ત્રીજું સૂચન : ચિત્તવૃત્તિ

હવે તમારા જીવન-ઘડતર માટે તમારા પર ઘણી જવાબદારી છે એ વાતથી તમે પૂરેપૂરાં સચેત – માહિતગાર થઈ ગયા હશો. પોતાના જીવનનો પૂર્ણપણે વિકાસ કરવા અને જીવનની બધી સમસ્યાઓનો સરળતાથી ઉકેલ કાઢવા ત્રણ બાબતની આવશ્યકતા છે : પ્રથમ તો નીલગનન જેવું વિશાળ અને સાગરસમું અગાધઅસીમ કરુણાવાળું હૃદય. બીજું, આ જગતની સમસ્યાઓનું સમાધાન કરી શકે અને સુખદુ:ખ, ભલાઈ-બુરાઈ, વગેરેને વિવેકથી જાણી શકે એવી સુતીક્ષ્ણ બુદ્ધિ જે ભૌતિક વિશ્વથી પાર જઈને વિશ્વનાથના ચરણનો સ્પર્શ કરી શકે. ત્રીજી આવશ્યકતા છે વજ્ર જેવા કાર્યદક્ષ બાહુઓની કે જે તમારા હૃદયની આકાંક્ષાઓ અને સંકલ્પને વાસ્તવિક રૂપ આપી શકે અને જેનામાં વિશ્વનાં બધાં અનિષ્ટ-અમંગલના બળપૂર્વક ચૂરેચૂરા કરી નાખવાની ક્ષમતા હોય.

તમારે આ ત્રણેય ચિત્તવૃત્તિઓ કેળવવી જોઈએ સાચા માનવ બનવું જોઈએ અને આ દુનિયાનો સામનો કરવો જોઈએ. આ દુનિયામાં આટલાં બધાં દુ:ખદર્દો જોવા છતાં પણ ગતાનુગતિક ભાવથી જીવન જીવવું તમને શોભા દેતું નથી. માત્ર પોતાના ઉજળા ભવિષ્યની અપેક્ષાએ લોકો કેટલાં બધાં દુ:ખવિતકો સહન કરતાં રહે છે! તમે જ તો એ ઉજ્જ્વળ ભાવિની આશાનું કિરણ ધરાવો છો. કદાચ તમે એમ ધારતા હશો કે આ ત્રણેય ચિત્તવૃત્તિઓ કેળવવી ઘણી મુશ્કેલ છે પરંતુ સંસારમાં કોઈ સારી વસ્તુ સુલભ છે ખરી? એટલું ચોક્કસપણે જાણજો કે યોગ્ય સાધનોનું અવલંબન કરવા માટે તમારાંમાં પૂરતાં ધૈર્ય, સાહસ અને ખંત હોય તો દુર્લભ વસ્તુ પણ સુલભ બની જાય છે. જો આ ત્રણેય બાબતો તમારા માટે અસંભવ હોય તો શું અમે પણ અશક્ય આદર્શના પથ પર તમને ધકેલી દઈને તમારા જીવનને વેડફી નાખવાનું કહેત ખરા? તમે આ બાબતને થોડો વિચાર કરીને સમજી જશો તો તમને કહેવામાં આવેલી આ બાબતોનું અનુસરણ કરવાથી તમારું જીવન જરૂર આદર્શને અનુરૂપ બની જશે.

અંતિમ સૂચનો

હવે તમારે અહીં ઘણા દિવસો રહેવાનું છે અને તમારા જીવનનો પાયો નાખવાનો છે. અત્યારે તો આ સ્થળને – વિદ્યાર્થીમંદિરને પોતાનું ઘર બનાવજો. આજ થી માંડીને તમારી સફળતા કે નિષ્ફળતા એ આશ્રમ માટે સારી કે ખરાબ બાબત ગણાશે.

અહીં તમે તમારા જીવનધ્યેય વિશે ઘણી બાબતો સાંભળી છે અને એને સિદ્ધ કરવા માટે આવશ્યક સાધનો અને ચિત્તવૃત્તિઓની કેળવણી વિશે પણ સાંભળ્યું છે. હું માનું છું કે આ નિયમાવલિમાંથી કેટલાકનું પાલન કરવાની ટેવ તમે ખંતપૂર્વક કેળવી રહ્યા છો.

