(શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ શ્રીશ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. એમનો આ લેખ અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘Shri Saradadevi The great wonder’ માંથી ‘Shri Saradadevi the Ideal for work a day life’નો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.)

શ્રીરામકૃષ્ણના જીવનનું સૌથી પ્રમુખ પાસું એ આધ્યાત્મિક સાધના પ્રત્યે પૂર્ણ સમર્પણ છે. તેમની ઉત્તરાવસ્થામાં તો તેઓ આખો દિવસ પૂર્ણપણે ઈશ્વર-ચેતનામાં ડૂબ્યા રહેતા હતા. તેઓ માટે ‘વ્યવહારુ જીવન’ એટલે શું એ આપણે પૂરેપૂરું સમજી શકતા નથી. સામાન્ય જીવનના પ્રવાહ સાથે જાણે તેમને કોઈ સંબંધ જ ન હતો. બહારથી તેઓ વાતો કરતા, હરતા ફરતા કે બીજું કોઈ કાંઈ પણ કરતા, પરંતુ તેઓ ઈશ્વર ચેતનામાં સતત ડૂબેલા રહી આ બધું કરતા. ઊંડી સાધના સિવાય બીજું બધું તેમના જીવનમાં તદ્દન ગૌણ હતું. આથી સાધનાના કાળમાં કે પૂર્ણતાની પ્રાપ્તિના કાળમાં શ્રીરામકૃષ્ણ આપણને દૂર સુદૂરના પર્વતના ઉત્તુંગ શિખર જેવા અતિ મહાન લાગે. તેમના આંતર-પ્રકાશથી બધા અંજાઈ જાય. તેમને અત્યંત આદરપૂર્વક અને ભક્તિપૂર્વક આપણું મસ્તક નમે; પરંતુ આપણે તેમની નજીકમાં જતાં ડરીએ.

પરંતુ શ્રીશારદા મા તો આપણાં જીવનને બહુ નજીકનાં લાગે, રોજીંદા વ્યવહારુ જીવનમાં તેઓ તદ્દન સામાન્ય વ્યક્તિ પેઠે, આપણામાંની કોઈ પણ વ્યક્તિ પેઠે જીવે છે. તેમનામાં ઈશ્વર પ્રત્યેની ઝંખનાનાં, આધ્યાત્મિક સાધનામાં કે દિવ્યભાવમાં મસ્ત રહેવાનાં બાહ્ય લક્ષણો નજરે પડતાં નથી. આપણે સૌ એવાં જગતમાં જીવીએ છીએ કે જે માંદગી, સ્વજનનું મૃત્યુ, દુઃખ, હતાશા અને નબળાઈઓથી ઘેરાયેલું છે. શ્રીમા પણ એ જ વાતાવરણ વચ્ચે જીવે છે, પરંતુ તેઓ તેનાથી જરા પણ ગુંગળામણ અનુભવતાં નથી. આવી કદરૂપતા વચ્ચે જીવતા આપણે શ્રીરામકૃષ્ણ કે સ્વામી વિવેકાનંદને કલ્પી પણ ન શકીએ! બાહ્યદૃષ્ટિએ શ્રીમાનું જીવન તદ્દન સામાન્ય નારીના જેવું જ છે. તેઓ ગામઠી લોકો વચ્ચે જ રોજીંદું જીવન જીવ્યાં છે. એક સામાન્ય સ્ત્રી જેમ જ તેઓ ઘરમાંથી કચરો કાઢતાં, રસોઈ કરતાં, છાણાં થાપતાં, ભોજન પછી એઠવાડનો નિકાલ કરતાં, વાસણ માંજતાં, રોગીઓની ચાકરી કરતાં, અને સતત આવતા મહેમાનોને સાચવતાં, ઘર-ગૃહસ્થીની આ તમામ ફરજો તેઓ ખૂબ નિષ્ઠાપૂર્વક બજાવતાં. આ બધું કરતાં કરતાં અંતરમાં સમભાવ તેઓ સતત જાળવી રાખતાં. આ બાબતમાં ઘણા પ્રસંગો જોવા મળે છે. એક સાચી આધ્યાત્મિક વ્યક્તિ જ કરી શકે તેમ મુસલમાન લૂંટારા અમઝદ અને પોતાના અંતરંગ એવા સંન્યાસી શરદ વચ્ચે તેમના મનમાં કોઈ ભેદ ન હતો. અંગ્રેજો કે જેમને દેશના દુશ્મન ગણવામાં આવતા, તેમને તેઓ પોતાનાં સંતાન સમાન ગણતાં. પોતે જેમને દીક્ષા આપી હતી. તેવા નવા સંન્યાસીઓને પણ તેઓ બ્રહ્મના આર્વિભાવ ગણતાં. પુરુષ હોય કે સ્ત્રી પણ જે કોઈને આ ભૌતિક દુનિયામાં રહેતાં રહેતાં દિવ્ય જીવનનો સાક્ષાત્કાર કરવો હોય તેણે ફક્ત શ્રીમાને જ પોતાના જીવન માટે આદર્શ ગણવાં જોઈએ.

