જ રીતે શ્રીરામકૃષ્ણની પૂજા કરી અને એ જ પરિણામ આવ્યું.

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.