આ રીતે તમે તમારા પ્રયત્નો ચાલુ રાખશો તો તેનું પહેલું પરિણામ તમને એ જોવા મળશે કે તમે હંમેશાં સંતોષી અને સુખી હોવાનું અનુભવશો. અને બીજું પરિણામ એ આવશે કે તમે જે કોઈ પણ કપરું કાર્ય કરતા હશો તેના પર તમારું મન એકાગ્ર કરી શકશો અને એના પરિણામે તમારું જવાબદારીભર્યું કાર્ય સફળતાને વરશે. ત્રીજું પરિણામ એ આવશે કે તમારી ભીતર આત્મવિકાસ માટેની આતુરતા વધશે અને તમારા પ્રયત્નો સંબંધી સમસ્યાઓ, મુશ્કેલીઓ કે અનિચ્છાની લાગણી દૂર થશે. ચોથું પરિણામ એ હશે કે તમારું મન નિર્દોષ-નિર્મળ બનશે અને ઈર્ષ્યા એની મેળે અદૃશ્ય થઈ જશે. દરેકને તમારા પોતાના અનુભવશો અને તમારા તેમના પ્રત્યે વહેતા પ્રેમપ્રવાહને કોઈ રોકી શકશે નહિ. આવું શિસ્તબદ્ધ જીવન જીવતાં તમે કદીયે નિષ્ફળ ન જતા પરિણામોની અનુભૂતિ ધીમે ધીમે કરી શકશો અને પ્રભુની અમીકૃપા પામી શકશો. તમે હજુ વધુ મહાન બનવાની પ્રેરણાનો અનુભવ કરી શકશો.

જ્યારે તમે કોઈ મહાનતા પ્રાપ્ત કરો છો ત્યારે તમારા સગાંવહાલાં અને દેશબાંધવો કેટલો બધો આનંદ અનુભવે છે એનો વિચાર કરી જોજો. જીવનમાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ મેળવ્યા પછી સમાજનો સામનો કરવામાં તમે કેટલાં આનંદમય બની જશો આ વાત તમને કહેવાની જરૂર છે ખરી? તમારા આ નવજીવનની શરૂઆતમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવે માનવજાત માટે સ્થાપેલા મહાન આદર્શોની તમારા જીવનમાં અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરશો તો તમને એમની અમીદૃષ્ટિ – કૃપાદૃષ્ટિ પણ સાંપડશે.

આટલું યાદ રાખો

શિક્ષણનું ધ્યેય પોતાના જીવનને પૂર્ણપણે વિકસિત કરવાનું છે. સંસ્કૃતિ એટલે બધાં સદ્‌ગુણોની અનુભૂતિ અને બધી મધુરતાની અભિવ્યક્તિ.

વિભાગ : ૨

‘‘તમારાં હૃદયોના ઊંડાણમાં એ શાશ્વત સાક્ષી બિરાજે છે; અને સંભવ છે કે એ જ શ્રીરામકૃષ્ણદેવ આપણી પ્રજાના કલ્યાણ માટે, આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે અને માનવજાતના મંગલ અર્થે તમારાં હૃદયોનાં દ્વાર ખોલી નાખે અને આપણે પુરુષાર્થ કરીએ કે ન કરીએ, પરંતુ જે આવશ્યમ્‌ ભાવિ છે તે મહાન પરિવર્તન સારુ પ્રવૃત્ત થવા માટે તમને સત્યનિષ્ઠ અને દૃઢ બનાવે…’’

‘‘ઊઠો, જાગો, કારણ કે તમારો દેશ આ મહાન બલિદાન માગે છે. નવયુવકો જ એ કરી શકશે… અને આપણે અહીં કલકત્તામાં એવા સેંકડો અને હજારોની સંખ્યામાં નવયુવકો છે. તમે કહો છો તેમ જો મેં કંઈક કર્યું હોય તો એ પણ યાદ રાખજો કે હું પણ પેલો કલકત્તાની શેરીઓમાંથી રમતો ફાલતુ છોકરો હતો. જો હું આટલું બધું કરી શક્યો હોઉં તો તમે તો અનેકગણું વધારે કરી શકશો! માટે ઊઠો અને જાગો; દુનિયા તમને બોલાવી રહી છે…’’