આપણી ઉપરછલ્લી દૃષ્ટિને કારણે સ્ત્રીઓમાં રહેલ શક્તિ વિશે આપણે અજાણ રહીએ છીએ. સ્ત્રીઓ જ માનવસમાજની રચના કરનાર છે. ગર્ભમાં રહેલ બાળક જન્મ પછી માતાના ધાવણથી પુષ્ટ થાય છે ત્યારથી માંડીને અને તે ભાંગી-તૂટી માતૃભાષા બોલતાં શીખે છે ત્યાં સુધીના તેના સમગ્ર બાલ્યકાળ દરમિયાન માતાની અસર બાળક પર કેટલી ઊંડી હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. એમ કહી શકાય કે ગર્ભાવસ્થાથી શરૂ કરી માણસ જીવનના કર્મક્ષેત્રમાં પડે તેટલો પુખ્ત થાય છે ત્યાં સુધી તે માતાના ખોળામાં જ સતત રહેતો હોય છે. માતા કરતાં વધુ આત્મીય સ્વજન અને એક વિશ્વાસુ મિત્ર અન્ય કોઈ નથી. આ માનવ જીવનને માનસિક પરિતાપ બનાવનાર આપણી તમામ નબળાઈઓ અને અશક્તિઓને ફક્ત માતા જ માફ કરી દેતી હોય છે. માતાનો સંબંધ બાળકનાં આંતરિક અસ્તિત્વ સાથે હોય છે, બાળકની ઉપાધિઓ પ્રત્યે તે ઉદાસીન હોય છે. તેથી સમગ્ર માનવજાત માટે, રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતાનો આદર્શ આ વખતે માતા સ્વરૂપે પ્રગટ થયો.

જીવનમાં અદ્વૈતભાવ રાખી જીવવા શ્રીરામકૃષ્ણ કહેતા. આ વિચાર કેટલો બધો વ્યવહારુ છે તેનું શ્રીમાએ પોતાનાં જીવન દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તથા આવું જીવન જીવનાર વ્યક્તિમાંથી કેટલી બધી શાંતિ અને શુભ સર્વત્ર પ્રસરે છે, તેનું દર્શન કરાવ્યું છે. એ ખરું કે સત્ય, શાંતિ અને સંવાદિતાના આચરણમાં પણ રોજિંદા જીવનમાં વિઘ્નો આવવાનાં, પરંતુ આવું સદાચારી જીવન જ તે બધાંને દૂર કરવામાં બહુ અનુકૂળ છે. આનાથી આપણને હિંમત, આશા અને બળ મળે છે.

દુનિયાના વિવિધ ભાગોમાં રહેતા લોકો વચ્ચે બાહ્ય તફાવત તથા વિવિધતા હોવા છતાં, દુનિયાના ગમે તે ખૂણેથી આવતા લોકો વચ્ચે આત્માઓનું એકત્વ થઈ શકે છે. આપણા જીવનની વ્યવહારુ બાબતોને દરેક જીવનું જે અંતઃસત્ય છે તેવાં શાશ્વત અને અનંત પ્રેમ અને જ્ઞાન વડે નિયંત્રિત કરીએ તો, આપણા પરસ્પરના ઝઘડા તથા અસહિષ્ણુતા મટી જાય. એક દૃઢ નાસ્તિકમાં પણ પૂર્ણ જ્ઞાન હોય છે, પણ તે ઢંકાયેલું હોય. છે. દરેક વ્યક્તિ ગમે તે કારણે, અજ્ઞાતપણે પણ, સૌને આવરી લેતા પ્રેમ પ્રત્યે એક ખેંચાણ અનુભવે છે. પરંતુ સભાનપણે બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાના પ્રયત્નથી દુઃખ, ભય અને વિઘ્નો બહુ સહેલાઈથી દૂર થઈ જાય છે તથા વ્યક્તિગત તેમ જસામુહિક રીતે પરમોચ્ચ સંતોષ અને શાંતિનો સુખદ આનંદ પ્રાપ્ત થાય છે. શ્રીમા એ પોતાનાં દૃષ્ટાંત દ્વારા આ જ વાત શીખવી છે. બ્રહ્મના સાક્ષાત્કાર દ્વારા રાજવી-મનીષી એવા જનકરાજાએ સંસારમાં રહીને આ પરિવર્તન કરી બતાવ્યું. પ્રાચીન સમયનો આ બેજોડ દાખલો છે. પરંતુ આ જ સદીમાં, આપણી વચ્ચે જીવી શ્રીમાએ આ હજુ પણ શક્ય છે તેમ ફરી બતાવ્યું છે. આપણાં શાસ્ત્રો ભારપૂર્વક કહે છે કે માણસ કોઈ પણ ‘આશ્રમ’ (ગૃહસ્થ ઈત્યાદિ)માં રહીને પણ શ્રેષ્ઠજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ‘સાંખ્ય’ અને ‘યોગ’ વચ્ચે જે એકત્વ જુએ છે તે જ ખરું જુએ છે. શ્રીમાના જીવનને જાણીને આપણાં શાસ્ત્રોમાંની આપણી શ્રદ્ધા દૃઢ થાય છે. પછી આપણે આધ્યાત્મિકતાને કોઈ ધુંધળું, અવાસ્તવિક કલ્પનાચિત્ર ન માનતાં તેને એક જીવંત, તાજો અને સાચો માર્ગ માનીએ છીએ. તેથી સર્વ પ્રકારનાં મનુષ્યો પુરુષો અને સ્ત્રીઓ, યુવાનો અને વૃદ્ધો, નિર્બળ અને બળવાન, ભણેલા અને અભણ, પૈસાદાર અને ગરીબ, દરેક વર્ગના, વિવિધ શક્તિવાળા અને વિવિધ સ્વભાવવાળા સેંકડો અને હજારો મનુષ્યો શ્રીમાની નજીક આવી શકે છે. તેમનું પ્રેરક દૃષ્ટાંત ધ્યાનમાં રાખી પરમોચ્ચ જ્ઞાનનો સાક્ષાત્કાર કરવા પ્રયાસ કરી શકે છે, અને વિવિધતા વચ્ચે એકતા, ઝઘડાઓ વચ્ચે સંવાદિતા, અને સંઘર્ષ વચ્ચે શાંતિ લાવી શકે છે.

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.