‘‘એવો વિચાર જ ન કરો કે તમે ગરીબ છો, અગર તમારો કોઈ મિત્ર નથી. અરે, પૈસાથી માણસને તૈયાર થતો કોઈ કાળે કોઈએ જોયો છે? માણસ તો પૈસાને પેદા કરનાર છે. આખી દુનિયા માણસની શક્તિથી બનેલી છે, ઉત્સાહની શક્તિથી – શ્રદ્ધાની શક્તિથી બનેલી છે…’’

‘‘આપણે જરૂર છે આ શ્રદ્ધાની, દુર્ભાગ્યે ભારતમાંથી એ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે, અને આ કારણે આપણે આપણી હાલની દશામાં આવી પડ્યા છીએ. મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ પાડનાર આ તેની શ્રદ્ધાનો તફાવત છે. બીજું કંઈ નહિ. આ શ્રદ્ધા એક માણસને મહાન અને બીજાને નબળો તથા નીચે બનાવે છે. મારા ગુરુદેવ કહેતા કે જે પોતાને નબળો માને તે નબળો જ થવાનો અને એ સાચું છે. આ શ્રદ્ધા તમારામાં આવવી જ જોઈએ…’’

‘‘દરેક વસ્તુની મજાક ઉડાવવાનો, જીવન પ્રત્યે ગંભીરતાથી જોવાના અભાવનો જે આ ભયંકર રોગ આપણા રાષ્ટ્રના લોહીમાં ધીરે ધીરે પ્રવેશી રહ્યો છે તેનો ત્યાગ કરો, એને હાંકી કાઢો, અને શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે…’’

‘‘ડરો નહિ, કારણ કે માનવજાતિના સમગ્ર ઈતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી જ નીકળી આવી છે; તેમની કક્ષામાંથી જ, એ વર્ગમાંથી જ સઘળી પ્રતિભાશાળી વ્યક્તિઓ પેદા થયેલી છે. અને ઇતિહાસ કેવળ પુનરાવર્તન જ કરી શકે. કોઈ વસ્તુથી ડરો નહિ. તમે અદ્‌ભુત કાર્ય કરી શકશો. જે ઘડીએ તમે ડર્યા તે ઘડીએ તમે કંઈ જ નથી. આ દુનિયામાં દુ:ખનું મોટું કારણ ભય છે; મોટામાં મોટો વહેમ હોય તો તે ભય છે; આપણી આપત્તિઓનું કારણ કોઈ હોય તો તે ભય છે, અને પળવારમાં અહીં સ્વર્ગ ખડું કરનાર કોઈ હોય તો તે નિર્ભયતા છે. એટલા માટે, ‘ઊઠો, જાગો અને ધ્યેયે પહોંચો નહિ ત્યાં સુધી અટકો નહિ.’..’’

‘‘પ્રતિકૂળ જમીનમાં કોઈ છોડને રાખીને તેનો વિકાસ તમે ન કરી શકો. બાળક પોતે જ પોતાને શીખવે છે; તમે તેને પોતાને માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે તેને સીધી રીતે નહિ પણ આડકતરી રીતે સહાય કરી શકો. તમે અંતરાયો દૂર કરી શકો; પણ જ્ઞાન તો સ્વભાવથી આપોઆપ આવે છે. માટીને થોડી પોચી કરો કે જેથી છોડ સહેલાઈથી બહાર આવે; તેની આજુબાજુ વાડ કરો, તેનો નાશ ન થાય તેની કાળજી રાખો, એટલે તમારું કામ પૂરું થાય છે. તમે વધારે બીજું કંઈ કરી શકો નહિ. બાકી બધું તો તેના પોતાના જ સ્વભાવમાંથી બહાર આવવાની પ્રક્રિયા છે.’’

‘‘અનુભૂતિ એ જ ધર્મનો સાચો માર્ગ છે. આપણામાંના પ્રત્યેક માણસે તે શોધવો પડશે. તો પછી આ બધા ગ્રંથો, જગતનાં બધાં બાઈબલો શા કામનાં છે? .. આ ગ્રંથો તો ફક્ત નક્શાઓ છે, અગાઉ થઈ ગયેલા માણસોના તે અનુભવો છે; અને તેમનાથી વારે સારો નહિ તો છેવટે તેમના જેવો જ માર્ગ શોધી કાઢવાનું અને તેવો જ અનુભવ કરવાની હિંમત આપનારું પ્રેરક બળ છે.’’

(ક્રમશ:)

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.